Magazines

દાંતની તમામ તકલીફોનો સરળ ઈલાજ

By GS TEAM
17 Nov 20252 mins read
દાંતની તમામ તકલીફોનો સરળ ઈલાજ

ઘણી  વ્યક્તિઓ જાહેરમાં ખડખડાટ હસે છે તો અમુક લોકો થોડ ખચકાટ કે સંકોચ અનુભવ છે. આવો સંકોચ કે ખચકાટનું કારણ  હોય છે તેમના કદરૂપા દાંત. ઘણી વ્યક્તિઓના દાંત એકદમ સ્વચ્છ, દાડમની કળીઓ જેવા અને વ્યવસ્થિત અને સફેદ દૂધ જેવા હોય તો વળી અમુકના દાંત કાળી, પીળા અને આડા અવળા હોય છે.

જો કે આજકાલ ઘણાં યુવક-યુવતીઓ અને મોટેરાં પણ તેમના દાંત સાફ, ચોખ્ખા અને ધોળાબનાવવા દાંતના એકાદ નિષ્ણાત ડોક્ટર પાસે જાય છે. પેલો ડોક્ટર આવાં યુવક-યુવતીની દાંતની  ફરિયાદ કેટલા અંશે દૂર કરી શકે છે એ તો સવાલ  પરંતુ  દરદીના ખીસાં જરૂર ખાલી થઈ જાય.

જો કે દાંતની બધી ફરિયાદ દૂર કરવા ઘણા ઘરગથ્થુ ઉપાયો જાણવા જેવા છે.

રસોઈના મસાલા અને શાકભાજી - ફળ: 

બીજી બાજુ આપણા કેટલાક ઘરગથ્થુ ઉપાયો દ્વારા જ દાંતની સફાઈ પણ થઈ શકે. સાથોસાથ દાંત પર બાઝી ગયેલા કાળાં અને પીળાં ધાબાં પણ દૂર થઈ શકે. ઉપરાંત દાંત ધોળા સુધ્ધાં થઈ શકે. આટલું જ નહીં, ઘરના રસોડામાં રસોઈમાં  વપરાતા હળદર, મીઠું, ખાવાનો સોડા જેવા મસાલા ગાજર, સફરજન, સ્ટ્રોબેરી જેવા ફળ અને શાકભાજી પણ દાંતને મજબૂત  બનાવવામાં બહુ મદદરૂપ બને છે. ખાસ કરીને આયુર્વેદ અને તબીબી વિજ્ઞાાન એમ કહે છે કે આવાં શાકભાજી ફળોમાંનો મેલીક એસિડ  દાંતમાં ભરાઈ ગયેલાં અને આરોગ્ય માટે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે અને  ખાદ્ય પદાર્થોના સુક્ષ્મ કણો સાફ કરી  નાખે. વળી, મેલીક એસિડથી દાંત પરનાં કાળા અને પીળા ડાઘ પણ ઘણા અંશે દૂર થઈ જાય તથા દાંત સફેદ પણ થઈ જાય.

સફરજનનો વીનેગર  : 

 ઉપરાંત સફરજનના રસમાંથી બનાવવામાં  આવો  સરકો (વીનેગર) પણ દાંત પરના કાળા તથા પીળા ડાઘ દૂર કરવામાં  ઉપયોગી બને છે. ઘણા  લોકો કોફી પીવાના શોખીન હોય છે, જ્યારે અસંખ્ય લોકો બીડી-સિગારેટ પણ ફૂંકતા હોય છે. આવાં લોકોનાં દાંત પર કાળા-પીળા ડાઘ પડી જાય. જો કે સફરજનના રસનો સરકો અને પાણીનું  મિશ્રણ  લઈને દરરોજ સવારે કોગળા કરવાતી પણ દાંત સાફ રહે.

ખાવાનો સોડા : 

 આપણા રસોડામાં  ખાવાનો સોડા જરૂર હોય. અમુક રસોઈમાં વપરાતો ખાવાનો સોડા પણ દાંત સાફ રાખે. ભોજન કર્યા બાદ ખોરાકનાં નાના કણો બે દાંત વચ્ચેની જગ્યામાં  ભરાઈ રહે. લાંબા ગાળે દાંતમાં સડો થાય. જોકે ખાવાનો સોડા થોડું મીઠું અને પાણી ભેળવીને તેનું મિશ્રણ-લુગદી- બનાવીને દાંત પર ઘસવાથી ઘણી રાહત રહે. દાંત પરના કાળા અને પીળા ડાઘ દૂર થઈ જાય અને દાંત સફેદ બની જાય.  અઠવાડિયામાં  આવો પ્રયોગ બે-ત્રણ વખત કરવાથી દાંતની બધી ફરિયાદ દૂર થઈ જશે. 

- ઈશિતા