Magazines

દિવ્યા દત્તા: પતિ પોતાની પત્નીની 'ના' કેમ સ્વીકારી શકતો નથી?

By GS TEAM
23 Apr 20263 mins read
દિવ્યા દત્તા: પતિ પોતાની પત્નીની 'ના' કેમ સ્વીકારી શકતો નથી?

- 'મારી સામે સત્ય આવે છે ત્યારે હું નિ:શબ્દ થઇ જાઉં છું. ખરું કહું તો શૂટિંગ દરમિયાન મારાં મન-હૃદય પર બહુ જ ઘેરી અસર થઇ હતી. મને સંવેદનામાંથી બહાર આવતાં ઘણો સમય લાગ્યો  હતો.'

ઓટીટી પર  રજૂ  થયેલી   ચિરૈયા વેબશોમાં લગ્ન જીવનની ગંભીર સમસ્યાનું સંવેદનશીલ નિરુપણ  થયું છે.  આ ગંભીર સમસ્યા એટલે  પતિ દ્વારા પત્નીનું શારીરિક માનસિક શોષણ. પત્નીના રાજીપા વગર તેના પર થતો બળાત્કાર. નાની વયની દેરાણી પર થતા આવા શારીરિક અત્યાચાર સામે જેઠાણીનો આક્રોશ ભભૂકી ઉઠે છે. અને શરૂ  થાય છે ચિરૈયા નામની ટીવી સિરિઝની નારી સંવેદનનાની કથા.  શાદી લાયસન્સ નહીં હૈ નો અતિ સંવેદનશીલ માનવીય મુદ્દો રજૂ કરતી વિચારશીલ કથા.  

ચિરૈયા વેબ સિરિયલમાં હિન્દી ફિલ્મજગતની પ્રતિભાશાળી અભિનેત્રી દિવ્યા દત્તા, પ્રસન્ના બિષ્ટ, સિદ્ધાર્થ શો,  સંજય મિશ્રા વગેરે કલાકારો છે. લખનૌના  પ્રતિષ્ઠિત પરિવારમાં  દિવ્યા દત્તાએ ઘરની મોટી વહુ એટલે કે જેઠાણી કમલેશનું, પ્રસન્ના બિષ્ટે નાની વહુ એટલે કે દેરાણી પૂજાનું, સિદ્ધાર્થ શોએ પૂજાના પતિ અરુણનું પાત્ર ભજવ્યું છે. સંજય મિશ્રા સસરાની ભૂમિકામાં છે. 

 દિવ્યા દત્તા કહે છે,   'ચિરૈયાની કથા-પટકથામાં નારીના લગ્ન જીવનની ગંભીર અને સંવેદનશીલ સમસ્યા છે. મેં પહેલી વખત આ વાર્તા સાંભળી ત્યારે જ મને સ્પર્શી ગઇ હતી. આ સિરીઝમાં આપણા પુરુષ  પ્રધાન  સમાજનું સાવ સાચુકલું પ્રતિબિંબ છે. પોતાનાં   મા-બાપની વ્હાલના દરિયા જેવી દીકરી   લગ્ન બાદ  વહુ બનીને  પહેલી જ વખત પોતાના પતિના ઘરે એટલે કે સાસરે  જાય ત્યારે તેનાં અંતરમનમાં અનેક રંગીન સપનાંઓ રમતાં હોય છે. 

દીકરીનાં આવાં તમામ રંગબેરંગી સપનાં અને લીલીછમ ઇચ્છા વેરવિખેર થઇ જાય ત્યારે તેના હૃદયમાંથી આર્તનાદ નીકળે છે. બરાબર આવો જ દુર્વ્યવહાર પૂજા સાથે થાય છે. અને તે પણ લગ્નજીવનની પહેલી જ રાતે. 

 પૂજા લગ્ન બાદ તેના વરના ઘરે  સાસરે જાય છે, પણ પહેલી જ રાત  દુ:સ્વપ્ન બની જાય છે. પોતાના   જીવનસાથીના હર્યાભર્યા  પ્રેમને  બદલે  પૂજા અસહ્ય કહી શકાય તેવા શારીરિક શોષણનો ભોગ બને  છે. પતિ અરુણ  પત્ની પૂજાના શરીરને  જાણે કે  પોતાનું રમકડું સમજે  છે. અરુણને  મન થાય ત્યારે  તે પૂજાના તનને ભરપૂર ભોગવે છે. પૂજાની ઇચ્છા હોય કે ન હોય, તેની સંમતિ હોય કે ન હોય, અરુણમાં રહેલો રાક્ષસી પુરુષ પૂજાના શરીર સાથે શેતાની રમત રમતો રહે છે. 

 દિવ્યા દત્તા કહે છે, ચિરૈયાની કથાને સિરીઝના દિગ્દર્શક સુષાંત શાહ સાચી અને સારી રીતે સમજી શક્યા છે. કથાના પ્રત્યેક  તંતુને જેમનાં તેમ જોડી રાખ્યાં છે. 

 આજે   આધુનિક યુગમાં  ખરા અર્થમાં સમજદાર માતાપિતા પોતાની  દીકરીને ભરપૂર ઉચ્ચ શિક્ષણ આપે છે. દીકરા-દીકરીનો જરા સરખો ભેદભાવ નથી રાખતાં. આમ છતાં આજે આપણા સમાજમાં શાળા-કોલેજમાં ભણતી, નોકરી કરતી  દીકરીઓ સાથે અને મહેનત - મજૂરી કરતી મહિલાઓ અને ગૃહિણીઓ સાથે અપમાનજનક વ્યવહાર થાય છે. અન્યાય, અત્યાચાર, બળજબરી થતી હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા રહે છે.  

 દિવ્યા દત્તા સંવેનશીલ મુદ્દો રજૂ કરતાં કહે છે, સિરીઝમાં મને મારી દેરાણી  પૂજા પોતાના મનની મુંઝવણ કહે છે, ભાભી, તમારા દિયરે  મારા પર બળાત્કાર કર્યો છે ત્યારે મને ઘેરો આઘાત લાગે છે. જોકે મને એવો વિચાર પણ આવે છે કે ના, મારા ઘરમાં આવું ન થાય. આમ છતાં મારી સામે સત્ય આવે છે ત્યારે હું નિ:શબ્દ થઇ જાઉં છું. ખરું કહું તો શૂટિંગ દરમિયાન મારાં મન-હૃદય પર બહુ જ ઘેરી અસર થઇ હતી. મને સંવેદનામાંથી બહાર આવતાં ઘણો સમય લાગ્યો  હતો. હા, હું   સંપૂર્ણ સ્વસ્થ થઇ  ગઇ ત્યારે વિચાર્યું કે મેં તો જેઠાણી કમલેશનું પાત્ર ફક્ત એકાદ મહિનો જ ભજવ્યું હોવા છતાં આટલી મનોપીડા થઇ તો  ભારતમાં અસંખ્ય દીકરીઓ, બહેનો, વહુઓ  આખી જિંદગી  દુ:સ્વપ્ન જેવું જીવન જીવે છે. 

આપણા પુરુષ પ્રધાન સમાજનું વરવું પાસું એ છે કે પતિ તેની પત્નીની 'ના'ને નથી સમજતા કે નથી સ્વીકારતા. બસ, સમસ્યા આ જ તબક્કે શરૂ થાય છે. પત્ની ફક્ત સ્ત્રી છે એટલા માટે જ તમે તેનાં તન-મનને રમકડું ન જ સમજી શકો. પતિએ તેની પત્નીનું મન, કર્મ, વચનથી આદર -સન્માન કરવું જોઇએ. લગ્ન જીવનમાં પતિ -પત્ની વચ્ચે પ્રેમનો નાનકડો છોડ ઉગશે તો સમય જતાં તે પ્યાર ઘટાટોપ લીલુંછમ વૃક્ષ બની જશે.