Magazines

આંતરધ્યાન વખતની મુશ્કેલીઓ અને નિવારણ

By GS TEAM
13 May 20263 mins read
આંતરધ્યાન વખતની મુશ્કેલીઓ અને નિવારણ

- આજના માણસો મોટા ભાગે કોઈને કોઈ પંથ સંપ્રદાયમાં સંમોહિત હોય જ છે, તેઓ ગુરૂ વિના જ્ઞાન નહીં તેવા મોહનમાં સ્થિત હોય છે, જ્યારે પરિસ્થિતિ તેનાથી સાવ જ વિપરીત છે. 

તેને માત્રને માત્ર જોયા કરવાનું છે. આમ વિચારોને અનુભવવાના નથી કે ત્યાગ કરવાના પણ નથી. માત્રને માત્ર સાક્ષીભાવે કોઈપણ જાતની પ્રતિક્રિયા વિના જોયા જ કરવાના છે.

આપણે તો આપણા શ્વાસોચ્છવાસ પર મનને કેન્દ્રિત કરવાનું છે. શ્વાસની સાથે પૂર્ણરૂપે જોઈન્ટ થઈ રહેવાનું છે. શ્વાસ જેમ ચાલતા હોય તેમ ચાલતા જ દેવાના છે. શ્વાસ અંદર જાય ત્યારે તે ઠંડો હોય છે અને બહાર નીકળે ત્યારે તે ગરમ હોય છે. તેને મહેસુસ કરતા જ રહેવાનું છે. શ્વાસને કોઈપણ જાતનો ઘૂમડવાનો નથી જેમ ચાલતો હોય તેમ ચાલવા જ દેવાનો છે. માત્રને માત્ર શ્વાસ સાથે સંપૂર્ણપણે જોડાઈ જ રહેવાનું છે. આમ થતા જ ધીમે ધીમે વિચાર આવતા બંધ થશે. પૂર્ણ રૂપે ધીરજ રાખવાની છે. પૂર્ણરૂપે ધૈર્ય દ્વારા અને સ્વસ્થતાથી જ એકાગ્રતામાં વધારો થતો જ જશે આમાં ઉતાવળ કામ આવતી જ નથી.

તમારી અંદર જે ભૂલભરેલી, અસત્યરૂપ ક્રિયાઓ સદાય બનતી જ હોય છે. તેમને જોવી અને પારખવી એ પણ ધ્યાનમાં જરૂરનું છે. કારણ કે આ બધી પણ તમારી મુશ્કેલીઓનું મૂળ છે. તમારે આ બધામાંથી મુક્ત જ થવું હોય તો તેમનો પણ ખંતપૂર્વક ત્યાગ થવો જ જોઈએ, પરંતુ હંમેશા તમારી ખોટી વૃત્તિઓનો કે ક્રિયાઓનો જ વિચાર ન જ કર્યા કરો. પણ તમારી શુદ્ધ સાત્વિક અભિપ્સાને પૂર્ણ કરવા માટે ભાવિમાં તમો જે થવા માંગો છો, તેના ઉપર અને તમારા આદર્શ અને સત્ય સ્વરૂપ જીવન ઉપર એકાગ્રતા કરતા તેમાં જ આગળ વધવા સતત પ્રયત્ન કરતા જ રહો, અને તમોએ અભિપ્સા દ્વારા નક્કી કરેલું લક્ષ પ્રાપ્ત થવું જ જોઈએ અને થશે જ એવી પાકી આત્મિક સત્ય સ્વરૂપ શ્રદ્ધા સાથે એકાગ્રતામાં આગળ વધો.

આજના માણસો મોટા ભાગે કોઈને કોઈ પંથ સંપ્રદાયમાં સંમોહિત હોય જ છે, તેઓ ગુરૂ વિના જ્ઞાાન નહીં તેવા સંમોહનમાં સ્થિત હોય છે, જ્યારે પરિસ્થિતિ તેનાથી સાવ જ વિપરીત છે. માણસ મૂળભૂત રીતે જ્ઞાાન સંપન્ન છે, સંમોહનને કારણે તેમણે મનમાં કચરો ભર્યો હોય છે. આ કચરો જ ધ્યાનની સાધના દ્વારા કાઢવાનો છે એટલે આપોઆપ જ્ઞાાન પ્રાપ્ત જ છે.

જગતમાં કોઈ કોઈને પરમ જ્ઞાાન આપી શકતું જ નથી. પોતાએ જ અંદરથી પ્રાપ્ત કરવું જ પડે છે આ માટે તમામ પ્રકારના સંમોહનમાંથી મુક્ત થવું જ પડે છે. બુદ્ધ ભગવાને પરમ જ્ઞાાન થયું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે મેં કશું પણ નવું મેળવ્યું જ નથી જે મેં જુદી જુદી રીતે કચરો ભેગો કર્યો હતો તે હટાવ્યો છે.

આ કચરો એ જ આજના ધર્મોનું સંમોહન છે. આને હટાવો એટલે તમો પરમ જ્ઞાાન સંપન્ન જ છો, આજ માનવ જીવનનું સત્ય છે. પણ આ સંમોહન કરવામાં અને કરાવવામાં જેઓ એક્સપર્ટ છે તે અને તેના ચેલકાઓ આ વાત સ્વીકારવા જ તૈયાર નથી. ત્યાં જ મોકાણ છે. આથી બંને દુઃખી છે. બેમાંથી કોઈ જીવન ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી તે આજનું વાસ્તવિક સત્ય છે. અને પરમ આનંદ સાથે શાંતિ સાથે સભાનતાથી જીવી પણ શકતા નથી તે આજનું સત્ય છે.

- - તત્વચિંતક વી. પટેલ