Magazines

શાન્તિની કેળવણી .

By GS TEAM
18 Mar 20263 mins read
શાન્તિની કેળવણી                                       .

- तेषाम शान्तिः शाश्वती नेतरेषाम्

જે પુણ્યશાળી મનુષ્ય પરબ્રહ્મ ઇશ્વરની પ્રાપ્તિનો અધ્યાત્મ માર્ગ અનુસરે તે મનુષ્ય માટે શાંતિ હરહંમેશ પર્યાપ્ત બની રહે છે. સંસ્કૃત ભાષાની આ સુંદર પંક્તિ માનવજીવનમાં શાંતિ કેળવણી (તેષામ્ શાન્તિ:) અને શાંતિ પ્રાપ્તિ (નેતરેષામ્) અંગે સમજ અને જ્ઞાન આપે છે. શાંતિ એ મનુષ્યનો તેજસ્વી દિવ્યતાભર્યો ઉર્જાવાન સાત્વિક સદ્ગુણ છે. વાસ્તવમાં મનુષ્યનું સાચું સ્વરૂપ શાંતિ સ્વરૂપ છે - આનંત સ્વરૂપ છે. ઇશ્વરે સર્જન કરેલ સૃષ્ટિ-પ્રકૃતિ-આ સમગ્ર જગત શાંતિમય છે. 'વૃક્ષો - વનરાજિ - પર્વતો - નદીઓ - નભમંડળના તારાઓ - તારાઓનું વૃંદ - સૌમ્ય મનોહર ચંદ્ર - ઉષ્ણ સૂર્ય' - ઇશ્વરનો આ અદ્ભુત વૈભવ છે. ઇશ્વરનો સૌંદર્યસ્વરૂપે શાંતિભર્યો ઠાઠ!

વનવગડાનાં વૃક્ષોને નિહાળીએ તો વૃક્ષોનું વૃંદ તપ કરતાં ઋષિ-મુનિઓ જેવું શાંત-સૌમ્ય-મનોહર જણાય. વૃક્ષો પાસે સ્થિર શાંતિ છે. સાથે સાથે પરમાર્થ અને પરોપકારનો અવિરત આનંદ છે. પર્વતો પાસે એકાગ્ર શાંતિનો દિવ્ય સંદેશ અને સ્વભાવ છે. પ્રકૃતિને માનવજીવનમાં વણી લઈએ તો - પ્રભુનો દરેક જીવ પ્રકૃતિની જેમ શાંત અને આનંદ સ્વરૂપ છે. જે માનવમન શાંતિની કેળવણી એ સાધુ સંગ, સત્સંગ, પ્રભુસ્મરણ, દર્શન, જય મંત્રમાં ઓતપ્રોજ હોય તેનું મન-મનોબળ શાંત-સ્વસ્થ-પ્રભુમય રહી શકે. વળી જ્ઞાની અને ગુણી સંતો, આચાર્યો-મહંતો, ગુરૂજનોનાં પ્રવચનો, ઉપદેશ અને શિક્ષા સંસ્કાર ઘડતર સમયની મધુરવાણી-વચનો થકી શાંતિની સુગંધ સર્વત્ર પ્રસરાવે ! પ્રવચનનો સમય સમૃદ્ધ બને શાંતનાં સર્જને!

વિશેષ મનુષ્ય જીવનવ્યવહારમાં દરેક પ્રકારે સંતોષ અને અહમ્ શૂન્યતાભરી વિચારશૈલી - કાર્યશૈલી અપનાવે ત્યાં સર્વ શાંતિના સ્તોત્રો સુલભ બની રહે ! અન્યમાં - મનુષ્ય જો પરિવાર - પાડોશી - મિત્રવર્તુળ તેમજ સમાજમાં ક્ષમા, સમાધાન, સદ્ભાવ અને સ્વીકાર ભાવની મનમાં કળા-કેળવણીની શીખ મેળવે છે. 'શાંતિ-સાધના, શાંતિ-આરાધના-શાંતિ-ઉપાસના' બની રહે! તદુપરાંત જે પુણ્યશાળી આત્મા સ્વધર્મે ફરજે - માતા-પિતા, ગુરૂજનો - સાધુ સંતોની સેવા-સમર્પણની સદ્વ્યવહાર-કાર્ય ઉમંગે ઉમંગે જોડાય જે વાસ્તવમાં નિરંતર શાંતિનું સર્જન કરી શકે.

અહીં સેવાકાર્ય માનવી માટે શાંતિનું ઉદ્ભવસ્થાન બની રહે! અન્ય રજૂ કરીએ તો - જ્યાં ધર્મ છે, ધર્મભાવ છે, ધર્મપ્રીતિ છે - શ્રેષ્ઠ ધર્મવૃત્તિ છે તેમજ ધર્મસંબંધી રોજબરોજની ધર્મક્રિયાઓ છે તે પુણ્યમાર્ગે સહજ શાંતિ ધર્મબળે અને ધર્મકાર્યે ઉપલબ્ધ બની રહે! વળી - જ્યાં રાગ-દ્વેષ, ઇર્ષ્યા - અહંકાર - તિરસ્કાર - કષાયો જેવી રાક્ષસી તમસવૃત્તિનું દહન થાય, શમન થાય ત્યાં આપબળે - 'શાંતિ સ્થાપના - શાંતિનું સામ્રાજ્ય' અસ્તિત્વમાં આવે! વિશેષ માનવીએ જીવનકાળ દરમ્યાન શાંતિનું ધ્યેય અને જાગરૂકતાનું લક્ષ્ય રાખવું જોઈએ. ખરેખર, મનુષ્યનાં શાંતિભર્યા, આનંદમય અને પ્રસન્નતાસભર નાનાં-મોટાં પ્રમાણિક પ્રયત્નો જીવનસફરમાં શાંતિ સર્જન અને શાંતિ કેળવણી સંદર્ભે આવકારદાયક બની રહે!

સર્જનાત્મક વિચારધારા :

અન્ય મનુષ્યો પ્રતિ સારોભાવ - પ્રેમસ્નેહ-સદ્ભાવ માયાળુ - પ્રેમાળ હળવું હળવું વાતાવરણ 'શાંતિ અધ્યયન - શાંતિ સ્વાધ્યાય' બની રહે. આજનાં જેટ યુગમાં માનવ સુખ-શાંતિ કેન્દ્રો જીવનની શાંતિ સાથેની ગુણવત્તાને બદલે નાણાં કોથળીની વૃદ્ધિમાં મહદ્ સમય ચાલ્યો જાય છે.

ભગવાન મહાવીર અને બુદ્ધ રાજમહેલ - સુખ વૈભવનો ત્યાગ કરી વૈરાગ્યનાં બળે શાંતિની શોધમાં હતા - સુખની નહીં !

- કમલેશ હરિપ્રસાદ દવે