Get The App

આમળાં ખાઓ- યૌવન ટકાવો

Updated: Dec 16th, 2019

GS TEAM

Google News
Google News
આમળાં ખાઓ- યૌવન ટકાવો 1 - image


ઓક્ટોબરથી લઇને છેક માર્ચ-એપ્રિલ સુધી બજારમાં, શાક માર્કેટમાં કે પછી ફ્રુટ માર્કેટમાં ઠેર-ઠેર જોવા મળતા રતાશ પડતા પીળા રંગના, મોટી સોપારી જેવા ગોળ મટોળ અને ચમકદાર આમળા જેટલા ચિત્તાકર્ષક હોય છે તેટલા જ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. અરે, સ્વાસ્થ્યના સંદર્ભમાં તો 'આમળાને જોવા માત્રથી પણ ફાયદો થાય છે' એવું કહેવું અનુચિત નહીં લેખાય. દિવાળીની ઉજવણીના પ્રસાદરૂપે ઉતરી આવતા સંપૂર્ણ રસકસથી યુક્ત આમળા સંપૂર્ણ માનવજાત માટે અમૃતફળની ગરજ સારે એવા છે.

આ ક્ષણે મને આમળાના ગુણ-કર્મની શ્રેષ્ઠતાને સિધ્ધ કરતો એક ઐતિહાસિક પ્રસંગ યાદ આવે છે. કહેવાય છે કે, વળિયા-પળિયાથી ઘેરાયેલી વૃધ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા ચ્યવન ઋષિ પણ તે સમયે આમળામાંથી બનાવેલા ઔષધયોગનું સેવન કરીને જ દ્રઢ કાંતિવાળા, મેઘાવી, બળવાન અને સુંદર-દેખાવડા યુવાન બની ચિરકાલ સુધી યુવાવસ્થાને ભોગવતા રહ્યા હતા. અરે, આ જ કારણે તો આમળાના એ ઉત્તમ ઔષધયોગને તેનો સર્વ પ્રથમ ચમત્કારિક લાભ મેળવનારા ચ્યવન ઋષિના નામ ઉપરથી જ 'ચ્યવનપ્રાશ' તરીકે આજે પણ ઓળખવામાં આવે છે.

તો મિત્રો, પ્રથમ આમળાના ગુણ, કર્મ અને પ્રયોગોનું વર્ણન જોયા બાદ આ દિવ્ય ફળમાંથી બનતા ચ્યવનપ્રાશને ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિધિ પણ જોઇ લઇશું.

આમળાના ગુણ:

ષડ્કસયુક્ત સમગ્ર વિશ્વમાં આમળા જ એક માત્ર એવું ફળ છે કે જેમાં લવણ-ખારા રસનો અભાવ હોય છે. સ્વાદમાં અમ્લરસપ્રધાન આમળા પચ્યા પછી મધુરતા અને શીતળતાને પ્રદાન કરે છે. આવા આ આમળા ગુણની દ્રષ્ટિએ ગુરૂ અને રૂક્ષ હોય છે.આધુનિક દ્રષ્ટિએ જોઇએ તો આમળામાં વિટામીન સી પ્રચુર માત્રામાં રહેલું હોય છે.

બીજા શબ્દોમાં કહેવું હોય તો આમળા એટલે સાક્ષાત વિટામીન સીનો પિંડ જ જોઇ લો. એક અંદાજ મુજબ એક આમળાના રસમાં નારંગીના રસ કરતા વીસ ગણું અધિક વિટામીન સી રહેલું હોય છે અને આથી જ તો આમળા સ્કર્વી, રક્તપિત્ત જેવા રોગોનું એક મહા ઔષદ ગણાય છે. આ ઉપરાંત કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને વસા જેવા આહારનું મુખ્ય ઘટકોથી અલ્પાંશેયુક્ત એવા આમળામાં કેલ્શિયમ, લોહ-તત્ત્વ, ટૈનિક એસિડ, ગૈલિક એસિડ, આલ્બ્યુમીન વગેરે જેવા શરીર ઉપયોગી તત્ત્વો પણ ઓછાવત્તા અંશે રહેલા હોય છે.

આમળાનું કર્મ

રોગનાશક અને સ્વાસ્થ્યવર્ધક એવા આ આમળા વાયુ- પિત્ત- કફ સ્વરૂપ ત્રણે દોષોનું શમન કરનારા હોવા છતાં વિશેષ રૂપથી તે પિત્તને શાંત કરવામાં શ્રેષ્ઠ છે. શરીરનાં કોઇ પણ ભાગમાં થતી બળતરામાં પ્રયોજેલા આમળા એ તેનો રામબાણ ઇલાજ છે. આવા આ આમળા આંખોની બળતરા, આંખોની લાલાશ અને નબળાઇને દૂર કરી દ્રષ્ટિનું તેજ વધારનારા, અકાળે ખરી પડતા વાળને દ્રઢ બનાવી લાંબા સમય સુધી કાળા રાખનારા છે. વળી, વિટામીન સી પ્રચૂર આમળા માનસિક દુર્બળતા જનિત વિકારોમાં તેમ જ નાડીઓની દુર્બળતાને પરિણામે થયેલા રોગોમાં અત્યંત ઉપયોગી પૂરવાર થાય છે કારણ કે શરીરમાં મગજના કોષોનું તથા નાડીઓને પોષણ આપવાનું મહત્ત્વનું કાર્ય વિટામીન સી દ્વારા થાય છે.

ભોજનમાં રુચિ ઉત્પન્ન કરી જઠરાગ્નિને પ્રદિપ્ત કરવાની સાથે આમળા સારક પણ હોવાથી અરૂરી, અગ્નિમાંદ્ય, કબજિયાત, અમ્લપિત્ત, ઉદરશૂલ જેવા ઉદરગત વિકારોને પણ દૂર કરે છે. હૃદય માટે અત્યંત હિતકારી એવા આ આમળા રક્તસ્ત્રાવ સ્તંભક હોવાથી દાંત-પેઢામાંથી થતા રક્તસ્ત્રાવ, અત્યધિક માસિક સ્ત્રાવ વગેરેમાં પણ ખૂબ લાભદાયી બને છે. વળી, ગર્ભાશયની દીવાલને મજબૂત કરનારા આમળા, પુરુષના અલ્પ શુક્રાણુતાના દોષને દૂર કરી, શુક્રાણુઓની વૃધ્ધિપૂર્વક ગર્ભસ્થાપન કરવાનો મહત્ત્વનો ગુણ ધરાવે છે.

આ ઉપરાંત, જવરઘ્ન એવા આમળા એક તરફ કૃચ્છતાપૂર્વક થતી મૂત્ર પ્રવૃત્તિને દૂર કરે છે તો બીજી તરફ પ્રમેહ- ડાયાબિટિસમાં પણ હિતકારી સિદ્ધ થાય છે. આધુનિક દ્રષ્ટિએ એ પણ સાબિત થઇ ચૂક્યું છે કે આમળાના સ્વરૂપમાં રહેલા વિટામીન સીથી જૂનામાં જૂની શરદી તથા જ્ઞાાનતંતુઓના રોગો પણ મટી શકે છે તથા વૃધ્ધત્વને દૂર કરનારા કેટલાક તત્ત્વો પણ આમળામાં રહેલા છે. આમળામાં વિટામીન સી સાથે લોહતત્ત્વ પણ રહેલું હોવાથી પાંડુ-એનિમિયા રોગમાં તે ઉત્તમ છે.

 કાયાકલ્પ કરનાર અદ્ભુત ઔષધયોગ

ચ્યવનપ્રાશ જો પોષાય તેમ ન હોય ત્યારે તેની અવેજીમાં તેના જેવો જ ઉત્તમ કાયાકલ્પ કરનારો બીજો ઔષધ યોગ તે આમલકી રસાયન છે. આમલકી રસાયન તૈયાર કરવામાં પણ અત્યંત સરળ છે જેમ કે તેના માટે ચારસો-પાંચસો ગ્રામ આમળાના ચૂર્ણને એક કિલો લીલા આમળામાંથી કાઢેલા રસની સાથે મેળવી દરરોજ અડધા-પોણા કલાક સુધી તેનું મર્દન કરવું. જેટલું વધુ મર્દન કરવામાં આવે તેટલા વધુ સારા લાભ મેળવી શકાય છે. મર્દન કરતી વખતે આવશ્યકતા અનુસાર પાણી મેળવવું. આ રીતે પંદર-વીસ દિવસ સુધી અનુકૂળતા મુજબ મર્દન કરવું. આ રીતે તૈયાર કરેલ આમલકી રસાયનને હવાચુસ્ત પાત્રમાં બંધ કરી રોજ સવારે એક ચમચી માત્રામાં પાણી સાથે ફાકી જવું.

ચ્યવનપ્રાશ બનાવવાની વિધિ:

ચ્યવનપ્રાશ બનાવવા માટે સૌ પ્રથમ દશમૂળ, બળદાણા, મોથ, ભુવક, ઋષભક, મેદા, માષપર્ણી, મૃદ્ગપર્ણી, કાળુ કમળ, પીપર, કાકડાશીંગી, ભોંઆંબલી, નાની એલચી, ડોડી, કાળી દ્રાક્ષ, પુષ્કરમૂળ, સુખડ, ષડ્કચૂરો, સાટોડી, ઋધ્ધિ, ગળો, હરડે, વિદારીકંદ, અરડૂસીનાં મૂળ આ દરેકે-દરેક ઔષધ ચાર-ચાર તોલા લઇ તે બધાથી ચાર ગણા પાણીમાં તેમને મેળવી, ધીમા તાપે ઉકાળવા. પાણી થોડું ઉકળે એટલે તેમાં પાંચસો ગ્રામ તાજા રસદાર આમળાને કપડાની પોટલીમાં બાંધી તે પોટલીને તે પાણીમાં મૂકવી. પોટલીમાંના આમળા જ્યારે સારી રીતે બફાઇ જાય ત્યારે તે પોટલીને કવાથ- જલમાંથી કાઢી લેવી. ત્યારબાદ ધીમા તાપે ઉકાળતા જઇને જ્યારે પાત્રમાંનું પાણી આશરે આઠમા ભાગનું શેષ રહે એટલે પાત્રને અગ્નિ પરથી ઉતારી લેવું, પછી સારી રીતે ગાળી લેવું. હવે, આંબળા બાંધેલી પોટલીને ખોલી એક-એક આમળાને વારાફરથી લઇ કપડા ઉપર ઘસતા જઇ, રેસા અને ઠળીયાને દૂર કરવા.

ત્યારબાદ તે આમળાની લુગદીમાં ચોવીસ તોલા ગાયનું ઘી અને ચોવીસ તોલા તલનું તેલ મેળવી પકાવવું. જ્યારે, આમળાની લુગદી કંઇક અંશે રતાશ પડતો થઇ જાય એટલે તેને ઉતારી લેવું. પછીથી પૂર્વે ગાળેલા કવાથ- જલમાં બસો તોલા ખાંડ નાંખી ચાસણી બનાવવી. ચાસણી જ્યારે બે તારની થઇ જાય એટલે તેમાં ઘી-તેલમાં ભૂંજેલા આમળા મેળવી દેવા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપ ધીમો અને એકધારો રાખવો જરૂરી છે. અન્યથા તેમાં રહેલા પોષકાંશોના બળી જવાની સંભાવના રહેલી છે.

જ્યારે, પાત્રમાં રહેલ આ બધા ઔષધ દ્રવ્યો અવલેહ સમાન- તૈયાર થઇ ગયેલા મોહનથાળ સમાન થઇ જાય એટલે તેને ઉતારી લેવું. પછીથી જ્યારે તે અવલેહ ઠંડો પડે એટલે પાછળથી તેમાં ચોવીસ તોલા મધ મેળવી દેવું. અને તેની ઉપર સોળ તોલા વંશલોચન, આઠ તોલા પીપર, ને ઇલાયચી, દાલચીની, તેજપત્ર, નાગકેસર ચારેય એક-એક તોલો લઇ, બધાનું બારીક ચૂર્ણ કરી તેમાં મેળવી દેવું. બસ, થઇ ગયો તમારો ચ્યવનપ્રાશ તૈયાર. અંતે તેને સારી રીતે બંધ કરી શકાય એવા સ્વચ્છ પાત્રમાં ભરી લેવું.

માત્રા: દરરોજ સવારે નરણા કોઠે એક ચમચી ચ્યવનપ્રાશને સારી રીતે ચાવીને ખાધા પછી ઉપર એક ગ્લાસ દૂધ પી જવું.

ચ્યવનપ્રાશના ગુણ

અગાઉ જણાવ્યું તેમ ઘડપણના કારણે અશક્ત બનેલા ચ્યવન ઋષિ પણ આ જ ચ્યવનપ્રાશનું સેવન કરી પુન: યુવાવસ્થાને પ્રાપ્ત કરી શક્યા હતા. આમ, કાયાકલ્પ કરવામાં ચ્યવનપ્રાશ શ્રેષ્ઠ છે. ચ્યવનપ્રાશનું વિધિસર સેવન કરવાથી ઉધરસ, દમ, તાવ, ક્ષય, હૃદયના રોગો, ફુપ્ફુસની વિકૃતિઓ, વાતરક્ત તથા પેશાબ અને વીર્યમાં રહેલા દોષો, શુક્રાણુ અલ્પતા, કામ શીતળતા, અવાજની કર્કશતા દૂર થાય છે. આ ઉપરાંત, તેમાં નિત્ય સેવનથી યાદશક્તિમાં વધારો, શરીરની કાંતિ-દેખાવ, આરોગ્યને આયુષ્યની વૃધ્ધિ, કામશક્તિમાં  વધારો થવો જઠરાગ્નિની પ્રદિપ્તી થવી શરીરનો વર્ણ સુધરવો વગેરે જેવા કંઇ- કેટલાય ફાયદા મેળવી શકાય છે. ખ્યાતનામ ન્યુરો સર્જન ડોક્ટર પેરાન્જલિએ પોતાના રિસર્ચ પેપરમાં ચ્યવનપ્રાશ તેમ જ આમળા બ્રેઇન ટયુમર અને ટી.બી.ના રોગમાં ખૂબ સારું પરિણામ આપે છે. તેવું કેટલાય રોગીઓ ઉપર તેમણે કરેલા પ્રયોગને અંતે નોંધેલ છે.

તો મિત્રો, જો તમે હજુ સુધી આમળા ખાવાનું શરૂ ન કર્યું હોય તો 'જાગ્યા ત્યારથી સવાર' માની યથાશિઘ્ર વયસ્થાપનપૂર્વક સ્વાસ્થ્યનું વર્ધન કરનારા આમળાનું સેવન શરૂ કરી દો. સાચે જ, જેવી રીતે ઉનાળાનું અમૃત આમ્ર છે તેવી જ રીતે શિયાળાનું અમૃત તે આમળા છે.

- નયના

Tags :