એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે
ટી જાશે બધા પથ્થર
સ્મરણ જો એમનું થાશે,
થશે એકેક ક્ષણ અવસર
સ્મરણ જો એમનું થાશે.
નરી આંખે નહીં દેખાય
એકે કોડિયું ક્યાંયે,
બધા દીવા થશે અંદર
સ્મરણ જો એમનું થાશે.
નફા કે ખોટની ખોટી
બધી ચિંતા તમે છોડો,
હિસાબો થઈ જશે સરભર
સ્મરણ જો એમનું થાશે.
બધો ઉકળાટ આપોઆપ
ઓગળશે ઘડીભરમાં,
જરા ઝીણી થશે ઝરમર
સ્મરણ જો એમનું થાશે.
અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર
સ્મરણ જો એમનું થાશે.
-નીતિન વડગામા
વધતી ઉંમર સાથે આપણે વિચારીએ છીએ કે જીવનની બધી શક્યતાઓને તાળું મરાઈ ગયું છે. પણ હકીકતમાં એ નવી ક્ષિતિજનો ઉઘાડ છે. નવા નવા બાકી રહેલા શોખને પુરા કરવા, નવા સ્થળોએ પ્રવાસમાં જવું, બુક્સ વાંચવી, જુના મિત્રોને મળવું અને સૌથી પ્રાયોરીટી આપવી ઘટે એવી વાત એ કે પોતાના જીવનસાથી સાથે કરવાનો બાકી રહી ગયેલા ે પ્રેમ કરવો. ઝીણા ઝીણા કામો અને કાળજી માટે વ્યક્ત કરવાની બાકી રહી ગયેલી કૃતજ્ઞાતા વ્યક્ત કરવી. વગેરે. જીવનસાથી જો તમને અસામાન્યતાનો અનુભવ કરાવે તો એ પ્રેમનું સૌથી ઉત્તમ સ્વરૂપ ગણવું. દામ્પત્યમાં એકબીજા માટે જો સહજ આદર હોય તો વાતે વાતે 'તમે આખી દુનિયાથી સાવ જુદા જ છો' નો અહોભાવ પ્રગટે છે. ઉંમર થતા આહાર અને ઊંઘની જરૂરિયાત ઓછી થતી જાય પછી વૃદ્ધો એને મળતા આદર પર જીવે છે. આદર-સન્માન એ વૃદ્ધોનું ટોનિક છે. તેમાં પણ આ આદર અને સન્માન જો પોતાના પાત્ર તરફથી જ મળે તો એ સુખના સાતમાં આસમાને વિહરે છે. કૃતઘ્નતાથી વૃદ્ધ અસહાયતા અવુભવે છે. અવગણનાની આંધી એને તોડી શકે છે.
વુદ્ધ માણસ પ્રેમનો અધિકાર ખોઈ બેસે છે ? ના, બલ્કે એ વધુ પ્રેમનો હક્કદાર બને છે. જીવનની બધી ફરજો સુપેરે બજાવીને, પોતાનું સત્વ પરિવારને આપીને પછી નિવૃત્ત થયેલો માણસ પ્રેમની એવી ગલીમાં પ્રવેશ કરે છે જે દ્વિમાર્ગી છે અને નિર્માણાધીન છે. સતત બનતી રહે છે. પાળેલાં જાનવરો લાંબું જીવે છે, કારણ કે તેમને એક પરિવાર મળે છે જે એની સતત કાળજી લે છે. તેમ પ્રેમ માણસને લાંબુ અને સ્વસ્થ જીવવા માટેનું બળ આપે છે. ‘I am loved'' એ કેટલી સુંદર અનુભૂતિ છે ! 'હું હજુ એટલી (કે એટલો) સક્ષમ છું કે કોઈ મને પ્રેમ કરે છે દનો અહેસાસ મરતા માણસને ય જીવાડે. એક આત્મવિશ્વાસને જગાડે.
ઈશ્વરે આપણને બે હાથ, બે પગ, બે આંખો, બે કાન આપ્યા છે પણ હૃદય કેમ એક જ આપ્યું છે એનો કદી વિચાર કર્યો ? કારણ કે એ બીજું હૃદય કોઈ બીજાને આપેલું હોય છે જે માણસે શોધવાનું હોય છે. જેને આપણે Soulmate-જીવનસાથી કહીએ છીએ. મેચિંગ પેર...જે મેચ થવાથી જીવનનું ઉત્કૃષ્ટ સંગીત નીપજે છે. એક જ વ્યક્તિ સાથે વારંવાર પ્રેમમાં પડવું, સાથે ઘરડા થવાની ઇચ્છા રાખવી એટલે સફળ લગ્ન. અવિરત વહેતું ટકાઉ વ્હાલ જો સામે હોય તો આંખોને તેમાં ભીંજવી પવિત્ર કરી લેવી. એ સંબંધ એવો સોનાનો હોય છે જેમાં બે અપૂર્ણ લોકોએ એકબીજાને છોડી દેવાનો સાફ ઇનકાર કર્યો હોય છે. લગ્નજીવનમાં આવતા ચડાવ-ઉતાર અને ખાટ્ટી-મીઠ્ઠી પળોને સમતાથી પચાવતા શીખવું જરૂરી છે. ક્ષમા એ કોઈ પણ સંબંધમાં ઊંજણનું કામ કરે છે. લગ્નજીવનમાં તો એ પહેલી શરત ગણી શકાય. માનવહૃદયની પ્રેમ કરવાની ક્ષમતા અપાર છે. એમાં ક્યાં કોઈ સીમા બાંધેલી હોય છે ! વળી દામ્પત્યમાં મૈત્રી જરૂરી છે. પ્રેમની પહેલી શરત છે સાંભળવું... પોતાના સાથીની વાત શાંતિથી સાંભળનાર પતિ કે પત્ની પ્રેમની પોણી પરિક્ષા પાસ કરી લે છે.
અલ્ઝાઈમરના પ્રૌઢ દર્દીની સ્મૃતિ પ્રેમભર્યો સાથી મળવાથી પાછી આવ્યાના દાખલો હમણા જ ક્યાંક વાંચ્યાનું યાદ છે. હોસ્પીટલની દોડ વધી જાય અને વૃદ્ધ માણસ માને છે કે હવે જીવનનો અંત નજીક છે. આપણા પાત્રને હવે પ્રેમ અને આત્મીયતાના બદલે કાળજીની વધુ જરૂર છે. અને ત્યાં જ આપણે ભૂલ કરીએ છીએ. વૃદ્ધ તો શરીર થાય છે. મનની પ્રેમ માટેની તૃષા તો જીવે ત્યાં સુધી યુવાન જ રહેવાની હોય ત્યારે એક હુંફાળા હગ અને ચાની ચુસ્કી જેવા સહજ ચુંબન માટે પ્રિયજન તરસતું હોય ત્યારે સામેનું પાત્ર 'આ ઉંમરે હવે થોડું આવું બધું શોભેદની ફિલસુફી ઝાડે ત્યારે નવાઈ પામવા જેવું તો ખરું ! કવિ હરિકૃષ્ણ પાઠકનું સુંદર ગીત અહીં યાદ આવે છે...
'નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો, એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયા કાયાના હીર, તોયે ફૂલ જેમ ખૂલ્યું છે મન.
આંગણામાં ઉગ્યો છે અવસરનો માંડવો, ને ફરફરતો તોરણનો ફાલ.
એવું લાગે રે ઘડી, ઊગી છે આજ ફરી, વીતેલી રંગભરી કાલ !'
મૃગાંક શાહના ખુબ જાણીતા કાવ્ય 'ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશુંદમાં ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે કે વૃદ્ધાવસ્થાએ પ્રેમ રોજ રોજ થતી ક્રિયાઓમાં પ્રગટ થયા કરે છે. ચા આપવી, ચશ્માં શોધી આપતા મીઠી ખીજ કરવી કે ચિંતા ન થાય એટલે ડોકટરના રીપોર્ટસ સંતાડવા જેવી અનેક ક્રિયાઓમાં પ્રગટ થતા દીવીના અજવાળા જેવા પ્રેમની વાત કરી છે. પ્રેમાળ દાદા-દાદી પોતાના પૌત્ર-પૌત્રી માટે પણ આદર્શ દામ્પત્યનું ઉદાહરણ પૂરું પાડી પાકટ પ્રેમ દર્શાવી શકે છે. માણસના કાળા વાળ થવા એ માત્ર સ્થૂળ બદલાવ નથી. વર્ષોનો અનુભવોનો એમાં નિચોડ હોય છે. દીકરીને ત્યાં લંડન રહેવા ગયેલા 'અલગારી રખડપટ્ટી' ના લેખક રસિક ઝવેરીને જ્યારે લેડી હેરડ્રેસર વાળ કાળા કરવા માટે કહે છે ત્યારે તેઓ સ્પષ્ટ ના પાડતા કહે છે કે 'માવડી મારી, માથાના કાળા વાળને ધોળા કરવા માટે મેં મારી જિંદગીનાં મહામૂલાં પચાસ પચાસ વર્ષો ખરચ્યાં, તે આમ પાણીના મૂલે ઘડીકમાં કાળા કરાવી દઉં ! ના માવડી ના !'
એકબીજાના પ્રેમને તરોતાજા રાખીને પ્રૌઢ દંપતી વાર્ધક્યને વરદાનમાં ફેરવી શકે છે. દામ્પત્ય એ 'ખાધું, પીધું ને રાજ કર્યું' ની જેવી પરીકથા નથી. એ એક ચોઈસ છે. માણસ એવું જીવવાનું પસંદ કરે છે એટલે એક સુયોજિત જીવન અપનાવે છે. જેમાં જવાબદારીપૂર્વક ફરજો નિભાવવી, જતુ કરવું, સમાધાન કરવું, ત્યાગ કરવો, નીજી સુખને ગૌણ ગણી પરિવારની ખુશી જોવી, અહંને કોરાણે મૂકી પોતાના પાત્રની ખુશી જોવી વગેરેના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલું રાજ હોય છે. નાટયકાર વિલિયમ શેક્સપીયર એના એક નાટકમાં કહે છે કે ‘Love looks not with the eyes, but with the mind And therefore is winged Cupid painted blind.’ પ્રેમને જ પાથરનાર, ઓઢનાર અને શ્વાસમાં લેનાર દંપતીને વૃદ્ધાવસ્થા પણ મોજીલી લાગે છે. તેઓને એકબીજાના રૂપેરી વાળ દેખાતા નથી પરંતુ રૂપેરી વાળ પાછળનું સોનેરી હૃદય દેખાય છે. કવિ ચાર્લી સ્મિથ કહે છે કે ‘The sight of beauty will never age the eye’. સૌદર્ય જો માણસની આંખોમાં હોય, એટલે કે જો દ્રષ્ટિકોણ જ સૌદર્યનો હોય તો એ આંખોને ક્યારેય વૃદ્ધ નહીં કરે. સુરેશ દલાલે એમના ડોસા-ડોશી કાવ્યોમાં વૃદ્ધત્વની વાડ ઠેકીને વ્હાલ વેરતા વૃદ્ધ વાલીડાઓની અદભુત વાત કરી છે. એક ઝલક જોઈએ...
'કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.
ડોસો જાગે ત્યારે ચશ્મા આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે? ..... કમાલ કરે છે'
પ્રેમ અને ઉંમરને કોઈ નિસ્બત હોતી નથી. પ્રેમનો ઈજારો ફક્ત યુવાનોનો નથી હોતો. પાકટ વયે પાંગરતા પ્રેમને સુરેશ દલાલે જે ર ીતે વર્ણવ્યો છે એના પાસે વેલેન્ટાઇનનું વેલ્વેટ પણ વેવલું લાગ્યા વગર ન રહે. અવિરત પ્રેમમાં એકબીજાની આંખમાં તાકી રહેવું જરૂરી નથી પરંતુ એક જ દિશા તરફ સાથે જોવું કે વિચારવું જરૂરી છે. હાથમાં હાથ લઈ સાથે જીવતા વૃદ્ધ દંપતીને ઘરડા હોવાનો થાક લાગતો નથી. સ્વામી સચ્ચીદાનંદજી કહે છે, દામ્પત્ય સુખ-દુથખની ખરી પરાકાષ્ટા વૃદ્ધાવસ્થા છે. બે વ્યક્તિ રમી શકે એવી આ પ્રેમની રમતમાં બંને જીતી શકે છે. દામ્પત્ય એટલે કડવી-મીઠી યાદોનો સરવાળો. કડવી પળોને એક્ઝીટ આપી મીઠી યાદોને બાયનોક્યુલરથી આંખવગી કરતા જેને આવડે એ જીતે.