Magazines

સમતોલ આહાર અપનાવી શિયાળાની મોજ માણો

By GS TEAM
12 Jan 20262 mins read
સમતોલ આહાર અપનાવી શિયાળાની મોજ માણો

શિયાળો શરૂ થતાં જ સ્વાસ્થ્ય પ્રત્યે મહિલાઓની ચિંતા વધી જાય છે, કારણ કે ઠંડી લઈ આવે છે ઢગબંધ બીમારીઓ.  ઋતુ બદલાવાના કારણે શારીરીક પરિવર્તન થવું સ્વાભાવિક છે. આ પરિવર્તનોનું શરીર ઘણીવાર સરળતાથી સ્વીકાર નથી કરી શકતું અને  શરદી, ખાંસી, તાવ, માથાનો દુખાવો, ફ્લૂ, કમર અને સાંધાના દુખાવા જેવી બીમારીઓનો ભોગ બની જાય છે. જે લોકોમાં રોગપ્રતિકારત્મક ક્ષમતા ઓછી હોય છે એ લોકો જ આવી બીમારીઓનો ભોગ બની જાય છે.

આધુનિક જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો સમતોલ આહારની અવગણના કરી ફાસ્ટફૂડ તરફ ભાગી રહ્યા છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકસાનકારક છે.

શિયાળામાં બજારમાં મોટા પ્રમાણમાં ઋતુનાં શાકભાજી અને ફળો મળી રહે છે. જો યોગ્ય રીતે એનું સેવન કરવામાં આવે તો બીમારી પાસે નહીં ફરકે અને સ્વાસ્થ્ય સારું રહેશે.

કેવું હોય સમતોલ ભોજન

-  શિયાળામાં લીલાં પાંદડાંવાળાં શાકભાજી ઘણાં મળે છે. ચોલાઈ, પાલક, મેથી, સરસોં, ફ્લાવરને તમારા ભોજનમાં જરૂર સામેલ કરો. આનું સેવન તંદુરસ્તી જાળવી રાખે છે.

-   ઋતુનાં ફળ જેવા કે જામફળ, સંતરા, સફરજન, માલ્ટા, દ્રાક્ષ, પપૈયું, આંબળા, ચીકુ વગેરેમાં વિટામીન અને મિનરલ્સ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.

-   સલાડ તરીકે ટામેટાં, મૂળા, ગાજર, સલગમ, કોબીજને ભોજન સાથે લેવાનું ન ભૂલો.

-  બાજરી, પૌંઆ, કમળકાકડી અને લોેબિયા પૌષ્ટિક હોેવાની સાથે ગરમ ગુણધર્મવાળા પણ હોય છે, જે શરીરમાં ગરમી લાવે છે.

-  પ્રવાહી પદાર્થ તરીકે ટામેટાંનો સૂપ, વેજિટેબલ સૂપ, હર્બલ ટી, કોર્ન સૂપ શિયાળામાં લાભદાયી હોય છે.

દાદીમાના નુસખા

બાળકોને ઠંડીથી બચાવવામાં દાદીમાની સલાહ પણ ઘણી સફળ સાબિત થાય છે. આજની ભણેલીગણેલી અને નોકરી કરતી મહિલાઓ પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે પોતે ઘણી સજાગ રહે છે, પરંતુ દાદીમાની સલાહ પર પણ અમલ કરવાનું નથી ભૂલતી.

-  આટાનું ચળામણ, આટો અને સૂંઠના લાડુ, ગોળ, નાળિયેર, ખસખસના લાડુ, તલ અને ગોળના લાડુ જેવા ગરમ પ્રકૃતિવાળા પદાર્થો ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર થાય છે.

-   શિયાળાની ઋતુમાં બાજરી, મકાઈ અને સોેયાબીનના લોટની રોટલીનું સેવન કરવાથી ફાયદો થાય છે.

-  ભોજન પછી દૂધમાં  ચ્યવનપ્રાશ લેવાથી શરદી, તાવ, થાક અને તાણથી મુક્તિ મળે છે. નવી શક્તિનો સંચાર થાય છે.

- સાંધા અને કમરના દુખાવામાં જડીબુટ્ટીઓથી બનેલા તેલનો ઉપયોગ કરવાથી આરામ મળે છે.

-  શિયાળામાં ખાંડના બદલે ગોળનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારું ગણાય છે.

સફળ અને ખુશહાલ જીવન જીવવા માટે સ્વસ્થ હોવું જરૂરી છે. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની સાથે સાથે સમગ્ર પરિવારનું પણ ધ્યાન રાખવું પડે છે. એટલા  માટે એમનું માનસિક અને શારીરિક સ્વરૂપે  સ્વસ્થ હોવું વધુ જરૂરી છે.

- મિનાક્ષી તિવારી