ઉદય યોજના બાદ ડીસ્કોમ્સ માટેની ખાસ લોન સ્કીમ પણ પરિણામકારક જોવા ન મળી
- રાજ્ય વીજ વિતરણ કંપનીઓ વ્યવસાયીકોને સોંપવામાં ઝડપ થાય તે આવશ્યક
આ ત્મનિર્ભર પેકેજના ભાગરૂપ રાજ્ય વીજ વિતરણ કંપનીઓ (ડીસ્કોમ્સ) માટે જાહેર કરાયેલી ખાસ લોન સ્કીમને લગભગ એક વર્ષ થઈ ગયું હોવા છતાં આ સ્કીમ ડીસ્કોમ્સ દ્વારા વીજ ઉત્પાદકોને ચૂકવવાની બાકી રહેતી રકમમાં અપેક્ષિત ઘટાડો કરવામાં ભાગ્યે જ સફળ રહી છે. ડીસ્કોમ્સ દ્વારા વીજ ઉત્પાદક કંપનીઓને આપવાની રહેતી બાકી રકમના આંકમાં માર્ચ ૨૦૨૦ બાદ ૨૩ ટકા ઘટાડો થયો છે પરંતુ રાજ્ય સરકારોએ ડીસ્કોમ્સને ચૂકવવાની રહેતી રકમમાં માત્ર ચાર ટકા જ ઘટાડો નોંધાયો છે. ૩૧મી માર્ચ ૨૦૨૧ના અંતે રાજ્ય સરકારોએ ડીસ્કોમ્સને રૂપિયા ૧.૧૩ ટ્રિલિયન ચૂકવવાના બાકી હતા. પોતાના વિવિધ વિભાગો માટે લેવાતી વીજ તથા જાહેર કરાતી સબસિડીસ પેટેની આ રકમ છે. ૩૦ જુન ૨૦૨૦ના અંતે તો રાજ્ય સરકારોએ ડીસ્કોમ્સને ચૂકવવાની રહેતી રકમનો આંક રૂપિયા ૧.૩૨ ટ્રિલિયન જેટલો ઊંચો રહ્યો હતો. ગયા વર્ષ લોકડાઉનને કારણે જાહેર કરાયેલા મોરેટોરિઅમને પગલે આંક ઊંચો રહ્યો હતો.
૩૦ જુન ૨૦૨૦ના રૂપિયા ૨.૫૩ ટ્રિલિયનની સપાટીએ પહોંચ્યા બાદ ડીસ્કોમ્સે વીજ ઉત્પાદક કંપનીઓને ચૂકવવાની બાકી રકમનો આંક ૩૧મી માર્ચ ૨૦૨૧ના અંતે ઘટીને રૂપિયા ૧.૪૮ ટ્રિલિયન રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૧ના અંતે ડીસ્કોમ્સની એટીએન્ડસી ખોટ અથવા વીજ પૂરવઠા ખોટ ૨૪ ટકા જેટલી રહ્યાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે. નાણાં વર્ષ ૨૦૧૪-૧૫માં જ્યારે ઉદય સ્કીમ જાહેર કરવામાં આવી હતી ત્યારે પણ ખોટનું સ્તર આટલું જ ઊંચુ હતું.
દેશના વીજ ક્ષેત્રને ઉગારવા ૨૦૧૫માં કેન્દ્ર દ્વારા ઉજ્જવલ ડીસ્કોમ એસ્યૂરન્સ યોજના (ઉદય) લાગુ કરવામાં આવી હતી. આ સ્કીમ લાગુ કરાયા બાદના પ્રારંભિક વર્ષોમાં ડીસ્કોમ્સની ખોટમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો પરંતુ તેમાં ફરી વધારો થવા લાગ્યો છે જે ઉદય યોજનાનો હેતુ સિદ્ધ નહીં થયાનું સૂચવે છે. ઉદય યોજનામાં ભાગ લેનારા રાજ્યોએ પોતાની એગ્રીગેટ ટેકનિકલ તથા કમર્સિઅલ (એટીએન્ડસી)ખોટને ઘટાડવાનું ફરજિયાત હતું પરંતુ તે શકય બન્યું નથી.
રેટિંગ એજન્સી ઈક્રાના મતે રાજય સરકારોની માલિકીની દેશભરની ડીસ્કોમ્સના માથેનો દેવાબોજ નાણાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં વધીને રૂપિયા ૬ ટ્રિલિયન પર પહોચી જવા વકી છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષ માટે આ આંક રૂપિયા પાંચ ટ્રિલિયન અંદાજાયો છે જ્યારે ઉદય સ્કીમ જાહેર કરાઈ તે પહેલા ડીસ્કોમ્સના દેવાબોજનો આંક રૂપિયા ૪ ટ્રિલિયન રહ્યો હતો. લિક્વિડિટી પેકેજ હેઠળ મેળવેલી લોન્સને કારણે દેવાનો આંક ઊંચો જોવાઈ રહ્યો છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષ માટે ડીસ્કોમ્સ પરના દેવાબોજનો આંક હજુ જાહેર થવાનો બાકી છે, પરંતુ ઊંચો દેવાબોજ ડીસ્કોમ્સ માટે ખમી ન શકાય તેવો છે. ડીસ્કોમ્સને વધુ પડતી લોન્સ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન તથા રુરલ ઈલેકટ્રીફિકેશન કોર્પોરેશન મારફત ડીસ્કોમ્સને લોન્સ પૂરી પાડવામાં આવે છે.
કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી ઉદ્યોગ-ધંધા પર પડેલી અસરને કારણે તાણ હેઠળ આવી ગયેલી ડીસ્કોમ્સને રાહત પૂરી પાડવા ગયા વર્ષના જુનમાં સરકારે ડીસ્કોમ્સ માટે રૂપિયા ૯૦,૦૦૦ કરોડની લિક્વિડિટી સ્કીમ જાહેર કરી હતી. વીજ ઉત્પાદક કંપનીઓને બાકી નાણાંની ચૂકવણી કરવા આ સ્કીમ પૂરી પડાઈ હતી. આ સ્કીમ હેઠળ ડીસ્કોમ્સને માર્ચ ૨૦૨૧ સુધીમાં કુલ રૂપિયા ૭૫૦૦૦ કરોડ લોન પેટે પ્રાપ્ત થયા હતા અને કુલ રૂપિયા ૧.૩૦ ટ્રિલિયનની લોન્સ મંજુર કરાઈ છે. જો કે આ સ્કીમ હવે બંધ થઈ ગઈ છે. જંગી રકમની લોન્સ છૂટી કરાઈ હોવા છતાં માર્ચ ૨૦૨૧ના અંતે ડીસ્કોમ્સે રૂપિયા ૧.૪૮ ટ્રિલિયન ચૂકવવાના બાકી હતા જ્યારે રાજ્ય સરકારો પાસેથી લેવાની નીકળતી રકમનો આંક રૂપિયા ૧.૧૩ ટ્રિલિયન જેટલો રહ્યો હતો.
પોતાની મત બેન્ક સાચવવા રાજ્ય સરકારો ખેડૂત ઉપરાંત કેટલાક નબળા વર્ગોને નિઃશુલ્ક અથવા સસ્તા દરે વીજ પૂરી પાડવાની જાહેરાત કરે છ ેપરંતુ તે પેટે ડીસ્કોમ્સને ચૂકવવાના આવતા નાણાંની સમયસર ચૂકવણી થતી નથી. આવી સ્થિતિમાં ડીસ્કોમ્સની નાણાંકીય હાલત કઈ રીતે તંદૂરસ્ત રહી શકે એ એક સવાલ છે. નાણાંકીય અને કામકાજના માપદંડોમાં ઉદયની નિષ્ફળતા માટે દેશના અનેક રાજ્યોમાં વીજ ક્ષેત્રમાં રાજકારણીઓનું પ્રભુત્વ જવાબદાર રહેલું છે.
ઉદય સ્કીમ દેશની ડીસ્કોમ્સને આવશ્યક રાહત પૂરી પાડશે એવી આશા રખાતી હતી પરંતુ તેમાં અપેક્ષા પ્રમાણે રાહત મળી નથી. ઉદય યોજનાનો લાભ લઈ ડીસ્કોમ્સે પોતાના પરનો દેવાબોજ રાજ્ય સરકારો પર પસાર કરી દીધો હતો. પરિણામે પ્રારંભિક વર્ષમાં તેમના ચોપડા પર નાણાંકીય તંદૂરસ્તીમાં સુધારો જોવા મળ્યો હતો અને કેટલીક ડીસ્કોમ્સ તો નફો પણ બતાવતી થઈ હતી, પરંતુ સ્થિતિ ફરી બદલાઈ ગઈ છે અને ડીસ્કોમ્સ ફરી નાણાંકીય રીતે નબળી પડી રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી દેશના વીજ ક્ષેત્રને ખાસ કરીને ડીસ્કોમ્સની સ્થિતિ સુધારવા સરકાર પ્રયત્નશીલ છે પરંતુ તેમાં અપેક્ષિત સફળતા મળતી નથી, ત્યારે બેન્કોની જેમ ડીસ્કોમ્સની સ્થિતિ સુધારવા તેને ખાનગી હાથોમાં સોંપી દેવાની કામગીરીમાં ઝડપ આવે તે જરૂરી છે.