પરશુરામ જયંતિનું દૈવી મહત્વ .

- અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય (જે ક્યારેય ઘટે નહીં). આ દિવસે કરવામાં આવેલી આધ્યાત્મિક સાધના, દાન કે નવા કાર્યની શરૂઆત અનંત અને શાશ્વત ફળ આપે છે
ભગવાન પરશુરામની ઉજવણી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે કરવામાં આવે છે. જેમણે ત્રેતાયુગમાં અવતાર લીધો હતો. તેમનું મુખ્ય લક્ષ્ય અત્યાચારી અને ભ્રષ્ટ શાસકોનો અંત લાવી બ્રહ્માંડમા ંવ્યવસ્થા પુન:સ્થાપિત કરવાનું હતું.
મહાન ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે જન્મેલા ભગવાન પરશુરામમાં બ્રાહ્મણની બુદ્ધિ અને ક્ષત્રિયનું શૌર્ય એમ બંનેનો અનોખો સમન્વય જોવા મળતો હતો. તેઓ 'રેણુકાસુત' અને 'જામદગ્ન્ય' તરીકે પણ ઓળખાય છે.
અન્ય અવતારોથી વિપરીત ભગવાન પરશુરામ એક ચિરંજીવી છે જેનો અર્થ છે કે તેઓ એક અમર અસ્તિત્વ છે જે પૃથ્વી પર સનાતન કાળથી નિવાસ કરે છે. ભગવાન પરશુરામ તેમના દૈવી શસ્ત્ર પરશુ (કુહાડી) વડે ભ્રષ્ટ ક્ષત્રિય રાજાઓનો ૨૧ વખત નાશ કરવા માટે પ્રખ્યાત છે. જ્યારે શાસક વર્ગ અધર્મી બન્યો અને નિર્દોષ નાગરિકો પર અત્યાચાર કરવા લાગ્યો ત્યારે તેમણે આ કડક પગલું ભર્યું હતું.
તેમના આ કાર્યો વ્યક્તિગત વેર નહીં પરંતુ અધર્મને જડમૂળથી ઉખેડી નાખવાના દૈવી આદેશનો ભાગ હતા. આ વિજય પછી તેમણે 'સમંતપંચક' નામના પાંચ સરોવરોનું નિર્માણ કર્યું અને ત્યાં મહાન યજ્ઞાો કર્યા. જેથી માનવતા માટે પ્રાયશ્ચિત્ત અને જવાબદારીનો આદર્શ સ્થાપિત કરી શકાય.
ભૃગુવંશી મહામુનિ પરશુરામનો મોહભંગ
રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર સાથે મહારાજા જનકના દરબારમાં પધારે છે. જનકસુતા સીતા જે ધનુષ્ય સાથે રમતાં હતાં તે શિવ ધનુષ્યની પ્રત્યંચા ચડાવશે તેની સાથે સીતાનો વિવાહ થશે. તેવી ઘોષણા થઈ. એક પછી એક રાજાઓ પ્રયત્ન કરે છે. કોઈને સફળતા મળતી નથી. તેથી મહારાજા જનક નિરાશ થઈને અનુચીત વચનો કહે છે. ત્યારે લક્ષ્મણજી કહે છે. જે સભામાં રઘુકુળવંશનું એક બાળક હાજર હોય તે સભાને વીરવિહીન કહેવાય નહીં.
વિશ્વામિત્રની આજ્ઞા લઈને રામ વિનયપૂર્વક ઉઠે છે. સર્વે વડીલોને વંદના કરે છે. ધનુષ્યને ઉઠાવે છે. ધનુષ્યના ટૂકડા થતાં ગગનભેદી નાદ સાંભળીને મહારાજા જનક અને જાનકીજીનાં હૃદય પુલકીત થાય છે. ભૃગુવંશમણિ મહામુનિ પરશુરામને ખબર પડે છે. શિવધનુષ્ય તોડનારને દંડ આપવા પોતાનું દિવ્ય પરશુ લઈને રોસ પૂર્વક આવે છે. લક્ષ્મણ અને પરશુરામ વચ્ચે ઉગ્ર સંવાદ થાય છે. પરશુરામ વારંવાર પોતાનું દિવ્યાસ્ત્ર લક્ષ્મણને બતાવીને ડરાવે છે. છેવટે રામ વચ્ચે આવે છે અને કહે છે :
'હે મહામુનિ, આ ધનુષ્ય જૂનું હતું. અમેં અડવા ગયા અને ટૂટી ગયું. આ અપરાધ મેં કર્યો છે. આપ જે દંડ આપશો તે હું સહન કરીશ.
રામનો આવો વિવેક જોઈને પરશુરામ તેમની પરીક્ષા કરવા તેમની પાસે રહેલું વિષ્ણુ ધનુષ્ય પ્રત્યંચા ચડાવવા આપે છે. વિષ્ણુ ધનુષ્ય સ્વયં રામ પાસે ચાલ્યું જાય છે. આ ઘટનાથી પરશુરામને અંદાજ આવી ગયો છે કે શિવ ધનુષ્ય કે વિષ્ણુધનુષ્ય ભગવાન શ્રીરામ વગર કોઈ ચડાવી શકે નહીં. તેમણે ભગવાન શ્રીરામના પ્રાગટય અવતારનો સ્વીકાર કર્યો. આ ઘટનાનું વર્ણન કરતાં સંત તુલસીદાસજી લખે છે :
જાના રામ પ્રભાઉ તબ પુલક પ્રફુલ્લિત ગાત,
જોરિ પાની બોલે બચન હૃદય ન પ્રેમુ અમાત.
તેમણે ભગવાન શ્રીરામનો મહિમા જાણ્યો. મહામુનિ પરશુરામનો મોહ ભંગ થયો. તે વખતે તેમણે પ્રાર્થના કરી :
જય રઘુબંસ બન જ બન ભાનૂ,
ગહન દનુજ ફુલ દહન કૃસાનૂ,
જય સુર,વિપ્ર,ધેનુ હિતકારી,
જય મદ,મોહ, કોહ, ભ્રમ હારી.
'હે દેવતા, બ્રાહ્મણ અને ગાયોનું હિત કરનારા આપનો જય હો.
હે મદ, મોહ, ક્રોધ અને ભ્રમને હરનારા ! આપનો જય હો.' આમ કહીને મહામુનિ પરશુરામ પોતાનું દિવ્ય 'અસ્ત્ર' પરશુ લઈને તપ કરવા ચાલ્યા.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય









