દિલજિત દોસાંજ, રહેમાન ઔર ઇમ્તિયાઝ અલી વાપસ આ રહે હૈ

- રોકસ્ટાર અને અમરસિંહ ચમકીલા ફેમ દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી ભારતના ભાગલાની પશ્ચાદભૂમાં આકાર લેતી લવ સ્ટોરી મેં વાપસ આઉંગા લઇને આવી રહ્યા છે.
હિન્દી ફિલ્મોમાં ભારતના ભાગલાંનો મુદ્દો અનેકવાર રજૂ થયો છે. બલરાજ સહાની અભિનિત અને એમ.એસ.સથ્યુ નિર્દેશિત ગરમ હવાથી માંડી ભીષ્મ સાહની લિખિત અને ગોવિંદ નિહલાની નિર્દેશિત ટીવી શ્રેણી તમસ સુધી વિવિધ પ્રકારે આ ઘટના ભારતીય ફિલ્મ માધ્યમમાં રજૂ થઇ છે. હવે રોકસ્ટાર અને અમરસિંહ ચમકીલા ફેમ દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી ભારતના ભાગલાની પશ્ચાદભૂમાં આકાર લેતી લવ સ્ટોરી મેં વાપસ આઉંગા લઇને આવી રહ્યા છે. ઇમ્તિયાઝ અલીના જીવનમાં ભારતના ભાગલાંએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ હકીકતને કારણે ઇમ્તિયાઝ અલી ભારતના ભાગલાંની વાત આધારભૂત રીતે કરી શકે તેમાં કોઇ શંકા નથી.
રસપ્રદ બાબત એ છે કે ઇમ્તિયાઝ અલીના મામા ખાલિદ અહમદ જાણીતા પાકિસ્તાની ટીવી એક્ટર, દિગ્દર્શક અને નિર્માતા છે. ઇમ્તિયાઝ અલીનો જન્મ જમશેદપુરમાં થયો હતો પણ તેમનું બાળપણ પટણામાં ગુજરેલું છે. એક સમયે ઇમ્તિયાઝ અલી પટણા વિશે ફિલ્મ પણ બનાવવાનું આયોજન કરી ચૂક્યા છે. તેમના મામા અહમદનો જન્મ પટણામાં થયેલો છે અને અહમદ ૭૦ના દાયકામાં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ પાકિસ્તાન ગયા છે. અહમદે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હું અગિયાર વર્ષનો થયો ત્યાં સુધી હું પટણા શહેરમાં જ મોટો થયો છું. ગંગાના કિનારે ફરવાના અનુભવો યાદગાર બની રહ્યા છે. અમારા ઘરની છત પરથી હું નદીને નિહાળતો અને નજીકના સ્મશાન ઘાટ ભણી જોઇ ગીતો ગાતાં માછીમારને સાંભળતો રહેતો હતો.બાદમાં તો પરિવાર પટણાના અન્ય ઇલાકામાં વસવા જતો રહ્યો હતો અને હું પણ મેટ્રિક પુરું થયા પછી શહેર છોડી પાકિસ્તાન જતો રહ્યો.
ઇમ્તિયાઝ અલીના મામા ઉમેરે છે, ૧૯૬૭માં અમે બધાંએ ઢાકા સ્થળાંતર કર્યું. જ્યાં મેં બેન્જો વગાડવાનું શરૂ કર્યું અને એ સમયના સંગીતના માહોલની મારી પર અસર પડેલી છે. અહમદના પરિવારે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. ૧૯૯૦ના દાયકામાં અહમદના પિતા ગુજરી ગયા એ પછી અહમદની માતા તેની સાથે ઢાકા ગઇ પણ તેમની બહેનોએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. તેમાંથી એક બહેન લગભગ બે દાયકાં અગાઉ કોલકાતામાં અને બીજી બહેન બારેક વર્ષ અગાઉ જમશેદપુરમાં ગુજરી ગઇ.
જ્યારે ઇમ્તિયાઝ અલીની માતા જે અહમદની બહેન છે તેણે અને અહમદની માતાએ અલીને ફિલ્મલાઇનના રવાડે ચડાવવા માટે અહમદનો વાંક કાઢ્યો હતો. ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું હતું અમે અમારા કામની ચર્ચા કરતા હતા. લલ્લુલાલડોટકોમ માટે મેં તેમની સાથે વાત કરી હતી. મારા માટે એ સમયે ફિલ્મમેકિંગ નવું હતું એટલે મેં તેમની સાથે વાત કરી હતી.ગયા વર્ષે જ પહલગામમાં ઇમ્તિયાઝ અલી અને તેના ભાઇઓએ તેમની માતા રઝિયાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ઇમ્તિયાઝ અલીના નાના ભાઇ સાજીદ અલી લયલા મજનુ ફિલ્મનું અને ઇમ્તિયાઝ અલીના મોટાભાઇ આરિફ અલી૨૦૧૪માં લેકર હમ દિવાના દિલ ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે. આમ, આખા ખાનદાનમાં ફિલ્મ નિર્દેશકોની સંખ્યા સારી એવી ગણી શકાય તેવી છે.
ઇમ્તિયાઝ અલીની ફિલ્મ મેં વાપસ આઉંગામાં સ્ટોરી કઇંક આ પ્રકારની છે. ભારતના ભાગલાં પડયા એ સમયે લોકો તનમનથી ભાંગી પડયા હતા. એ સમયે વેદાંગ રૈના શર્વરી સાથે પ્રેમમાં પડે છે. ફિલ્મની કથા બે સમયગાળામાં સમાંતરે ચાલે છે. ફિલ્મમાં નસીરૂદ્દીન શાહ વૃદ્ધ ની ભૂમિકામાં છે જ્યારે દિલજિત દોસાંજ તેના પૌત્રની ભૂમિકામાં છે. નસીરૂદ્દીન શાહ બહું થોડા સમય માટે ફિલ્મના પડદે દેખાતાં હોવા છતાં તેમનંા પાત્ર અમીટ છાપ છોડી જાય તેવું બળક્ટ છે. નસીરૂદ્દીન શાહ પોતાની લાંબી કારકિર્દીમાં પહેલીવાર શીખ સદગૃહસ્થનું પાત્ર ભજવી રહ્યા છે. દાયકાઓનો અનુભવ ધરાવતાં શીખ વૃદ્ધ તરીકે પીડા અને યાદદાસ્તોની વચ્ચે લાગણીની નિરર્થકતા દર્શાવવાનું કામ નસીરૂદ્દીન શાહના ફાળે આવ્યું છે.
યુવાન પ્રેમીઓ તરીકે વૈદાંગ રૈના અને શર્વરીવાઘ એક નવી જ ઉર્જા સાથે રૂપેરી પડદે આવશે. શર્વરીએ ફિલ્મનું ટ્રેલર રજૂ થયું ત્યારે એક રસપ્રદ સ્ટોરી શેર કરી હતી. શર્વરીએ ઇમ્તિયાઝ અલીને સંબોધીને લખ્યું હતુ, આજે ટીઝર ડ્રોપ થઇ રહ્યું છે ત્યારે મને ત્રણ વર્ષ પહેલાની એક ઘટના યાદ આવે છે. એ સમયે તમે મની રત્નમ સર માટે માસ્ટર કલાસ યોજ્યો હતો. મને યાદ છે મેં ઇન્સ્ટા પર લખ્યું હતું કે એક દિવસ હું તમારી ફિલ્મનો હિસ્સો બનીશ. મને એ વખતે ખબર નહોતી કે મને એવું ટીઝર જોવા મળશે જેના અંતે લખ્યું હશે એ ફિલ્મ બાય ઇમ્તિયાઝ અલી જેમાં હું સ્ટાર હોઇશ.
બાવીસમી જુને સિનેમાઘરોમાં આવી રહેલી મેં વાપસ આઉંગા ફિલ્મની દર્શકો ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. સવાલ એ છે કે દિલજિત, રહેમાન અને ઇમ્તિયાઝ અલીની ત્રિપુટી આ વખતે કેવો તરખાટ મચાવશે.









