Magazines

ઘરને ગોડાઉન ન બનાવો .

By GS TEAM
20 Apr 20264 mins read
ઘરને ગોડાઉન ન બનાવો                                          .

હજુ ગઈકાલની તો  વાત છે. બધું અચાનક બન્યું. ન જાણે  કેમ રવિ ડાયનિંગ ટેબલ સાથે અથડાઈ પડયો. તેના પર રાખેલો કાચનો ગ્લાસ ફરસ પર પડયો. તેના ટુકડા તો થયા જ સાથે કાચનો એક અણીદાર ટુકડો રવિના પગમાં  ઘૂસી ગયો.

''મમ્મી...જલદીથી ડેટોલ લાવ અને પેલી ટયૂબ પણ. કાચ વાગ્યો છે.'' કાચ વાગતાં જ રવિએ બૂમ   મારી કહ્યું.

''ઓહો, આ છોકરો પણ...'' આમ બબડતી સુનીતા રસોડામાંથી પણ  લગભગ દોડતી ડ્રેસીંગ ટેબલ સુધી પહોંચી અને ડ્રોઅર ખાલી કરી એન્ટિસેપ્ટીક ક્રીમની ટયૂબ શોધવા લાગી. ''અરે! હવે   ટયુબ પણ જડતી નથી. શું કરું.'' બડબડાટ કરતી સુનીતા ડ્રેસિંગ ટેબલ પછી કબાટમાં જોવા એ તરફ આગળ વધી. કબાટ પણ નકામી ચીજવસ્તુથી ભરેલો હતો. તેમાં પણ ટયુબ શોધવી એ રેતીના ઢગલામાં  સોય શોધવા જેવું  મુશ્કેલ હતું.

વીસેક મિનિટની જહેમત પછી ટયુબ તો મળી ગઈ, પરંતુ હવે સવાલ એ હતો કે ડેટોલની બોટલ ક્યાં રાખી છે. જો કે સમીરે એક કબાટ એવો બનાવ્યો હતો  જેમાં દરેક  પ્રકારની  ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. પરંતુ એ કબાટમાં ઢગલાબંધ એવી વસ્તુઓ  જેમ તેમ ઠાંસેલી હતી જેમાં ખાલી અને ભરેલી અનેક બોટલો ગમે તેમ મુકાયેલી હતી. આમાંથી  ડેટોલની બોટલ શોધવી એ ઘણુ અઘરુ કામ હતું. છતાં સુનીતાએ  ઝખ મારીને કરવું પડયું. ડેટોલ અને એન્ટિસેપ્ટિક ક્રીમ લઈ સુનિતા રવિ પાસે પહોંચી ત્યારે રવિ ગમે તેમ કાચની કરચ કાઢી રૂમાલથી  ઘાને દબાવી બેઠો હતો. સુનીતાએ રૂમાલ હઠાવી  ડેટોલથી ઘા સાફ કર્યા, ક્રીમ લગાવ્યું પછી   એક  સ્વચ્છ પાટો  ઘા પર બાંધી દીધો. ત્યારે પહેલીવાર સુનીતાને એવું લાગ્યું કે જો તેના ડ્રેસિંગ ટેબલનું ડ્રોઅર અને પેલું કબાટ સુવ્યવસ્થિત હોત તો નાના અમથા કામમાં આટલી વાર લાગત નહીં.

બે દિવસ પછી  રવિવાર હતો. સુનીતાએ  વિચાર કર્યો કે સમય કાઢી ડ્રોઅર અને કબાટમાં શું શું ભરેલું છે તે જોઈ લેવાય તો સારું.

ડ્રેસિંગ ટેબલના છ  ડ્રોઅરની તમામ ચીજવસ્તુ તેણે નીચે ફરસ પર ઠાલવી. તે જોતાં સમીરના મોમાંથી શબ્દો સરી પડયા, ''અરે, આ તારુ  ડ્રેસિંગ ટેબલ છે કે પછી કચરાપેટી!  ''  ખરેખર તેમાંની અર્ધી વસ્તુઓ ફેંકી દેવા જેવી હતી. સુકાઈ ગયેલી લિપસ્ટિક, એક્સપાયર્ડ ક્રીમ ટયૂબ, એવા બટન જે ક્યારેય ઉપયોગમાં ન આવી શકે, મેકઅપમાં ઉપયોગી લિક્વિડની એવી બોટલો જેમાં માંડ ૨-૪ ગ્રામ લિક્વિડ બચ્યું હશે અને આ સિવાય બીજું શું શું  ઠાંસેલુ હતું. અડધો કલાક વેડફાયો, પરંતુ જ્યારે ફરીવાર વધેલી ચીજવસ્તુઓ ડ્રોઅરમાં મુકી ત્યારે બંધ  સુનીતાને લાગ્યું કે ખરેખર કેટલો કચરો ભરી  રાખેલો હતો. સુનીતાએ ડ્રોઅર બંધ કર્યા પછી નિરાંતનોે શ્વાસ લીધો.

''સુનીતા, આવી સ્થિતિ આપણા આખા ઘરની છે.''

''શું કહે છે તુ?'' સમીરના આ વાક્યથી તે ચમકી ગઈ.

''હા, સુનીતા,  આપણા ઘરમાં આવી ચીજવસ્તુઓ  વર્ષોથી કબાટમાં, ખોેખામાં, કોથળામાં છે અને છત પર પણ પડેલી છે. જેનો આપણે કદી ઉપયોગ કર્યો નથી અને કરવાના નથી.''

''એવી કઈ ચીજવસ્તુ છે?'' સુનીતાના ગળે સમીરની વાત ઊતરતી નહોતી.

''ચાલ, બતાવું છું.'' આમ કહી સમીર સુનીતાને   પહેલાં છત પર લઈ ગયો. ''જો, આ રહી મોટરસાઈકલની ટયૂબ, પેલી તૂટેલી ફોલ્ડિંગ ખુરશી, આ ફ્રિજની તૂટેલી આઈસ ટ્રે, આ....'' સમીર એક પછી એક અનેક વસ્તુ બતાવવા લાગ્યો. તેની વાત સાચી હતી. ખરેખર આ ચીજવસ્તુઓ અહીં મૂકી ત્યારે વિચાર્યું હતું કે કામમાં આવશે, પરંતુ એ પછી તેનો ઉપયોગ થયો જ નહોતો. વળી સમીર કે સુનીતા પાસે તેના તરફ ધ્યાન આપવા માટેનો સમય હતો નહીં.

માત્ર  સુનીતા કે સમીરના ઘરની જ શા માટે વાત કરવી. મોટાભાગનાં ઘરોમાં ઉપયોગમાં ન આવનારી ચીજવસ્તુની આવી જ સ્થિતિ થતી હોય છે.  ઘરની છત, માળિયું કબાટો નકામી ચીજવસ્તુથી ભરાયેલાં  રહે છે. ક્યારેક તેના  પર નજર પડે છે ત્યારે વળી વિચાર આવે છે કે કદાચ આ વસ્તુ કામ આવશે. એટલે આપણે જેમની તેમ પડી રહેવા દઈએ છીએ, પરંતુ આવી નકામી વસ્તુઓના કારણે ઘર ન રહેતા કચરાપેટી બની રહે છે. આ મૂંઝવણનો ઉકેલ કેવી રીતે લાવવો તેના પર નજર કરીએ :

- ઘરમાં કોઈ એક ખાસ જગ્યા એવી રાખો જ્યાં કામમાં ન આવે તેવી ચીજવસ્તુુ ભવિષ્યમાં કામ આવી શકે તેમ છે. તો તેને એ જગાએ મુકો.

-  ઘરના  બધાં કબાટ, દરેક ટેબલનાં ડ્રોઅર અથવા એવા સ્થાનને  મહિનામાં એક વાર જરૂર સાફ કરો અને સાફસૂફી  કરો ત્યારે એવી વસ્તુ, જેનો હાલ તરત ઉપયોગ નથી થઈ શકવાનો તેને અલગ મૂકો.  પછી બધી ચીજવસ્તુ નિયત સ્થળે રાખો. જેને  સ્ટોર કે 'વેસ્ટ' મટીરિયલ કોર્નર' કહી શકાય ત્યાં રાખો.

-  ઓછામાં ઓછા છ મહિના પછી નિયમિત રીતે સ્ટોર અથવા કોર્નરની સાફસૂફી કરો અને જો લાગે કે કોઈ વસ્તુ છ મહિના સુધી કામમાં આવે તેવી નથી તો તેને ભંગારમાં વેચી કાઢો કે તેનો નાશ કરો.

-  જૂનાં કાર્ડ્ઝ, પત્ર, અખબાર, કાગળ કે જે ક્યારે  કે જે ક્યારેય ઉપયોગમાં  આવે તેવા નથી તેને  ફાડી નાખવા એ ઉત્તમ રસ્તો છે.

-   જૂનાં કપડાં ફરી ઉપયોગમાં લેવા તે મુશ્કેલ હોય છે. તેને જરૂરિયાત વાળાને આપી દો તે સારું રહેશે.

-  ખરાબ ફ્રિજ, પંખા, ઈસ્ત્રી વગેરે ભંગારમાં વેચી નાખો.

-  જૂનાં ડબા, શીશી, બોટલને  ભેગા કરી રાખવા તે બરાબર નથી. તેને ભંગારમાં વેચી મારવા કે કચરામાં ફેંકી દેવા ઉત્તમ રહેશે.

-   જૂનાં મેગેઝિનમાંથી જરૂરી વિગતો કાપી લઈ બાકીનાંને પસ્તીવાળાને વેચી દો.

-  જૂનાં વાસણો કે જેનોે ઉપયોગ થતો નથી તેના બદલામાં નવા ખરીદી લો. બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો તો ઘર કચરાપેટી બનતું અટકી જશે.

- કેતકી