Magazines

કોલેજિયન કન્યાઓનો ડ્રેસ કોડ .

By GS TEAM
4 Aug 20257 mins read
કોલેજિયન કન્યાઓનો ડ્રેસ કોડ                                .

- ફેશન કરો પણ મર્યાદામાં રહીને

ગુજરાતી ઢબે આગળ છેડો રાખીને સાડી પહેરેલી કોઈ સ્ત્રીને જુઓ તો  તરત ખબર પડી જાય કે તે ગુજરાતણ છે. પંજાબણ તેના પંજાબી ડ્રેસ પરથી અને મારવાડણ તેના ઘરારા પરથી પરખાઈ આવે. આમ દરેક પ્રાંત દરેક કોમની વ્યક્તિ તેના પોશાક પરથી ઓળખી શકાય છે. પણ આ રીતે વસ્ત્રો પરથી સંસ્કૃતિ અને જાતિ કે કોમની પરખ કરવાની વાત તો જૂના જમાનાની થઈ. આજે  તો સંસ્કૃતિને ભૂલાવી દે તેવી નીત નવી વરણાગી ફેશનમાં મહાલતી યુવતીઓ એવા એવા પોશાક પહેરે છે જેનાથી તેની નાતજાત, પ્રાંત કંઈ ખબર જ ન પડે.

એમાં ખોટું શું છે! એવો પ્રશ્ન કદાચ તમને થાય એ  ખરી વાત છે. ગુજરાતી નારી પંજાબી ડ્રેસ પહેરે  કે  બંગાળી સ્ટાઈલથી સાડી પહેરે તેમાં કશું અજુગતું નથી. એક અર્થમાં તો એ રાષ્ટ્રીય એકાત્મતા માટે   જરૂરી છે. બધા ભારતીયજનો પ્રાંત, ભાષા, ન્યાત જાતના ભેદભાવ ભૂલીને વસ્ત્રો પહેરે તો તેમાં ખોટું શું છે. ઊલટાનું આ નવા ચીલાને આવકારવો જોઈએ. એ સામે કોઈને વાંધો હોવો જોઈએ નહીં.

ચિંતા એ વાતની છે કે ફેશનમાં ફાટી પડેલી મોટા શહેરની કેટલીક યુવતીઓ જે પોતાને મોડર્ન ગણવામાં ગૌરવ અનુભવે છે. તેઓ પશ્ચિમના વાદે ચઢીને ભારતીય સંસ્કૃતિને વિસારે પાડી રહી છે. તેમાં ય  કોલેજિયન યુવતીઓ તો એવા પોશાક પહેરતી થઈ છે કે ખબર ન પડે કે એણે તન ઢાંકવા વસ્ત્ર પહેર્યું છે કે શરીરનું પ્રદર્શન કરવા.

દક્ષિણ મુંબઈની કોલેજનો જ એક દાખલો છે. એક રૂપાળી કન્યા હાથમાં પર્સ લઈને લટકમટક કોલેજ તરફ જતી હતી. ગોરો વાન ધરાવતી આ યુવતી તરફ બધા વિદ્યાર્થીઓ તાકી તાકીને જોતા હતા. કેટલાંકના મોંમાંથી તો સિસ્કારા નીકળી ગયા. પેલી કોલેજિયન છોકરીએ ઊંચી હીલવાલા સેન્ડલ અને નેટવાળું કાળું સ્લેક્સ તથા ઝીણી જાળી ધરાવતું કાળા રંગનું પુલ ઓવર પહેર્યું હતું. શરીર ઘાટીલું હતું અને પાછો ગોરો દેહ, એટલે એ વિદ્યાર્થીની  શરીર એક અર્થમાં પારદર્શક  કહી શકાય તેવા પોશાક નીચેથી સ્પષ્ટ દેખાતું હતું. તેની ભરી જવાની, એક એક અંગ પરથી ઊતરીને બહાર નીતરતી હોય અને તેની રસ લહાણી કરવાની હોય તેમ કોલેજિયન છોકરાઓ તેની સામે ફાટી આંખે જોઈ રહ્યા. પોશાક ચુસ્ત હોવાને કારણે અને  જાળી જેવી ડિઝાઈન  હોવાને લીધે એ છોકરીએ પહેરેલી કાળા રંગની બ્રા તથા પેન્ટી પણ સ્પષ્ટ દેખાતા હ તા. એમ કહી શકાય  કે એ કન્યાએ કોઈ ફિલ્મી વેમ્પ જેવો મારકણો ડ્રેસ પહેર્યો હતો.

બન્યું એવું કે જેવી એ યુવતી કોલેજના પ્રાંગણમાં પ્રવેશી કે તરત જ એક માથા ફરેલા યુવાને જોરદાર સિસોટી મારીને પછી એ યુવતી તરફ હાથ લંબાવતા બૂમ પાડી : હાય, સેક્સી... પેલી છોકરીનો પિત્તો ગયો. તેણે પાછું વળીને પેલા યુવાનને  કોઈ ગાળ ભાંડી. પેલો યુવક વધુ ઉશ્કેરાયો.જોત જોતામાં મામલો બિચક્યો એ યુવક-યુવતી વચ્ચે ઉગ્ર જીભાજોડી શરૂ થઈ ગઈ. મોટું ટોળું એકઠું થયું. તેમાં પેલી યુવતી તરફ એકપણ વ્યક્તિ સહાનુભૂતિ દર્શાવનારા હશે એવું લાગતું નહોતું. કોલેજના મકાનની બાજુમાં જ ફ્લેટ ધરાવતા  પ્રિન્સિપાલે બારીમાંથી આ તમાશો જોયો. તરત જ તેમણે વોચમેનને મોકલી પેલી કોલેજિયન વિદ્યાર્થીનીને બોલાવી. બીજું કાંઈ પૂછ્યા વગર તરત જ તેને ઘરે જઈ પોશાક બદલી આવવાની સલાહ આપી. શરમથી માથું નીચું ઝુકાવીને એ છોકરી તરત રિક્ષા કરી ઘર ભેગી  થઈ  ગઈ.

ફેશન પરસ્તી આપણને અધ:પતનના કેટલા ઊંડા ખાડામાં લઈ જશે એ કંઈ સમજાતું નથી. ગામડાઓમાં જાવ તો હજું પણ લાંબા ઘુંઘટની આડમાં ચહેરાની નજાકત ઢાંકી રાખતી સ્ત્રીઓ હજુ આજેય જોવા મળે છે. બીજી તરફ શહેરોમાં ગામડાંની ગોરી જેવો જ ચણિયાચોળીનો ડ્રેસ ફેશન તરીકે અપનાવી ગરબે ઘૂમતી કોલેજિયન કન્યાઓ મર્યાદાનો અંચળો ફગાવી એવી નફ્ફટાઈથી વર્તે છે જાણે યુગ પરિવર્તન થઈ ગયું હોય.

ગયા વરસે મુંબઈની નવરાત્રી જોવા ઠેકઠેકાણે ફરી વળેલા ઘણાં લોકો એવી વાત કરતાં સાંભળવા મળ્યા હતા કે ડિસ્કો દાંડિયા-રાસ તો આધુનિક ફેશનના નામે લોકોએ ચલાવી લીધા પણ માતાજીના મંડપમાં ગરબે ઘૂમતી છોકરીઓ આટલી હદે દેહપ્રદર્શન કરે એ તો કોઈપણ રીતે રોકવું જોઈએ.  આખરે લાજશરમ જેવી પણ કોઈ ચીજ છે કે નહીં? કસકસતી ચોળી અને નાભિથી પણ નીચે અડધી કમર ખુલી દેખાય તેવી રીતે બંધાયેલી ચણિયાની ગાંઠએ ફેશનને નામે આચરવામાં આવતી નગ્નતા નથી તો બીજું શું છે.

યુવતીઓને નગ્નતાના રવાડે ચઢાવવા માટે અમુક અંશે ફેશનેબલ વસ્ત્રોનું બજાર પણ જવાબદાર છે. નીત નવી ડિઝાઈન અને ફેશનના પોશાક બજારમાં મૂકીને ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવાની વેતરણમાં પડેલાં વસ્ત્ર ઉત્પાદકો પશ્ચિમી ઢબના પોશાકની બેઠી નકલ કરે છે. અગાઉ આવી નકલ કરતા તેઓ બે વાર વિચાર કરતા કે પશ્ચિમના ઊન્મત્ત, ઊધ્ધત સમાજમાં ચાલતી આ ફેશન આપણી ભારતીય સંસ્કૃતિને છાજશે ખરી. ભારતીય યુવતીઓ આ નવી ફેશન નહીં અપનાવે તો? હવે વેપારીઓને એવો કોઈ ડર જ નથી કારણ કે ફેશનનું લેબલ મારીને બજારમાં મૂકેલી હરકોઈ ચીજ વેચાઈ જાય છે.

આમ પશ્ચિમની નકલ કરી રહેલી ફેશનપરસ્ત સુંદરીઓ સ્વયં ફેશનને હાથ બેમોલ વેચાઈ ગઈ છે.

આપણાં દેશમાં તો પાછો પરસ્પર વિરોધાભાસ  દેખાય છે. એક તરફ સમાજના સૌથી નીચલા વર્ગ પાસે તન ઢાંકવા કપડું નથી. જ્યારે સૌથી ઉપલો ભદ્ર વર્ગ  કહેવાતી હાઈ સોસાયટીના સભ્યો પૈસે ટકે સુખી હોવા છતાં ફેશનને નામે અડધું શરીર ઉઘાડું રાખીને ફરે છે. સાધનસંપન્ન લોકો ધીરે ધીરે જાણે શરીર પરથી વસ્ત્રોનો બોજ હલકો કરવા માગતા હોય  તેવું લાગે. ખાસ કરીને ૧૮ થી ૩૫ વર્ષ વચ્ચેની વય ધરાવતી યુવતીઓ પોતાના રૂપ, શરીર પ્રદર્શન કરવાની પ્રવૃત્તિમાં જ વ્યસ્ત રહે છે.

પૂનાના એક આર્મી ઑફિસરની બેટી માધુરીનો આ કિસ્સો છે. કોલેજમાં ભણતી માધુરીને રોજ નવી ફેશનના વસ્ત્રો પહેરવાની ટેવ હતી. તેના વસ્ત્રોની સ્ટાઈલ, ડિઝાઈન, કોલેજની બીજી છોકરીઓ માટે એક જોણું બની ગયા હતા. એક દિવસ તે બ્રા પહેર્યા વગર ચુસ્ત ટી-શર્ટ અને જિન્સ પહેરીને કોલેજમાં પ્રવેશી તો તેની સહેલીઓએ પણ તેને વારી કે આ પોશાકમાં તે બહુ જ કઢંગી, ઊત્તેજના જગાવનારી લાગે છે તો માધુરીએ સ્ત્રી સ્વાતંત્ર્ય-વુમન્સ લીબની વાતો કરીને થોડી આડીઅવળી દલીલો કરી ને બધી સખીઓને સમજાવી લીધી. બીજે દિવસ બીજી છોકરીઓ પણ ટોપલેસ ફેશન પરેડમાં ઊતરી હોય તેમ બ્રા પહેર્યા વગર કોલેજમાં આવી. કેટલાક ટીખળીખોર કોલેજિયનોએ આ છોકરીઓની ફિરકી લેવાનું વિચાર્યું. ક્યાંકથી ટીન ભરી ભરીને પાણી લાવીને આ છોકરીઓ પર રેડયું. પલળી ગયેલી કોલેજ કન્યાઓ હવે મુંઝાઈ  કારણ ભીના વસ્ત્રોમાં તેમની જવાની વધુ છતી હતી. હવે કોઈ છુટકો નહોતો. બધી જ છોકરીઓ ટેક્સી કરીને ઘરભેગી થઈ ગઈ.

સામાન્ય રીતે ફેશનના બહાને તન ઉઘાડા રાખવાનું કે અંગ પ્રદર્શન કરવાની પ્રથાએ કેટલું જોર પકડયું છે તેનો આમ આદમીને ખ્યાલન આવે પણ આ મેનિયા કેટલો વધી ગયો છે તે જાણવું હોય તો મોટાં શહેરની કેટલીક પસંદગીની કોલેજોમાં એક લટાર મારી આવજો. અંદર જવાની પણ જરૂર નહીં રહે. બહાર રસ્તા પર, કેન્ટિનમાં કે બગીચામાં લટાર મારતી અનેક કોલેજ કન્યા શરીરની નુમાઈશ કરતી નજરે પડશે.

બીજું સ્થળ  છે હાઈ સોસાયટીની પાર્ટી કોઈપણ ફાઈવસ્ટાર હોટલ, પબ, ડિસ્કો અને ક્લબોમાં સાંજે સાત વાગ્યા પછી જાવ. તોે પાર્ટી - સમારંભોેમાં પતંગિયાની જેમ નવી ફેશનમાં રાચતી આધુનિક નારીઓ નક્કી ભટકાઈ જશે. ભારતીય પરંપરા મુજબ સાડી, બ્લાઉઝ, 'પહેર્યા હશે તો પણ કમર ઉપરનું ઘણું ખરું અંગ દેખાતું હશે. વિટામીન-ઈ નું ક્રીમ લગાવીને ઊજળી, ચકચકિત યૌવનસભર બનાવેલી ત્વચા અને આખરે કોઈકે તો જોવી જોઈએ. ને લો-કટ બ્લાઉઝની પ્રથા તો હવે જૂની થઈ ગઈ, પરંતુ બીજી બ્રા જ કહી શકાય તેવી પાતળી પટ્ટીના બ્લાઉઝની હવે ફેશન નીકળી છે. કેટલીક યુવતીઓ તો વળી સદીઓ પહેલાં પ્રચલિત હતી તેવી પાછળ ગાંઠ મારી શકાય તેવી કંચુકી પહેરીને આવે છે અને ઉપર ટેરિન - સિફોનની લગભગ પારદર્શક કહી શકાય તેવી સાડી પહેરી હોય. બસ, પછી કંઈ કહેવાનું રહેતું નથી. આવી સ્ત્રીઓના ઉન્નત વક્ષસ્થળ પાર્ટીમાં મોજુદ તમામ પુરુષોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. કોકટેલ પાર્ટીમાં વળી કોઈકે બહુ દારૂ ઢીંચ્યો હોય તો છેડછાડ પણ થાય. તેમાંથી મૈત્રી પણ બંધાય કે પછી છુટા હાથની મારામારી અને ગાળાગલોચ થાય.

 આપણા દેશમાં કોઈ સંસ્થાએ એવું સર્વેક્ષણ કર્યું છે કે નહીં એ તો ખબર નથી. પરંતુ લંડનની બે મનોવૈજ્ઞાાનિક નિષ્ણાત મહિલાઓએ બળાત્કારના અનેક કિસ્સાનો અભ્યાસ કર્યા પછી એવું તારણ કાઢ્યું હતું કે મોટેભાગે છોકરીએ પહેરેલા સેક્સી ડ્રેસ વધુ  પડતુ ં અંગ પ્રદર્શન જ રેપિસ્ટ (બળાત્કારી)ને સામેથી નોતરે છે. મર્યાદામાં રહીને ફેશન મચાવવા માટે ફિલ્મો પણ એટલી જ જવાબદાર છે. બૉક્સ ઓફિસ પર ફિલ્મ હિટ નીવડે તે માટે શક્ય તેટલો તમામ ગરમાગરમ મસાલો ઊમેરવાની લાલસામાં નિર્માતા-દિગ્દર્શકો ઊગતી પેઢીને આડે પાટે ચઢાવી  રહ્યા છે. સમાજના આગેવાનોએ આ દિશામાં થોડું મનન કરીને યુવા પેઢીને આ વધુ પડતી ફેશનપરસ્તીને ક્યાંક રોકવી જોઈએ.

- નીપા