દિવાળી, ત્યારની અને અત્યારની
મૂળ સોડમ ખોઈને ઉજવણીનું બહાનું બનવાને માર્ગે જઈ રહ્યો છે દિવાળીનો તહેવાર
પરંપરાગત ભારતીય તહેવારોમાં સૌથી વધુ માહાત્મ્ય દિવાળીનું હોય છે. દરેક જાતિ -જ્ઞાાતિના હિન્દુઓ આ પર્વ અચૂક ઊજવે છે. પરંતુ હવે આ તહેવારને આપણે આજે પણ પરંપરાગત કહી શકીએ ખરા? અલબત્ત, હજારો વર્ષથી ચાલ્યા આવતા પર્વને કારણે તે પરંપરાગત તહેવાર છે એ વાત સોળ આના સાચી હોવા છતાં તેની ઉજવણીના બદલાયેલા રંગે તેને પરંપરાગત રહેવા નથી દીધો. ખાસ કરીને મહાનગરોમાં.
આ લખનારને બરાબર યાદ છે કે વાઘ બારસથી લઈને ભાઈબીજ સુધી બિલ્ડિંગમાં રહેતી મહિલાઓ પરોઢિયે ઉઠીને મંગળા આરતીના દર્શને જતી. અમે બધી કન્યાઓ પણ તેમની સાથે આરતીમાં જતી. દેવાલયમાંથી પાછા ફર્યા પછી સ્ત્રીઓ ઘરના કામે વળગતી અને છોકરા-છોકરીઓ ફટાકડાં ફોડતાં. દિવસનું અજવાળું દેખાય ત્યાં સુધી ફટાકડાં ફોડવાનો આનંદ માણ્યા પછી યાદ આવે કે હવે કકડીને ભૂખ લાગી છે એટલે ઘરે જઈને ચકલી, ચેવડો, મોહનથાળ, સુખડી, મઠિયા જેવો મમ્મીના હાથનો બનાવેલો નાસ્તો ઝાપટતાં. પણ હવે આ બધું ભૂતકાળ બની ગયું હોય એમ લાગે છે.
સુખડી, મોહનથાળ, ચુરમાના લાડુ, મગદળિયા લાડુ, કોપરાપાક જેવી મીઠાઈઓ બનાવવા કેટલી ગૃહિણીઓ મહેનત કરે છ? ચેવડો બનાવવાની વાત હોય ત્યં સુધી તો ઠીક છે, પણ કલાકો સુધી ચકલી તળવા કોણ ઊભું રહે? હવે જે જોઈએ તે બજારમાં સરળતાથી મળી રહે છે. વળી આ બધી વાનગીઓ ઓર્ડર પર બનાવનારાઓ પણ મળી રહે છે. તો પછી ઝાઝી માથાકૂટ શા માટે કરવી.
જોકે અહીં વાત મહેનત કે માથાકૂટની નથી. આજથી વીસ-પચીસ વર્ષ પહેલાં બહુ ઓછી ગુજરાતી મહિલાઓ નોકરી કરતી. વળી ઘરકામ કરવા માટે નોકરો પણ સરળતાથી મળી રહેતા. અને તે વખતે કોઈ ડાયેટિંગ વિશે ઝાઝુ નહોતું વિચારતું. ડાયાબિટીસ કે હૃદયરોગના દરદીઓની સંખ્યા આજે છે એટલી નહોતી તેથી ઘી-સાકરથી લથબથ મિષ્ઠાન કે તળેલી વાનગીઓ ખાવાથી પહેલા કોઈને ઝાઝોે વિચાર નહોતો કરવો પડતો.
અગાઉ દિવાળીની સાંજે ચોેપડા પૂજન કરવાનું આગવું મહત્ત્વ હતું. ઘરની મહિલાઓ કે બાળકો ભલે આખું વર્ષ પેઢી પર ન જાય. પરંતુ દિવાળીની સાંજે ચોપડા પૂજનમાં પરિવારના બધા સભ્યો હાજર રહેતા. હવે આપણા હાથમાંથી આ લ્હાવો પણ સરકી ગોય છે. તેનુ ંકારણ એ છે કે અગાઉ દિવાળી ટુ દિવાળી નાણાકીય વર્ષની ગણતરી કરવામાં આવતી હતી.
પરંતુ જ્યારથી સરકારે સત્તાવાર રીતે એપ્રિલથી માર્ચને નાણાકીય વર્ષ જાહેર કર્યું. ત્યારથી દિવાળીમાં ચોપડા પૂજન કરવાનું મહત્ત્વ આપોઆપ ઘટી ગયું. વળી આજના ડિજિટલાઈઝેશનના યુગમાં ચોપડાનું ચલણ જ ઘટી ગયું છે તો તેનું પૂજન ક્યાંથી થાય?
હમણાં હમણાં ટી.વી. પર વારંવાર એક જાહેરાત જોવા મળે છે જેમાં પરંપરાગત પોશાક પહેરીને ફટાકડાં ફોડતાં પરિવારજનો કે ચૂપચાપ મીઠાઈ આરોગી લેતા યુવાનોને કેમેરામાં ઝડપાઈ જતોે બતાવવામાં આવે છે પણ આ બધું હવે જાહેરાતો કે સિરિયલો પૂરતું જ સીમીત રહી ગયું હોય એમ લાગે છે. રાતના દસ વાગ્યા પછી અવાજવાળા ફટાકડા ફોડવા પ્રત્યેના પ્રતિબંધને કારણે અમે બચપણમાં લક્ષ્મી બોમ્બ, રોકેટ કે તડાતડી ફોડવાની જે મોજ માણી હતી તે હવે ભૂતકાળની વાત બનતી જાય છે.
આજે આભને અડીને ધીમા અવાજે ફૂટતાં અને નભમાં તારલાની રંગોેળી રચતાં ફટાકડાની ફેશન ચાલી રહી છે. અને રંગોેળીનું શુેં? અગાઉ દરેક ઘરની બહાર ગૃહિણીઓ જાતે રંગોેળી પુરતી. પણ હવે બજારમાં તૈયાર મળતા રંગોેળીના સ્ટિકર ઘરની બહાર ચોંટાડી દો એટલે કામ પત્યું. ઘરના ઊંબરેઘી અથવા તેલના દીવા કરવામાં આવતાં. ગ્લાસમાં નીચે રંગીન પાણી ભરી ઉપર તરતા તેલમાં દીવાની વાટ પ્રગટાવવામાં આવતી. આજે પણ આ પરંપરા સંપૂર્ણપણે બંધ નથી થઈ. પણ તે માત્ર શુકન પૂરતી. હવે ગૃહિણીઓ બજારમાં તૈયાર મળતાં મીણના દીવડાં જ પ્રગટાવી લે છે.
અલબત્ત, અહીં બદલાયેલી ઉજવણીની પધ્ધતિની ટીકા કરવાનો આશય નથી. પણ આપણા સૌથી મહત્ત્વના પરંપરાગત તહેવાર પર આધુનિકતાનો રંગ ચડી ગયો છે તે હકીકત સ્વીકારવી જ રહી. જેમાં પરંપરાગત મીઠાઈનું સ્થાન ફેન્સી મિષ્ઠાન અને ચોેકલેટ પચાવી રહી છે તેવી જ રીતે ચોપડા પૂજનનું સ્થાન કાર્ડ પાર્ટી આંચકી રહી છે. આજથી બે-અઢી દાયકા પહેલા કોઈ ગુજરાતીએ પાનાં રમવાને દિવાળીનું શુકન નહીં માન્યું હોય.
પણ હવે અન્ય લોકોની દેખાદેખી દિવાળીની રાત્રે પાનાંની રમતને શુકન માનવામાં આવે છે. દેખાદેખી ન હોય તોય બિઝનેસ સર્કલ કે મિત્રવર્તુળમાં કોઈના ઘરે કાર્ડ પાર્ટી હોય તો તેના નિમંત્રણનું માન રાખવા પણ ગુજરાતીઓ દિવાળીની રાત્રે પાનાં રમવા જાય છે. અહીં મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે જે દિવસને આપણે લક્ષ્મી પૂજનનો દિન માનતા હોઈએ તે દિવસે લક્ષ્મીને દાવ પર લગાડાય ખરી?
જોકે ચોક્કસ આ જ્ઞાાતિના લોકોમાં કાર્ડ રમવાને શુકન માનવામાં આવે છે. આમ છતાં અહીં પરંપરાગત તીન પત્તી કે રમીની રમતનું સ્થાન પોકરે લેવા માંડયું છે. તેવી જ રીતે ભેટ-સોગાદો પણ ટ્રેડિશનલ નથી રહી. સુકા મેવાના બોક્સ પુરાણી ફેશન થઈ ગઈ છે. તેનું સ્થાન ફેન્સી બોક્સ તેમજ દેશી-વિદેશી બ્રાન્ડની ચોકલેટના બોક્સે લીધું છે. આ ઉપરાંત ગેઝેટ ખરીદવાનું અને ભેટ આપવાનું ચલણ વધતું જાય છે.
છેલ્લા ત્રીસેક વર્ષથી દિવાળી દરમિયાન માત્ર સોનુ ખરીદવાનો આગ્રહ રાખતી સુલોચનાએ આ વખતે સુવર્ણના સ્થાને લેપટોપ ખરીદ્યું. અને આની પ્રેરણા તેને તેના દીકરી-જમાઈ પાસેથી મળી. સુલોચના હમેશાંથી એમ માનતી આવી હતી કે સોનુ સંકટ સમયની સાંકળ ગણાય. વળી દિવાળી વખતે પીળી ધાતુ ખરીદી લઈએ તો શુકન પણ થઈ જાય અને પુત્રીને પરણાવતી વખતે પણ કામ આવશે. અલબત્ત, તેની ગણતરી એકદમ ખરી હતી. આમ છતાં હવે તેને એમ લાગતું હતું કે આજે સોેનાના દાગીના પહેરીને બહાર નીકળવાનો જમાનો નથી રહ્યો. અત્યાર સુધી જે લીધું છે તે પણ લોકરમાં જ પડયું છે તો પછી લેપટોપ કેમ ન લેવું.
જો એક વયસ્ક મહિલા આ રીતે વિચારી શકતી હોય તો ગેઝેટ ફ્રીક યુવા પેઢી ગિફ્ટમાં મોબાઈલ, પેન ડ્રાઈવ, આઈપોડ, લેપટોપ, પામટોપ, ટેબ્લેટ, સીડી-ડીવીડી પ્લેયર, કેમેરા, એલસીડી લેવા-આપવાનું પસંદ કરે છે તે સ્વાભાવિક છે. જ્યારે ગૃહિણીઓ વોશિંગ મશીન, ઓવન, માઈક્રોવેવ, મિક્સર-ગ્રાઈન્ડર, ફૂડ પ્રોસેસર, કૂકવેર, બ્લેન્ડર, રેફ્રિજરેટર કે ઘરઘંટી લેવા-આપવાનું વિચારે તે તદ્ન સ્વાભાવિક છે.
આ ઉપરાંત હવે ઓનલાઈન શોપીંગ-ગિફ્ટીંગનું ચલણ પણ જોર પકડતું જાય છે. મહાનગરોમાં ગિફ્ટના બોક્સ લઈને મિત્રો-સંબંધીઓના ઘરે દોડવાનું કે કુરિઅર કરવાનું ટાળીને લોકો ઓનલાઈન ગિફ્ટ ઓર્ડર કરીને સીધી જ જે તે સ્નેહી સ્વજનને મોકલી આપે છે. વળી ઓનલાઈન દિવાળી ધમાકામાં સંખ્યાબંધ વિવિધતા સાથે ડિસ્કાઉન્ટ પણ મળતું હોવાથી ખરીદવાવાળું પણ ખુશ અને ભેટ મેળવવવાળું પણ રાજી.
દિવાળીની ઉજવણીનો બદલાતો જતો માહોલ ઘણા અંશે મહાનગરો અને નાના નગરોમાં વધી રહેલા મોલને પણ આભારી છે. સરળ બનેલા શોપિંગ સાથે વિશાળ મોલ ફરવાના સ્થળ પણ બની ગયા છે. અગાઉ સંયુક્ત પરિવારમાં રહેતા લોકો અથવા અલગ અલગ રહેતા પુત્રો પણ દિવાળીના દિવસોમાં માતાપિતાને મળવા જતાં. સમગ્ર કુટુંબ ભેગુ થઈને દિવાળીની ઉજવણી કરતું. થોડા સમય માટે મતભેદ, મનભેદ કે સંબંધોેમાં આવેલી કડવાશને મનના ખૂણે ધરબી દેવામાં આવતી.
પણ હવે કોઈ એક જ ઘરમાં આટલું મોડું રસોડું કરવાનું કોઈને નથી ગમતું. બધાને પોતાના વસ્ત્રાભૂષણો ખરાબ ન થઈ જાય તેની ચિંતા હોય છે, તેથી બધાં ભેગાં મળીને રેસ્ટોરાંમાં ભોજન લે છે. આ દિવસોમાં હોટેલો-રેસ્ટોરાંમાં સપરિવાર લંચ-ડિનર લેનારાઓની સંખ્યા અનેકગણી વધી જાય છે. જેમના કુટુંબ નાના હોય અથવા જેમના સ્નેહી સ્વજનો બહારગામ કે વિદેશમાં રહેતા હોય તે મોલમાં જઈને દિવાળી ઉજવે છે.
અહીં તેમને વિશાળ રંગોેળી, દીવડા, લાઈટીંગ, શોેપિંગ, ખાણીપીણી સઘળંું એક છત હેઠળ મળી રહે છે. દિવાળીના તહેવાર દરમિયાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના આયોજકોને પણ તડાકો પડે છે. દિવાળીની રજાઓમાં ફાયદો લઈને લોકો દેશ-વિદેશના પ્રવાસે ઉપડી જાય છે. ભારતમાં રહીને પરંપરાગત વસ્ત્રાભૂષણો પહેરીને સ્નેહી સ્વજનો-મિત્રોને મળવાને બદલે કે ફોેન-મેસેજ કરવાને સ્થાને ખભે બેગ ભરાવીને પર્યટનની મઝા માણવા નીકળી પડનારાઓનો તોટો નથી.
હા, આજે પણ પરંપરાગત પોશાક પહેરવાનું ચલણ ખાસ નથી ઘટયું. આજે પણ આ દિવસોમાં માનુનીઓ બાંધણી કે પટોડા સાડી અને પંજાબી સુટ પહેરવાનું પસંદ કરે છે. જ્યારે પુરુષો શેરવાની કે પછી ચુડીદાર-કુરતો. નોેકરી કરતી પામેલાઓ પણ ઓફિસમાં આ પોશાક પહેરવાની તક ઝડપી લે છે.
એક વાત માનવી રહી કે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. આપણા પરંપરાગત પર્વને પણ આ નિયમ એટલો જ લાગુ પડે છે. પણ આપણી નવી પેઢીને તેની મૂળ સુગંધ વત્તાઓછા અંશે મળતી રહે તે જોવું પણ એટલું જ આવશ્યક છે. નહીં તો દિવાળી તહેવાર ન રહેતા ઉજવણીનું બહાનું માત્ર બની જશે.