Magazines

ડોર ડેકોરેશન : ઘર પ્રમાણે દરવાજો પણ સુંદર અને આકર્ષક હોવો જરૂરી છે

By GS TEAM
28 Jul 20253 mins read
ડોર ડેકોરેશન : ઘર પ્રમાણે દરવાજો પણ સુંદર અને આકર્ષક હોવો જરૂરી છે

ડૉરબેલ વાગતા જ મહેમાનોનું સ્વાગત કરવા માટે શીલા દોડતી દરવાજા તરફ ગઇ અને તેના ધ્યાનમાં આવ્યું કે દરવાજાનું પ્લાયવુડ ઘણું ખરાબ થઇ ગયું છે. તે એટલું ભદદુ લાગતું હતું કે તેને કઇ રીતે છૂપાવવું એવો પ્રશ્ન તેના મનમાં થયો. મહેમાનો જાય ત્યાં સુધી દરવાજા સામે આમ જ ઊભું રહેવું કે શું, એવો વિચાર તેને આવ્યો. ઘરનું પ્રવેશદ્વાર આટલી ખરાબ સ્થિતિમાં હોવું એ માત્ર શીલા માટે જ નહિ પણ બીજા કોઇપણ માટે શરમજનક ગણાય.

મોટાભાગના લોકો ઇન્ટિરિયર ડેકોરેશન કરાવતી વખતે ઘરના મુખ્ય દરવાજા તરફ વધારે ધ્યાન નથી આપતા. માર્બલ, ગ્રેનાઇટ લગાડીને આખું ઘર ચકાચક કરાવ્યું હોય. મોંઘું અને કળાત્મક ફર્નિચર બનાવડાવ્યું હોય. એન્ટીક શૉ-પીસ મૂક્યા હોય. પરંતુ મુખ્ય દરવાજાનો રંગ એ ઇન્ટરિયર સાથે મળતો આવે છે કે નહિ, એનો વિચાર લોકો નથી કરતા. ખરું જોતા, પ્રવેશદ્વાર તમારા ઘરના પ્રસ્તુતિકરણની બાહ્ય અને દર્શનીય બાજુ છે. તેથી આખા ઘર પ્રમાણે આ દરવાજો પણ સુંદર અને આકર્ષક હોવો જોઇએ. ઘરનું ઇન્ટિરિયર બદલવાનો વિચાર હોય તો મુખ્ય દરવાજાના ડેકોરેશન વિશે પણ ભૂલવું ન જોઇએ. એ માટે અહીં જણાવેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

* મુખ્ય દરવાજાનો રંગ ઘરની દીવાલો અથવા ફર્નિચરના રંગ સાથે મળતો આવે તેવો હોવો જોઇએ.

* સીઝન અથવા ઉત્સવો પ્રમાણે તમે આ દરવાજાનું ડેકોરેશન બદલી શકો. ઉદાહરણ તરીકે દિવાળીમાં પારંપારિક પધ્ધતિનું તોરણ લગાડી શકો. ગણેશોત્સવમાં આર્ટિસ્ટિક ફોર્મના ગણપતિ દરવાજા પર બનાવડાવી શકાય. ફૂલની સીઝન ધ્યાનમાં રાખીને દરવાજાની બાજુમાં ફૂલ રાખવા માટે એક નાનકડી ફૂલદાની રાખી શકાય જેથી રોજ આવતી-જતી વખતે તાજાં ફૂલની સુગંધ તમને આકર્ષિત કરશે.

* મુખ્ય દરવાજાનું ડેકોરેશન મહેમાનોનું સ્વાગત કરે તેવું હોવું જોઇએ. એમાંથી સકારાત્મકતા અને આનંદ પ્રતીત થવો જોઇએ. તેથી દરવાજાનો રંગ તેમજ ડેકોરેશન હળવા રંગનું પસંદ કરવું.

* લાકડાનો દરવાજો સામાન્ય રીતે બધા જ ઘરોમાં વપરાય છે. તેથી ઘરમાંના રંગને ધ્યાનમાં રાખી ઇન્ટિરિયર પ્રમાણે તેનું ડેકોરેશન કરાવવું. દાખલા તરીકે એન્ટિક લુક ધરાવતા ઘરના પ્રવેશદ્વાર પર કોપર રંગનું હેન્ડલ અથવા ડોરબેલ સારું દેખાશે. ડોરબેલ તરીકે મોટી ઘંટડીનો ઉપયોગ પણ કરી શકાય. પેસ્ટલ શેડ્સ કલરનું ડેકોરેશન હોય તેવા ઘરમાં સ્ટીલ, સ્લિમવાળા હેન્ડલ શોભી ઊઠે છે.

* દરવાજાની બાજુમાં પૂરતી જગ્યા હોય તો ત્યાં શોભા માટે ફૂલછોડ રાખી શકાય. એ બહુ નાજુક ન હોવા જોઇએ. અને એને રાખવા માટે નકશીદાર મેટલિક અથવા માટીના કૂંડા મળે છે. આને લીધે  પ્રવેશદ્વાર જરા જુદું દેખાશે. કલરફુલ વાતાવરણ બનાવવું હોય તો આ રીત અપનાવી શકાય. પણ આવા ફૂલછોડ પ્રત્યે પૂરતું ધ્યાન આપવું પડે છે. જો કે મોસમ પ્રમાણે તમે એને બદલી શકો.

* હવે તો બજારમાં વિવિધ આકાર તેમજ ડિઝાઇનનાં પગલૂછણિયાં પણ મળે છે. જે પ્રવેશદ્વારને વધુ સુંદર બનાવવામાં મદદરૂપ થશે.

* મુખ્ય દરવાજા પાસે નાનકડી બારી પણ તૈયાર કરાવી શકાય જેથી ત્યાં ફૂલછોડ રાખી શકાય.

* યોગ્ય પ્રકાશયોજના કરીને દરવાજાનું આકર્ષણ વધારી શકાય. તેમજ જો દરવાજા પર એકાદ પેઇન્ટિંગ હોય તો તેને કેન્દ્રમાં  રાખીને સ્પોટ લાઇટ બેસાડી શકાય. અથવા મંદ દીવા પણ રાખી શકાય.

* દરવાજા પાસે પૂરતી મોકળાશવાળી જગ્યા હોય તો ત્યાં એક નાની બેન્ચ, મોડર્ન ખુરશી અથવા બેઠક ટેબલ મૂકાવી શકાય. ઘરમાં આખો દિવસ લોકોની અવરજવર રહેતી હોય તો આવી બેઠક યોજના સગવડરૂપ બની રહે છે.

* દરવાજો અને તેની પાસેના પગથિયાં હંમેશા સ્વચ્છ રાખવા. ત્યાં રાખેલા ફૂલછોડ, કૂંડા અથવા ઇતર ડેકોરેશનની વસ્તુઓ સમયાંતરે સાફ કરવી. એ સિવાય દરવાજા પાસેની બારીની સફાઇ કરવાનું પણ ભૂલવું નહિ.

* દરવાજાના ડેકોરેશનમાં સુરક્ષિતતા પ્રત્યે દુર્લક્ષ ન સેવવું જોઇએ. સિક્યોરિટી ડોરની યોજના અપનાવનારાઓની સંખ્યા ઘણી વધી ગઇ છે. આ પ્રકારના દરવાજામાં એક દરવાજો બહારની તરફ અને એક અંદરની તરફ ખૂલે છે. બહારની તરફ ખૂલતા દરવાજામાં નાની બારી હોય છે. અને જો તે મેટલિક ફિનિશીંગના હોય તો તેને વારંવાર પોલિશ કરાવવા પડે છે.