ઠંડીમાં સ્નાન કરવાથી દૂર ન ભાગો
ગરમ પાણી અને હળવો મસાજ ખૂબ લાભદાયી
''અરે બાપ રે, શું કડકડતી ઠંડી છે! આજે આપણે નહાવાના નથી. આમેય શિયાળામાં ક્યાં પરસેવો વળે છે? બે-ત્રણ દિવસે નહાઈએે તોય શો ફરક પડે છે?''
શિયાળામાં ઠંડા પ્રદેશમાં રહેનારા કોઈને નહાવાનું કહો તો કંઈક આવા શબ્દો જ સાંભળવા મળે છે. ઉનાળામાં દિવસમાં બે-ત્રણ વાર નહાતાં લોકોને પણ શિયાળામાં પાણી જાણે કરડવા દોડે છે.
હકીકતમાં સ્નાન એક સૌંદર્ય ઉપચાર છે. કોઈપણ પ્રદેશની વ્યક્તિ માટે કોઈપણ ઋતુમાં સ્નાન એટલં. જ જરૂરી છે જેટલા ખોરાક અને વ્યાયામ જરૂરી છે. સ્નાન ન કરવાથી બેચેની અને સુસ્તી અનુભવાય છે, જ્યારે સ્નાન કર્યા પછી સ્ફૂર્તિ અનુભવાય છે શરીર હળવું ફૂલ બની જાય છે અને તન-મનમાં તાજગી આવે છે.
સર્વાંગ સ્નાનને શરીર શુદ્ધિની પરંપરાં ગણવામાં આવે છે. પાણીમાં ડૂબકી મારતાં કે ટબ અથવા ફુવારા વડે પાણીનો છંટકાવ થતાં જ મનને આપોઆપ સુખદ્ અનુભૂતિ થાય છે. તનની સાથે સાથે જાણે મનમાંથી પણ મલિન વિચારો ધોવાવા લાગે છે અને હળવાશ અનુભવાય છે.
શિયાળામાં લોકો એટલા માટે પણ સ્નાન કરતાં ડરે છે ક્યાંક ઠંડીમાં બીમાર ન પડી જાય અથવા શરદી-ખાંસી ન થઈ જાય. આ બીકમાં પોતે તો નથી નહાતાં પણ બાળકોને નવડાવતાં પણ ડરે છે.
ડૉક્ટરોના મતે શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી રોમછિદ્રો ખૂલી જાય છે અને આળસ તથા થાક દૂર થઈ જાય છે.
હકીકતમાં શરીરને રોગમુક્ત રાખવા અને સ્ફૂર્તિ માટે પાણીથી સ્નાન કરવું જરૂરી છે. કેટલાક એમ કહે છે કે ગરમ પાણીથી નહાવાથી ચામડી સુકાઈ જાય છે. એટલે બે-ત્રણ દિવસે નહાવું જોઈએ. જો એવું હોય તો ગરમ પાણીમાં બે-ચાર ટીપાં ગ્લિસરીન કે તેલનાં ટીપા નાખો અથવા નહાયા પછી શરીરે તેલ અથવા વેસેલીનની માલિશ કરો એટલે ચામડી સુકાશે નહિ. માલિશ કરવાથી શરીરમાં ગરમાવો આવી જશે. પરિણામે સ્નાન કરતી વખતે જો ઠંડી ચડી હશે તો ઊડી જશે.
વળી, ગરમ પાણી રક્તવાહિનીઓને પહોળી કરે છે એટલે લોહીનું દબાણ ઘટે છે અને સ્નાયુઓને લોહી સરળતાથી મળે છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી માનસિક તંગદિલી ઘટે છે અને સોજા ઊતરી જાય છે. લોહીને ઓક્સિજન મળે છે અને રોગપ્રતિકારકશક્તિ વધે છે. આ ઉપરાંત ચયાપચયની ક્રિયાના કારણે શરીરમાં ઉત્પન્ન થયેલાં અને ત્વચામાં એકઠાં થયેલાં ઝેરી તત્ત્વો પણ સ્નાન કરવાથી ધોવાઈ જાય છે.
ખરું પૂછો તો ઉનાળામાં જે ઉત્સાહથી સ્નાન કરીએ છીએ એવા જ ઉત્સાહથી શિયાળામાં પણ સ્નાન કરવું જોઈએ. એમ લાગે કે સવાર સવારમાં સ્નાન કરવાથી દાંત વધુ કકડે છે. અથવા હાથપગ વધુ ધુ્રજે છે. તો રાત્રે સૂતાં પહેલાં ગરમ પાણીથી નહાઈ લો. પછી તો રજાઈ ઓઢીને સૂઈ જ જવાનું હોય છે ને!
શિયાળામાં આમ પણ દિવસ ટૂંકા અને રાત લાંબી હોય છે, એટલે પથારીમાંથી બહાર નીકળવાની જ આળસ થાય છે. મોડા ઉઠીએ એટલે બીજાં બધાં કામ આટોેપવાની દોડાદોડમાં આપણને એક નહાવાનું જ અગત્યનું લાગતું નથી. વળી ઠંડીનું બહાનું કાઢીને તેનાથી સહેલાઈથી છૂટકારો મેળવી શકાય છે તેથી વધુ સારો ઉપાય એ છે કે રાત્રે સૂતાં પહેલાં જ ગરમ પાણીએ નહાઈ લેવાનું.
એમાંય નોકરી વ્યવસાયમાં પડેલી મહિલાઓ જો સાંજે ગરમ પાણીએથી નહાઈ લે તો બધો થાક ઊતરી જાય અને શરીર હલકું ફૂલ બની જાય. શિયાળામાં સ્નાન કરવાથી શરીર જકડાઈ જાય છે કે છાતીમાં કફ ભરાઈ જાય છે એ માન્યતા ભૂલભરેલી છે. ઊલટાનું બીજા કોઈ કારણસર જો આ તકલીફ ઊભી થઈ હોય તો સ્નાનમાત્રથી છૂટકારો મળે છે. સ્નાયુ અને સાંધાનો દુખાવો પણ ગરમ પાણીથી સ્નાન કરવાથી મટે છે.
હકીકતમાં શિયાળામાં સ્નાન કર્યા પછી ઠંડી ઓછી લાગે છે, કારણ કે સ્નાન દરમ્યાન રુધિરાભિસરણ ઝડપી બની જાય છે અને શરીર ચોળીને સ્નાન કરવાથી કસરત થાય છે. આથી શરીરમાં ગરમી પેદા થાય છે. ઘણા લોકોને શિયાળામાં અંદરના ગંજી-જાંગિયા જેવાં કપડા બદલ્યા વિના જ હાથમોં ધોઈ લેવાની અને બહારના કપડાં બદલીને કામે વળગી જવાની કૂટેવ હોય છે.
ઠીક છે, શિયાળામાં કપડાં કે શરીરમાંથી પરસેવાની દુર્ગંધ નહીં આવે, પણ વાસ્તવમાં દિવસ દરમ્યાન તમે ચુસ્તી-સ્ફૂર્તિનો અનુભવ નહીં કરી શકો. જરા સરખી આળસ અને ઠંડા બાથરૂમથી ગભરાઈને તમે જો નહાયા વિના જ બહાર નીકળી જશો તો આખો દિવસ સુસ્તી રહેશે અને બેચેની તમારો પીછો નહીં છોડે. એટલે નકામો ભય મનમાંથી કાઢી નાખીને સ્નાનને રોજિંદી ક્રિયાનો ભાગ બનાવો અને આખો દિવસ તાજગીભર્યાં રહો. શરીરે સરસવ, કોપરેલ, તલનું તેલ કે ઓલિવ ઓઈલથી માલિશ કરી હુંફાળા પાણીથી સ્નાન કરવાથી ત્વચા સ્વચ્છ, મુલાયમ અને કાંતિમય બનશે એમાં શંકા નથી.
શિયાળામાં વગર સાબુએ સુંદર સ્નાન સાબુ વગર તો નહાવાય શી રીતે કે ધોવાય શી રીતે એવું કહેતી કે માનતી બહેનોને શિયાળામાં વગર સાબુએ સવાયાં સ્નાન કરવાની જાણકારી અહીં આપી છે. શિયાળામાં ત્વચા આમેય લુખી સુખી થઈ જતી હોય છે ને સાબુમાંના કેમિકલ્સએ ત્વચાને વધુ રૂક્ષ બનાવે છે. પરિણામે ચામડી તરડાઈ જાય છે કે ફાટી જાય છે. આવું ન થાય અને ત્વચા પરનો મેલ સમૂળગો નાબૂદ થાય તે માટે કુદરતી તત્ત્વમાંથી તૈયાર કરેલાં ઊબટનોનો ઉપયોગ કરવાની ભલામણ છે. ઘરબેઠાં સહેલાઈથી તૈયાર કરી શકાય એવાં કેટલાંક ઊબટનો નીચે મુજબ છે.
(૧) સરસવને દૂધમાં પીસી શરીરે લગાવ્યા પછી સ્નાન કરવું.
(૨) ૧ ચમચી ચણાનો લોટ, ૧ ચમચી બદામનું તેલ કે ઓલિવઓઈલને તેમાં બે ટીપાં ગુલાબજળ તથા અડધી ચમચી મલાઈ નાંખી પેસ્ટ બનાવી શરીરે ઘસીને લગાવ્યા પછી સ્નાન કરવું.
(૩) નહાતાં પહેલાં રોજ ટમેટાના રસમાં દૂધ મેળવી ૫-૭ મિનિટ તેની માલિશ કરવી.
(૪) ટમેટાં અને દૂધના માવામાં અડધી ચમચી લીંબુનો રસ તથા થોડું ગ્લિસરીન મેળવી ચહેરા પણ માલિશ કરવું. પંદર મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરવો.
(૫) મલાઈ, સંતરા-નારંગીના રસથી માલિશ કરી અથવા તે સંતરાના છોડને ચામડી પર ધસી ત્યારબાદ હૂંફાળાપાણીથી સ્નાન કરવાથી ત્વચા સ્વચ્છ જ નહીં, સુંવાળી પણ બને છે.
નહાવાની વાત નીકળી જ છે ત્યારે એને લગતીબીજી એક વાત પણ કરી લઇએ.
સામાન્ય રીતે સ્નાન પછી પાવડર લોેશન કે ક્રીમના ઉપયોગ કરવામાં આવતાં હોય છે. શિયાળામાં પાવડર કે બીજા બજારૂ ક્રિમ વાપરવાને બદલે ઘરે જાતે જ બનાવેલું ક્રીમ વાપરવા મારી ભલામણ છે ને આવું ક્રીમ બનાવવાની રીત તો સાવ સાદી સીધી છે.
ચાર-પાંચ બદામ લઈને તેને રાત્રે દૂધમાં બોળી રાખો. બીજે દિવસે એ બદામને છોલીને મલાઈ સાથે ઝીણી પીસી તેમાં ચાર પાંચ ટીપાં ગુલાબજળ નાખી એ પ્રવાહી બોટલમાં ભરી લો અને સ્નાન પછી રોજ એ ક્રીમનો ઉપયોગ કરો. ત્વચાનો ભેજ જાળવવામાં તથા તેને પોષણ આપવા માટે આ એક ઉત્તમ ટોનિક છે.
જો ત્વચા ફાટી જતી હોય તો કોપરેલમાં કે તલના તેલમાં થોડી હળદર ભેળવી માલિશ કરીને નહાવાની સલાહ છે.
આ જ રીતે લીંબુ પણ શ્રેષ્ઠ કુદરતી 'ક્લીન્સર' છે. ત્વચામાંના છિદ્રોને પૂરી દેતાં રજકણોને દૂર કરવા માટે તેનો નિયમિત ઉપયોગ લાભપ્રદ છે. રાત્રે સૂતી વખતે થોડા દૂધમાં લીંબુ નીચોવી રૂ એ દૂધમાં બોળી તેનું પૂમડું ત્વચા પર ઘસવું. દિવસ દરમ્યાન છિદ્રોમાં જમા થયેલો કચરો દૂર થશે ને પરિણામે તેલકોષોમાંથી તેલ ઉપર આવી શક્તા ચામડી સિન્ગ્ધ અને મુલાયમ રહેશે.
આ ઉપરાંત બહેનોને મારી તો એવી સલાહ પણ છે કે શિયાળામાં તો એમણે અઠવાડિયામાં શક્ય એટલા વધુ દિવસ આખા શરીરે તેલ માલિશ કર્યા પછી નહાવું. આ માટે કુમકુમાદિ જેવા ઓલિવ ઑઈલ કે તલના તેલનો ઉપયોગ કરી શકાય. માલિશ કર્યા પછી હૂંફાળા પાણીથી સ્નાન કરી રૂમાલથી શરીરને બરાબર ઘસીને લૂછી નાખવું.
છેલ્લે જરાય ઓછા મહત્ત્વની નહિ તેવી એક વાત તે, સૂર્યસ્નાન. શિયાળામાં જ રોજ સવારે ૧૫ મિનિટ સૂર્યસ્નાન લેવું એટલે સૂર્યના કોમળ તડકામાં બેસવું. ત્વચાની ક્રાંતિ માટે જ નહિ. બલકે હાડકાની મજબૂતાઈ વધારવા માટે એ એક ઉત્તમ ઉપાય છે.
- નયના