શું આપણને ભગવાન ખરેખર જોઈએ છે?

એક સદ્ગુરૂ, અદ્ભુત પ્રવચન આપે. તેઓનાં પ્રવચનની વિશેષતા એવી જોરદાર કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન પૂછે, તો તેઓ તત્કાળ જવાબ આપે. ક્યારેક પ્રશ્નનો જવાબ વધુ સારી રીતે આપવો હોય તો અલગ અલગ તરકીબ પણ અજમાવે.
એક દિવસ પ્રવચનમાં પ્રભુપ્રાપ્તિની વાત ચાલી રહી હતી. ચાલુ પ્રવચને એક યુવાન ઊભો થયો. જાહેરમાં તેણે સદ્ગુરૂને પૂછયું : 'ગુરૂદેવ ! પ્રભુપ્રાપ્તિની વાતો આપ ઘણા દિવસોથી કરો છો, પણ એક પણ ભક્તને પ્રભુપ્રાપ્તિ કેમ થઈ નથી ?' સદ્ગુરૂએ તેને જાહેરમાં કહ્યું, 'તેં ખૂબ જ સરસ સવાલ પૂછયો. આનો પ્રત્યુત્તર હું તને કાલે જાહેરમાં આપીશ.' એ દિવસનું પ્રવચન પૂર્ણ થયું. સૌ શ્રોતા પોતપોતાના ઘરે ગયા. આ બાજુ સદ્ગુરૂએ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, 'પ્રયોગ તારે હવે આ કરવાનો છે કે, મારા પ્રવચનમાં જે પણ શ્રોતા આવે છે તે પ્રત્યેક શ્રોતાના ઘરે તારે જવાનું છે, અને ઘરે ઘરે જઈને આ પૂછવાનું કે, આજની તારીખે તમારે ખરેખર શું જોઈએ છે ? અને એની નોંધ કરજે.'
યુવાન તરત જ ત્યાંથી પ્રત્યેક શ્રોતાના ઘરે ગયો. દરેક શ્રોતાને આ જ પ્રશ્ન પૂછયો. જોકે દરેક શ્રોતા પાસેથી જવાબ અલગ-અલગ મળ્યો. કોઈને ગાડી જોઈતી હતી, તો કોઈને બંગલો જોઈતો હતો, કોઈને લગ્ન કરવા માટે સારી છોકરી જોઈતી હતી, તો કોઈ દંપતીને સંતાનમાં છોકરો જોઈતો હતો. આમ ઘર ઘરમાંથી દરેકને કંઈકને કંઈક અલગ જોઈતું હતું. સર્વની તેણે નોંધ એક કાગળ ઉપર તૈયાર કરી. બીજા દિવસે તે પ્રવચનમાં આવ્યો. પ્રવચનની શરૂઆતમાં જ તે નોંધ શ્રોતાઓ સમક્ષ વાંચી સંભળાવી. જોકે જાહેરમાં તેઓનો નામોલ્લેખ ના કર્યો. સંપૂર્ણ સૂચી વાંચી સંભળાવ્યા પછી હવે સદ્ગુરૂ બોલ્યા, 'ગઈકાલે આ યુવાને જાહેરમાં જે પ્રશ્ન પૂછયો હતો, તે માટે મેં તેને દરેક ભક્તોના ઘરે જઈને તેઓના મનમાં શું ઇચ્છા છે ? તે જાણવાનું કહ્યું હતું. લગભગ અહીં બેઠેલા સૌ ભક્તો-શ્રોતાઓને વ્યક્તિગત મળીને તેણે નોંધ તૈયાર કરી છે કે, તેઓને શું મેળવવાની ઇચ્છા છે ? હવે હું તેને કહું છું કે તેની સૂચિમાં જેને ભગવાન મેળવવાની ઇચ્છા હોય તેઓનું નામ વાંચી સંભળાવે.' જોકે સૌને ખ્યાલ આવી જ ગયો કે આ સૂચિમાં તો ભગવાનનું નામ ક્યાંય નથી.
ભગવાન જોઈતા જ ના હોય તો ભગવાન કેવી રીતે મળે ?
- રાજ સંઘવી









