- મકરસંક્રાંતિએ દાનનો મહિમા
શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં દાન કહ્યા છે. જેમકે, અન્નદાન, અભયદાન, દ્રવ્યદાન, કન્યાદાન, ગૌદાન, ભૂમિદાન, વસ્ત્રદાન, જ્ઞાાનદાન, ધર્મદાન, પ્રાણદાન અને ધનદાન જેવા મુખ્ય 11 પ્રકારના વિશેષ દાન પ્રચલિત છે. દાન આપવાના હેતુ પણ ઘણા હોય છે. કોઈ નામના-કીર્તિ માટે, સ્વાર્થ સિદ્ધ કરવા માટે, પ્રસિદ્ધિ માટે તો કોઈ અહમ્ સંતોષવા માટે કોઈ નિ:સ્વાર્થભાવે પણ દાન કરતા હોય છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય-17, શ્લોક-20માં દાનની વ્યાખ્યા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને આપેલી છે. 'દાન દેવું એ ફરજ છે. એવી સમજણથી કોઈપણ જાતની અપેક્ષા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહે છે.' દાનની આવી સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા આખા જગતમાં બીજી એક પણ નથી.
અંબરિષ રાજાએ કરેલું ગાયોનું દાન, દેવરાજ ઇન્દ્રને દાનેશ્વરી કર્ણએ કરેલું કવચકુંડળનું દાન, શિબિ રાજાએ એક હોલા (પક્ષી) માટે કરેલું અંશત: દેહદાન, બલિરાજાએ વામન ભગવાનને કરેલું પૃથ્વીદાન, જનકરાજાએ શ્રીરામને કરેલું સીતાજીનું કન્યાદાન, દરેક શીંગડે દસ દસ સોનામહોરો બાંધેલી એક હજાર ગાયોનું જનક રાજાએ યાજ્ઞાવલ્ક્ય ઋષિને કરેલું દાન, સંવત : 1351માં પડેલા ભયંકર દુષ્કાળ વખતે શેઠ જગડુશાએ દાન કરેલા અનાજના ભંડાર.... આવા અનેક અજોડ અસાધારણ ભવ્યાતિભવ્ય દાનોથી આપણી ભારતીય સંસ્કૃતિ અને અસ્મિતા ઉજળી છે.
શ્રદ્ધાળુઓ યથાશક્તિ બારેમાસ દાન કરતા હોય છે. પરંતુ મકરસંક્રાંતિના દિવસે લોકો વિશેષ દાન કરે છે. દુનિયાના દરેક ધર્મોમાં દાનનો અપાર મહિમા કહ્યો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, 'સંપત્તિના પાંચ ભાગ કરો અને બે ભાગ ધર્માદામાં આપો.' બાઈબલ પણ કહે છે 'તને જે મળ્યું છે તે છૂટથી વાપર.', કુરાનમાં પણ દાનનો મહિમા છે. દાન અંગે સંત કબીર કહે છે કે, 'કુંજર મુખસે કન ગીરો, ખુટો ન પાકો આહાર, કીડી કન લે ચલી, પોષણ દઈ પરિવાર.' એટલે કે હાથીના મુખમાંથી ખાતા ખાતા કણ પડી જાય તેથી હાથી ભુખે મરતો નથી. કીડી તે તાણી જાય છે અને તેમાં આખો પરિવાર નભી જાય છે. દાન કરવાથી ધન ખુટી જતું નથી. પરંતુ તે દાનથી અનેકનુ ભલું થતું હોય છે.' કોઈકનો પાડ ના રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી.' નિ:સ્વાર્થભાવે, યોગ્ય સ્થળે, યોગ્ય પાત્રને કરેલું દાન અનંતગણું થઈને પાછું આવતું હોય છે.
મકરસંક્રાંતિ પર્વે લોકો આખા વર્ષનું પુણ્ય કમાવી લેવા વિશેષ દાન-પુણ્ય કરતા હોય છે. આ દિવસે ઘણા બાજરી કે ઘઉંની ઘુઘરી બાફીને ગાયોને ખવરાવે છે. ઘણા ગાયોને ઘાસપુળા-રજકો ખવડાવે છે. ગરીબોને દાન અને બ્રાહ્મણોને દક્ષિણા આપે છે. આ પૂણ્યા દિવસે લોકો અનાજ-કઠોળ-વસ્ત્ર-તલ-શીંગના લાડુ-શેરડી તેમજ રોકડ રકમનું દાન કરતા હોય છે. મકરસંક્રાંતિએ દાન કરવું એટકે કથીર આપીને કુંદન લેવાનો અવસર... ભગવાન દેના બેંક છે, લેના બેંક નથી. શુદ્ધભાવથી સુપાત્રને કરેલું દાન ચોક્કસ શુભફળ આપતું હોય છે. મકરસંક્રાંતિદિને સ્વામિનારાયણીય સંતો અને હરિભક્તો ખભે ઝોળી ધારણ કરીને 'સ્વામિનારાયમ હરે... સચ્ચિદાનંદ પ્રભો...! ની આહલેક લગાવી ઝોળી માંગતા હોય છે. અને ભક્તો-ભાવિકો પુણ્યનો મહિમા સમજી દાન-ધર્માદો આપી ઝોળી ભરી દેતા હોય છે. ઝોળી માંગવાની પરંપરા શ્રીજી મહારાજના વખતથી ચાલી આવે છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે તો મંદિરો જ ઝોળી માંગીને કર્યા છે, પ્રમુખસ્વામી કહેતા : ભગવાન લે છે કણ પણ ઓછે ટન...!! આ તો આપીને લેવાની વાત છે...!!
- કિશોર ગજ્જર
દાન અંગે સંત કબીર કહે છે કે, 'કુંજર મુખસે કન ગીરો, ખુટો ન પાકો આહાર, કીડી કન લે ચલી, પોષણ દઈ પરિવાર.' એટલે કે હાથીના મુખમાંથી ખાતા ખાતા કણ પડી જાય તેથી હાથી ભુખે મરતો નથી. કીડી તે તાણી જાય છે અને તેમાં આખો પરિવાર નભી જાય છે. દાન કરવાથી ધન ખુટી જતું નથી.


