શિક્ષિત બેરોજગારી એક મોટી સમસ્યા લાખો યુવક-યુવતિઓે તાણ હેઠળ...
વૈશ્વિક સરેરાશ કરતા ભારતમાં બેરોજગારીનો દર નોંધપાત્ર ઊંચો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાની વાહવાહી અને કાશમીર મુદ્દે ભારતના વલણની થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે ઘરઆંગણે ઊભરી રહેલી શિક્ષિત બેરોજગારીની સમશ્યા પર ભાગ્યે જ કોઈ ગંભીર હોવાનું જણાય છે. બેરોજગારી ખાસ કરીને શિક્ષિત બેરોજગારીએ દેશના લાખો યુવક-યુવતિઓને તાણ હેઠળ મૂકી દીધાનું ચિત્ર છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરાયેલા ઉચ્ચ શિક્ષણ ૨૦૧૮-૧૯ના ઓલ ઈન્ડિયા સર્વે તથા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકાનોમી (સીએમઆઈઈ) દ્વારા જારી કરાયેલા બેરોજગારી પરના રિપોર્ટમાં દેશમાં શિક્ષિત બેરોજગારીનો આંક કેટલી હદે કથળી ગયો છે તેના પુરાવા આપે છે. આ બન્ને સર્વેમાં આર્થિક મંદીએ બેરોજગારીની માત્રામાં કેવો વધારો કરાવ્યો છે તેના પર પ્રકાશ પાડયો છે. બેરોજગારીની હાલની સમશ્યા એટલી હદે વકરી ગઈ છે કે કોઈપણ રાજકીય પક્ષો માટે તેને કાબુમાં લેવાનું શકય રહ્યું નથી.
શાળા શિક્ષણની સરખામણીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની આંકડાકીય માહિતી ઘણી જ નબળી રહેતી હોવાનું ધ્યાનમાં રાખતા ૨૦૧૧-૧૨માં તે વેળાની કેન્દ્ર સરકારે ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થાને કારણે ભારતમાં હવે ઉચ્ચ શિક્ષણ પૂરી પાડતી સંસ્થાઓ અને તેમાંથી બહાર નીકળતા શિક્ષિત યુવક-યુવતિઓની સંખ્યા દર વર્ષે પ્રાપ્ત થવા લાગી છે. જો કે આ સર્વે પરથી શિક્ષણની ગુણવત્તા મેળવવાનું સરળ નથી બન્યું.
૨૦૧૮-૧૯ના ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન રિપોર્ટ પર નજર નાખવામાં આવતા દેશમાં યુનિવર્સિટીઓની સંખ્યા જે ૨૦૧૧-૧૨માં ૬૪૨ હતી તે વધીને ૯૯૦ પર પહોંચી ગઈ છે. ખાનગી યુનિવર્સિટીઓના પ્રવેશને કારણે આ સંખ્યા ઊંચે જવા પામી છે. છેલ્લા આઠ વર્ષમાં સ્થપાયેલી ૩૫૧ યુનિવર્સિટીઓમાંથી ૧૯૯ યુનિવર્સિટીઓ ખાનગી યુનિવર્સિટીઓ હતી જેને જે તે રાજ્ય સરકારોએ મંજુરી આપી હતી. આ યુનિવર્સિટીઓમાં શિક્ષણનું સ્તર ઘણું જ નબળું હોવાનું જોવા મળે છે, આમ આવી યુનિવર્સિટીઓનો વિકાસ સારા સમાચાર સાબિત નથી થઈ શકયા.
દેશમાં હાલમાં ત્રણ કરોડથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. આ આંક સામાન્ય નજરે આકર્ષક જણાય છે, પરંતુ દેશમાં ૧૮થી ૨૩ વર્ષની વચ્ચેની વય સાથેની લોકસંખ્યાને જોતા ઉચ્ચ શિક્ષણ મેળવવા જતા લોકોની ટકાવારી માત્ર ૨૬ ટકા છે. આમ ૭૫ ટકા યુવક-યુવતિઓ જેમણે ઉચ્ચ શિક્ષણ લેવું જોઈતું હતું તેઓ આ શિક્ષણ મેળવી શકતા નથી. આપણી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા હેઠળ દર વર્ષે અંદાજે એક કરોડથી ઓછી ડીગ્રી પૂરી પાડવામાં આવે છે.
આ ડીગ્રી લઈને બહાર પડતા મોટાભાગના યુવક-યુવતિઓ પાસે ભાગ્યે જ કોઈ ચોક્કસ પ્રકારની સ્કીલ્સ હોય છે જે તેમને રોજગારને પાત્ર બનાવતી હોય એટલું જ નહીં પૂરતા જ્ઞાાનનો પણ તેમની પાસે અભાવ જોવામાં આવે છે. લોકસંખ્યાની દ્રષ્ટિએ ભારત એક વિશાળ દેશ હોવા છતાં વર્ષેદહાડે અહીં બે લાખથી પણ ઓછા લોકો પીએચડી જેવી ડીગ્રી સાથે બહાર પડે છે. આપણું ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા અને સંખ્યા બન્ને પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે.
રોજગાર સંદર્ભિત મે-ઓગસ્ટ ૨૦૧૯ના છેલ્લામાં છેલ્લા રિપોર્ટ પ્રમાણે, બેરોજગારીના દરમાં સ્થિર વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. બેરોજગારીનો દર જે મેમાં ૭.૦૩ ટકા હતો તે ઓગસ્ટના અંતે વધીને ૮.૧૯ ટકા રહ્યો છે. વૈશ્વિકસ્તરે આ દર સરેરાશ ૪.૯૫ ટકા છે. આમ વૈશ્વિક સરેરાશ કરતા ભારતમાં બેરોજગારીનો દર ઊંચો છે.
ખૂબીની વાત તો એ છે કે શિક્ષણના સ્તરમાં વધારા સાથે બેરોજગારીનું સ્તર પણ વધી રહ્યું છે. અશિક્ષિતોમાં બેરોજગારીનું પ્રમાણ શિક્ષિતો કરતા ઘણું નીચું અથવા નહીંવત છે. અશિક્ષિતો સામાન્ય રીતે ગરીબ અથવા સામાન્ય વર્ગના વધુ હોય છે માટે તેમને બેરોજગાર રહેવાનું પરવડી શકતું નથી. છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે, સ્નાતકો કે તેનાથી વધુ અભ્યાસ સાથેના શિક્ષિતોમાં બેરોજગારીનું પ્રમાણ ૧૫ ટકા જેટલું ઊંચું છે. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ભારતમાં અનેક રીતે ચિંતાજનક કહી શકાય.
સીએમઆઈઈ જણાવે છે કે દેશમાં ૧૦ કરોડથી વધુ ગ્રેજ્યુએટો છે અને આમાંથી ૬.૩૦ કરોડ લોકો રોજગાર માટે ઈચ્છા ધરાવે છે અને ઉપલબ્ધ છે. આમાંથી ૫.૩૫ કરોડ સ્નાતકો પાસે કોઈક પ્રકારના રોજગાર છે, જ્યારે એક કરોડ સ્નાતકો અથવા ઊંચી ડીગ્રી સાથેના યુવા-યુવતિઓ એવા છે જેમની પાસે કોઈ રોજગાર નથી. વધુને વધુ યુવતિઓ ગ્રેજ્યુએટ થઈ રહી છે ત્યારે શિક્ષિત મહિલાઓમાં બેરોજગારીનું પ્રમાણ ૧૭.૬૦ ટકા જોવા મળ્યું હતું જે યુવકોના ૬.૧૦ ટકાના પ્રમાણ કરતા લગભગ બમણા કરતા વધુ છે.
આમ શિક્ષિત બેરોજગારોની સંખ્યા ચિંતાજનક સ્તરે વધી રહી હોવાનું આ બન્ને રિપોર્ટ પરથી કહી શકાય એમ છે. આ શિક્ષિતો માત્ર બેરોજગાર જ છે એવું નથી પરંતુ તેમનામાં પૂરતી નિપુણતાનો અભાવ પણ રહેલો છે, આમ તેઓ રોજગાર માટેની પૂરતી લાયકાત ધરાવતા નથી એમ કહી શકાય. વિશ્વમાં અર્થતંત્રના વિકાસ સાથે તાલીમબદ્ધ કર્મચારીબળની માગણી પણ વધી રહી છે. રોજગારને લાયક સ્કિલ સાથેના માનવબળનો અભાવ ઉદ્યોગો દ્વારા સામનો કરાતા મુખ્ય પડકારોમાંનો એક છે.
આપણી શિક્ષણ પદ્ધતિના જડ ઢાંચાને પરિણામે રોજગાર માટે બહાર પડતા યુવા શિક્ષિતો રોજગારને લાયક એવી સ્કિલ સાથે સુસજ્જ નથી હોતા જેને પરિણામે તેમને રોજગાર લાયક બનાવવા તાલીમ કાર્યક્રમ પાછળ જંગી ઈન્વેસ્ટમેન્ટની કંપનીઓને આવશ્યકતા રહે છે. બદલાતા સમયમાં ચાલી શકે તેવા તાલીમબદ્ધ કર્મચારીબળનો અભાવ દેશની વિકાસગાથાને ગતિ આપવામાં અવરોધરૂપ બનતું એક પરિબળ છે.
ભારત સહિત વિશ્વભરમાં ઘેરી આર્થિક મંદીના સંકેત મળી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધુ ચિંતાજનક સ્તરે પહોંચતા વાર નહીં લાગે. કંપનીઓ પણ નવી ભરતી કરવાને બદલે કોસ્ટ કટિંગના નામે પોતાના હાલના કર્મચારીઓને છૂટા કરી રહી હોવાના પણ અહેવાલો આવી રહ્યા છે. ખાસ કરીને ઓટો ક્ષેત્રમાં તાજેતરના ભૂતકાળમાં વ્યાપક છટણી જોવા મળી છે.
આ સ્થિતિને કારણે વિશ્વના અનેક દેશોમાં સામાજિક અશાંતિ ઊભી થઈ છે અને બેરોજગારીની આગમાં રોષે ભરાયેલો યુવાવર્ગ તોફાને ચડયો હોવાનું જોવા મળી રહ્યું છે. ત્રિપલ તલાક, કાશમીર મુદ્દો, ગેરકાયદે વસતા નાગરિકોને દેશમાંથી હકાલપટ્ટીના પ્રયાસો તથા કોર્પોરેટ જગતને પ્રોત્સાહનો પૂરા પાડવાની સાથોસાથ સમય પાકી ગયો છે કે દેશની સરકાર શિક્ષિત બેરોજગારોની સામે જુએ અને તેમની ચિંતા દૂર થાય તેવાપગલાં હાથ ધરે અન્યથા બેરોજગારીનો આંક એવા સ્તરે પહોંચી જશે જેને નીચે લાવવાનું સરકાર માટે લગભગ અશક્ય બની જતા વાર નહીં લાગે.