કેશકલાપ 'કામણગારા' કરવામાં કારગર જડીબુટ્ટીઓ

સ્ત્રીની સુંદરતા નિખારવામાં અગત્યનો ભાગ ભજવતા વાળનું જતન કરવા આજે બજારમાં સંખ્યાબંધ ઉત્પાદનો સહેલાઈથી મળી રહે છે. પરંતુ જ્યારે તમારી સામે બે-ચાર કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે તેમાંથી વધુ સારું કયું એવી મૂંઝવણ પણ અનુભવાય. ચોક્કસ પ્રોડક્ટ ખરીદી લીધાં પછી એવો વસવસો પણ રહ્યા કરે કે આના કરતાં પેલું લીધું હોત તો કદાચ વધુ સારું પરિણામ મળત. જ્યારે કેટલીક રમણીઓ એમ પણ વિચારે કે આટલાં મોંઘા ઉત્પાદનો ખરીદ્યા પછી પણ મનમાં અવઢવ રહ્યાં કરે તેના કરતાં આપણી દેશી જડીબુટ્ટીો શું ખોટી? તેમાં કમ સે કમ વાળને કોઈ પ્રકારની આડઅસર થવાની ભીતિ તો ન રહે. અને ખર્ચ પણ પ્રમાણમાં ઘણો ઓછો થાય તે નફામાં. જો તમે પણ આવું જ વિચારતા હો તો નિષ્ણાતો તમને કેશની કાળજી કરવા કેટલાંક હર્બ વિશે માહિતી આપે છે.
આમળા: ગુજરાતી ગોરીઓને આમળા એટલે શું તે સમજાવવાની બિલકુલ જરૂર નથી. હા, તેના ગુણ વિશે ચોક્કસ જાણવું જોઈએ. આમળાંને આપણે અમૃત ફળ કહીએ છીએ. આમળાં એન્ટિઑક્સિડન્ટ્સથી સમૃધ્ધ હોય છે. ખાસ કરીને વિટામીન 'ઈ' અને 'સી' થી. આમળાનો અર્ક વાળના મૂળમાં રહેલાં ખાસ કોષો માટે અત્યંત અસરકારક પુરવાર થાય છે. આ કોષો જ વાળ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતાં હોય છે. જો માથામાં નિયમિત રીતે આમળાના અર્ક અથવા આમળાંના તેલથી પાંચથી ૧૦ મિનિટ માલીશ કરવામાં આવે તો તેનો સીધો ફાયદો વાળને મળે છે. જે તે માનુનીના વાળ ઝપાટાભેર વધવા લાગે છે. અલબત્ત, આ પ્રક્રિયા શેમ્પૂ કરવાના હો તેનાથી થોડીવાર પહેલા કરી લેવી. આમળાં હવે ઓરલ સપ્લીમેન્ટ, એટલે કે ગોળી અને પાવડર સ્વરૂપે પણ મળે છે. જોકે દરરોજ એક તાજું આમળું ચાવી ચાવીને ખાવાથી પણ તેના સઘળાં ગુણોનો લાભ વાળને મળે છે. આમળાં વાળ વધારવા સાથે કેશને અનોખી ચમક પણ આપે છે.
એલોવેરા: એલોવેરાના પાનમાં રહેલી જેલ માથાની ત્વચા-કોષો માટે અતિઉત્તમ ગણાય છે. એન્ટિઑક્સિડંટ ગુણોયુક્ત વિવિધ પ્રકારના વિટામીનપ્રચૂર, ખાસ કરીને વિટામીન 'એ', 'સી' અને 'ઈ'ના ભંડાર સમી આ જેલ વાળને કુદરતી રીતે મૉઇશ્ચર કરવા સાથે સુંવાળા પણ બનાવે છે.
શુધ્ધ એલોવેરા જેલ અથવા જ્યુસથી માથામાં માલીશ કર્યા પછી થોડીવારે વાળ શેમ્પૂ કરી લેવાં. એકાદ-બે વખત આ પ્રયોગ કરવાથી જ તમારા વાળમાં આવેલો બદલાવ સ્પષ્ટ નજરે પડશે.
રોઝમેરી ઓઈલ: જેને માથામાં ખંજવાળ આવતી હોય ખોડાની સમસ્યા હોય તેમના માટે રોઝમેરી ઓઇલ અસરકારક પુરવાર થાય છે. આ તેલમાં રહેલા ફંગસ-બેક્ટેરિયા વિરોધી અને દાહ-બળતરા વિરોધી ગુણો આવી સમસ્યાોમાં રાહતદાયક નિવડે છે. વળી તેના દાહ-બળતરા વિરોધી ગુણોને કારણે વાળ વધવામાં પણ મદદ મળે છે. આ તત્વો વાળના મૂળને સ્વસ્થ રાખતાં હોવાથી કેશ જલદી વધે છે.
રોઝમેરી ઑઇલના થોડાં ટીપાં માથામાં નાખીને પાંચથી ૧૦ મિનિટ સુધી માલીશ કરો. ત્યાર પછી તરત જ વાળ શેમ્પૂ કરી લો. ચારેક અઠવાડિયામાં તેની અસર દેખાવાનું શરૂ થઈ જશે. અને ચારેક મહિનામાં વાળના મૂળમાં રહેલી સઘળી સમસ્યાઓ દૂર થઈ જવાથી વધતા કેશ પણ દેખાઈ આવશે.
ડેન્ડેલાયન રૂટ: ડેન્ડેલાયન રૂટ મોઢા વાટે લેવામાં આવે ત્યારે માથામાં થતી દાહ-બળતરામાં રાહત મળે છે. ખાસ કરીને જેમને ખોડા કે અન્ય કોઈ કારણસર માથામાં બળતરાનો અનુભવ થતો હોય તેમના માટે ડેન્ડેલાયન રૂટ અચ્છી સપ્લીમેન્ટ બની રહે છે. તેમાંય જો તે બર્ડોક રૂટ સાથે ચાની જેમ લેવામાં આવે તો વિષહર તરીકે કામ કરે છે. તે શરીરમાં રહેલાં વિષારી તત્વો બહાર ફેંકી દઈને શરીરને શુધ્ધ કરે છે. ૧૦થી ૧૫ દિવસ સુધી આ ચાનું સેવન કરવામાં આવે તો તેના પરિણામો દેખાવા લાગે છે.
જોકે ડેન્ડેલાયન રૂટ અન્ય કોઈ જડીબુટ્ટી સાથે લેવામાં આવે તો તેની આડઅસર થવાની ભીતિ રહે છે. આવી સ્થિતિ ટાળવા તેનો ઉપયોગ કરવાથી પહેલા નિષ્ણાત તબીબની સલાહ લેવી આવશ્યક ગણાય. ખાસ કરીને જો તમે અન્ય કોઈ હર્બલ સપ્લીમેન્ટનું સેવન કરતાં હો ત્યારે.
સૉ પામેટ્ટો: સૉ પામેટોના છોડનો અર્ક વાળ માટેની ઘણી સપ્લીમેન્ટ્સમાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે તે મોઢા વાટે લેવાની સપ્લીમેન્ટ તરીકે લેવામાં આવે ત્યારે તેની સકારાત્મક અસર દેખાવા લાગે છે. ઓ બેરીઝમાં રહેલા ચોક્કસ તત્વો વાળના મૂળને હાનિ પહોંચાડતી સમસ્યાઓ દૂર કરે છે. આમ ટાલ પડવાની સમસ્યાથી પીડાતા સ્ત્રીઓ કે પુરૂષોને સૉ પામેટ્રોયુક્ત ઓરલ સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપવામાં આવે છે. આઠેક અઠવાડિયામાં ધીમે ધીમે તેની અસર દેખાવા લાગે છે.
- વૈશાલી ઠક્કર









