Get The App

જ્ઞાાન સમૃદ્ધ, સંયમ સમૃદ્ધ, અનુભવ સમૃદ્ધ મુનિશ્રી ધુરંધરવિજયજી: પદ્યાનુવાદના કુશળ કવિ !

આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપસૂરિજી

Updated: Sep 18th, 2019

GS TEAM

Google News
Google News

જિનભક્તિ સકળ સંસારમાં આત્મકલ્યાણનું સર્વોત્કૃષ્ટ સાધન છે. મનુષ્ય જન્મ અને જિનભક્તિ બન્ને દુર્લભ છે. આ સત્ય જેને સમજાય તેને જિનભક્તિ ગમે. જેને જિનભક્તિ ગમે તે પ્રભુ પાસે શું માગે ? 

ગુરુની કૃપા જેને પ્રાપ્ત થાય તે કેવો આંતરિક વૈભવ પામે તે જોવું હોય તો પૂજ્ય મુનિશ્રી ધુરંધરવિજયજી મહારાજને મળવું પડે.

પંન્યાસજી મહારાજ એટલું બોલીએ એટલે પૂજ્ય ભદ્રંકરવિજયજી મહારાજ યાદ આવે. તેઓની અને પિતા મુનિશ્રી ઉપાધ્યાયશ્રી મહાયશવિજયજી મહારાજની  કૃપા પામેલા મુનિશ્રી ધુરંધરવિજયજી મહારાજ સંયમવૃદ્ધ, જ્ઞાાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ સાધુ છે. સાધુજીવનના અને સંયોગોના અનેક કષ્ટો પાર કરીને સંયમજીવનનો વિશાળ પર્યાય પસાર કરી ચૂકેલા ધુરંધરવિજયજી તેમની કવિ છટાને કારણે સાહિત્ય પ્રેમીઓના દિલમાં વસે છે. શરીરની અસ્વસ્થતાને બિલકુલ ગણકાર્યા વિના પોતાનું કાર્ય કરતા આ મુનિવર સૌને જીવનથી પણ ધર્મબોધ આપે છે.

શ્રી ધુરંધરવિજયજીએ અનેક પ્રાચીન કાવ્યોના અદ્ભુત પદ્યાનુવાદ આપ્યા છે. તેની કડીઓ વાંચીએ છીએ ત્યારે હૃદયમાં પડેલા ભક્તિના તાર રણઝણી ઉઠે છે. તે કાવ્યોમાં રહેલી સરળતા, રસિકતા અને ભાવુકતા અનન્ય આકર્ષણ ખડું કરે છે. તેમની કાવ્યશક્તિ નૈસર્ગિક છે. પૂર્વ સૂરિઓએ જે રચના કરી છે તેનો મર્મ અખંડ રાખીને તેનો જે ધ્વનિ ધુરંધરવિજયજી પ્રગટ કરે છે તે શ્રવણ કરીએ ત્યારે 'વાહ' બોલી જવાનું મન થાય છે.

શ્રીમતિ ભારતી દીપક મહેતાએ પારસમણિ ગ્રંથ (પૃ.૨૩૬)માં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કૃત શાંતસુધારસનું ચૌદમાં પ્રકાશમાં પ્રમોદ ભાવના અષ્ટકના છઠ્ઠા શ્લોકનું ગેયકાવ્ય ટાંક્યું છે. વાંચો:

જિહ્વા, તું મસ્ત થૈને કર સુકૃતિ

તણાં સચ્ચરિત્રોનું ગાન !

અન્યોની કીર્તિના થૈ શ્રવણ રસિહ હો

શ્રેષ્ઢ આ બે ય કાન, 

બીજાની પ્રૌઢ લક્ષ્મી નિરખી તુરત

હે નેત્ર થાઓ પ્રસન્ન;

આ સંસારે તરવા જનમનુ ફળ

તો આજ છે, નૈવ અન્ય !

આ સમશ્લોકી ગુર્જર અનુવાદ શ્રી ધુરંધરવિજયજી મહારાજે રચ્યો છે. એ વાંચીએ છીએ ત્યારે ચિત્ત કેવો સરસ નૂતન સંદેશ પામે છે.

શ્રી ધુરંધરવિજયજી મહારાજે આચાર્યશ્રી વર્ધમાનસૂરિજી રચિત 'કુસુમાંજલિ' મહાકાવ્યનો સરળ પદ્યાનુવાદ રચીને ભાવકો પર જે અમૃત વર્ષણ કર્યું છે તેની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

'કેસરપૂજા'નો પદ્યાનુવાદ કેવો અદ્ભુત છે:

દૂહો

અંતરંગ જે રાગરંગ

દૂર કર્યો તે દેવ,

થઈ કેશરનો ઘોળ તે

સોહે અંગ સદૈવ...

ગીત

તું વીતરાગ તોય કરૂં વ્હાલ

નાથ, તારા અંગ લાલ લાલ....

અંતરંગ રાગરંગ દૂર કર્યો તે તો

કેશરને સંગ તારે અંગ અંગ વ્હેતો

ધ્યાન બળે દૂર ખસ્યો

રાગ તારે અંગ વસ્યો

માંગે છે મુક્તિની માળ...

નાથ, તારા અંગ લાલ લાલ...

શ્રી ધુરંધરવિજયજી મહારાજ બાળવયમાં દીક્ષા પામેલા મુનિવર છે. આજે એમની દીક્ષાને લગભગ ૭૧ વર્ષ થવા આવ્યા. આટલા વર્ષો દરમ્યાન ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં વિચરીને તેમણે જે અનુભવ સમૃદ્ધિ મેળવી છે તે તેમની વાણીમાં પ્રગટ થાય છે.

પૂજ્ય ભદ્રંકરવિજયજી મહારાજ નવકાર મંત્રના મહાન ઉપાસક હતા.જીવનની પળેપળે નવકાર મંત્રને સમર્પણ કરીને પૂજ્ય ભદ્રંકરવિજયજી મહારાજે ધર્મની આરાધના દ્વારા શ્રેષ્ઢ આત્મકલ્યાણ પ્રાપ્ત કર્યું હતું. તેઓની વાણીમાં જીવનભર નવકારનું સ્મરણ અને આત્માની ચિંતા જોવા મળતા.

ભદ્રંકરવિજયજી મહારાજના ગ્રંથોમાં તત્ત્વ ચર્ચા જ વિશેષ નિહાળવા મળે છે. તેમની વાણીમાં દૃષ્ટાંતો જોવા નથી મળતા પણ આત્માનું કલ્યાણ થાય તે માટે શું કરવું જોઈએ તેની સીધી વાતો નિહાળવા મળે છે. અને સઘળી વાતોના અંતે સૌને તેઓ શ્રી નવકારમંત્રના શરણમાં લઈ જાય છે. 

આવા સદ્ગુરુની કૃપા પામેલા મુનિશ્રી ધુરંધરવિજયજી કુસુમાંજલિની રચના દ્વારા ઉત્કૃષ્ટ જિનભક્તિનો ઉપદેશ આપે છે. જિનભક્તિ સકળ સંસારમાં આત્મકલ્યાણનું સર્વોત્કૃષ્ટ સાધન છે. મનુષ્ય જન્મ અને જિનભક્તિ બન્ને દુર્લભ છે. આ સત્ય જેને સમજાય તેને જિનભક્તિ ગમે. જેને જિનભક્તિ ગમે તે પ્રભુ પાસે શું માગે ? કવિ કહે છે ઃ

ઓ જગના સ્વામી,

શું માગું તુમ પાસે ?

નાં માંગુ હું સ્વર્ગલોકનો

અપ્સરવૃંદ ઝમેલો

ના માંગુ હું ઘોર નરકની

પીડા દૂેરે ઠેલો 

ના માંગું હું ભીષણ ભાવના

પૂર્ણ ક્ષયને સ્વામી

ના માગું નિર્વાણ નગરનો

નિવાસ અવિચલ ધામી

તારા ચરણકમળને પ્રણમી..

હું તો એક જ માંગું,

ભવોભવે તુજ ભક્તિભાવમાં

નિશ્ચલ મનથી લાગુ

આવ્યો આ એક જ આશે...

હે સ્વામી તુજ પાસે...

મુનિશ્રી ધુરંધરવિજયજી ગુરુપરંપરાથી ઘડાઈને અને પ્રાચીન પરંપરાથી રસાઈને જે રચનાઓ આપે છે તે આવનારા સૈકાઓ પર્યત મુમુક્ષુઓને અંતરથી સમૃદ્ધ કરશે.

પ્રભાવના :

અચ્છી કિતાબે

ઔર અચ્છે લોગ

તુરંત સમજ મેં નહીં આતે

ઉન્હે પઢના પડતા હૈં !

Tags :