'જય જય આરતી, આદિજીનંદા. નાભિરાયા મરુદેવી કો નંદા !'
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
કેસરિયાજી તીર્થના ભગવાનને છોડી જવાનો એ પૂજારીનો જીવ ચાલતો નહોતો
દિકરીઓ વારંવાર આવીને કહેતી કે બાપા હવે વડનગર ચાલો, હવે તમારી ઉંમર થઈ, તમારાથી એકલા ન રહેવાય. મૂળચંદ એ વાત ટાળ્યા કરે. કેસરિયાજી તીર્થ છોડીને જવાનો જીવ ન ચાલે.
વસંતઋતુ હોય, આસોપાલવનું વૃક્ષ હોય, પ્રાત: કાળની વેળા હોય અને કોયલાનો ટહૂંકો ઉમેરાય ત્યારે સવાર કેવી સરસ બની જાય !
ભગવાનનો દરબાર હોય, ભક્તનું હૃદય હોય, વૃક્ષ પરથી પર્ણનો મર્મર ધ્વનિ ગૂંજતો હોય અને પૂજારીના હોઠમાંથી ભક્તિનો સૂર રેલાય તો એ દ્રશ્ય કેવું પાવન હોય !
કેસરિયાજી તીર્થમાં એ સાંજે એવી જ એક પાવન ઘટના બની.
કેસરિયાજી તીર્થમાં લાખો ભક્તો પ્રતિવર્ષ આવે અને પ્રભુના દર્શન કરીને જીવન ધન્ય બનાવે. કેસરિયાજી તીર્થમાં બિરાજતા શ્રી આદિનાથ ભગવાન એટલે વિશ્વના લાખો જૈનોનું શ્રદ્ધા સ્થાન. યુગોથી પૂજાતી પ્રતિમાની પૂજા કરીને કેટલાય આત્માઓ સંસાર તર્યા હશે.
એ કેસરિયાજી તીર્થમાં એક પૂજારી ભગવાનની વર્ષોથી પૂજા કરે.
સવારથી સાંજ સુધીમાં અગણિત યાત્રિકો ત્યાં આવે, ભગવાનને પૂજે અને ભજે. એ સૌ યાત્રિકો કેટલાંય વર્ષોથી આ પૂજારીને જોયા કરે.
એ પૂજારી આજે તો વાર્ધક્યને આરે પહોંચ્યા પણ બાળવયથી અહીં પૂજારી તરીકે આવ્યા અને પૂરું જીવન ભક્તિમાં વિતી ગયું.
મૂળ એ વડનગરના.
મૂળચંદદાસ એમનું નામ. સૌ એમને મૂળચંદ કહે. લગ્ન થયા. બે દિકરીઓ થઈ. સૌ વડનગર રહે, મૂળચંદ અવાર-નવાર ત્યાં જાય પણ પાછા જલદી કેસરિયાજી આવી જાય. એમને થાય કે જન્મોજનમથી મારું વતન જ કેસરિયાજી તીર્થ છે. એ કેસરિયાજી આવી જાય ત્યારે એમને શાંતિ થાય.
સવારથી સાંજ સુધી ભગવાનની પૂજા, પ્રક્ષાલ, આરતી, મંગળદીવો વગેરે કાર્યો હેતથી કરે. એ તમામ કાર્યમાં પૂજારીનું દિલ રેડાય. જે જુએ તે પણ સમજે કે પૂજારી ભગવાનની ભક્તિ ખરા દિલથી કરે છે. યાત્રિકને પણ તેમાંથી પ્રેરણા મળે.
મૂળચંદ સવારના ઉઠે ત્યારથી ભગવાનની ભક્તિમાં લયલીન હોય. એ ચોતરફ દોડાદોડી કરીને સુંદર પુષ્પો ચૂંટી લાવે. સુગંધિત પુષ્પોથી ભગવાનની આંગી કરે અને પછી સામે ચામર લઈને નાચે. લોકો કહે કે, મૂળચંદનું એ નૃત્ય જોવા દેવતાઓ આવતા હશે. પણ મૂળચંદ કહે કે, કોઈ આવે કે ના આવે મારી ભક્તિ મારા ભગવાન જુવે એટલે ઘણું !
એ મૂળચંદની હવે અવસ્થા થવા આવી હતી.
દિકરીઓ વારંવાર આવીને કહેતી કે બાપા હવે વડનગર ચાલો, હવે તમારી ઉંમર થઈ, તમારાથી એકલા ન રહેવાય. મૂળચંદ એ વાત ટાળ્યા કરે. કેસરિયાજી તીર્થ છોડીને જવાનો જીવ ન ચાલે. મનમાં થાય કે મારાથી ભગવાન વિના કેમ જીવાય !
કિંતુ એક દિવસ એવો આવ્યો કે, દિકરીઓની હઠ સામે મૂળચંદનું ન ચાલ્યું. દિકરીઓએ કહ્યું કે હવે તો વડનગર ચાલો જ. મૂળચંદને થયું કે હવે તો જવું જ પડશે.
મન માનતું નહોતું. દિલમાં અપાર પીડા થતી હતી. ત્રણ જગતના નાથનો આ દરબાર એ તો પોતાનું જીવન હતું. એ છોડીને જવું કેટલું વસમું લાગતું હતું તે તો માત્ર મૂળચંદ જ જાણે.
મૂળચંદ સવારના પહોરમાં ભગવાનના દરબારમાં આવ્યો. ભગવાનની સામે હાથ જોડયા. આંખમાંથી આસુંની ધાર વહી. મૂળચંદે ભગવાનની સામે હાથ જોડીને કહ્યું, ભગવાન સમજણો થયો ત્યારે આપના ચરણમાં આવેલો. આજે હવે અવસ્થાને કારણે જવું જ પડશે.મારાથી કાંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો
મૂળચંદે દેરાસરમાંથી પાછા પગે બહાર નીકળવાની શરૂઆત કરી અને એ બેભાન થઈને ઢળી પડયો. નજીકમાં ઉભેલી મૂળચંદની બંને દિકરીઓ અને બીજા પૂજારીઓ ધ્રુજી ગયા. સૌએ મૂળચંદને પવન વિંઝવા માંડયો.
થોડી પળો પછી મૂળચંદને ભાન આવ્યું. એ જોરથી રડવા માંડયો. એ જ સ્થિતિમાં તેના મુખમાંથી એક ગીત સરી પડયું:
'જય જય આરતી, આદિજીનંદા.
નાભિરાયા મરુદેવી કો નંદા'.
એક પવિત્ર પળે બોલાયેલું એ ગીત આજે તો સમગ્ર વિશ્વના જૈનો પ્રત્યેક જિનમંદિરમાં આરતી રૂપે ગાય છે અને મૂળચંદને યાદ કરે છે !
પ્રભાવના: જેને પોતાના માનીએ તેની બૂરાઈ ન જોવાય. જે આપણી બૂરાઈ જુએ અને છતાંય નથી જોઈ તેમ વર્તે તો માનવું કે નક્કી એ આપણા પોતાના છે !