શું તમને ઊંચાઈ પરથી પડવાનાં સપનાં આવે છે?

- સ્વપ્નશાસ્ત્ર
મન વાંચવાનું થર્મોમીટર
- ઊંચાઈ પરથી પડવાના સપનાંનો સામાન્ય અર્થ એવો થાય કે તમે કોઈક મુદ્દે અસલામતીની લાગણીથી પીડાઈ રહ્યો છો, અસ્થિરતા અનુભવી રહ્યા છો.
ભ રઊંઘમાં એક સપનું આપણે સૌએ ક્યારેક તો જોયું જ હશે. જાણે કે આપણે કોઈ ઊંચી જગ્યા પર ઊભા છીએ. પછી તે પહાડની ટોચ, બિલ્ડિંગની અગાસી કે એવું કંઈ પણ હોઈ શકે. આપણે સપનામાં જોઈએ કે આપણે ઊંચાઈ પરથી ધબાંગ કરતાં નીચે ફંગોળાઈ ગયા છીએ. નીચે કાં તો ખીણ છે, રોડ છે અથવા તો માત્ર આકાશ છે. ફિલ્મોની જેમ આપણે બિલકુલ સ્લો મોશનમાં ઉપરથી નીચે પટકાઈ રહ્યા હોઈએ ને નીચે કશું છે જ નહીં... અને આપણું શરીર જમીન કે કોઈ પણ નક્કર સપાટી પર ધડામ્ કરતું પછડાય તે પહેલાં પટ્ કરતી આપણી ઊંઘ ઊડી જાય. આપણે સફાળા જાગી જઈએ ને આપણા જીવમાં જીવ આવે. આપણને થાય કે થેન્ક ગાડ, બચી ગયા... આ તો સપનું હતું! તમને આવ્યાં છે આવાં સપનાં ક્યારેય?
શો અર્થ થાય આવાં સપનાંનો?
એક વાત આપણે શરૂઆતમાં જ સમજી લેવી જોઈએ કે સપનાંનો કોઈ એક કે કોઈ ચોક્કસ અર્થ હોતો નથી. વ્યક્તિ અનુસાર સપનાંનું અર્થઘટન જુદું જુદું હોઈ શકે છે. કોઈ પણ સપનાને હંમેશાં વ્યક્તિના જીવનમાં બની રહેલી વાસ્તવિક ઘટનાઓના સંદર્ભમાં સમજવું જોઈએ. દુનિયાભરના માનસ ચિકિત્સકોએ અને અભ્યાસુઓએ જુદાં જુદાં પ્રકારનાં સપનાંનું ખૂબ વિશ્લેષણ કર્યું છે, પુષ્કળ સંશોધન કર્યું છે. ઊંચાઈ પરથી ગબડી પડવાના સપનાંનાં કેટલાક કામન અર્થઘટનો વિશે આપણે અત્યારે વાત કરીએ.
ઊંચાઈ પરથી પડવાનાં સપનાંનો સામાન્ય અર્થ થાય છે, કોઈ મહત્ત્વની પરિસ્થિતિ પરથી તમારો અંકુશ ઓછો થઈ ગયો છે અથવા વાત હવે તમારા હાથ બહાર જતી રહી છે. તમે કોઈક મુદ્દે અસલામતીની લાગણીથી પીડાઈ રહ્યો છો અથવા અસ્થિરતા અનુભવી રહ્યા છો. તમે લઘુતાગ્રંથિનો અનુભવ થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ તમારા પર એટલી બધી હાવી થઈ રહી છે કે તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું તે સમજાતું નથી. ઔર એક અર્થ એવો થાય કે તમને સ્કૂલ, કાલેજ અથવા તો તમારી આફિસ યા બિઝનેસમાં નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. મારું સ્ટેટસ જતું રહેશે તો? હું પ્રેમમાં નિષ્ફળ જઈશ તો? મારું આત્મસન્માન ઘવાશે તો? જે છે એવી ને એવી સ્થિતિ જાળવી રાખવામાં હું કાચો પડીશ તો? - આ પ્રકારના ભય જો મનમાં ઘુમરાયા કરતો હોય તો શક્ય છે ઊંઘમાં તમને ઊંચાઈ પરથી પડવાનું સપનું આવે. આ સપનાંનો સંબંધ ડર, માનસિક રીતે આતંકિત થઈ જવું, ઉદ્વેગ (એન્ક્ઝાઇટી) અને અસહાયતાની લાગણી સાથે પણ છે.
જીવનના કોઈ મહત્ત્વનાં હિસ્સા પરથી આપણી પકડ જતી રહે ત્યારે આપણે આ પ્રકારની લાગણીઓ અનુભવતા હોઈએ છીએ, જે પછી સપનાંમાં પ્રતિબિંબિત થાય છે.
સાઇકોએનેલિસિસના પિતામહ ગણાતા ફ્રાઇડ તો ત્યાં સુધી કહે છે કે તમને કોઈ પ્રત્યે જાતીય આકર્ષણ થયું હોય અને આ લાલચને તમે વશ થઈ જવા માગતા હો અથવા તો આ પ્રલોભનને વશ થવું કે નહીં તે નક્કી કરી શકતા ન હો તો પણ રાત્રે ઊંચાઈ પરથી પડવાનું સપનું આવે, એમ બને.
એક થિયરી વળી એવું કહે છે કે ઊંચાઈ પરથી પડવાનું સપનું કોઈક પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ તરફ ઈશારો કરતું હોય એવું બને.
ઊંચાઈ પરથી પડવાના સપનાનો ચોક્કસ અર્થ સમજવો હોય તો સાથે સાથે બીજી કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે, સપનામાં તમે અક્ઝેક્ટલી ક્યાંથી પડયા હતા, શા માટે પડયા હતા? તમે જ્યારે ફ્રી ફાલ (પડવાની) અવસ્થામાં હતા ત્યારે શું અનુભવી રહ્યા હતા? શું તમને ફાળ પડી હતી, ભયભીત થઈ ગયા હતા કે પછી, તમે સપનામાં આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા?
આપણે આ દરેક પ્રકારના સપના વિશે ક્રમશ: વાત કરીએ.
આકાશમાંથી પડવું : તમે જો આકાશમાંથી પડી રહ્યા હો એવું સપનું જોયું તો એનો અર્થ થાય છે કે જીવનમાં તમે કદાચ કોઈ મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અથવા તમારા જીવનમાં કશોક જબરદસ્ત ફેરફાર આવવાનો છે. તમને ખબર નથી કે જીવનમાં આગળ શું થવાનું છે. તમે નિરંકુશપણે 'અજ્ઞાત' તરફ ધસી રહ્યા છો.
જમીન ખસી જવી: ક્યારેક એવું સપનું આવે કે જાણે તમે કશેક જઈ રહ્યા છો, તમે પગ ઉપાડીને કદમ માંડો છો ને તમને અચાનક ખબર પડે છે નીચે જમીન જ નથી... ને તમે સંતુલન ગુમાવીને ગબડી પડો છો યા તો ફેંકાઈ જાઓ છો. આ સપનાનો સંબંધ સંભવત: તમારી કરીઅર સાથે છે. તમને લાગી રહ્યું છે કે તમે કારકિર્દીમાં પાછળ રહી ગયા છો. આ લાગણી સપનામાં અભાનપણે વ્યક્ત થાય છે.
શિલા પરથી લપસીને ખીણમાં ગબડી પડવું : આ સપનાનો અર્થ એવો થાય કે જીવનના કોઈ મહત્ત્વના પાસા સાથેનો તમારો સંપર્ક છૂટી રહ્યો છે. કદાચ તમારા મિત્રો તમારાથી દૂર થઈ રહ્યા છે અથવા કદાચ તમે નોકરીમાં જે પ્રમોશન મળવાની આશા રાખીને બેઠા હતા તે નહીં મળે એવું લાગે છે. તમને ખબર નથી કે નજીકના ભવિષ્યમાં શું થવાનું છે, પણ જે કંઈ સંભવિત પરિણામ આવશે તેનો તમને ડર લાગી રહ્યો છે.
બિલ્ડિંગ પરથી પડવું : આ સપનાનો એક અર્થ તો, અગાઉ કહ્યું તેમ, જે વસ્તુની ખબર નથી તેનો ડર. બીજો અર્થ એવો થાય કે તમે ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા નથી એટલે તમે તમારી જાતથી નિરાશ થઈ ગયા છો.
સ્લો મોશનમાં પડવું : તમે આકાશમાંથી સ્લો મોશનમાં પડી રહ્યા હો તો એનો અર્થ એવો થાય કે તમે જીવનમાં એવી જગ્યાએ આવીને ઊભા છો કે આગળ અલગ અલગ ચાર દિશાઓમાં રસ્તા જતા દેખાય છે ને એમાંથી કયો રસ્તો સાચો છે ને લેવા જેવો છે તે તમને સમજાઈ રહ્યું નથી. કદાચ કોઈક વાતે તમે બહુ ચોખલિયા થઈ રહ્યા છો ને તમે તમારી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવા અંગે કોઈક નિર્ણય લેવા માગો છો.
પડવું અને ઇજા થવી : જો સપનામાં તમે એવું જુઓ કે કોઈએ તમને ધક્કો માર્યો ને તમે ઊંચાઈ પરથી નીચે પટકાયા, તો એનો સંભવિત અર્થ એવો થાય કે તમે તમારા જાગૃત અવસ્થામાં કોઈક વાતે પીડાઈ રહ્યા છો. કદાચ કોઈએ તમારી સાથે દગાબાજી કરી નાખી છે. કદાચ આ સપનું એ વાતનો સંકેત છે કે તમારે તમારા સંબંધોનું તટસ્થતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે.
પગથિયાં પરથી ગબડી પડવું : આ સપનાનો અર્થ એવો થાય કે લાગણીના સ્તરે તમારી હાલત કથળી રહી છે. તમારે શાંત ચિત્તે બેસીને તમારી જિંદગીમાં જે કંઈ થઈ રહ્યું છે એના વિશે વિચારવાની અને ફરીથી આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવાની જરૂર છે.
બીજા કોઈને પડતા જોવા: જરૂરી નથી કે સપનામાં દર વખતે તમે તમારી જાતને જ પડતાં જુઓ. તમને ક્યારેક તમારા પરિવારના સભ્ય કે દોસ્તાર પડતા હોય એવુંય દેખાય. આ કદાચ એ વાતનો સંકેત છે કે સપનામાં દેખાતી વ્યક્તિ આથક સંકટમાં મૂકાઈ ગઈ છે યા તો એની તબિયત સારી નથી.
તો શું લાગે છે તમને? ઊંચાઈ પરથી પડી જવાના તમારા સપનાનો શો અર્થ તમે તારવી રહ્યા છો?
વારે વારે પડવાનાં સપનાં આવતાં હોય તો શું કરવું?
વારે વારે ઊંચાઈ પરથી પડવાનાં સપનાં આવતા હોય તો સૌથી પહેલાં તો આ ચકાસી જુઓ: શું તમે સ્લીપ ડિસઆર્ડર (અપૂરતી, કાચી ઊંઘની સમસ્યા)થી પીડાઈ રહ્યા છો? શું તમારા જીવનમાં સ્વજનનું મૃત્યુ કે અંગત જીવનમાં ભયંકર નિષ્ફળતા કે એવા કશીક ગંભીર ઘટના બની છે ને તેને લીધે તમે તમે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઆર્ડર (પીટીએસડી)થી પીડાઈ રહ્યા છો? જો આનો જવાબ 'હા' હોય તો તમારે માનસ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. ધારો કે આવી કશીય ગંભીર ઘટના બની નથી ને છતાં ઊંચાઈ પરથી પડવાનાં સપનાં આવ્યાં કરે છે, તો આટલું કરો: ડાયરી લખો. સપનાંમાં તમે શું શું જોયું તેની પાક્કી નોંધ કરતા જાઓ. તમે કઈ જગ્યાએથી પડયા, કેવી રીતે પડયા, તમારી સાથે એ સમયે કોણ હતું, પડતી વખતે તમને કેવી લાગણી થઈ રહી હતી વગેરે. તમારી ડાયરીમાં નોંધાયેલી આ વિગતોને અવારનવાર વાંચો. શું તમને આમાં કોઈ પેટર્ન જેવું દેખાય છે?
શું આ વિગતોનો સંબંધ તમારી આસપાસના લોકો, જગ્યા કે કોઈ ઘટના સાથે છેે? તમારા વાસ્તવિક જીવનનો કોઈક રીતે આ સપનાંની વિગતો સાથે મેળ પડે છે? શક્ય છે કે આ સવાલોના જવાબ શોધવાની પ્રક્રિયા દરમિયાન તમને સતાવી રહેલી કોઈ ચિંતા કે લાગણી સપાટી પર આવે. શક્ય છે કે આપણને સમજાય કે અંદરખાને હું ખુશ નથી, ને છતાંય હું એવો ડોળ કરી રહ્યો છું કે બધું બરાબર છે. આ પ્રકારે વિચારવાથી આપણી જાત પ્રત્યે, આપણા માંહ્યલામાં ઘુમરાતી રહેતી સારી-ખરાબ લાગણીઓ વિશે આપણે વધારે જાગૃત બનીશું, વધારે પ્રામાણિક થઈશું... ને પછી જીવનની લગામ ફરી પાછી હાથમાં લેવાનું બળ આપણને મળશે.








