Get The App

સોના નહીં સદા કે લિયે

Updated: Nov 25th, 2019

GS TEAM

Google News
Google News

આધુનિક નવવધૂઓમાં લગ્ન વખતે ગોલ્ડ સિવાયની બીજી ધાતુઓનાં આભૂષણો લેવાનું ચલણ વધ્યું છે

ઘરમાં લગ્ન હોય ત્યારે ચર્ચાતો સૌથી મહત્વનો પ્રશ્ન સોનાના ઘરેણાંની ખરીદીનો હોય છે. સામાન્ય રીતે યુવતી જીવનમાં સૌથી વધારે સોનાના ઘરેણાંની ખરીદી તેના લગ્ન વખતે કરતી હોય છે. લગ્ન વખતે સોનાનાં ઘરેણાંની ખરીદી બહુ જુની પરંપરા છે. જોકે હવે સમયની સાથે-સાથે આ પરંપરામાં પણ ધીરે-ધીરે બદલાવ આવી રહ્યો છે.

હવે અત્યારની આધુનિક નવવધૂઓ લગ્ન વખતે મોંઘાદાટ અને ભારેખમ સોનાનાં આભૂષણોને બદલે સોના સિવાયની ધાતુમાંથી બનેલા હળવાં, સ્ટાઇલિશ અને આકર્ષક ઘરેણાંની ખરીદી કરતી થઈ ગઈ છે. આજે નવવધૂ માટે સોનાની ખરીદી કરવી હોય તો પણ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. અત્યારની આધુનિક મહિલા લગ્ન વખતે સ્ટાઇલની સાથે પરવડે એવી કિંમતનો સમન્વય થતો હોય એવા જ ઘરેણાં ખરીદવાનું પસંદ કરે છે. 

૧. પરંપરાગત યુવતીઓની પસંદ: ઘણી પરંપરાગત વિચારસરણી ધરાવતી યુવતીઓ માનતી હોય છે કે ઘરેણાં સોનાના હોય તો જ શોભે છે. માત્ર સોનાના જ ઘરેણાં પસંદ કરતી કન્યાઓ અત્યાર સુધી માત્ર પીળી રંગની ધાતુ પર જ પસંદગી ઉતારવી પડતી હતી, પણ હવે સોનામાં પણ અલગ-અલગ વિકલ્પો ઉપલબ્ધ છે. આજકાલ બજારમાં પીળા ચમકતા રંગ સિવાય આછા પીળા રંગ, સફેદ રંગ અને ગુલાબી રંગમાં પણ સોનુ ઉપલબ્ધ છે.

સફેદ સોનાના આભુષણો તો પ્લેટિનમના આભૂષણો જેવો લુક આપે છે. જો બજેટમાં બંધબેસતું હોય તો શુદ્ધ પ્લેટિનમ જેવો બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. જો તમે તમારા જુના ઘરેણાં ગળાવીને નવા બનાવડાવવાને બદલે નવેસરથી સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો તમારે મોટી રકમ ખર્ચવાની માનસિક તૈયારી રાખવી પડશે. જોકે સોનુ રોકાણનો ઉત્તમ વિકલ્પ હોવાથી એની પાછળ ખર્ચેલા પૈસા ક્યારેય ડુબી નથી જવાના.

૨. ફેશનેબલ સુંદરીઓની પસંદ: અત્યારની આધુનિક અને મુક્ત વિચારસરણી ધરાવતી નવવધૂઓ લગ્ન માટે સોનાના ભારેખમ ઘરેણાંને બદલે હળવી ફેશનેબલ જ્વેલરી પર પસંદગીનો કળશ ઢોળતી થઈ છે. પહેલાં એમ માનવામાં આવતું હતું જે વ્યક્તિ સોનુ નથી ખરીદી શકતી એ જ ફેશન જ્વેલરી ખરીદે છે, પણ હવે એનું નથી રહ્યું. ફેશન જ્વેલરીના આકર્ષક અંદાઝને કારણે વધારેને વધારે લોકો એની પર પસંદગીનો કળશ ઢોળી રહ્યાં છે.

દાયકા અગાઉ આ પ્રકારની જ્વેલરી માત્ર પાર્ટી અને લગ્નના નાના-મોટા કાર્યક્રમોમાં પહેરવામાં આવતી હતી, પણ હવે તો નવવધૂના અલંકારોમાં પણ એણે પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. ફેશન જ્વેલરીની સૌથી મોટી ખાસિયત એ છે કે એની ખરીદી કરવાથી ઓછામાં ઓછી કિંમતનું સારામાં સારું વળતર મળી શકે છે. એમાં ક્રિસ્ટલ, બીડ્સ, કાચ, પ્લાસ્ટિક અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાને કારણે એ જોવામાં આકર્ષક તો લાગે જ છે, પણ સાથે-સાથે ઘણાં બધાં રંગમાં ઉપલબ્ધ હોવાથી એને સરળતાથી દરેક વસ્ત્રો સાથે સરળતાથી મેચ કરી શકાય છે.

ફેશન જ્વેલરી ખરીદવાનો મોટો ગેરફાયદો એ છે કે સોનાની જેમ એને ફરીથી વેંચીને સારા દામ નથી મેળવી શકાતા. જોકે હાલના તબક્કામાં બારીકાઈથી બનાવાયેલી ફેશન જ્વેલરીની ગુણવત્તા એટલી સારી હોય છે કે તમે એને ભવિષ્યની પેઢીને અમૂલ્ય યાદગીરી તરીકે ભેટમાં આપી શકો છો.

૩. સમજદાર મહિલાઓની પસંદ: અત્યારની સમજદાર યુવતીઓ માત્ર સોનાના મોંઘાદાટ ઘરેણાંની આંધળી ખરીદી કરવામાં નથી માનતી અને તેને માત્ર ફેશન જ્વેલરીની ખરીદીથી સંતોષ નથી. આ પ્રકારની કન્યાઓ પોતાના લગ્ન સમયે સોનાના ઘરેણાંની અને ફેશન જ્વેલરીની સંયુક્ત ખરીદી કરે છે અને પછી આ બન્ને સ્ટાઇલના ઘરેણાંનું કોમ્બિનેશન પહેરીને પોતાની આગવી અને આકર્ષક સ્ટાઇલનું સર્જન કરે છે. જોકે આવું કોમ્બિનેશન કરતી વખતે ફેશનનું જ્ઞાાન હોવું જરૂરી છે, નહીંતર આડેધડ ઘરેણાં પહેરવાથી ખુબસૂરત લાગવાને બદલે હાસ્યાસ્પદ સાબિત થવાનો ડર રહે છે.

૪. કરકસરપસંદ કન્યાઓની પસંદ: પહેલાં લગ્ન વખતે સોનાના આભૂષણોનો સેટ ખરીદવાનું ચલણ હતું, પણ હવે એમાં ઓટ આવી રહી છે. આજની કરકસરપસંદ યુવતીઓ એક જ ડિઝાઇનનો આખો સેટ ખરીદવાને બદલે એકબીજા સાથે મેળ ખાય એવા અલગ-અલગ આભૂષણો ખરીદીને પછી એનું એકબીજા સાથે કોમ્બિનેશન કરીને પહેરવાનું વધારે પસંદ કરે છે. આ રીતે તેઓ મર્યાદિત ઘરેણાંમાં એક કરતા વધારે સ્ટાઇલના સેટ પહેરવાનો આનંદ ઉઠાવી શકાય છે.

૫. નવીનતાની શોખીન યુવતીઓની પસંદ: પરંપરાગત ઘરેણાંને બદલે બધા કરતા કંઈક અલગ ખરીદવાની શોખીન નવવધૂઓએ હવે વર્ષો જુની ડિઝાઇનના બદલે ટેમ્પલ જ્વેલરી, કુંદર અને થીવા સ્ટાઇલના ઘરેણાં પસંદ કરતી થઈ છે. ટેમ્પલ સ્ટાઇલની જ્વેલરીમાં મેટલ અને રંગીન સ્ટોનના કોમ્બિનેશનથી દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં ઘરેણાં બનાવવામાં આવે છે. આ ઘરેણાં પરંપરાગત સોનાના ઘરેણાંનો ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ ઘરેણાં લાલ, ગુલાબી અને લીલા રંગમાં મળે છે અને એની આભા અનોખી જ છે.

નવીનતાની શોખીન યુવતિઓને કુંદન જ્વેલરી પણ બહુ પસંદ પડે છે. કુંદન જ્વેલરીની શરૂઆત મુગલોના સમયમાં થઈ હતી અને ધીરે-ધીરે આ કલા રાજસ્થાનમાં વધારે પ્રચલિત થઈ છે. આ પ્રકારની જ્વેલરીમાં ધાતુની સાથે લાખનો પણ ઉપયોગ કરવાની એનો લુક બહુ ભવ્ય આવે છે. આ પ્રકારની જ્વેલરી નવવધૂના ભારેખમ પોશાક સાથે બરાબર મેચ થઈ જાય છે.

થોડા સમયથી લોકપ્રિય બની ગયેલી રાજસ્થાનની થીવા સ્ટાઇલની જ્વેલરીમાં સોનાનો ઢોળ ચડાવેલી ધાતુનો ઉપયોગ થાય છે. આ નવી સ્ટાઇલની તમામ જ્વેલરી પહેલી નજરે તો બહુ આકર્ષક લાગે છે, પણ એની જાળવણી એટલી જ કાળજી માગી લે છે. જો કાળજી રાખવાની  દરકાર કરવાની તૈયારી હોય તો જ એની ખરીદી કરવી જોઈએ.

Tags :