વિવિધ પ્રકારના રેસા અને રાસાયણિક પ્રક્રિયા
આપણે સૌ જાણીએ છીએ કે રેશમ, રૂ અને શણ આ ત્રણ કુદરતી રેસા છે. પણ તમને ખબર છે મિત્રો, આવા કુદરતી રેસા પર રાસાયણિક પ્રક્રિયા કરીને તેને કૃત્રિમ રેસામાં ફેરવવામાં આવે છે. પછી આપણે રોજબરોજની કેટલીય ચીજવસ્તુમાં તેનો ઉપયોગ કરીએ છીએ.
આવા કુદરતી રેસા પર રાસાયણિક પ્રક્રિયા થાય એટલે તે નાઈલોન, એક્રિલિક અને ટેરેલિન જેવા માનવનિર્મિત- કૃત્રિમ રેસા બને. રાસાયણિક પ્રક્રિયાથી કૃત્રિમ રેસાને સાવ પાતળા અને તાંતણા સ્વરૂપના બનાવી શકાય. હવે આગળ જોઈએ કે નાઈલોન, ટેરેલિન અને એક્રિલિક રેસામાં શું ફરક છે ! નાઈલોન દેખાવમાં રેશમ જેવું હોય. તે મજબૂત સખત અને પાણી અવરોધક છે. કાર્પેટ, મોજાં, દોરી-દોરડાં, માછલી પકડવાની જાળ તેમજ પેરાશૂટનું કાપડ ઉપરાંત ઘણા બધામાં નાઈલોનનો ઉપયોગ થાય છે.
એક્રિલિકના રેસા ઉન જેવા હોય. સ્વેટર, શાલ અને ધાબળા બનાવવામાં એક્રિલિકનો ઉપયોગ કરવામાં આવે છે. ટેરેલિન રેસા પાણીનું શોષણ કરતા નથી. તેથી આ રેસામાંથી બનેલાં કપડાં ધોયાં પછી ઝડપથી સૂકાઈ જાય છે. સાડી, શર્ટના કાપડ, બારી-બારણાના પડદા, વહાણોના સઢ, પાણીની પાઈપ બનાવવામાં આ રેસા વપરાય છે.