શું, આપણે જેવા છીએ તેવા પ્રદર્શીત થઈએ છીએ ?...

મારા એક મિત્ર મુંબઈ ફરવા ગયા. ત્યાં સ્ટુડીયોમાં કેટલાક ચિત્રકારો બેઠા હતા. આપણે ૧૦ મિનીટ બેસીએ તો આપણું પેન્સિવર્કમાં પોટરેઈટ બનાવીને આપી દે મિત્રને થયું, લાવને મારું પોટ્રેઈટ બનાવડાવીને વતનમાં લઈ જાઉં. કાયમી સંભારણું બની જશે.
તેમણે ચિત્રકારનો સંપર્ક કર્યો. ચિત્રકારે પોટ્રેઈટ બનાવવાના ભાવનું પત્રક તેમને બતાવતાં કહ્યું ઃ આપ જેવા દેખાઓ છો તેવા હુબહુ ચિત્ર તૈયાર કરવાના ૫૦૦ રૂપિયા. તમે જેવા છો તેમાં કાંઈ વિશિષ્ટતા મૂકીને શૂટ, શેરવાની, માથે પાઘડી જેવું મૂકીને ચિત્ર તૈયાર કરવાના ૭૦૦ રૂપિયા. અને આપ દુનિયાને આપણું જે રૂપ બતાવવા ઈચ્છતા હો તો કહેશો તો તે પ્રમાણે તમારા ચહેરાના ભાવ બતાવવાના રૂ.૧૦૦૦/- થશે.
કહેવાની જરૂર નથી કે મારા એ મિત્રે રૃા.૧૦૦૦/- આપીને પોતાનું પોટ્રેઈટ તૈયાર કરાવ્યું.
શું આપણે આ રીતે જવા છીએ તેવા દેખાવાના બદલે જેવા નથી તેવા પ્રદર્શીત થવા પ્રયત્ન કરી રહ્યા હતો નથી ને? બહુ જ અઘરો સવાલ છે. કારણ કે જવાબની આપને ખબર છે. આ ડીજીટલ યુગમાં એ.આઈ. માધ્યમથી શું નું શું પ્રદર્શીત કરી શકાય છે. તે રીતે આપણું જીવન ડીજીટલ બની રહ્યું છે. તેની ચિંતા સમાજના એક વર્ગને થઈ રહી છે. આપણે ચેતી જવાની જરૂર છે. આપણે એક બીજાને મળીએ છીએ ત્યારે આપણા શરીર અને મનના ભાવ કળાવા દેતા નથી. પરંતુ ખરેખર કોઈ આંતરિક શક્તિ દ્વારા જોઈ લે તો? આ સૃષ્ટિ ઉપર ભગવાનનાં બનાવેલાં અનેક પશુ-પક્ષીઓ કીટ પતંગાં વસે છે. દરેક પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે તેથી તેમને યાદ કરાવવું પડતું નથી. કે તું અમુક પક્ષી છે કે સિંહ, વાઘ, શિયાળ કે સસલું છે... તે પ્રમાણે વર્તન કરે. જ્યારે માણસને યાદ કરાવવું પડે છે. ''માણસ બન''. આનાથી બીજી શરમજનક ઘટના બીજી કઈ હોઈ શકે ?...
ભગવાને મનુષ્ય તરીકે આપણું સર્જન કરીને અનેક વિશિષ્ટતાઓ આપણામાં મૂકી છે. તેનો સદ્ઉપયોગ કરીને એક બીજાને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ એક બીજાની સુખાકારીનું ધ્યાન આપીને સાચા અર્થમાં માણસ થવા. માણસ તરીકે પ્રદર્શીત થવા પ્રયત્ન કરીએ.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય








