Magazines

દ્રૌપદીનો યુદ્ધ પછીનો પસ્તાવો .

By GS TEAM
22 Apr 20262 mins read
દ્રૌપદીનો યુદ્ધ પછીનો પસ્તાવો                               .

બધા જ કૌરવોનો તથા સેનાનો નાશ થયા છે. અને દ્રૌપદીને આનો પસ્તાવો થયો હતો. પાંડવો અને દ્રૌપદી અંતે હિમાલય તરફ ગાત્રાો ગાળવા નીકળ્યા... અર્જુને રસ્તામાં ગાંડીવ ધનુષ્યને ફેંકી દીધુ... યુધિષ્ઠિર રસ્તામાં બોલ્યાં : દેવી, દ્રૌપદી હજી હસ્તિનાપુરમાં જવું હોય તો તમે સુખેથી જઈ શકો છો!

દ્રૌપદી એ જવાબ આપ્યો : મહારાજ, આજથી થોડા વર્ષો પહેલા હસ્તિનાપુર માટે જે મોહ હતો તે આજે નથી રહ્યો. મહારાણી થઈ ન હતી ત્યાં સુધી તે થવાનો મોહ હતો. પણ મહારાણી થતાં થતાં ભલ-ભલા કેવા ભીંસાઈ જાય છે તે સમજાયુ, એટલે તમારી સાથે ચાલી નીકળી છું.

સહદેવ વાતમાં ભળ્યો : 'દેવિ, તમને તો આ યુદ્ધનો ભારે રસ હતો.'

દ્રૌપદીએ ચાલતાં ચાલતાં જવાબ આપ્યો, કે વનવાસ કરતાં યુદ્ધ મને સારૃં લાગતું હતું, પણ આજે તો યુદ્ધ પણ જોઈ લીધું. આજે હવે સમજાય છે કે આ બધાંય વલખા છે, વલખાં, તે દિવસે હું યુદ્ધ માટે કુદતી હતી. અને મહારાજ ને નમાલા કહેતી હતી.

મને આવી ક્યાં ખબર હતી કે આ ગાંડીવ પણ કાળ આવે ચાલતું થયું. શ્રીકૃષ્ણ પણ કાળ આવે ચાલતા થયા. આપણે સહુ હર્યા, ફર્યા, પરણ્યાં, લડયા ને આજે હિમાલય તરફ ચાલ્યાં, આ બધું જોઈને વિચારૃં છું કે આપણે બધાય કાળના રમકડાં છીએ આ સ્પષ્ટ સમજાય છે...નમસ્કાર છે એ કાળને, આ 'કાળ' બોલતાં બોલતાં દ્રૌપદી જમીન પર પડી ગઈ અને બોલી, 'મહારાજ યુધિષ્ઠિર, મારો અંતકાળ નજીક છે. મને માફી આપો. આજે જે વસ્તુ સમજાય છે તે થોડા વર્ષો પહેલાં સમજાઈ હોત તો હું તમને સૌને લડાઈની ના જ પાડત.'

પણ તમારી ક્ષમા શા કામની?? ક્ષમા તો દુ:શાસન આપે તો મળે. ક્ષમા તો દુર્યોધન આપે તો મળે ક્ષમા તો કર્ણ આપે તો મળે, શકુનિ આપે તો મળે અને ક્ષમા તો અઢાર અક્ષૌહિણી સેના આપે તો મળે.

વ્હાલી મા, વ્હાલા બાપુ, તમે તો પેલો યજ્ઞા જ કર્યો હોત તો ?? અરે, તમે પણ મારી માફક કાળના હાથમાં રમકડું જ હશોના?? વીરા ધૃષ્ટદ્યુમ્ન, મને બોલાવે છે! લ્યો હું આ ચાલી.

પાંડવો દ્રૌપદીના કપાળ ઉપર હાથ ફેરવતા હતા. એવામાં દ્રૌપદીનો પ્રાણ દેહને છોડીને ચાલતો થયો. પાંચાલી, પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ.....

''આ દુનિયા પંડિતાઈ, જ્ઞાાન, સમજણ, સંસ્કૃતિ, વેર-ઝેર સર્વનો સાર છે ધર્મ બુદ્ધિ એજ સૌથી મોટી વસ્તુ છે. આવી ધર્મબુદ્ધિ કેળવવી એજ જીવનનું પરમ સાર્થક્ય છે દુનિયાનાં તમામ શાસ્ત્રોનો સાર આજ છે.''

તમે ગમે તેટલા બળવાન હો, પણ તમે જો અધર્મનો સાથ આપશો, તો તમારી શક્તિ, અસ્ત્ર, શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે... (કર્ણ)

- ડો. ઉમાકાંત જોષી