નજરઅંદાજ કરાતો અગત્યનો સ્ત્રાવ લાળ
આજે આપણે એક એવા શરીરના સ્ત્રાવ (SECRETION) ની વાત કરીશું જેને આપણે ખરાબ જીવનશૈલીને કારણે અગર તો તેની અગત્યતાની પૂરી જાણકારી નહીં હોવાથી નજરઅંદાજ કરીએ છીએ.
આપણા મોઢામાં ચોવીસ કલાક લાળ (SALIVA- સલાઈવા) બનતી રહે છે, જે આપણને ખોરાક પચાવવા બહુ જરુરી છે.
જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે મોઢામાં રહેલ લાળથી તે પલળે છે અને લાળમાં રહેલ ચીકણા પદાર્થ (MUCUS)થી તેનો ગળવા લાયક ગોળો બને છે જે સહેલાઇથી ગળે ઉતરી જાય છે.
લાળ ખોરાકમાં રહેલ કાર્બોહાઈડ્રેટસ સાથે સંયોજાય છે અને તેને સાદી શર્કરામાં રૃપાંતર કરે છે, જે હોજરીમાં આસાનીથી પચી જાય છે. એટલે જ્યારે આપણે રોટલી કે બ્રેડ સારી રીતે ચાવીએ છીએ ત્યારે આ શર્કરાની મીઠાસ અનુભવીએ છીએ.
આ લાળની અગત્યતા વિશે વિશેષ વાત કરીશું.
લાળ એક ઉત્તમ દ્રાવક અને પાચકરસ છે. મોઢામાં જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ ત્યારે તેમાં લાળ ભળે છે અને પાચનક્રિયાને વેગ આપે છે. સૌથી અગત્યની વાત એ છે કે લીધેલા ખોરાકના ૩૦ ટકા ભાગ મોઢામાં જ હોજરીમાં જતા પહેલાં પચી જાય છે.
સૌથી ગંભીર વાત એ છે કે થયેલા સંશોધન મુજબ મોટા ભાગના લોકો ખોરાકને પૂરો ચાવતા જ નથી જેથી લાળને ખોરાકને પલાળીને રાસાયણિક પ્રક્રિયાથી પચાવવાનો સમય જ મળતો નથી. (આજનું 'મેગી' નૂડલ્સ આનુ સૌથી ખરાબ- WORST ઉદાહરણ છે. એક તો માઇક્રો ફાઈન્ડ મેંદાનો લોટ અને ચાવ્યા વગર પેટમાં પધરાવાનું !)
ચાવીને ખાવાથી હોજરી ઉપર સીધો ત્રીસ ટકા બોજો વધે છે. જેથી અપચાની સ્થિતિ સર્જાય છે. આજનો સામાન્ય રોગ અને બધા રોગોનો જનક 'કબજિયાત' આની દેન છે.
આયુર્વેદ પ્રમાણે નક્કર ખોરાકને ખૂબ ચાવીને 'પ્રવાહી' બનાવી હોજરીમાં ઉતારવો જોઈએ. આવી જ રીતે પ્રવાહી જેમ કે દૂધ, દહીં, ફળના રસ વગેરે વગેરે અને પાણી સહીતને નક્કર ખોરાકની જેમ ચાવીને એટલે કે ઘૂંટડે ઘૂંટડે પીવા જેથી તેની લાળ સાથે સંયોજાવા અને સુપાચ્ય બનાવવા સમય મળે.
જુના સમયમાં જમ્યા બાદ મુખવાસ અને પાનબીડાનું (તમાકુવાળા કે માવા નહીં) ચલણ હતું. મુખવાસનું કાર્ય છે,
LICની પોલીશીની જાહેરાત જેવું, 'જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી' મતલબ લાળનો ઉપયોગ ભોજન સાથે પણ અને ભોજન લીધા પછી પણ !
કારણકે ભોજન લીધા પછી આરોગ્યપ્રદ મુખવાસ કે પાનથી લાળનું સીક્રેશન વધે છે. જે હોજરીમાં જઈ પાચનમાં મદદ કરે છે.
મુખવાસની મદદથી લાળનો સ્ત્રાવ મોંમા રહેલા ખોરાકના કણો, જે બેક્ટેરીયાથી સડી દાંતના પડને નુકશાન કરે છે, તે બહાર ધકેલાઈ જાય છે. તેમજ લાળ એન્ટી બેક્ટેરીયલ હોવાથી મોંને સ્વચ્છ રાખે છે. આરોગ્યપ્રદ મુખવાસમાં વપરાતા તલ, કળથી, વગેરે દાંત વચ્ચે ઓઇલીંગ કરે છે.
લાળ વિશે એક રસપ્રદ વાત છે. આપણે જમીએ તે પહેલા આપણને જ્યારે કોઈ સ્વાદિષ્ટ વાનગીની 'સુગંધ' આવે કે તેને 'જોવાથી' કે તેની 'કલ્પના' સુધ્ધાથી તુરત આપણી પાચનક્રિયા સક્રિય થઈ જાય છે અને વિશેષ લાળ બનવી શરુ થઈ જાય છે. એટલે જ ભાવતી વાનગી જોતાં આપણને 'મોઢામાં પાણી આવી જાય છે' !
આમ લાળ 'ભોજન કે પહેલે, ભોજન કે સાથ ઔર ભોજન કે બાદ ભી' !
અને એટલે જ આપણા આયુર્વેદમાં લાળને 'અમી' થી નવાજવામાં આવેલ છે.