Get The App

કમ્પ્યુટરયુગમાં પણ લગ્ન માટે તો સુંદર-સુશીલ કન્યાની માગ

આધુનિક સમાજમાં પત્રકાર, પોલીસ, વકીલ કે ડોકટર કન્યાના વડીલોને જમાઇ શોધતાં નાકે દમ આવે છે

Updated: Dec 16th, 2019

GS TEAM

Google News
Google News
કમ્પ્યુટરયુગમાં પણ લગ્ન માટે તો સુંદર-સુશીલ કન્યાની માગ 1 - image


આજે પણ લગ્ન માટે યુવતીના વ્યવસાય કરતાં સૌંદર્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. મોટાભાગના પુરુષો સૌંદર્યવાન સ્ત્રીને જ પત્ની બનાવવા ઇચ્છતાં હોય છે.આ જ કારણે આજે પણ ગોરી યુવતીઓની માગ વધારે હોય છે. 

આજે દંપતીઓમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. નાની-નાની વાતે વાંધો પડતાં યુગલો છૂટાછેડા લેવા તૈયાર થઇ જાય છે અને પરિવાર ભાંગી પડે છે.જો કે એરેન્જ મેરેજ કરતાં લવમેરેજ પડી ભાંગવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એક જ પ્રોફેશનમાં કામ કરતાં યુવક-યુવતીઓ એકમેક પ્રત્યે આકર્ષિત થતાં જ પરિચય પરિણયમાં પરીણમે છે અને બંને લગ્નની ગાંઠે બંધાઇ જાય છે.

લગ્નના થોડા સમય બાદ એકમેકમાં જે વાતો સમાન ભાસતી હતી તે જ ખૂચવા લાગે છે અને દોષારોપણનો સિલસિલો શરૂ થાય છે. આ વિવાદ વધતાં છેવટે તેઓ એકબીજાથી છૂટા પડી જાય છે.

આજના શિક્ષિત યુવક-યુવતીઓ પ્રેમ લગ્નમાં મળતી નિષ્ફળતાની વધતી જતી ટકાવારીથી સાવધ થઇ ગયા છે અને એરેન્જ મેરેજ એટલે કે મા-બાપે દર્શાવેલી કન્યા કે મુરતિયા સાથે લગ્ન કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ એરેન્જ મેરેજ કરવા પણ સહેલી વાત નથી  કારણકે મનગમતા પાત્રને શોધતાં નાકે દમ આવી જાય છે.

આજની સ્ત્રી પુરુષ સમોવડી બની ગઇ છે. ન્યુઝ ચેનલ પર કે અખબારોમાં રિપોર્ટર તરીકે યુવતીઓની સંખ્યા વધતી જાય છે. પણ મહિલા પત્રકાર સાથે લગ્ન કરવા કોઇ યુવક જલ્દી તૈયાર થતો નથી. આપણા સમાજમાં પત્રકાર વિશે ચોક્કસ માન્યતા પ્રવર્તે છે. તેમના કામના અમર્યાદિત કલાકો તથા બધા જ પત્રકારો દારૂ- સિગારેટ પીતાં હોવાની છાપને કારણે પત્રકાર યુવતીઓ લગ્નના માંડવેથી વેંત છેટી જ રહી જાય છે.

મહિલા પત્રકાર ઉપરાંત વકીલ, ડોકટર, પોલીસ અને બીપીઓ કર્મચારીએ વ્યવસાય અર્થે અડધી રાતે દોડવું પડે છે અથવા રાતપાળીમાં કામ કરવું પડે  છે. આ કારણે આ પ્રોફેશનમાં રહેલી   કન્યા સાથે લગ્ન કરતાં યુવક અચકાય છે. પત્રકારની મથરાવટી તો એટલી મેલી હોય છે કે ક્રેડીટ કાર્ડ કંપનીઓ અને પર્સનલ લોન આપતી એજન્સીઓ પણ તેમની સામે શંકાની દ્રષ્ટિથી જુએ છે. આઇટી ક્ષેત્રમાં રહેલી યુવતીઓ સાથે પણ કામના અનિયમીત કલાકોને કારણે લગ્નના મુદ્દે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. વળી સૌથી મહત્ત્વની વાત એ છે કે ઉક્ત વ્યવસાયમાં રહેલી મહિલાઓ સ્વતંત્ર વિચારસરણી ધરાવતી હોય છે અને બાંધછોડ કરવાનું સ્વીકારતી નથી.

ઘણા યુવકો પોતે ઉદાત વિચારો ધરાવતાં હોવાની ઇમેજ બાંધવા પત્રકાર, પોલીસ કે કોલસેન્ટરમાં કામ કરતી યુવતીને અર્ધાંગિની બનાવવા તૈયાર થાય છે ખરા,પરંતુ તેઓ ઇચ્છે છે કે લગ્ન બાદ પત્ની નોકરી ચાલુ રાખશે કે નહિ તેનો નિર્ણય તેઓ (પતિ) લેશે. જો પતિની નોકરીમાં વારંવાર બદલી થતી રહે તો શું યુવતી પોતાની નોકરી છોડીને તેની સાથે રહેવા જવા તૈયાર થશે કે કેમ તે પ્રશ્ન પણ મહત્તવનો ગણાય.

કેટલીક કોમમાં પણ નોકરિયાત યુવતીને ગૃહલક્ષ્મી બનાવવી કે નહિ તે વિશે ભિન્ન-ભિન્ન વિચારો જોવા મળે છે, જેમ કે,મહારાષ્ટ્રીયનો અને બંગાળીઓ નોકરિયાત યુવતીને પ્રાધાન્યતા આપે છે. જયારે ગુજરાતી, મારવાડી અને પંજાબી પરિવારમાં ઘરરખ્ખુ તરુણીને પહેલાં પસંદ કરવામાં આવે છે. આજે સમય બદલાઇ ગયો હોવાથી આ કોમમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે અને તેઓ ઘરમાં રહીને પોતાનો વ્યવસાય કરતી યુવતીને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવા તૈયાર થાય છે. તેમ છતાં તેમના મતે તો સ્ત્રીએ ઉતમ ગૃહિણી બનીને પતિ, ઘર તથા બાળકોની સંભાળ રાખવામાં જ જીવન વ્યતીત કરવું જોઇએ.

આજે એકતરફ ઇંદ્રાનુયી જેવી મહિલાઓ છે જે ઠંડાપીણાંની કંપની સંભાળે છે અને તેના દાખલા સમાજની તરુણીઓને આપવામાં આવે છે તો બીજી તરફ લગ્ન માટે કન્યા પસંદ કરતી વખતે અપનાવવામાં આવતી સંકુચિત માન્યતા છે. મોર્ડન જમાનામાં પણ શિક્ષિકાની નોકરીને જ યોગ્ય અને સલામત ગણવામાં આવે છે.

લગ્ન માટે પણ શિક્ષિકા યુવતીની માગ વધારે હોય છે. પ્રત્યેક જગ્યાએ શાળાઓ હોય છે એટલે લગ્ન બાદ બીજા સ્થળે અથવા બહારગામ સાસરું હોય તો યુવતીઓને નોકરી સહેલાઇથી મળી રહે છે.આ ઉપરાંત શિક્ષિકાને પગાર પણ સારો હોય છે અને તેમને વેકેશનની રજાઓ પણ મળે છે. વળી,તેમના કામના કલાકો પણ મર્યાદિત હોય છે.

એરેન્જ મેરેજમાં યુવતીઓ માટે જે પ્રોફેશન બાધારૂપ બને છે તે જ પ્રોફેશનો યુવક માટે વરદાનરૂપ સાબિત થાય છે. જેમ કે, આઇટી કર્મચારી કે એમબીએ થયેલી કન્યાને યોગ્ય વર મળતાં કયારેક વર્ષો નીકળી જાય છે. તે જ પ્રમાણે શિક્ષક અથવા સરકારી કર્મચારી હોય તેવા યુવકને પણ પંતુજી ગણીને ટાળવામાં આવે છે.

આજના ઘણા યુવાનો ઘરરખ્ખુ યુવતીઓને પત્ની તરીકે ઈચ્છતા હોય છે.આજથી થોડાં વર્ષો પહેલા પતિ-પત્ની બંને કમાતા હોય,તેથી 'ડબલ ઈન્કમ'ઘરમાં આવવાના વિચારને  સમાજમાં સમર્થન આપવામાં આવતું હતું. પરંતુ વર્ષ ૨૦૦૫ બાદ આ વિચારમાં પરિવર્તન આવ્યું છે. કારણકે હવે આઇટી પ્રોફેશનલો અથવા એમબીએ થયેલા યુવકેા એટલી સારી કમાણી કરતાં હોય છે કે તેમને ઘર સંભાળે તેવી યુવતીની અપેક્ષા હોય છે.

જો કે લગ્ન માટે પ્રોફેશનનો સ્વીકાર કે અસ્વીકાર તો ગૌણ વાત ગણાય  કારણકે આજે પણ લગ્ન માટે યુવતીના વ્યવસાય કરતાં સૌંદર્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. મોટાભાગના પુરુષો સૌંદર્યવાન સ્ત્રીને જ પત્ની બનાવવા ઇચ્છતાં હોય છે.આ જ કારણે આજે પણ ગોરી યુવતીઓની માગ વધારે હોય છે.

શ્યામવર્ણી અભિનેત્રીઓએ ગ્લેમર વિશ્વની સૌંદર્યની પરિભાષા બદલાવી છે. પરંતુ લગ્ન માટે તો ગૌરવર્ણી અને દેખાવડી યુવતીઓને પસંદ કરવામાં આવે છે. ફિલ્મી પ્રેક્ષકોમાં લોકપ્રિય થયેલી શ્યામ અભિનેત્રી બિપાશા બાસુ જો એરેન્જ મેરેજ કરવા તૈયાર થાય તો તેને પણ મુરતિયો શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. સમય બદલાયો હોવા છતાં યુવકોની આ માગમાં પરિવર્તન આવ્યું નથી.

ઘણા પરિવારો એવી ફિશીયારી કરે છે કે તેઓ કન્યાપક્ષ પાસેથી કોઇ અપેક્ષા રાખતાં નથી, દહેજ ઇચ્છતાં નથી પણ કન્યા દેખાવડી અને ગોરી હોવી જોઇએ.

આ ઉપરાંત ઘણા કુટુંબોમાં કુંડળીમેળાપને પણ મહત્તવ આપવામાં આવે છે. તેમના માટે યુવક-યુવતીના જન્માક્ષર મળવા જરૂરી છે. જન્માક્ષર મેચ થયા બાદ જ તેઓ વાતને આગળ વધારે છે. 

આજે એરેન્જ મેરેજ કરનારા યુવક-યુવતીઓની સંખ્યા વધી જતાં મેરેજ બ્યુરોવાળાઓને ધીકતી કમાણી થઇ રહી છે. જો કે ઓન લાઇન મેરેજ પોર્ટલની શરૂઆત થઇ ત્યારે મેરેજ બ્યુરોવાળાઓેના ધંધામાં થોડા સમય માટે મંદી પ્રસરી હતી. પણ પછી ઓનલાઇન મેરેજ પોર્ટલમાં છેતરપિંડી થવાના કિસ્સા બહાર આવતાં વળી પાછો બ્યુરોવાળાઓનો ધંધો ધમધમવા લાગ્યો છે અને હવે તો તેમાં ૫૦ ટકાનો વધારો થયો છે.  

- જયવંતી

Tags :