Get The App

આભૂષણોથી સૌંદર્યની અભિવૃદ્ધિ .

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
આભૂષણોથી સૌંદર્યની અભિવૃદ્ધિ                                   . 1 - image


સ્ત્રી માટે આભૂષણ તેના સૌંદર્યને આકર્ષક બનાવવાના પર્યાયરૂપ છે. એ વાત સાચી પણ છે કે પોશાક અને આભૂષણ એના સૌંદર્યમાં અનેરો નિખાર લાવે છે. સ્ત્રીનો એ સ્વાભાવિક ગુણ છે કે પોશાક અનુસાર વિવિધ આભૂષણ દ્વારા એ પોતાને આકર્ષક બનાવે.

જેમ જેમ માનવ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ સ્ત્રીમાં પણ સૌંદર્ય વૃદ્ધિ માટે આભૂષણ પહેરવાની વૃત્તિ વિકસતી ગઈ. સમય બદલાવાની સાથે તેના આકાર, પ્રકાર અને શૈલીમાં પણ પરિવર્તન આવ્યું. હાડકાં, શીંગડાં, લાકડા, કાચ, ફળોની ગોટલી અને છીપલાંમાંથી બનાવેલાં આભૂષણોથી લઈને સોના-ચાંદી જેવી વિવિધ ધાતુઓ અને મોતીનાં આભૂષણોથી સ્ત્રીએ પોતાના સૌંદર્યને સજાવ્યું છે. ફેસન બદલાવાની સાથે એણે પ્લાસ્ટિક, લાખ કે બ્લેક મેટલનાં આભૂષણ પણ અપનાવ્યાં.

આ આભૂષણો પહેરીને સ્ત્રી ક્યારેક પોતાની સુંદરતા અને વૈભવનું પ્રદર્શન કરતી, તો ક્યારેક એ પોતાની બચત યોગ્ય રીતે સચવાઈ રહે,  તે માટે સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓનાં આભૂષણ ઘડાવતી. જો કે વધતા જતા અપરાધ તેમ જ સોના-ચાંદીની કિંમત વધવાને કારણે બજારમાં નકલી આભૂષણ વધારે દેખાવા લાગ્યાં.

નકલી આભૂષણ મુખ્યત્વે દિલ્હી, કોલકતા, મુંબઈ અને જયપુર જેવાં શહેરોમાં બને છે. મદ્રાસમાં સોનાનો ઢોળ ચડાવેલાં નકલી આભૂષણ મોટા પાયે બને છે. વળી, તે વધારે કિંમતી પણ નથી હોતાં. થોડા સમય પહેલાં અમેરિકન ડાયમંડવાળાં આભૂષણ ખૂબ લોકપ્રિય બન્યાં હતાં, પરંતુ એકાએક તેનું પ્રચલન ઘટી જતાં તે બજારમાં ઓછાં મળવા લાગ્યાં.

વાસ્તવમાં, અમેરિકન ડાયમંડવાળાં આભૂષણને તમે ફરી બજારમાં વેચવા જાવ, તો ખાસ કિંમત મળતી નથી. પરિણામે, લોકોને આવાં આભૂષણો પ્રત્યે ખાસ રુચિ ન રહી. વળી, નકલી આભૂષણોમાં આ આભૂષણોની કિંમત સૌથી વધારરે હતી.

સોનાનું મહત્વ અકબંધ હતું, છે અને રહેસે. સોનું એક એવી ધાતુ છે જેનો ચળકાટ હજુ બધાને આકર્ષી રહ્યો છે. સોનાની ખરીદીમાં ભારત ટોચ પર છે. નવા રોકાણની વાત આવે ત્યારે અમુક દલીલો ચોક્કસપણે થાય. એવું કહેવાય છે કે આ પીળી ધાતુ એની ચમક  ગુમાવી રહી છે, પણ હજુ ઘણા લોકો રોકાણ માટેના બીજા વિકલ્પો પસંદ કરતા નથી. ભારતના મધ્યમવર્ગના લોકોને હજુ સોનાનું આકર્ષણ છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે તેઓ એના પર જ પસંદગી ઢોળતા હોય છે. એમાંય ખાસ કરીને કન્યાદાન  જેવા પ્રસંગે અપાતી કીમતી ભેટ માટે તો સોનાનો વિકલ્પ જ નથી.

આર્થિક મંદી, શેરબજારમાં નીચે જતો ઇન્ડેક્સ અને છટણીના વાયરામાં શું લેવું ને શું ન લેવુંની દ્વિધા દરેકના મનમાં થતી હોય છે.

'સોનું દરેકની એકસરખી પસંદગી છે.'  એક એવોર્ડ વિજેતા જ્વેલરી ડિઝાઈનર   કહે છે. બારે માસ જેની ડિમાન્ડ રહે છે એવી જ્વેલરી ડિઝાઈનિંગની કરિયર અપનાવવા બદલ એ ખુશ છે. દાગીના બનાવવા તમે ક્યું મટીરીયલ વાપરો છો એના પર બધો આધાર રાખે છે. જો તમે સારી ક્વોલિટીનું સોનું, યુનિક ડિઝાઈન અને ઉત્તમ પ્રકારનાં રત્નોને યોગ્ય ઘાટ આપો તો એની કિંમત કદી ઘડતી નથી.

અન્ય એક જ્વેલર કહે છે : 'સોનું કે સોનાના દાગીના શેરબજારના રોકાણ કરતાં ઘણું સલામત રોકાણ છે. ખરેખર, જેમને સોનામાં રોકાણ કરવું હોય તેમણે સોનાની લગડી લેવી જોઈએ, જેમાં મજૂરી બાદ થવાનો ભય રહેતો નથી.'

સોનું એટલે સોનું. દુનિયા આખીની ઇકોનોમી સોના પર નભે છે. લેવડદેવડ સોનામાં થાય છે એમ કહેતાં ખારના એક જ્વેલર્સ આગળ જણાવે છે, 'આવી સ્થિતિમાં સોનાની કિંમત ગમે  તેટલી વધે તેનો મોહ ઓછો થતો નથી. આજે પણ પુરુષ એમની પત્ની દાગીના લોકરમાં મૂકેલા રાખવાને બદલે પહેરીને ફરે એવું ઇચ્છતો હોય છે.'

.બધા એક વાતે તો સહમત થતા હોય છે કે સોનું ભલે બીજા રોકાણ જેટલું લાભદાયી હોય કે નહીં, પણ એનું એક આકર્ષણ તો છે જ. ખરીદનાર કદી એને વેચવા ઇચ્છતો નથી. કપરા કાળ સિવાય. હા, તો નેશનલ સેવિંગ્ઝ સર્ટિફિકેટ   કરતાં વેચવા કાઢશે. સોનું લોકોને સલામતી બક્ષે છે. અમદાવાદની એક ગુજરાતી ગૃહિણી કહે છે, 'હું તો દર વર્ષે એક-એક તોલો સોનું ખરીદું છું કારણ કે મારી દીકરીનાં લગ્નમાં તેને આકર્ષક અને ભારેમાંનાં કંગન, મંગળસૂત્ર ને બાલી આપી શકું.'

વડોદરા નિવાસી ગીતાંજલિ જણાવે છે, 'હું સોનું ખરીદવું વધુ પસંદ કરું છું કારણ જો નસીબ વાંકું હોય ને ખરાબ સ્થિતિ આવી પડે તો કામ લાગે.'

એક્સપર્ટ્સ ભલે ગમે તે કહે, ભવિષ્ય ભાખનાર ગમે તે ભાવિ ભાખે, પણ ભારતીયો માટે સોનું એટલે રોકાણ, સ્ટેટસ અને દેખાવ માટેની અંતિમ પસંદગી .

Tags :