વડવાઓએ બનાવેલું જિનાલય: પ્રેમચંદ માણેકની ભાવના હતી કે મૂળનાયક ભગવાનનો લાભ મળે ! પણ પોતાની એટલી આર્થિક શક્તિ નહોતી !
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
પ્રેમચંદ માણેકે કહ્યું:' શેઠ, દિલ ખોલીને વાત કરવા આવ્યો છું. મારા વડવાઓએ આ દેરાસર બાંધેલું. મારી પાસે એટલું ધન નથી પણ મૂળ નાયક ભગવાનનો લાભ મળે તેવી ઘણી ભાવના છે.
ઝગમગતા તારલાનું રૂપ લઈને નિર્માણ કર્યું હોય તેવું જિનમંદિર હતું. ચંદ્રના કિરણો લઈને સર્જી હોય તેવી તે અનુપમ કલાકૃતિ હતી. સૂર્યના પ્રકાશવંતા કિરણો લઈને ઘડી હોય તેવી સુંદર જિનપ્રતિમા હતી.
સત્તરમાં સૈકામાં નિર્માણ થયેલા જિનમંદિરનો જીણોદ્ધાર થયો હતો. નાનકડા નગરમાં ઉત્સવ છવાયો હતો. ચારિત્ર્ય અને તપના તેજથી ભરેલા ગુરુજનો નગરમાં આવ્યા હતા. ભક્તિભાવથી છલકાતા શ્રાવક અને શ્રાવિકાઓ દેશ-વિદેશથી આવ્યાં હતાં.
જીર્ણોદ્ધાર થયેલા જિનમંદિરમાં પુન: પ્રતિષ્ઠા મહોત્સવ હતો. પ્રેમચંદ માણેકની મૂંઝવણનો પાર નહોતો. તે નાનો માણસ હતો પણ તેનું દિલ બહુ મોટું હતું.
તેના પૂર્વજોએ સત્તરના સૈકામાં આ જિનમંદિર ખડું કર્યું હતું. તેનો સંપૂર્ણ લાભ તેના વડવાઓએ લીધો હતો. કિન્તુ આજે પોતાની એવી આર્થિક પરિસ્થિતિ નહોતી કે પોતે સંપૂર્ણ લાભ લઈ શકે. શ્રી સંઘે જિનમંદિરનો જીણોદ્ધાર કર્યો હતો. હવે પુન:પ્રતિષ્ઠા હતી. પ્રેમચંદ માણકને થતું હતું કે મૂળ નાયક ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ પોતાને મળે તો કેવું સારું !
પણ પોતાની પાસે એટલું ધન ક્યાં છે ?
પ્રેમચંદભાઈને એ વિચાર પર આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. પ્રતિષ્ઠાની બોલી સવારે થવાની હતી. આગલી રાતે બાર વાગ્યે તેમણે સ્વરૂપચંદ શેઠનું બારણું ખખડાવ્યું.
સ્વરૂપચંદ શેઠે આવકાર આપ્યો, કહ્યું: 'તમે આટલી રાતે ?'
પ્રેમચંદ માણેકે કહ્યું :' શેઠ, દિલ ખોલીને વાત કરવા આવ્યો છું. મારા વડવાઓએ આ દેરાસર બાંધેલું. મારી પાસે એટલું ધન નથી પણ મૂળ નાયક ભગવાનનો લાભ મળે તેવી ઘણી ભાવના છે. મારી પાસે બીજી કોઈ મૂડી નથી. જે ઘરમાં હું રહું છું એટલી જ મારી મૂડી. તમે જો મદદ કરો તો એ ઘર લઈ લો. હું એ જ ઘરમાં તમારે ત્યાં ભાડે રહું. એ ઘર જેટલી કિંમતના રૂપિયા અત્યારે જ મને આપો, જ્યારે સવારે બોલી થશે ત્યારે તેટલી રકમ હું બોલીશ. જો મારા નસીબમાં હશે તો મને લાભ મળશે.'
પ્રેમચંદભાઈની આંખોમાં ભાવનાનાં આંસુ તરતાં હતાં.
સ્વરૂપચંદ શેઠ પણ તેમની ભાવના સાંભળીને ગળગળા થઈ ગયા.
બંનેએ મકાનની કિંમત નક્કી કરી. રૂપિયા અઠયોતેર હજાર ઠેરવ્યા. સ્વરૂપચંદ શેઠે એ જ વખતે રોકડા રૂપિયા આપી દીધા અને કહ્યું,' તમે મારા મકાનમાં આજથી રહો તે કબૂલ પણ મારી એક વિનંતી છે કે હું તેનું ભાડું નહીં લઉં.'
પ્રેમચંદ માણેક પરાણે કબૂલ થયા.
બીજી સવારે ગુરુજનોની શીતળ છાયામાં બોલી બોલાઈ. સૌના આશ્ચર્ય વચ્ચે મૂળ નાયક ભગવાનની બોલી થઈ રૂપિયા અઠયોતેર હજાર !
પ્રેમચંદ માણેકને તે લાભ મળ્યો.
પ્રેમચંદભાઈને ખુશીનો પાર ન રહ્યો. તે ઊભા થઈને નાચવા લાગ્યા. શ્રી સંઘે તેમને વધાવી લીધા.
શુભ મૂહૂર્તે પ્રતિષ્ઠા થઈ.
જિનમંદિરમાં અમીઝરણાં થયાં. ચારેકોર હર્ષોલ્લાસ છવાયો.
એ સમયે બસમાંથી એક મુસાફર ઊતર્યો. ઉપાશ્રયમાં આવ્યો. પૂછયું કે પ્રેમચંદભાઈ માણેક ક્યાં રહે છે ?
પ્રેમચંદભાઈ તો આખા ગામમાં જાણીતા થઈ ગયેલા. ગુરુજનો પણ તેમને ઓળખવા માંડેલા. એક મુનિવરે મુસાફરને પૂછયું : 'ક્યાંથી આવો છો તમે, ભાઈ ?'
મુસાફર કહે:' ગુરુદેવ, દૂરથી આવું છું. પ્રેમચંદભાઈનું કામ પડયું એટલે આવ્યો છું.
મુનિવર કહે: 'ભાઈ, આજે તો પ્રેમચંદભાઈએ મોટો લાભ લીધો છે. કદાચ તેઓ થોડી વાર પછી મળશે. આજે શ્રી સંઘનો જમણવાર છે. તમે જમ્યા વિના ન જતા.'
મુસાફર કહે:' ગુરુદેવ, હું પણ જૈન છું. સંઘની પ્રસાદી લીધા વિના નહીં જાઉં.'
મુનિવર કહે: 'ભાઈ, તમે જૈન છો તે જાણીને આનંદ થયો. હવે કહો કે પ્રેમચંદભાઈનું શું કામ પડયું ?'
મુસાફર કહે: 'ગુરુદેવ, મારા શેઠને નાણાં ધીરવાની મોટી પેઢી હતી. અમારે ત્યાં ઘણા લોકો નાણાં લેવા આવે અને ઘણા મૂકી પણ જાય. પ્રેમચંદ શેઠના પિતાજીએ અમારે ત્યાં નાણાં મૂકેલાં, અમારી પેઢી હવે બંધ થાય છે. પ્રેમચંદ શેઠનાં નાણા વ્યાજ સાથે પાછા આપવા માટે મારા શેઠે મને રૂબરૂ મોકલ્યો છે !'
સાધુએ મુસાફરની વાત સાંભળીને આશ્ચર્યમાં ડૂબી ગયા. સૌ એક કૂંડાળામાં એકઠા થઈ ગયા. મુનિવરે ફરી પૂછયું.' ભાઇ, તમે કેટલી રકમ આપવા આવ્યા છો ?'
મુસાફર કહે: 'અઠયોતેર હજાર રૂપિયા !'
એ સમયે ઉપાશ્રયમાં થોડાક લોકો એકઠા થઈ ગયા હતા. સૌ મુસાફરની વાત સાંભળીને સમજ્યા કે ધર્મનો પ્રભાવ કેટલો જીવંત છે ! શાસન દેવો કેટલા જાગતા છે !
પ્રેમચંદ માણેકની ધર્મભાવનાની સૌએ સાચા હૃદયથી અનુમોદના કરી.
પ્રભાવના
આનંદ લૂંટ લે બન્દે,
પ્રભુ કી બંદગી કા !
ના જાને કબ છૂટ જાયે,
સાથ જિંદગી કા !