આ સીઝનમાં માણો એસિમેટ્રિ નેકલાઇનની ફેશન
અત્યાર સુધી આપણે એસિમેટ્રિ (અસમપ્રમાણ) ડ્રેસની ફેશન જોઇ છેે. આવા પોશાક મોટાભાગે નીચેથી અસમાન હોય છે. ચાહે તે સ્કર્ટ હોય, ટોપ હોય કે લોંગ ફ્રોક. પણ આ વર્ષે એસિમેટ્રિ નેકલાઇનની ફેશન પૂરબહારમાં ખીલી છે. ફેશન ડિઝાઇનરો માને છે કે તમારા પોશાકની ગરદન પાસેની પેટર્ન બહુ મહત્વની હોય છે. તેને કારણે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચાય છે. આવી સ્થિતિમાં જો તમે એસિમેટ્રિ નેક પહેરો તો તે કેટલું બધું આકર્ષક બની રહે. કદાચ એટલે જ આ સીઝનમાં ફેશન ડિઝાઇનરોએ એસિમેટ્રિ નેકલાઇનનો ટ્રેન્ડ શરૂ કર્યો છે.
તેઓ કહે છે કે આ વિન્ટર સીઝન ડેકોલ્ટાઝ (ગરદન અને ખભા ખુલ્લા રહે તેવી પેટર્નનો ડ્રેસ)ના નામે છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. કહેવાની જરૂર નથી કે સેલિબ્રિટી માનુનીઓએ તો આવી નેકલાઇન પહેરવાનું શરૂ પણ કરી દીધું છે. એક દિવાળી પાર્ટીમાં અનુષ્કા શર્માએ તેના લહંગામાં અંગ્રેજી વી નેકલાઇનનું બ્લાઉઝ પહેર્યું હતું. તેવી જ રીતે કરિશ્મા તન્ના એક રીઆલિટી શોમાં મહેમાન બની ત્યારે તેણે સાડી સાથે આવી પેટર્નનું બ્લાઉઝ પહેર્યું હતું.
ફેશન ડિઝાઇનરો કહે છે કે આ સીઝનમાં રંગો, પેટર્ન, ફેબ્રિક ઇત્યાદિમાં ઘણી નવીનતા ઉમેરાઇ છે. તેમાંય એસિમેટ્રિ નેકલાઇન અત્યંત સેક્સી દેખાય છે. રંગોની વાત કરીએ તો લેમન યેલોનું સ્થાન પાઇનેપલ યેલોએ લીધું છે. જ્યારે ગુલાબીમાં પાવડર પિંક શેડ ફેવરિટ બન્યો છે. ગળા પાસે કરાવેલું વિવિધ પ્રકારનું ભરતકામ તમારા પોશાકને વધારાનું આકર્ષણ બક્ષે છે. તેવી જ રીતે ભૌમિતિક પ્રિન્ટ પણ ઇન છે.
એક જાણીતી ફેશન ડિઝાઇનર કહે છે કે ડીપ વી કે ડીપ સ્ક્વેેઅર નેક સેક્સી અને સ્ટાઇલિશ દેખાય છે. તેમાંય જો તે ગુલાબી રંગના લહંગા ઉપર પહેરવામાં આવે તો તેની શોભા જ નિરાળી લાગે. તેવી જ રીતે આવાં બ્લાઉઝ પારદર્શક સાડી સાથે પહેરવાથી તેની ડીપ નેકલાઇન ઉડીને આંખે વળગે છે. જો તમને પારદર્શક સાડી પહેરવાની ઇચ્છા ન હોય તો તમારી સાડીનો છેડો આખી નેકલાઇન દેખાય એ રીતે રાખો.
સાડી ઉપરાંત કુરતી, પલાઝો કે શરારા સાથે અંગ પર ચોંટી ન જાય એવું લિસ્સા ફેબ્રિકના ટોપ ઇત્યાદિમાં પણ એસિમેટ્રિ ખૂબ જચે છે. તેવી જ રીતે આ વર્ષે રાઉન્ડ હાઇ નેકની ફેશન પણ પરત ફરી છે. ખાસ કરીને ફોર્મલ ઇવેન્ટમાં આવા ગળાના ટોપ વધુ પહેરાય છે. જોકે યુવાન છોકરીઓ માટે હૃદયાકાર નેક અને ઓફ્ફ શોલ્ડર સ્વીવ્ઝ બેસ્ટ ઓપ્શન ગણાય. જ્યારે મહિલાઓ સાડી સાથે આવા નેકના બ્લાઉઝ પહેરી શકે.
અન્ય એક ફેશન ડિઝાઇનર કહે છે કે જ્યાં સુધી જેકેટ્સ, પાવરસુટ્સ, પેન્ટસુટ્સ જેવા પોશાકોની વાત છે ત્યાં સુધી લોકો ક્લાસિક વધુ પસંદ કરે છે. પરંતુ આધુનિક ફેશનમાં ડેકોલ્ટાઝ જ ફેવરિટ છે. તેવી જ રીતે રાતા અને પીળાના વિવિધ શેડ્સ પણ ટ્રેન્ડી છે. આ વર્ષમાં વિક્ટોરિયાના સમયની હાઇ નેકલાઇન ખૂબ પસંદ થઇ રહી છે. તે ગરદન પાસેથી થોડી તંગ હોવા છતાં માનુનીઓને બહુ ે ગમી રહી છે. એકદમ ખુલતી બાંય પણ ફેશન ટ્રેન્ડ સર કરી રહી છે. અલબત્ત, ક્લાસિક ભરતકામ કાયમ ફેશનમાં રહે છે તેમ આ વર્ષે પણ રહ્યું છે.
બોટ નેક,વી નેકના બ્લાઉઝ સાથે પારદર્શક સાડી ટ્રેન્ડી લાગે છે.જ્યારે યુવાન છોકરીઓ પેન્ટ કે ડેનિમ ઉપર પહેરાતા ટોપમાં એસિમેટ્રિ કોલર બનાવડાવી શકે.
જો તમે કોઇ ઇવેન્ટ માટે ફોર્મલ લુક ઇચ્છતા હો તો હાઇ રાઉન્ડ નેકના ટોપ કે બ્લાઉઝ સાથે એક્સેસરી થોડી વધુ પહેરો. જેમ કે લાંબુ નેકલેસ અથવા લાંબી બુટ્ટીે.સાથે હાથમાં સુંદર બ્રેસલેટ કે અડધો ડઝન જેટલી ઝીણી બંગડી પહેરી શકાય.પરંતુ ઇવનિંગ પાર્ટીમાં ડીપ વી અથવા ડીપ સ્કવેઅર નેકના બ્લાઉઝ સાથે કાનમાં લાંબા લટકણિયા પહેરો. પણ ગળામાં કાંઇ ન પહેરો. ગળામાં કોઇપણ એક્સેસરી પહેરવાથી નેકની ડિઝાઇન મારી જશે.જોકે નોખા તરી આવવા માટે છીપલાંની ઇયરરિંગ પહેરી શકાય.ા
- વૈશાલી ઠક્કર