Get The App

એક અજાણ્યો વૈજ્ઞાાનિક કોક્કાસ જેણે અદ્ભુત યંત્રવિદ્યાનું સર્જન કર્યું !

આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

સુતારના અભણ દિકરાએ બે મોટા પેટવાળા કબૂતરોમાં યંત્રો બનાવ્યા અને ડાંગર ચોરી !

Updated: Nov 20th, 2019

GS TEAM

Google News
Google News

કોક્કાસે બે મોટા પેટવાળા કબૂતર હોય તેવા યંત્ર તૈયાર કર્યા. તે કબૂતર ઉડયા, રાજ મહેલની અગાસી ઉપર પહોંચ્યા. અગાસી ઉપર રહેલી ડાંગર કબૂતરોએ ચાંચથી પોતાના પેટમાં ભરી લીધી અને પાછા કોક્કાસના ઘરે આવી ગયા. 

૧)

જૂના જમાનામાં એક વૈજ્ઞાાનિક થઈ ગયો. તેનું નામ કોક્કાસ. તામ્રલિપ્તીનગરમાં એક બાળકનો જન્મ થયો, તેના થોડા સમયમાં તે બાળકના માતા-પિતાનું અવસાન થયું.

તે નગરમાં ધનપતિ નામનો એક વેપારી રહે. તે આ બાળકને પોતાના ઘરે લઈ આવ્યો. ધનપતિ અને તેની પત્નીએ પોતાનું બાળક હોય તેમ તેનો ઉછેર કર્યો. ધનપતિને એક પુત્ર. નામે ધનવસુ. ધનવસુ સાથે પેલો બાળક રમ્યા કરે.

એ નાનકડો બાળક ધનપતિ સાથે દુકાને પણ જાય. દુકાનમાં અનાજના થેલા પડયા હોય તેની આજુબાજુમાં ડાંગરના છોડ પણ પડયા હોય. એ બાળક એ કુસ્કા એટલે ડાંગરના છોડને જુએ અને ત્યાં જતું રહે. તેને તે ડાંગરના તણખલા ભાવે. ખાવા માંડે. જે જુએ તે તેને પાછું લઈ આવે પણ તે બાળક નાનો હતો ત્યારે સતત કુસ્કા ખાય એટલે તેનું નામ પડી ગયું કોક્કાસ.

કોક્કાસ અને ધનવસુ સાથે રમ્યા કરે, ભણે એમ કરતા મોટા થયા.

યુવાન થયેલા ધનવસુએ પિતાને કહ્યું કે, મને વિદેશ ધંધો કરવા જવા દો. પિતાએ સમ્મતિ આપી. અનાજ અને ઝવેરાતથી વહાણ ભરી આપ્યું. થોડું ધન આપ્યું. ધનવસુ કોક્કાસને લઈને વિદેશ ઉપડયો.

કોક્કાસને દરિયાઈ સફરમાં મજા પડી ગઈ. એ સમુદ્રમાં ચોતરફ જોયા કરે. વહાણ કોઈ નગરના કાંઠે યવન દેશ પાસે ઉભુ રહ્યું.

સરસ નગર હતું. વેપારનું મોટું મથક હતું. મોટી મોટી દુકાનો, હજારો લોકોની અવરજવર. વૃક્ષો તો પાર વિનાના. બગીચામાં અનેક. ચારેકોર પુષ્પોની મહેંક.

ધનવસુએ નગરના રાજાને ખુશ કરીને વેપાર શરુ કર્યો. કોક્કાસ તો મસ્તરામ. એ આમતેમ ઘૂમ્યા કરે, તેને વેપારમાં ખબર ન પડે, તેને પૈસાની સાથે જાણે કંઈ લેવા દેવા જ નહિ.

એક દિવસ ફરતા ફરતા કોક્કાસ કોઈ સુતારના ઘર પાસે પહોંચી ગયો. સુતાર વૃદ્ધ હતો. સુતાર પોતાના પુત્રને સુતારીકામ શીખવાડતો હતો. સુતારનો દિકરો મહેનત કરતો હતો પણ જેમ તેને સુતાર સમજાવે તેમ તે કરી શક્તો નહોતો. એટલે સુતાર પોતાના દિકરા ઉપર ગુસ્સો કરતો હતો.

કોક્કાસ ત્યાં આવી ચડયો. 

કોક્કાસે આ દ્રશ્ય જોયું. કોક્કાસ સમજી ગયો કે પિતાની મહેનત બરાબર છે પણ પુત્રની લાકડું પકડવાની આવડત ખોટી છે. કોક્કાસ તેની બાજુમાં બેસી ગયો, તેને લાકડાની ધાર પર હાથ બેસાડીને ધક્કો મારવા કહ્યું. તેનું કામ થઈ ગયું.

સુતાર આફરીન પોકારી ગયો.

સુતારે કોક્કાસને પોતાની બાજુમાં બેસાડયો. તેની ઓળખાણ પૂછી. કોક્કાસ કહે,' ભારતથી મિત્ર સાથે વહાણમાં આવ્યો છું, ધંધાની ખબર પડતી નથી, સુતારનો દિકરો છું.'

સુતાર કહે, તુ સુતારી કામ જાણે છે ?'

કોક્કાસ કહે, 'મને સુતારી વિદ્યા આવડતી નથી.'

'કેમ ?'

કોક્કાસ કહે,'મારા માતા-પિતા મારો જન્મ થયો તે પછી તરત અવસાન પામ્યા પણ મને કોઈને કામ કરતા જોઈને ગમે છે, મને અંદરથી એમ થાય છે કે મારે સુતારીકામ શિખવું છે.'

સુતાર કહે,' તું અહીં બેસ બેટા, હું તને શીખવીશ.'

કોક્કાસ ત્યાં રોજ સુતારની પાસે સુતારીકામ શીખવા આવવા માંડયો. તેની નજર ચકોર હતી. તેના હાથમાં હથિયાર આવે એટલે રમકડાંની જેમ ફરવા માંડતું. તે ઝડપભેર તેનું કામ શીખવા માંડયો. તેને થોડા દિવસમાં યંત્ર વિદ્યા પણ આવડી ગઈ.

સુતાર ખુશ થઈ ગયો. તેણે કોક્કાસને ખૂબ આશીર્વાદ આપ્યા.

ધનવસુનો સમય પૂરો થયો. તે કોક્કાસને લઈને પોતાના નગર તરફ પાછો વળ્યો. તે સમયે તેણે કોક્કાસને પૂછયું,' હું તો ખૂબ ધન કમાયો, તે શું કર્યું ?'

કોક્કાસ કહે,' હું એવી કળા શિખ્યો છું કે દુનિયાભરમાં મારું નામ થશે. દુનિયાના રાજાઓ મને બોલાવશે.'

ધનવસુ હસી પડયો, તેને થયું કે કોક્કાસ મજાક કરે છે !

ધનવસુ પોતાના નગરમાં પહોંચ્યો. તે ઘણું ધન કમાઈને આવ્યો હતો. તેના પિતા ખુશ થયા.

કોક્કાસ પોતાનું દિમાગ દોડાવતો હતો.

કોક્કાસને થતું હતું કે પોતે કંઈક એવું કરવું જોઈએ કે જેથી નગરના રાજા રિપુદમન પોતાને સામેથી બોલાવે ! કોક્કાસ રાજમહેલની આજુબાજુમાં આંટા મારી આવ્યો. કોક્કાસે જોયું કે રાજમહેલની અગાસી ઉપર રોજ ખૂબ ડાંગર સુક્વવામાં આવે છે. તે ડાંગર રાજાના ભોજનમાં વપરાય છે.

કોક્કાસ પોતાના ઘરે આવ્યો.

કોક્કાસે બે મોટા પેટવાળા કબૂતર હોય તેવા યંત્ર તૈયાર કર્યા. તે કબૂતર ઉડયા, રાજ મહેલની અગાસી ઉપર પહોંચ્યા. રાજમહેલની અગાસી ઉપર રહેલી ડાંગર કબૂતરોએ પોતાની ચાંચથી પોતાના પેટમાં ભરી લીધી અને પાછા કોક્કાસના ઘરે આવી ગયા. (ક્રમશ:)

પ્રભાવના  : સબસે કઠિન કામ હૈ

સબકો ખુશ રખના

સબસે આસાન કામ હૈ

સબસે ખુશ રહના. 

Tags :