એક અસુર 'વૃત્રાસુર'ની 'ઉન્નત ભક્તિવાળી સ્તુતિ'
દેવો અને અસૂરો બન્ને એકજ મૂળ સ્ત્રોત પરબ્રહ્મ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. તેથી જ તેમને એક જ પિતાનાં દોમાયા પુત્રો ગણવામાં આવેલ છે. બ્રહ્માજીનાં એક માનસ પુત્ર ઋષિ મરિચિ, મરિચિનાં પુત્ર ઋષિ કસ્યપ કશ્યપઋષિનાં અદિતિથી થયેલાં પૂત્રો તે દેવો છે. અને દિતિથી ઉત્પન્ન થયેલા પુત્રો તે દૈત્યો અર્થાત અસુરો છે. આમ એક જ પિતાનાં આ પુત્રોમાંથી ભગવાનનાં સહાયકો તે દેવો અને વિરોધી તત્વોવાળા અસુરો બન્યા.
વૃત્રાસુર' મહા સમર્થ- ભયંકર મહાસમર્થ અસુર હતો. તેણે બહુ સરળતાથી દેવોને પરાજીત કર્યા. દેવો ભગવાન નારાયણનાં શરણે ગયા અને વૃત્રાસુરનાં નાશ કરવાની શક્તિ માંગી ભગવાન નારાયણે દેવોને 'દધીચી ઋષિ'નાં અસ્થિમાંથી વ્રજનું નિર્માણ કરવાની અને તેના દ્વારા વૃત્રાસૂરનો વધ થશે તેવી સલાહ આપી. તેના અનુસાર દધીચી ઋષિને પ્રાર્થના કરી તેણે યોગ દ્વારા- શરિરનાં પ્રાણને નાશ કરી તેનાં અસ્થિમાંથી ઇન્દ્રદેવ માટે વિશ્વકર્માએ શ્રેષ્ઠ આયુધ તૈયાર કર્યું અને વૃત્રાસુર સાથે ભયંકર યુદ્ધ કર્યું.
આ યુદ્ધ દરમ્યાન વૃત્રાસુરની વીરતા- મહાનતા વીરવાણી, નિર્ભયતા, ભગવત્ પરાયણતા અને અતિ પરાક્રમની સામે ઇન્દ્રદેવ અને દેવો સાવ ઝાંખા પડી જાય છે. આ 'વૃત્રાસુર' આવા અંત સમયે પ્રભુને પ્રાર્થના કરે છે. જે 'શ્રીમદ્ ભાગવત'માં 'વૃત્રાસુર સ્તુતિ' સ્વરૂપે એ ભાગવત્નાં ચળકતા રત્નસમાન છે. આ ચાર શ્લોકો વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. આ શ્લોકોમાં માંગણી કે યાચના નથી પણ 'પ્રભુપ્રાર્થના' છે. જે આપણે સહુએ રોજ ગાવી રહી. આ સ્તુતિ આપણને મરતા શિખવાડે છે.
વૃત્રાસુર સ્તુતિ : (ચતુ :શ્લોક)
' અહં હરેતવયાદૈક મૂલ...
આસક્તચિતસ્યન નાથભૂયાત્'
(શ્રીમદ્ ભાગવત સ્કંધ ૬-૧૧-૨૪/૨૭)
૧) 'હે પ્રભુ' આપ મારા પર એવી કૃપા કરો કે પરમ ભાવથી આપનાં ચરણ કમળનાં અશ્ચિત તેવા આપનાં સેવકોની સેવા કરવાનો અવસર મને અને મારા ભાવિ જન્મમાં પ્રાપ્ત થાઓ. હે પ્રાણવલ્લભ ! મારૂં મન આપના મંગળમય ગુણોનું સ્મરણ કરતું રહે. મારી વાણી આપનાં ગુણોનું ગાન કરતી રહે અને મારૂં શરીર આપની આપનાં ભક્તોની સેવામાં લાગ્યું રહે.
૨) 'હે સર્વસૌભાગ્યનિધિ': હું આપને છોડીને સ્વર્ગ, બ્રહ્મલોક, પૃથ્વિ પરનું સામ્રાજ્ય, રસતાલનું રાજ્ય, યોગની સિધ્ધિઓ અને મોક્ષની પણ કામના કરતો નથી.'
૩) ' જેમ પક્ષીઓના પાંખો વિનાના બચ્ચાઓ પોતાની માતાની વાટ જોતા રહે છે. જેમ ભૂખ્યા વાછરડાઓ પોતાની માતાનું દૂધ પીવા માટે આતુર રહે છે અને જેમ વિયોગિની પત્ની પોતાનાં પ્રવાસે ગયેલાં પ્રિયતમને મળવા માટે ઉત્કંઠિત રહે છે. તેજ રીતે હે કમલનયન ! મારૂં મન પણ આપનાં દર્શન માટે તડપી રહ્યું છે.'
૪)' હે પ્રભુ ! હું મુક્તિ ઇચ્છતો નથી. મારા કર્મોનાં ફળપ્રમાણે મારે વારંવાર જન્મ-મૃત્યુનાં ચક્કરમાં ભટકવું પડે તેની પણ મારે પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે જે યોનિમાં જન્મ ધારણ કરૂં ત્યાં ત્યાં ભગવાનના પ્રેમી ભક્તજનો સાથે મારી પ્રેમ ભરેલી મૈત્રી હોય, હે સ્વામિ ! હું ઇચ્છું છું કે જેઓ આપની માયાથી શરીર, સ્ત્રી અને પુત્ર આદિમાં આસક્ત રહેતા હોય તેમની સાથે મારો કોઈ પ્રકારનો સબંધ ન હો.'
ધાર્મિક ગ્રંથોમાં અનેક દેવ-દેવીની પ્રાર્થના-સ્તુતિ વિગેરે જોવા મળે છે. છતાં કોઈએ આવી ઉચ્ચ કોટિની ભાવનાઓ વાળી પ્રાર્થના કરી હોય તેવું જોવા મળતું નથી. આ ચાર શ્લોકવાળી પ્રાર્થનામાં વૃત્રાસુરની ભગવાન પ્રત્યેની અપરંપાર પ્રીતિ વ્યકત થાય છે. એક અસુરનાં મુખમાંથી આવી વાણી નીકળે તે ઉન્નત ભક્તિનું દર્શન કરાવે છે. અહીં મોક્ષને નહીં, પરંતુ ભગવતપ્રેમની મુખ્ય માંગણી છે. વૃત્રાસુર આ પ્રાર્થના દ્વારા આપણને સહુને ભક્તિનું એક ગહન રહસ્ય સમજાવે છે.
નરસિંહ મહેતા' કહ્યા કરતાં કે' હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે નિત નિત સેવા રે.'
- ડો ઉમાકાંત જે.જોષી