પ્લેનની મુસાફરી દરમિયાન આઠ વ્યાયામ કરો અને થાકથી દૂર રહો

- વિમાનપ્રવાસ વખતે શરીર ન દુ:ખે એના માટે શું કરશો ?
આજના જમાનામાં વિમાન પ્રવાસ સાવ સામાન્ય થઇ ગયા છે. મધ્યમ વર્ગના લોકો પણ વર્ષમાં એકાદ વાર વિમાનમાં ઉડવાની મજા માણતા થયા છે. ઉચ્ચ મધ્યમ વર્ગના વેપારીઓ તો ધંધાર્થે બહારગામ જવા-આવવામાં પ્લેનની ટિકિટ કપાવતા જરાય અચકાતા નથી. રેલવે ટ્રેનથી વિપરિત પ્લેન દ્વારા ગંતવ્યસ્થળે ઓછા સમયમાં પહોંચાય છે એ વાત સાચી, પરંતુ વિમાનમાં બેઠાં બાદ રેલવે કમ્પાર્ટમેન્ટની પેઠે વારેઘડીએ આંટાફેરા કરી શકાતા નથી. પરિણામે બે ત્રણ કલાકનો વિમાન પ્રવાસ પણ ઘણા લોકોને શારીરિક રીતે ભારે પડે છે.
સાંધા જકડાઇ જવા, કમરમાં દુ:ખાવો થવો, પગે ખાલી ચઢી જવી, ગરદનમાં પીડા થવી, માથું ભારે થવું વગેરે વિમાન પ્રવાસની સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને એકધારો ૧૨-૧૪ કલાકનો વિમાન પ્રવાસ ખેડવાની નોબત આવે ત્યારે ઉપર ગણાવેલી સમસ્યામાંથી એકાદનો સામનો તો અચૂક કરવો પડે છે. હેલ્થ કલબના વાચકોને વિમાનમાં પ્રવાસ કરતા સમયે આવી પરેશાની ન ભોગવવી પડે એ સારુ નિષ્ણાત દાકતરોએ સૂચવેલા એકદમ હળવા વ્યાયામોની અહીં સચિત્ર યાદી આપી છે. અલબત્ત આ ક્રિયાઓ વિમાનની ખુરશીમાં બેઠાં બેઠાં જ કરવાની રહે છે.
- પગમાં રક્તપરિભ્રમણ વધારવા માટે
ઘૂંટણ પર કોણીઓ ટેકવીને, થોડા ઝૂકીને બેસો. આ મુદ્રા સ્થિતિમાં બેસતા સમયે એ ધ્યાન રાખવું કે ધડનું વજન કોણીઓ દ્વારા ઘૂંટણ પર વર્તાય. હવે પગના ટેરવાં જમીન પર જ રાખીને એડી ઊંચી કરો. આ સમયે સઘળું દબાણ ટેરવાં પર વર્તાશે. પાંચ સેકન્ડ દબાણ આપ્યા બાદ એડી નીચી કરો અને ટેરવા ઉપર તરફ કરો. આ સ્થિતિમાં પણ પાંચ સેકન્ડ રહેવું. આ ક્રિયાનું વીસ વખત પુનરાવર્તન કરો.
- પગની ખાલી ઉતારવા માટે
પગના તળિયા સખતથી જમીન સાથે ચોંટાડેલા રાખો. હવે અચાનક જ ટેરવાઓને નીચેની તરફ વાળી દો. મતલબ કે ટેરવાને એડીની દિશા તરફ ખેંચો. આ સ્થિતિમાં પાંચ સેકન્ડ રહ્યા બાદ પૂર્વવત થાવ અને વીસ વખત આ ક્રિયા કરો.
- પગના સ્નાયુઓ માટે
જમણો પગ ઘૂંટણેથી થોડો ઊંચો કરો. ત્યારબાદ પગના અંગુઠાને દબાણપૂર્વક સામેની દિશા તરફ કરો. પાંચ સેકન્ડ બાદ અંગૂઠાને ઉપરની દિશા તરફ અને એડીને નીચેની દિશા તરફ ગોઠવો. આ ક્રિયા પણ વીસ વખત કરો.
- કમરને રાહત આપવા માટે
લાંબા સમય સુધી એકધારુ ખુરશીમાં બેઠાં રહેવાથી આખા ધડનું વજન કમરે ઊંચકવું પડે છે. પરિણામ કમરની પીડા. પરંતુ આમ ન થાય એટલા માટે કમરની પાછળ બંને હાથ ગોઠવો અને શરીરને ટટ્ટાર રાખો. હવે હળવેકથી હાથ વડે દબાણ આપી કમરને આગળની દિશા તરફ ધકેલો. પાંચ સેકન્ડ પછી પાછળની દિશા તરફ આ ક્રિયા વીસ વખત કરવી.
- ગરદન અને પીઠ માટે
બંને હાથને ખુરશીના ટેકા પર ગોઠવો. હળવેકથી ગરદનને જમણી તરફ ઘુમાવો. બે સેકન્ડ બાદ ફરી ગરદન સીધી કરો અને પછી તરત જ ડાબી તરફ ધુમાવો. વીસ વખત આ ક્રિયા કર્યા બાદ મોઢું ઉપર કરો. બે સેકન્ડ બાદ દાઢી છાતીને અડકે એ રીતે ગરદન નીચે લાવો. આ ક્રિયા પણ વીસ વખત કરવાથી ફાયદો થશે.
- ખભા અને હાથને આરામ આપવા માટે
ખુરશીમાં ટટ્ટાર બેઠાં બેઠાં હાથ છાતી સરસાં ગોઠવો અને આંગળીઓના અંકોડા ભીડી દો. ઊંડો શ્વાસ લો અને બંને હાથ એકબીજાથી દૂર લઇ જવા દબાણ આપોે. અલબત્ત આમ કરતી વખતે અંકોડા છૂટી ન જાય અને પાડોશમાં બેઠેલાં ઉતારુને તમારી કોણી વાગી ન જાય એનું ધ્યાન જરૂર રાખવું.
- છાતી, ખભા અને જાંઘ માટે
એક કાંકરે ત્રણ 'તીર' મારતી આ ક્રિયા કરતી વખતે જરા સાવધાની રાખો. સૌ પ્રથમ તો પગ એકબીજાથી થોડા દૂર રાખીને ટટ્ટાર બેસો. બંને હાથ વડે બંને પગની જાંઘ સખતાઇથી પકડી રાખો. હવે ઊંડો શ્વાસ લો અને હાથ વડે જાંઘને અંદરની દિશા તરફ ધકેલવા પ્રયત્ન કરો. એજ વખતે જાંઘના સ્નાયુઓની મદદથી હાથના દબાણનો મુકાબલો કરો. મતલબ કે જાંઘના સ્નાયુઓની શક્તિ વડે હાથનું દબાણ ખાળો અને બંને જાંઘ એકબીજાની નજીક ન આવે તેનું ધ્યાન રાખો. પાંચ સેકન્ડ આ સ્થિતિમાં રહ્યાં બાદ પાંચ સેકન્ડનો આરામ લો. ઓછામાં ઓછી વીસ વખત આ ક્રિયા કરો.
- આંતરડાંના સ્નાયુઓ માટે
અગાઉના સાત વ્યાયામ મુખ્યત્વે શરીરના બહારના અવયવોને રાહત આપવા માટે છે. પરંતુ આ છેલ્લો વ્યાયામ આંતરડાંના સ્નાયુઓ મજબુત બનાવવા માટે છે. બંને પગ એક સાથે રાખો. ટટ્ટાર બેસો, નજર સામે તરફ રાખો અને હથેળી ઘૂંટણ પર ટેકવો. એક ઊંડો શ્વાસ લઇને આંતરડું અંદર અને ઉપર તરફ ખેંચવાની કોશિશ કરો. પાંચ સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખો અને પછી જ ઉચ્છવાસ કાઢો. આ ક્રિયા પણ વીસ વખત કરો.








