દરેક વાત આંખો મીંચીને માની ના લેવાય

જેવી મંથરાને ખબર પડી કે અયોધ્યામાં શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારી ચાલી રહી છે. તરત તેના શરીરમાં એક ચસક ઊઠી સરસ્વતી દેવીના વશીકરણથી મંથરાને કૈકેયીના કાન ભંભેર્યા. એકવાર દેવાસુર સંગ્રામ વખતે કૈકેયીએ રાજા દશરથનો જીવ બચાવ્યો હતો. ત્યારે તેમણે 'જ્યારે ઈચ્છે ત્યારે' બે વરદાન માંગવાનું વચન આપ્યું હતું. એ વાતની યાદ અપાવી મંથરાએ કૈકેયીને કયા કયા બે વરદાન માંગવા એ પણ મગજમાં ઠસાવી દીધું.
કૈકેયીએ રિસાઈને બે વરદાન માંગ્યાં ''એક શ્રીરામ વલ્કલ અને મૃગચર્મ પહેરીને તપસ્વી વેશ ધારણ કરી ચૌદ વરસ દંડકારણ્યમાં જઈ વનવાસ ભોગવે બે, મારા પુત્ર ભરતને આજે જ અયોધ્યાનું યુવરાજપદ પ્રાપ્ત થાય.'' ''કૈકેયીની આ કામના પૂરી કરવાના વિચારમાત્રથી રાજા દશરથનું શરીર ફિક્કું પડી ગયું. અને મડદું સ્મશાને લઈ જતાં ઘર રડે એમ આખ્ખું અયોધ્યા હીબકે ચઢયું.
શ્રીરામ પિતાજીની આજ્ઞાા અનુસાર લક્ષ્મણ અને સીતા સાથે વનવાસ જવા તૈયાર થયા. વડીલોના આશીર્વાદ લીધા. દરેકે રામને સમજાવ્યા. પણ રામે એટલું જ કહ્યું. (નાસ્તિ શક્તિઃપિતુર્વાક્યં) મારામાં પિતાજીની આજ્ઞાાનું ઉલ્લંઘન કરવાની શક્તિ નથી. શ્રીરામ પાસે પિતાજીની આજ્ઞાા પાળવાના ત્રણ કારણો હતા. (૧) પિતાએ આપેલા વચનની- એટલે કે સત્યની - રક્ષા થાય. (૨) દેવતાઓનું કાર્ય સિધ્ધ થાય (૩) કૈકેયીમાતાનું હિત સચવાય. પણ પિતા દશરથનો જીવ શ્રીરામમાં અટકેલો હતો, જ્યારે કોઈ વાતે શ્રીરામ ના માન્યા ત્યારે રાજા દશરથે રામને રોકવા એક ઉપાય બતાવ્યો, જાણે રાજા દશરથે વિનંતિભરી આજ્ઞાા કરી. ''પુત્ર, એ વાત સાચી છે કે મેં મોહવશ કૈકેયીને વરદાન આપ્યું છે. પણ તું સ્વતંત્ર છે. કૈકેયી ભલે ગમે તે કહે, તારે વનમાં જવાની જરૂર નથી. સાંભળ, તું મને - એટલે કે અયોધ્યાના રાજાને - બંદી બનાવી કેદખાનામાં નાખી દે! અને અયોધ્યાનો રાજા બની જા !! જો તું સિંહાસન પર બેસીશ તો કોઈ તને આદેશ આપી નહિ શકે. અને સમય જતાં બધું સારૂં થઈ જશે.'' જો કે શ્રીરામ માટે આ પણ પિતૃઆજ્ઞાા જ હતી. પણ શ્રીરામ જાણતા હતા કે પિતાની કઈ વાત માનવી અને કઈ ના માનવી તેમના માટે 'ધર્મોહી પરમો લોકે' - ધર્મ જ સંસારમાં સર્વોપરી છે. ધર્મને અનુકૂળના હોય તે શ્રીરામ કદી માની ના શકે. એટલે તેમણે કહ્યું - (ત્વામહં સત્યમિચ્છામિ નાનૃતં...) પિતાજી આખી પરિસ્થિતિ હુ સમજી ગયો છું. હવે મારી એક જ ઈચ્છા છે. આપ જીવનભર સત્યવાદી રહ્યો છો, તો અત્યારે પણ વચનપાલક રહો. જેથી માતા કૈકેયીને આપેલાં વચનો સફળ થાય. ''રામાયણની કથા અનુસાર શ્રીરામે ધર્મ-માર્ગને ધ્યાનમાં રાખી પિતાજીની પહેલી આજ્ઞાા પાળી અને રઘુવંશની લાજ રાખવા વનવાસ સ્વીકાર્યો.''
કોની કઈ વાત માનવી કે ના માનવી એ બાબતે માણસ સ્વતંત્ર છે. માણસ લાચાર હોય, નિરૂપાય હોય, અસુરક્ષિત હોય, કોઈનો નોકર હોય કે અહેસાન નીચે દબાયેલો હોય ત્યારે મન મારીને ખોટી વાત માની લેવા તૈયાર થાય એ તેની મજબૂરી ગણાય. પણ સામેવાળાને ખોટું લાગશે કે તેનું દિલ દુભાશે એવું વિચારી 'હા.એ.હા' કરી વાત માની લેવી એ આત્મવિશ્વાસ અને સમજણની કમી દર્શાવે છે.
શંકરાચાર્યએ કહ્યું છે કે વેદ ઉપનિષદ કે પુરાણોની વાતોમાં જે અધ્યાત્મદર્શન રજૂ થયું છે તે જીવનમાં અનુભવાતું હોય તો બેશક તેનો સ્વીકાર કરવો, પણ કોઈ ભારપૂર્વક કહે કે વેદમાં કહ્યું છે કે 'અગ્નિ ગરમ નહિ ઠંડો છે.' તો તેને આંખો મીંચીને માની ના લેશો. દરેક સારી નરસી વાતને એકવાર બુધ્ધિના ત્રાજવે તોલીને તેનો અમલ કરવો. શંકરાચાર્ય ઈશ્વરના અસ્તિત્વને કે શ્રધ્ધાને નકારતા નથી પણ માણસની બુધ્ધિને સર્વોપરી માને છે.
વૈષ્ણવાચાર્ય ગુરૂ ગોષ્ઠીપૂર્ણની સેવામાં રહી, વારંવાર વિનંતી કર્યા પછી રામાનુજને ગુરૂએ એક ગુપ્ત અષ્ઠાક્ષર મંત્ર આપ્યો. સાથે સાથે એક ચેતવણી પણ આપી. ''પ્રિય શિષ્ય, તું આ મંત્રનો અધિકારી છે એટલે , આપું છું'' જે આ મંત્રનું નિયમિત ઉચ્ચારણ કરે છે તે મૃત્યુ બાદ મોક્ષ પ્રાપ્ત કરી વૈકુંઠમાં વાસ કરે છે. પણ મારો આદેશ છે કે આ દુર્લભ મંત્ર તારે કોઈને ના આપવો. મંત્ર ગ્રહણ કરી રામાનજને અલૌકિક આનંદ પ્રાપ્ત થયો તે વિષ્ણુ મંદિરમાં આવતા દુઃખી ભક્તોને જોતા તેમના મનમાં આ દુઃખી ભક્તોનો ઉધ્ધાર કરવાનો વિચાર આવ્યો. એક દિવસ તેમણે મંદિરમાં આવતા ભક્તોને ભેગા કર્યા. અને ગુરૂએ આપેલો મંત્ર 'ઁ નમો નારાયણ જગ જાહેર કરી દીધો. ભક્તોના આ પવિત્ર મંત્રોચ્ચારથી મંદિરના વાતાવરણમાં અદ્ભુત આનંદ છવાઈ ગયો. ભક્તોને અલૌકિક આનંદની અનુભૂતિ થઈ. આ વાતની ગુરૂને ખબર પડી. તે દોડતા આવ્યા. 'નરાધમ! વિશ્વાસઘાતી...તેં આ શું કર્યું ? મારી મનાઈ છતાં તેં મંત્ર જાહેર કરી દીધો! તને નરક મળશે નરક!!'' શ્રી રામાનુજાચાર્યએ કહ્યું, ''ગુરૂજી ક્ષમા કરો. મને ખબર છે મેં તમારી વાત ના માનીને વચન ભંગ કર્યો છે. ભલે મને નરક મળે! પણ આ મંત્રઉચ્ચારણથી કેટલા ભક્તોને શાંતિ મળશે. કેટલા દુઃખી જીવોને રાહત મળશે. ગુરૂજી સાચા ભક્તોને વૈકુંઠ પ્રાપ્ત થાય તેના જેવો ધર્મલાભ બીજો શું હોઈ શકે ? '' ગુરૂના અંતરપટ ખુલી ગયાં. તેમને પોતાની સંકુચિત વૃત્તિ અને શિષ્યની ઉદારતાનું જ્ઞાાન થયું. તે પ્રેમથી શિષ્યને ભેટી પડયા.
યુધ્ધ પહેલાં અર્જુન શ્રીકૃષ્ણનું ગીતાજ્ઞાાન ગ્રહણ કર્યા પછી છેલ્લે કહે છે (કરિષ્યે વચનં તવ) હે અચ્યુત, હવે તમે કહ્યું એમ જ કરીશ. પણ શ્રીકૃષ્ણ નથી ઈચ્છતા કે અર્જુન તેમની દરેક વાત માની જ લે ! એટલે શ્રીકૃષ્ણ કહે છે ''(યથેચ્છતિ તથા કુરૂ) હે અર્જુન, હું કહું છું માટે નહિ પણ તારી બુધ્ધિ, તારૂં મન જે વાત સ્વીકારે એમ જ તું કર. આપણે પણ કોઈ વાત માનતા પહેલાં મનના તળિયે ઉતરીએ, સત્ય શોધીએ અને સારાસારનો વિવેક સમજી ધર્મ અનુસાર આચરણ કરીએ.''
- સુરેન્દ્ર શાહ









