'પુરૂષાર્થ' (મહેનત) એજ 'પરમદેવ' છે
સંસ્કૃતમાં એક સુભાષિત છે.
'ઉદ્યમ કે પુરુષાર્થ કે મહેનત થીજ કાર્યોમાં સફળતા મળે છે. કેમકે સુતેલા સિંહનાં મુખમાં મૃગલાઆ જાતે આવીને પડતા નથી. અર્થાત્ વનમાં મૃગલાઓ મેળવવા માટે પણ સિંહે દોડવું પડે છે.
ખરી મહેનત વિના કાંઈ મળતું નથી મહેનત વિના ભાગ્ય પણ પાંગળું બની જાય છે. સુતેલાનું ભાગ્ય પણ સુએ છે. અને ચાલનારાનું ભાગ્ય પણ ચાલે છે. જીવનમાં કંઈક મેળવવા યોગ્ય દિશાનો પુરૂષાર્થ કરવો પડે છે. એટલે ઉપનિષદનું પણ એક સૂત્ર આપણા સહુના માટે છે. ચાલતો રહે- ઉદ્યમ કરતો રહે. વિદ્યાર્થીથી માંડીને મોટા સહુ માટે આ એક સિદ્ધિ મેળવવાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટેનું આ 'રામબાણ' સૂત્ર છે. આ માટે કેટલાક સૂત્રાત્મક વિચારો અહીં રજૂ કરેલ છે.
૧) પરિશ્રમ કરવામાં જ માનવીની માનવતા છે.( વિનોબા ભાવે)
૨) પુરૂષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. (ચાણક્ય)
૩) સિદ્ધિ તેને જ વરે છે. જે પરસેવેથી ન્હાય છે. (કહેવત)
૪) સમુદ્રનાં તળિયાને સ્પર્શ કર્યા વિના મોતી મળતા નથી (કહેવત)
૫) પરિશ્રમ એ સર્વ મુશ્કેલીઓને પરાભવ કરે છે (રોમન કહે)
૬) પરિશ્રમ શરીરને નીરોગી અને મનને નિર્મળ રાખે છે. (સી.સાઈમન્સ)
૭) પરિશ્રમનું વૃક્ષ ઉત્તમ ફળ આપનાર છે. (સુદર્શન)
૮) જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે તેવી રીતે પુરૂષાર્થ વિના પ્રારબ્ધ સિદ્ધિ મેળવતું નથી. (મહાભારત)
૯) મહેનત એ એક એવી ચાવી છે કે જે ભાગ્યનાં દ્વારોને ઉઘાડી નાખે છે. (ચાણ્ક્ય)
૧૦) સાચો અને યોગ્ય દિશાનો પુરૂષાર્થ કદી નિષ્ફળ જતો નથી.(વિલ્સન)
૧૧) હું તો પ્રયત્નને જ પરમ સાફલ્ય માનું છું (કનૈયાલાલ મુન્શી)
૧૨) આજનો પુરૂષાર્થએ જ કાલનું ભાગ્ય છે (યોલ શિટર)
૧૩) પરિશ્રમ કરવો એ જ સાચી પ્રાર્થના છે. (સંત બેનેડિસ્ટ)
૧૪) આળસ જેવો કોઈ શત્રુ નથી અને પુરૂષાર્થ જેવો કોઈ મિત્ર નથી. (એમર્સન)
૧૫) વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ કાર્ય પણ સંભવ બની શકે છે. કરોળીયો અનેક પ્રયત્નો પછી પોતાની જાળ બનાવી શકે છે. (યોગ વશિષ્ઠ)
૧૬) કમજોરીનો ઇલાજ યોગ્ય પુરૂષાર્થમાં છે. (સ્વામિ વિવેકાનંદ)
૧૭) પોતાની જાતને વધુને વધુ સારી બનાવવાનો પ્રયત્ન યોગ્ય પુરૂષાર્થ કરવો તેજ સારૂં પરાક્રમ છે. (સરદાર પૂર્ણસિંહ)
૧૮) યોગ્ય પુરુષાર્થ વિના ઘણી બધી પ્રતિભા વિશ્વમાંથી ખોવાઈ જાય છે. (સિડની સ્મિથ)
૧૯) પરિશ્રમ વિનાની પ્રાપ્તિ- સુખ અને આત્મશાંતિને સમાપ્ત કરી દે છે (ગ્રેવિલ)
૨૦) પરિશ્રમ વિનાનાં આળસુ માણસનું ધીરે ધીરે સર્વસ્વ જતું રહે છે. ( જોન રસ્કિન)
આથી આપણે સહુએ યોગ્ય દિશામાં સાચા ઉદ્યમી- મહેનતુ અને પરિશ્રમથી ઇશ્વરે આપેલા માનવ જીવનને સાફલ્ય કરવું એ જ આપણી સિદ્ધિ છે. - અસ્તુ
- ડો.ઉમાકાન્ત જે.જોષી