Magazines

ઓસ્કરને પણ એકવાર ઓસ્કર મળ્યો હતો! .

By GS TEAM
19 Mar 20266 mins read
ઓસ્કરને પણ એકવાર ઓસ્કર મળ્યો હતો!                        .

- OTT ઓનલાઈન- સંજય વિ. શાહ 

- બરી ફિટ્ઝગેરાલ્ડઃ એક વર્ષમાં બબ્બે નોમિનેશન

- જોન વિલિયમ્સઃ 54 સંગીતમય નોમિનેશન્સ

- સિનર્સ

- વન બેટલ આફ્ટર ધ અનધર

પહેલીવાર ઓસ્કર જીતનારી શ્યામવર્ણી વ્યક્તિ હેટી મેકડેનિયલને ફંક્શનમાં નિર્માતાની વિનંતીએ પ્રવેશ તો અપાયો હતો, પણ એને છેક પાછળ, ભીંત પાસે મૂકેલી ખુરશી પર બેસવાની ફરજ પાડવામાં આવી હતી...

૨૬ના ઓસ્કર એવોર્ડ્સ થઈ ગયા. આ વખતના એવોર્ડ્સની હાઇલાઇટ્સ જાણીએ. પછી જાણીએ કે ઓસ્કર નોમિનેટેડ અને અથવા વિજેતા ફિલ્મોને ઓટીટી પર ક્યાં માણવી.

 ઓસ્કરનો એટલે એકેડેમી એવોર્ડ્સનો આ ૯૮મો સમારોહ હતો. બે વરસમાં એની સદી પૂરી થશે. ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ જેનું આખું નામ છે એવા આ એવોર્ડ્સ મોશન પિક્ચર એકેડેમી તરીકે પણ ઓળખાય છે.

 લોસ એન્જલેસના હોલિવુડમાં ડોલ્બી થિયેટરમાં એનું આયોજન થાય છે. અકેડેમીનું વડું મથક બેવર્લી હિલ્સમાં છે.

 ૨૦૨૫માં એવોર્ડ્સની પિતૃસંસ્થા સાથે મોશન પિક્ચરના વેપાર કે એની કળા સાથે ૧૦,૫૦૦ પ્રોફેશનલ્સ સંકળાયેલા હતા. દુનિયાભરથી ફિલ્મજગત સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ એની સભ્ય થઈ શકે છે.

 પોપ્યુલર કેટેગરી એટલે કે આપણે જે એવોર્ડ્સ વિશે દર વરસે આતુરતા સેવીએ છીએ, એના સિવાય પણ એકેડેમી અન્ય પ્રકારના એવોર્ડ્સ આપે છે. એમાં ગવર્નર્સ એવોર્ડ્સ (ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન બદલ અપાતો લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ), સાઇન્ટિફિક એન્ડ ટેકનિકલ એવોર્ડ્સ, સ્ટુડન્ટ એકેડેમી એવોર્ડ્સ સામેલ છે.

 ઓસ્કરમાં રેડ કાર્પેટનું બહુ મહત્ત્વ છે. આ જાજમનો શેડ ગાર્નેટ (તાંબડો) રેડ છે. એ શેડ ઓસ્કર માટે ગુપ્ત રીતે વિકસાવાયો છે. 

 બરી ફિટ્ઝગેરાલ્ડ એકમાત્ર એવો કલાકાર છે જેને એક જ વરસે ઓસ્કરમાં બબ્બે શ્રેણીમાં નોમિનેશન મળ્યું હતું. ફિલ્મ હતી ૧૯૪૪ની 'ગોઇંગ માય વે' જેના માટે ભાઈને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે પણ નામાંકન મળ્યું હતું. એ જીત્યા શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ. પછી નિયમ થયો કે એક જ ફિલ્મ માટે એક્ટર બે કેટેગરીમાં નામાંકિત ના થઈ શકે.

 આજના ભપકાદાર અને ઠસ્સાભર્યા ઓસ્કર એવોર્ડ્સથી વિપરીત એની શરૂઆત હતી. પહેલા ઓસ્કર એવોર્ડ્સનું આયોજન ૧૯૨૯માં થયું હતું. ત્યારે એમાં રોકડા ૨૭૦ જણ હતા. ઇવેન્ટ ચાલી હતી ૧૫ મિનિટ. એ વાસ્તવમાં એવોર્ડ ફંક્શન ઓછું અને ખાનગી ડિનર વધુ હતું. 

 પહેલા ઓસ્કરમાં બેસ્ટ કોમેડી ડિરેક્શન માટે એવોર્ડ અપાયો હતો. પછી એ કેટેગરી હટાવી દેવામાં આવી હતી. એવી રીતે શરૂઆતમાં શ્રેષ્ઠ સહાયક દિગ્દર્શકને ઓસ્કર અપાતો હતો. ૧૯૩૭માં એ કેટેગરી પર ચોકડી મૂકવામાં આવી. ૧૯૩૩થી પાંચ વરસ માટે આ એવોર્ડ અપાયો હતો.

 ઓસ્કર મળે નોમિનેશનથી અને પછી બહુમતી મતોથી. સિનેમેટોગ્રાફર હલ મોહ્ર એકમાત્ર એવો વિજેતા છે જેને લેખિત મતદાન પછી ઓસ્કર એનાયત કરવામાં આવ્યો હતો.

 કલાકાર-કસબીઓની આખી જિંદગી એકાદ નોમિનેશન (અને ઓસ્કરમાં હાજર રહેવાનું આમંત્રણ) મળે એનું સપનું જોતા પૂરી થઈ જતી હોય છે. સંગીતકાર જોન વિલિયમ્સનું ભાગ્ય જુઓ! એમને ૯૪ વરસની (દાદા હજી હયાત અને એકદમ મજામાં છે) ઉંમરમાં ૫૪ નોમિનેશન્સ મળ્યાં છે! એમના સંગીતથી રંગ રાખનારી ફિલ્મોમાંની થોડી છેઃ 'ધ લોન્ગ ગુડબાય', 'ધ ટાવરિંગ ઇન્ફર્નો', 'ફિડલર ઓન ધ રૂફ', 'જાઝ', 'સ્ટાર વોર્સ', 'ઈ. ટી. (ધ એકસ્ટ્રા ટેરેસ્ટ્રિયલ)', 'શિંડલર્સ લિસ્ટ', 'જુરાસિક પાર્ક' (૧૯૯૩-૯૭ની), 'સેવિંગ પ્રાઇવેટ રાયન', 'કચ મી ઇફ યુ કેન', 'સુપરમેન' તથા 'હેરી પોટર' અને 'હોમ અલોન' સિરીઝની બધી ફિલ્મો, 'ધ ફેબલમેન્સ' અને... બીજી ઘણી.

 જોન વિલિયમ્સ કરતાંય વધુ નોમિનેશન્સ મેળવનાર મહામાણસ એટલે વોલ્ટ ડિઝની. પોતાના જીવનમાં એમણે ૫૯ નોમિનેશન્સ મેળવ્યાં હતાં. 

 જોન વિલિયમ્સ અને વોલ્ટ ડિઝનીમાં કોને કેટલા એવોર્ડ્સ મળ્યા વિલિયમ્સને પાંચ અને વોલ્ટ ડિઝનીને બાવીસ. ડિઝનીને પોપ્યુલર કેટેગરી સિવાયના ચાર ઓનનરી એવોર્ડ્સ પણ અપાયા હતા. 

 બેનરની વાત કરીએ તો મહત્તમ નોમિનેશન્સની સિદ્ધિ વોર્નર બ્રધર્સના ફાળે છે. આ વરસે પણ એને 'સિનર્સ' અને 'વન બેટલ આફ્ટર અનધર' ફિલ્મો માટે સંયુક્તપણે ૨૯ નોમિનેશન્સ મળ્યાં હતાં. ઓસ્કર ઇતિહાસમાં એણે ૧,૦૦૦થી વધુ નોમિનેશન્સ મેળવ્યાં છે.

 ઓસ્કરમાં એકવાર ઓસ્કર નામના સેલિબ્રિટીને પણ ઓસ્કરને મળ્યો હતો. એ હતો ઓસ્કર હમરસ્ટેન બીજાને! ભાઈનું આખું નામ ઓસ્કર ગ્રીલી ક્લેન્ડનિંગ હમરસ્ટેન બીજો. એ હતા ગીતકાર, થિયટરના નિર્માતા-દિગ્દર્શક. બે વખત એમને એકેડેમી એવોર્ડ મળ્યા હતા. ૧૯૪૧ના 'લેડી બી ગુડ'ના ગીત 'ધ લાસ્ટ ટાઇમ આઈ સા પેરિસ' અને ૧૯૪૫માં 'સ્ટેટ ફેર'ના ગીત 'ઇટ માઇટ એઝ વેલ બી સ્પ્રિંગ' માટે.

 આજ સુધીમાં ત્રણ ફિલ્મ છે જેમને ૧૧ એવોર્ડ્સ મળ્યા છે-  ૧૯૫૯ની 'બન-હર,' ૧૯૯૭ની 'ટાઇટનિક,' અને ૨૦૦૩ની 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સઃ ધ રિટર્ન ઓફ ધ કિંગ.' 

 પહેલીવાર ઓસ્કર જીતનારી એશિયન વ્યક્તિ હતી જાપાનીઝ અદાકારા મિયોશી ઉમેકી. એને ૧૯૫૭માં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ 'સાયોનારા' ફિલ્મ માટે મળ્યો હતો. હીરો હતા માર્લોન બ્રાન્ડો.

 ઓસ્કર અપાય ત્યારે એક વાત ખાસ નોંધવા જેવી હોય છે. એમાં અપાતી ટ્રોફી પર વિજેતાનું નામ નથી હોતું. નામની તકતી એના પર પછીથી ચોડવામાં આવે, જેથી કોઈને પહેલેથી ગંધ સુધ્ધાં આવે નહીં કે વિજેતા કોણ હશે.

  આજ સુધીમાં એકવાર જ થયું છે કે કોઈ વરસે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એકને બદલે બે જણને એનાયત થયો હોય. ૧૯૩૨માં વોલેસ બીરી અને ફ્રેડ્રિક માર્ચ બેઉને આ એવોર્ડ અપાયો હતો. બીરીને એવોર્ડ અપાયો હતો 'ધ ચેમ્પ' માટે, તો માર્ચને અપાયો હતો 'ડો. જેકલ એન્ડ મિ. હાઇડ' માટે. મતદાનમાં માર્ચને બીરી કરતાં એક મત વધારે મળ્યો હતો, તો પણ એવોર્ડ બેઉને સરખેસરખો અપાયો. કારણ ત્યારે ઓસ્કરનો નિયમ હતો કે ત્રણ મતના ફરક સુધીમાં આવતા તમામ નામાંકિતોને એવોર્ડ આપવાનો. પછીથી નિયમ બદલીને તય કરવામાં આવ્યું કે બે જણને એકસરખા મત મળશે ત્યારે અને તો જ ટાઈ થશે અને બે જણને એવોર્ડ અપાશે. 

 ઓસ્કર સામાન્યપણે જીવતેજીવત વ્યક્તિને મળે એવો પ્રયાસ થાય છે. એક અપવાદરૂપ અભિનેતા પીટર ફિન્ચ હતા. ૧૯૭૬ની 'નેટવર્ક' ફિલ્મ માટે ફિન્ચને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મરણોત્તર અપાયો હતો. એ વરસે ઓસ્કર એવોર્ડના ત્રણ મહિના પહેલાં ફિન્ચનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક અવસાન થયું હતું. આજ સુધીમાં જોકે ૨૯ વખત એવું થયું કે વ્યક્તિને અવસાન પછી એવોર્ડ અપાયો હોય, મુખ્યત્વે એટલે કે એમનું નામાંકન એમના અવસાન પહેલાં થયેલું હોય. ૨૦૦૯માં હીથ લેજરને પણ 'ધ ડાર્ક નાઇટ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો મરણોત્તર ઓસ્કર એનાયત થયો હતો. 

 શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થતી ફિલ્મોને સામાન્યપણે અન્ય નોમિનેશન્સ પણ મળતાં હોય છે. ખાસ કરીને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા વગેરે. અપવાદરૂપ ફિલ્મ ૧૯૨૭-૨૮ની 'વિન્ગ્સ' હતી. એને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો પણ અભિનયમાં એકપણ નોમિનેશન મળ્યું નહોતું.

 રંગભેદ ઓસ્કરમાં પણ હતો. હજી એ વિશે ઘણીવાર ઘુસપુસ થાય છે. તવારીખમાં પહેલીવાર ઓસ્કર જીતનાર શ્યામવર્ણી વ્યક્તિ હેટી મેકડેનિયલ હતી. ૧૯૪૦માં બહેનને 'ગોન વિથ ધ વિન્ડ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અપાયો હતો. હદ એ હતી કે એને અન્ય નામાંકિતો અને સેલિબ્રિટીઝથી અલાયદી એક ખૂણામાં બેસાડવામાં આવી હતી. કારણ, જે હોટેલમાં એવોર્ડ ફંક્શન યોજાયો એમાં કાળા લોકોને પ્રવેશ પ્રતિબંધિત હતો. નિર્માતા ડેવિડ ઓ. સેલ્ઝનિકની વિનંતીથી હોટલે મેકડેનિયલને પ્રવેશ આપ્યો પણ એને છેક પાછળ, ભીંત પાસે મૂકેલી ખુરશી પર બેસવાની ફરજ પાડવામાં આવી હતી. 

ઓસ્કર 2026નું અવનવું

આ વરસે ત્રણ કલાકારો એવા હતા જેમને ખુદ નિર્માણ કરેલી ફિલ્મો માટે શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં નામાંકન મળ્યું. એ ત્રણ કલાકારો એટલે ટિમોથી શેલામે, એમા સ્ટોન અને બ્રેડ પિટ. એમની ફિલ્મો હતી, અનુક્રમે, 'માર્ટી સુપ્રીમ', 'બ્યુગોનિયા' અને 'એફ-વન.' આ વરસે ઓસ્કરની શરૂઆતમાં કોનેન ઓ' બ્રાયનની એકોક્તિ હતી એ જોઈ એણે એક રેકોર્ડ કર્યો. ૧૨ મિનિટની એ એકોક્તિમાં ૪૭ જોક્સ હતા.

ઓસ્કર સેરેમનીમાં આ વખતે પહેલીવાર એવું થયું કે શ્રેષ્ઠ મૌલિક ગીત માટે એવોર્ડ જીતનારા ગીતકારે પોતાના ગીતને ઇવેન્ટમાં લાઇવ પરફોર્મ કર્યું. આ સિદ્ધિ મેળવી પોલ થોમસ એન્ડરસને, 'વન બેટલ આફ્ટર અનધર'ના ટાઇટલ સોન્ગ માટે. તેઓ ફિલ્મના ગીતકાર અને દિગ્દર્શક પણ છે.

2026ની ઓસ્કર ફિલ્મો ક્યાં જોશો

જિયો હોટસ્ટારઃ વન બેટલ આફ્ટર અનધર, 

સિનર્સ, વેપન્સ

નેટફ્લિક્સઃ કેપોપ ડેમન હન્ટર્સ, ફ્રેન્કસ્ટાઇન, 

ઓલ ધ એમ્પ્ટી રૂમ્સ, ધ સિંગર્સ

મુબીઃ સેન્ટિમેન્ટલ વેલ્યુ, સિરાટ 

એપલ ટીવી પ્લસઃ એફ-વન - ધ મૂવી

યુટયુબઃ ટુ પીપલ એક્સચેન્જિંગ સલાઇવા 

ભારતમાં કઈ ફિલ્મો ઉપલબ્ધ નથીઃ 

હેમ્નેટ, મિ. નોબડી અગેઇન્સ્ટ પુટિન, અવતારઃ ફાયર એન્ડ એશ, ધ ગર્લ હૂ ક્રાઇડ પલ્સ