18મી અને 19મી સદીમાં જૈનશાસનનો ડંકો વગાડનાર જૈનાચાર્ય !
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
પ્રભાવશાળી જૈનાચાર્ય શ્રી શાંતિસૂરીશ્વરજી આબુવાળા
(૨) (ગતાંકથી આગળ...)
પ્રભાવશાળી જૈનાચાર્ય શ્રી શાંતિસૂરીશ્વરજી આબુવાળાનું સ્મરણ કરતા આનંદ થાય છે. આજથી એક સૈકા પહેલા દેશ-વિદેશમાં જૈન શાસનનો તેમણે ડંકો વગાડયો હતો.
તે સમયે તેમની છત્રછાયામાં અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું વિશાળ અધિવેશન થયું.
તે સમયે ત્યાંના શ્રી સંઘે તેમને 'યોગેન્દ્ર ચૂડામણિ યુગપ્રધાન'ની પદવી અર્પણ કરી અનેક માનસન્માન મળવા છતાં શ્રી શાંતિસૂરીશ્વરજી આ તમામ વાતોથી દૂર રહેતા હતા. મનથી નિર્લેપ રહેતા હતા. તેઓ માનતા હતા કે જે કીર્તિમાં ડૂબી જાય છે તે આત્મદર્શનથી દૂર રહી જાય છે. યોગનિષ્ઠ આચાર્ય શ્રી કેસરસૂરીશ્વરજી તેમના પ્રત્યે ખૂબ ભકિતભાવ રાખતા હતા. શ્રી શાંતિસૂરીશ્વરજીએ એકદા તેમને સૂચના આપી કે આપનો અંતિમ સમય નજીક આવી ગયો છે. આપ આત્મ-સમાધિમાં લાગી જાવ.'
એમ જ થયું. શ્રી કેસરસૂરીશ્વરજીએ નોંધ્યું છે કે' જો મેં જિંદગીમાં કોઈ અદ્ભુત વસ્તુ જોઈ હોય તો તે યોગનિષ્ઠ મહાત્મા શાંતિવિજ્યજી જ છે.
શ્રી શાંતિસૂરીશ્વરજીના અનુયાયી શ્રી ચંપકભાઈએ નોંધ્યું છે કે તેઓશ્રી એક સમયે અનેક સ્થળોએ વિદ્યમાન હોય તેવો અમે અનુભવ કર્યો છે.
એક ઘટનાનો ઉલ્લેખ કલકત્તાથી પ્રગટ થતાં સ્ટેટમેન (તા.૭-૧-૧૯૩૬)માં જોવા મળે છે. શ્રી શાંતિસૂરીશ્વરજી બામણવાડામાં ચાતુર્માસ પૂર્ણ કરીને મારકન્ડેશ્વર ગામમાં પધાર્યા. એક શ્રીમંત ભક્તે ગુરુદેવના દર્શને આવી રહેલા એક હજાર ભક્તોની ભક્તિનો લાભ લેવા માટે જમણવાર ગોઠવ્યો. કિંતુ તે દિવસે લગભગ પાંચ હજાર માણસ દર્શનાર્થે આવ્યું.
વ્યવસ્થાપકો ચિંતામાં પડયા કે હવે શું કરવું ? તેમણે શ્રી શાંતિસૂરીશ્વરજીને આ મૂંઝવણ કહી. શ્રી શાંતિસૂરીશ્વરજીએ કહ્યું કે,' તમે કોઈ ચિંતા ન કરો. આ મારી શાલ લઈ જાઓ. ભોજનના થાળ પર ઢાંકી દો. સૌને ખૂબ ભોજન કરાવો. તમારી કોઈ સામગ્રી ખૂટશે નહીં.'
એમ જ થયું. જૈન શાસનનો જય જયકાર પ્રસર્યો.
ઉદેપુર સ્ટેટની હદમાં આવેલા શ્રી કેસરિયાજી તીર્થનો વિવાદ તે સમયમાં ખૂબ ચાલ્યો. પૂજારીઓ માલિક થઈ ગયા. તે સમયે શ્રી શાંતિસૂરીશ્વરજીએ ઘોષણા કરી કે જો કેસરિયાજી તીર્થના રેક્ષણ માટે શ્વેતાંબર જૈનો અને પૂજારીઓ વચ્ચે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો પોતે સં.૧૯૯૦ના ફાગણ સુદ તેરસના રોજ મેવાડની ભૂમિ પર બેસીને આમરણાંત ઉપવાસ શરૂ કરશે.' ઉદેપુર સ્ટેટના વહીવટકર્તા પંડિત સુખદેવ પ્રસાદે આચાર્યશ્રીની વાત જાણીને ઓર્ડર બહાર પાડયો કે, યોગીરાજ મેવાડની ધરતી પર આવે તો તેમની ધરપકડ કરવી. પંડિત પ્રસાદે ચારે બાજુ પોલીસની કડક વ્યવસ્થા ગોઠવી.
બામણવાડાથી નીકળીને શ્રી શાંતિસૂરીશ્વરજી ઉદેપુરની પાસે આવેલા મદાર ગામમાં અચાનક પ્રગટ થયા. હજારો લોકો તેમનાં દર્શન માટે ઉમટી પડયા.
પંડિત સુખદેવ પ્રસાદ અને પોલીસ સ્તબ્ધ બની ગયા. શ્રી શાંતિસૂરીશ્વરજીએ તે સમયે બુલંદ અવાજે કહ્યું કે,' સુખદેવપ્રસાદ ! તમારી પાસે સત્તા છે, મારી પાસે શક્તિ છે. તમારે મારી ધરપકડ કરવી હોય અને મને જેલમાં નાખવો હોય તો કોઈ વાંધો નથી. પણ તમારે સત્યનો પક્ષ લેવો પડશે અને કેસરિયા તીર્થમાં ન્યાય કરવો પડશે.'
પંડિત સુખદેવ પ્રસાદે ઘટતું કરવાની ખાતરી આપી. તે સમયે શ્રી શાંતિસૂરીશ્વજીએ ન્યાય મેળવવા માટે ત્રીસ દિવસના ઉપવાસ કર્યા. ઉદેપુર સ્ટેટના મહારાણા શ્રી ગોપાલસિંહજી સ્વયં ત્યાં આવ્યા. તેમણે આચાર્યશ્રીને પોતાના મોતી મહેલમાં પધારવા વિનંતી કરી અને ખીર બનાવીને પારણું કરાવ્યું અને કેસરિયાજી તીર્થશ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોને સોંપવાની ઘોષણા કરી.
શ્રી શાંતિસૂરીશ્વરજી જૈન શાસનના મહાન પ્રભાવક જૈનાચાર્ય હતા. વિદ્યમાન જૈન સંઘ એવું લાગે છે કે આ પ્રભાવશાળી જૈનાચાર્યને ભૂલી ગયો છે. સંત, સતિ અને શૂરવીરોથી શોભતી ભારતભૂમિને જે મહાન ધર્મ પ્રભાવકો મળ્યા તેનાથી આ વિશ્વને કલ્યાણનો પંથ મળ્યો છે. શ્રી શાંતિસૂરીશ્વરજીએ સંયમ અને ધ્યાનથી અપૂર્વ સાધના કરીને વિશ્વને શાંતિ અને સુખનું પ્રદાન કર્યું છે. આ ધરતીને વૃંદાવન બનાવી છે.
પ્રભાવના: સ્ત્રી શું નથી ? સ્ત્રી સાધ્વી છે અને સ્ત્રી સંસારી પણ છે સ્ત્રી સુંદર છે અને સ્ત્રી કદરૂપી પણ છે. સ્ત્રી મહાન છે. સ્ત્રી સામાન્ય પણ છે. સ્ત્રી જીવનદાતા છે અને સ્ત્રી હત્યારી પણ છે. સ્ત્રી સુશીલ પણ છે. સ્ત્રી લાલસાયુક્ત છે અને સ્ત્રી વાસનાયુક્ત પણ છે. સ્ત્રી સ્વામિની છે અને સ્ત્રી સેવિકા પણ છે. સ્ત્રી સહનશીલ છે અને સ્ત્રી આંતકવાદી પણ છે. સ્ત્રી નિર્ભય છે અને સ્ત્રી ભીરુ પણ છે. સ્ત્રી અબોલ છે અને સ્ત્રી બકબકિયણ પણ છે. સ્ત્રી વફાદાર છે અને સ્ત્રી વ્યભિચારી પણ છે. સ્ત્રી મા છે. સ્ત્રી બહેન છે..
સ્ત્રી સંસ્કારી છે ?
એટલું જ જરૂરી છે...