શું તમને ટ્રેન કે ફલાઇટ મિસ થઈ જવાનાં સપનાં આવે છે?

- સ્વપ્નશાસ્ત્ર- મન વાંચવાનું થર્મોમીટર
- સપનામાં ટ્રેન અથવા ફ્લાઇટ ચૂકાઈ જવાનો મુખ્ય અર્થ એ થાય કે તમે કદાચ જીવનમાં દિશાહીનતા અનુભવો છો, તમારામાં આત્મવિશ્વાસની કમી વર્તાઈ રહી છે, તમારું પોતાનું કહી શકાય એવી આત્મીય વ્યક્તિની ખોટ તમને સાલે છે અને તમે કદાચ અંગત જીવનમાં કશીક કટોકટીનો સામનો કરી રહ્યા છો
'જ બ વી મેટ' ફિલ્મ જોઈ છે તમે? એમાં વાતોડિયણ કરીના કપૂર કેટલીય વાર ટ્રેન ચૂકી જાય છે. એ ઘાંઘી થઈને પ્લેટફાર્મ પર દોડતી રહે ને ટ્રેન આગલા સ્ટેશન તરફ સરકી જાય. આપણે સ્ટેશન કે એરપોર્ટ મોડા પહોંચીએ ને ટ્રેન કે ફ્લાઇટ આપણને લીધા વિના ઉપડી જાય એવું આપણી સાથે પણ અસલી જિંદગીમાં ક્યારેક બન્યું હોય છે. આવું થાય ત્યારે ટેન્શન અને ફ્રસ્ટ્રેશનનો પાર ન રહે. શક્ય છે કે અસલી જીવનમાં આપણે કદાચ ક્યારેય ટ્રેન કે ફ્લાઇટ મિસ ન કરી હોય, તો પણ આ પ્રકારનાં સપનાં ક્યારેક આવતાં હોય. આમેય ટ્રેન-ફ્લાઇટ ચૂકી જવાનાં સપનાં બહુ કોમન છે. શું અર્થ થાય આવાં સપનાંના? ચાલો જોઈએ.
સામાન્યપણે આપણાં અંતરમનમાં ચાલતા વિચારો અને અનુભવાતી લાગણીઓનું પ્રતિબિંબ આપણાં સપનામાં પડતાં હોય છે. ટ્રેન-ફ્લાઇટ મિસ થઈ જવાનો એક મુખ્ય અર્થ થાય એ થાય કે તમે કદાચ જીવનમાં દિશાહીનતા અનુભવો છો, તમારામાં આત્મવિશ્વાસની કમી વર્તાઈ રહી છે, તમારું પોતાનું કહી શકાય એવી આત્મીય વ્યક્તિની ખોટ તમને સાલે છે તમે કદાચ અંગત જીવનમાં કશીક કટોકટીનો સામનો કરી રહ્યા છો. તમારે માટે ખૂબ મહત્ત્વ ધરાવતી હોય તેવી વ્યક્તિ કે વસ્તુ તમારાથી છીનવાઈ જશે તેવો તમને અંદરખાને ડર સતાવી રહ્યો છે.
શું તમે બીજાઓની કદર કરતાં નથી?
ટ્રેન કે ફ્લાઇટને મિસ કરી દેવાનાં સપનાંનો સંબંધ ચુકાઈ ગયેલી તકો, હાથમાંથી સરકી રહેલા સંબંધો અથવા ખુદના વ્યક્તિત્ત્વનાં કેટલાંક ખોવાઈ ગયલાં પાસાં સાથે છે. માનસશાના પિતા કહેવાયેલા ફ્રાઇડ કહે છે કે આ પ્રકારનાં સપનાંનો સંબંધ અતૃપ્ત જાતીય ઇચ્છાઓ સાથે છે. જોકે બીજા ઘણા માનસશાીઓ કહે છે કે આ પ્રકારનાં સપનાંમાં સેક્સ્યુઅલ એંગલ હોવો જરૂરી નથી.
જોઈએ છે... આઝાદી!
ટ્રેન કે ફ્લાઇટ મિસ થઈ જવાના સપનાનો એક અર્થ એવો થાય કે તમે આઝાદી ઇચ્છો છો. કોઈ વ્યક્તિએ તમને બાંધી રાખ્યા છે ને તમે કદાચ એનાથી છૂટકારો થાય એવું ઇચ્છો છો. શું ખરેખર તમારી જિંદગીમાં એવી કોઈ વ્યક્તિ છે, જે તમને બહુ પીડા આપી રહી છે? જો જવાબ હા હોય તો આ સંબંધ વિશે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે એમ સમજો.
વિચારો નહીં, નિવેડો લાવો
આ સપનામાં વૈવિધ્ય હોઈ શકે છે. જેમ કે, સપનામાં તમે જુઓ કે તમે સ્ટેશન કે એરપોર્ટ તો નિયમિત પહોંચી ગયા છો, પણ ટિકિટ લેવાનું જ ભૂલી ગયા છો. અધૂરામાં પૂરું, તમારી પાસે એની ડિજિટલ કોપી પણ નથી... ને આ કારણને લીધે તમારી યાત્રા શરૂ થાય તે પહેલાં જ પૂરી થઈ જાય છે. આ સપનાંનો અર્થ એવો થાય કે તમે ખૂબ બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલા છો. એક વાત સમજી લો. જો તમે સમસ્યાઓ વિશે ફક્ત વિચાર્યા જ કરશો ને નક્કર પગલાં નહીં ભરો તો ટેન્શન વધતું જશે.
તમારી જાતને પૂછો: હું જીવનમાં શું હાંસલ કરવા માગું છું? હું અત્યારે જે કંઈ છું, શું હું એનાથી સંતુષ્ટ છું? મારી જિંદગીમાં બધું જ બરાબર છે? મારી જોબ કે બિઝનેસમાં હું ખુશ છો? તમારા માંહ્યલાને ધ્યાનથી સાંભળો. સક્રિય બનો. તમારી સમસ્યાઓનાં સમાધાન મળશે જ.
અપેક્ષાઓ ઘટાડો
તમે સપનામાં એવુંય જોઈ શકો કે તમે તો સમયસર પહોંચી ગયા છો, પણ તમારી સાથે જે વ્યક્તિ પ્રવાસ કરવાની હતી તે મોડી પડી ને તેને કારણે ટ્રેન કે ફ્લાઇટ મિસ થઈ ગઈ. શો મતલબ થયો આ સપનાનો? એ જ કે ભવિષ્યમાં તમારા જીવનમાં જટિલ પરિસ્થિતિઓ ઊભી થાય તેવી ભારોભાર શક્યતા છે. લોકો પાસેથી વધારે પડતી અપેક્ષાઓ ન રાખો. ઓછી આશા રાખશો તો ઓછા દુખી થશો.
તમારું સપનું એવું પણ હોઈ શકે કે જે પ્લેનમાં તમે પ્રવાસ કરી રહ્યા હતા તે આખેઆખું પ્લેન જ ગાયબ થઈ ગયું! કોઈને ખબર જ નથી કે તમારું પ્લેનને આકાશ કોળિયો કરી ગયું કે દરિયો? આ સપનાનો અર્થ છે, તમે અંદરખાને અસલામતીનો અનુભવ કરો છે. તમે ઇચ્છો છો કે તમારી આસપાસ, તમારા જીવનમાં એવું કોઈ હોય જે તમારી સંભાળ રાખે. જુઓ, આવી આશા રાખવામાં કશું ખોટું નથી, પણ શા માટે કોઈની રાહ જોવાની? આપણે ખુદ આપણી સંભાળ ન રાખી શકીએ?
આટલો ઉત્પાત શા માટે?
શું સપનામાં તમારી ટ્રેન/ફ્લાઇટ મિસ થઈ ગઈ હોય ને છતાંય તમે 'હા...શ' સારું થયું એ પ્રકારની રાહતની લાગણી અનુભવી હોય એવું બન્યું છે? જો તમને આવાં સપનાં આવતાં હોય તો એનો અર્થ એ થયો કે તમારું રોજિંદું જીવન ખૂબ તણાવભર્યું છે. તમારા પર સતત ખૂબ પ્રેશર રહે છે. લોકો તમારી પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ રાખે છે, પણ તમને સમજાતું નથી કે તમે આ અપેક્ષાઓ પૂરી કરી શકશો કે કેમ. ફરી એ જ વાત. ધીમા પડો. રિલેક્સ. આટલી બધી હાયવોય કરવાની જરૂર નથી. પોતાનાં શરીરની કાળજી લો. તમારી મનદુરસ્તી વિશે પણ ઉદાસીન ન રહો. હેલ્દી રહો - શરીરથી અન મનથી, બન્ને સ્તરે.
સંબંધોના આરોહઅવરોહ
શું સપનામાં ક્યારેય એવું જોયું કે ટ્રેન કે ફ્લાઇટમાં અચાનક તમને કોઈ પરિચિત વ્યક્તિ મળી ગઈ હોય? આનો અર્થ એ થાય કે જાગ્રત જીવનમાં તમને કશાકથી જાકારો મળી ચુક્યો છે ને એ તમારાથી સહન થતું નથી. તમે સપનામાં એવુંય જોઈ શકો કે તમે નહીં, પણ તમારી નિકટની વ્યક્તિની ટ્રેન કે ફ્લાઇટ મિસ થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે તમારા વધુ પડતી સારસંભાળથી તે વ્યક્તિ ગૂંગળામણ અનુભવી રહી છે. પ્લીઝ, તમારી એ પ્રિય વ્યક્તિને જરા મોકળાશ આપો, સ્પેસ આપો. પ્રેમ હોવો સારી વાત છે, પણ એને કંટ્રોલ કરવાની જરૂર નથી. એને જરા પોતાની રીતે જીવવા દો.
દરેક સપનું કશુંક કહે છે...
એક વાત યાદ રાખો. ફ્લાઇટ કે ટ્રેન મિસ થવાના સપનાં નેગેટિવ જ હોય તેવું જરૂરી નથી. આવાં સપનાંથી ડરી જવાનું ન હોય. આ પ્રકારનાં સપનાંનો ઉદ્દેશ તમારી માનસિક તાણ કે ઉદ્વેગને વધારવાનો હોતો નથી. તે વાસ્તવમાં તમને ચેતવવા માટે આવ્યાં હોય છે. સવારે ઉઠી ગયા પછી સપનાંને સાંભળો, એ શો સંદેશો આપવા માગે છે તેનું વિશ્લેષણ કરો ને આવશ્યક પગલાં ભરો.








