Magazines

ઇમરાન અને યમી પોતાની ફિલ્મ 'હક'ના બચાવમાં ઉતર્યા

By GS TEAM
20 Nov 20253 mins read
ઇમરાન અને યમી પોતાની ફિલ્મ 'હક'ના બચાવમાં ઉતર્યા

- 'ફિલ્મ સ્વીકારતી વખતે તે વિવાદાસ્પદ બનશે કે કેમ તેવો વિચાર મને આવતો નથી. સ્ક્રીપ્ટમાં કેટલો દમ છે, તે મને કેટલી પ્રભાવિત કરી શકે છે એ જ મારે મન મહત્ત્વનું છે.'

યામી ગૌતમ ધર અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ 'હક' ચર્ચામાં છે. એટલા માટે કે હકના કેન્દ્રમાં ઐતિહાસિક શાહ બાનો કેસ છે, જેણે આખા દેશમાં હલચલ મચાવી દીધી હતી. ડિવોર્સી મુસ્લિમ મહિલા શાહ બાનો તલાક બાદ પોતાના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા છેક સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી. સુપ્રીમે એનો ભરણપોષણ મેળવવાનો અધિકાર માન્ય રાખી એની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ મુસ્લિમોના એક વર્ગે એનો ઉગ્ર વિરોધ કરી ચુકાદાને કુરાનવિરોધી ગણાવ્યો હતો. એને પગલે કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારે ચુકાદાને મોળો પાડી દેવા કાયદામાં રાતોરાત સુધારો કરી દીધો હતો. ૪૦ વરસ પૂર્વેના આ ઘટના હક ફિલ્મને કારણે ફરી તાજી થઈ છે.

દિલ્હીના એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારે હમણાં પોતાની એક ઈવેન્ટમાં યામી ગૌતમ ધર અને ઈમરાન હાશ્મીને વિશેષ અતિથિ તરીકે બોલાવી એમની સાથે હક વિશે વાર્તાલાપ કર્યો. સૌપ્રથમ યામીને એવો પ્રશ્ન કરાયો કે તમને અવારનવાર 'રાષ્ટ્રવાદની પોસ્ટ ગર્લ'નું બિરૂદ મળતું રહ્યું છે. એ જોતા તમે હકમાં રોલ કરી મોટુ રિસ્ક (જોખમ) લીધું હોય, એવું તમને નથી લાગતું? જવાબમાં પોતાના બોલ્ડ રોલ્સ માટે જાણીતી એકટ્રેસે કહ્યું, 'હું ૨૦૧૨થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. મેં વિકી ડોનરથી ડેબ્યુ કર્યું, જે એ સમયની સૌથી અનકન્વેનશનલ (રૂઢિથી જુદી) મૂવી હતી. ત્યારથી હું જેવી છું એવી જ ફિલ્મોમાં દેખાવાનો મારો પ્રયાસ રહ્યો છે. એક એક્ટર તરીકે હું સમાજને કંઈક પ્રદાન આપી શકું તો જ મારું ફિલ્મોમાં હોવું સાર્થક છે. એટલે જ હું મારા રોલ, મારી સ્ક્રીપ્ટ અને મારા ડિરેક્ટરને અગત્યના ગણું છું.'

જ્યારે ફિલ્મમાં શાહ બાનોના પતિ મોહમ્મદ અહમદ ખાનનું પાત્ર ભજવનાર ઈમરાન હાશ્મીએ પોતાની કૈફિયતમાં કહ્યું, 'પહેલીવાર મેં એ કેસને એક મુસ્લિમ તરીકે જોયો. મારે કહેવું જોઈએ કે સ્ક્રીપ્ટમાં મારા પાત્રને એક માનવીય એન્ગલ અપાયો છે. બોલીવૂડમાં ફિલ્મો વેચવા સામાન્યપણે હીરો વર્સિસ વિલનની સ્ટોરી બતાવાય છે. પરંતુ આ ફિલ્મમાં (શાહબાનો) કેસને એકદમ પૂર્વગ્રહરહિત દ્રષ્ટિથી જોવાયો છે.'

યામીને બીજા પ્રશ્નમાં સીધેસીધુ પૂછાયું, 'તમે જ્યારે સાંભળ્યું કે હક શાહબાનો કેસથી પ્રેરિત છે ત્યારે તમને ફિલ્મ વિવાદાસ્પદ બની જવાનો ડર નહોતો લાગ્યો?' એકટ્રેસ એનો બિન્દાસ ઉત્તર આપે છે, 'એક આર્ટિસ્ટ તરીકે મને ફિલ્મ સ્વીકારતી વખતે એ ચર્ચાસ્પદ કે વિવાદાસ્પદ બનશે તેવો વિચાર નથી આવતો. સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ એમાં કેટલો દમ છે એ મારે મન મહત્ત્વનું છે. અલબત્ત, હક ૧૯૮૦ના દશકની એક અતિ સાહસિક સ્ત્રીની પાવરફુલ સ્ટોરી છે, એમાં કોઈ શંકા નથી. 

આજે મહિલાઓના અધિકારો અને એમનું જીવનધોરણ સુધારવાની વાતો થાય છે, પરંતુ એ સમયે આવું કંઈ નહોતું. એ મહિલાએ પોતાના સંતાન માટે એક મા કરે એવું જ કર્યું અને એ વખતે એનો ઈરાદો પોતાની લડતને વિવાદાસ્પદ બનાવવાનો નહોતો. કોઈ પણ મા પોતાના બાળકની સુખાકારી માટે આવું વિચારી શકે. એટલે જ મને લાગ્યું કે હક એક અદ્ભુત રીતે લખાયેલી સ્ક્રીપ્ટ છે.'

ઉક્ત પૃચ્છાનો ઇમરાન પાસે પણ વેલિડ કહી શકાય એવો જવાબ હતો, 'મેં ફિલ્મ સાઈન કરી ત્યારે મારા મનમાં પણ અમુક સવાલ હતા. હું અમુક પ્રકારની જ ફિલ્મો કરતો આવ્યો છું. પરંતુ એક આર્ટિસ્ટ તરીકે વિકસવા મારે જુદા જુદા પાત્રો ભજવવા જરૂરી છે. તમે કોઈ જોખમ ન લો તો એ આર્ટ નથી, માત્ર માર્કેટિંગ છે. એક્ટર તરીકે તમારે મસાલા ફિલ્મો કરવાની આવે છે, જે રિલિઝ થયા બાદ પહેલા વીકમાં જ ભૂલાઈ જાય છે. ઠીક છે, એ બિઝનેસનો એક ભાગ છે. પરંતુ હક જેવી મૂવીઝ પણ મહત્ત્વની છે.'