Magazines

ચોમાસાના પર્વોમાં પણ પરંપરાગત પોશાક પહેરીને મહાલો

By GS TEAM
14 Jul 20253 mins read
ચોમાસાના પર્વોમાં પણ પરંપરાગત પોશાક પહેરીને મહાલો

હિન્દુસ્તાનનું ચોમાસુ એટલે તહેવારોની મોસમનો પ્રારંભ. ખાસ કરીને શ્રાવણ માસ શરૂ  થાય  એટલે એક પછી એક પર્વની શ્રેણી શરૂ થઇ જાય.અને ઉત્સવો દરમિયાન સારા વસ્ત્રાભૂષણો પહેરવાનું કોણ ચૂકે? પરંતુ વર્ષા ઋતુમાં પહેરવું શું તેની ચિંતા દરેક માનુનીને સતાવે. કોઇ શુભ પ્રસંગે જવાનું  થાય ત્યારે વરસાદ પડતો હોય કે પડવાની ભીતિ હોય તો કયા કપડાં પહેરવા? વળી બદલાતા  જતા ઋતુચક્રને કારણે ચોમાસુ છેક નવરાત્રિ અને દિવાળી સુધી લંબાતુ જાય છે. આવી સ્થિતિમાં પામેલાઓને એવા વસ્ત્રો અને એક્સેસરીઝની જરૂર પડે જે પ્રસંગોપાત શોભે છતાં વરસાદમાં સુવિધાજનક રહે. ફેશન ડિઝાઇનરો તેના વિશે માહિતી આપતાં કહે છે....,

ભારતીય પોશાકમાં કંઇકેટલીય વિવિધતા જોવા મળે છે. અન્ય કોઇ સીઝનમાં તમે પટિયાલા,  ખુલતી સલવાર, પલાઝો ઇત્યાદિ પહેરી શકો. પણ ચોમાસામાં આવા વસ્ત્રો સાચવવાનું અને જાળવવાનું થોડું મુશ્કેલ થઇ પડે. આવી સ્થિતિમાં શોર્ટ કુરતી સાથે ચુડીદાર પહેરી શકાય. સામાન્ય રીતે આપણે પ્રસંગોપાત ભારે દુપટ્ટા પહેરતા હોઇએ છીએ. પરંતુ ચોમાસામાં હળવા સ્કાર્ફ, સ્ટોલ્સ પર પસંદગી ઉતારવી. તેવી જ રીતે અસમાન લંબાઇના કુરતા પણ નોખા તરી આવશે. કુરતામાં થ્રેડ વર્ક, સ્ટ્રાઇપ્સ, જ્યોમેટ્રિક પેટર્ન  પણ અલગ દેખાશે. 

 તમને બહાર જવાનું થાય તે વખતે વરસાદ વરસતો હોય તો કેઝ્યુઅલ સુટ બેસ્ટ ઓપ્શન બની  રહે. વરસાદમાં વાતાવરણમાં ભીનાશ આવી જતી હોવાથી તે બહુ આરામદાયક લાગે છે. આ સિવાય ટયુનિક્સ પણ અચ્છો વિકલ્પ છે.તેમાંય  કલોટ્સ અને ટયુનિકનું કોમ્બિનેશન એકદમ સુવિધાજનક લાગે છે. જો તમારી કટિ કામણગારી હોય તો આ ડ્રેસ ઉપર બેલ્ટ પહેરીને તમે ખૂબ  સ્ટાઇલિશ દેખાઇ  શકો. જોકે તેની સાથે એક્સેસરી બહુ સમજીવિચારીને પહેરવી. વૂડન કે મેટાલિક જ્વેલરી પહેરવાનું  તેમ જ લેધર બેગ લેવાનું ટાળવું. તેના સ્થાને પારદર્શક હોબો કે ફોક્સ લેધર બેગ લેવી. 

આ સીઝનમાં ધૂંંટી સુધીની લંબાઇ ધરાવતાં સ્કર્ટ્સ અથવા કલોટ્સ અને ક્રોપ ટોપ પણ બહેતર પસંદગી ગણાય. ખાસ કરીને વરસાદ પડતો હોય ત્યારે સડક પરના કીચડથી વસ્ત્રોને બચાવવા એંકલ લેન્ગ્થ વસ્ત્રો બેસ્ટ લેખાય.  આવા સ્કર્ટ સાથે શોર્ટ સ્લીવ્ઝના ટોપ સુંદર લાગે છે. જો તમે કાંઇક નવું કરવા માગતા હો તો તમારા ડ્રેસ ઉપર વોટર પ્રૂફ બોમ્બર કે એમ્બ્રોઇડરી કરેલું જેકેટ પહેરી લો. જેમને  સાડી જ પહેરવી પડે તેમ હોય તેઓ ઓર્ગેનિક કોટન સાડી સાથે બોમ્બર જેકેટ અને માંગ ટીકો પહેરીને સ્ટાઇલિશ દેખાઇ શકે. કોઇપણ ઉત્સવ માટે આ પોશાક પરફેક્ટ  લેખાશે. 

જેમને ટાઇટ પરિધાન અકળાવતા હોય તેઓ ખુલતા વસ્ત્રો માટે કુરતી, શ્રગ,ધોતી પેન્ટ ઇત્યાદિ પહેરી શકે. ધોતી પેન્ટ ઉપર એકદમ ખુલતી કુરતી પરફેક્ટ ભારતીય પોશાક બની જશે.સાથે સાથે તે સ્ટાઇલિશ પણ લાગશે. આ ડ્રેસમાં પીળો, ગુલાબી, પોપટી, મોરપિચ્છ જેવા રંગો ખૂબ જચે છે. આ સિવાય સુટ કે એંકલ લેન્ગ્થ સ્કર્ટ ઇત્યાદિમાં પણ પિંક,બ્લુ, રેડ જેવા ઘેરા રંગો પહેરી શકાય. આમેય ભારતીય તહેવારોમાં રંગબેરંગી વસ્ત્રો પહેરવાની પરંપરા ચાલી આવે છે. તેથી તે ચોમાસા અને તહેવાર બંનેને અનુરૂપ બની રહેશે. બ્લેક કલર ભલે ફેશન ટ્રેન્ડમાં હોય, પરંતુ આ પ્રકારના પોશાકોમાં શ્યામ રંગ કરતાં અન્ય પરંપરાગત રંગો વધુ શોભે છે. આપણે શુભ પ્રસંગોએ કાળા રંગના વસ્ત્રો પહેરવાનું અશુભ માનીએ છીએ એ પણ યાદ રાખવું રહ્યું. વળી વરસાદમાં પલળી જવાય તોય  આવા ઘેરા રંગના વસ્ત્રો પહેર્યાં હોય તોય આપણા અંગો સારી રીતે ઢંકાયેલા લાગે છે. 

આ મોસમમાં શક્યત: જ્યોર્જટ, ચંદેરી, લીનન કે પારદર્શક  ફેબ્રિક પહેવાનું ટાળવું.તેના સ્થાને ટસર કે રેયોન ફેબ્રિકના કપડાં પહેરવા. આ ફેબ્રિક પ્રસંગોપાત શોભે   છે  અને કમ્ફર્ટેબલ પણ રહે છે.