Magazines

ભક્ત કવિ વિષ્ણુચિત્ત પેરિયારવાર પર ભગવાન વિષ્ણુ અપાર કૃપા વરસાવતા હતા

By GS TEAM
17 Dec 20253 mins read
ભક્ત કવિ વિષ્ણુચિત્ત પેરિયારવાર પર ભગવાન વિષ્ણુ અપાર કૃપા વરસાવતા હતા

- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

- 'હે પ્રભુ, હું વેદ-ઉપનિષદ તો બિલકુલ ભણ્યો નથી. મને એના વિશે સહેજ પણ જ્ઞાાન નથી. હું તો કેવળ તમારી પ્રેમ ભક્તિ કરી જાણું. મને તો મારી કાલીઘેલી ભાષામાં સ્તુતિ કરતાં આવડે.'

'હે ગોપાલ ! તારા નેત્રોમાં જગતનું બધું નૂર,

તું જ તો મારો બાળ-ગોવિંદ, તું જ ચિત્તનો સૂર.

પુષ્પોથી તારી સેવા કરું, મનને ગમે એ કામ,

મારા જીવનનો એક જ અર્થ લેવું તારું નામ.'

'હું તો એક સાધારણ માળી, બસ તારી માળા ગૂંથતો,

મારાં દરેક શ્વાસનો માલિક તું, તારું જ નામ જપતો.

હે શ્રી નારાયણ ! તારું શરણ છે મારું જીવન,

તું દૂર રહે તો બધુ ંસૂનું, તું સાથે રહે તો બધું મધુવન.'

- ભક્ત વિષ્ણુચિત્ત

દક્ષિણ ભારતના ભક્તિ આંદોલનમાં ભક્ત વિષ્ણુચિત્ત (વિષ્ણુચિત્તાર) એક અત્યંત મહિમાવાન સંત માનવામાં આવે છે. તેમને પેરિયાળવાર પણ કહેવામાં આવે છે. તે તામિલનાડુના શ્રી વિલ્લિપુથૂરના નિવાસી હતા અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તે ૧૨ આળવારમાંના એક હતા. આળવાર તે તમિલ વૈષ્ણવ સંત છે જેમણે ભગવાન વિષ્ણુની ભક્તિને સરળ ભાષામા વર્ણન કરીને જનહૃદય સુધી પહોંચાડી.

વિષ્ણુચિત્ત બાળપણથી જ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. તે મંદિરની સેવા કરતા. પુષ્પ ઉગાડતા અને ભગવાન માટે માળા બનાવતા હતા. તે ભગવાનની બાળ ભાવથી સેવા કરતા. ભગવાન પરત્વે તેમને વાત્સલ્ય ભાવ રહેતો હતો. તેમના ચિત્તમાં ભક્તિની મસ્તી નિશદિન છવાયેલી રહેતી. ભગવાન સાથેના તાદાત્મ્ય ભાવથી ભગવાન તેમને સાનુભાવ પણ કરાવતા હતા.

એકવાર સ્વપ્નમાં ભગવાન વિષ્ણુએ તેમને દર્શન આપ્યા અને કહ્યું - 'પાંડય રાજા વલ્લભદેવના દરબારમાં જાઓ અને વેદ ના ગૂઢાર્થોને પ્રકટ કરો.' વિષ્ણુચિત્તે તેના જવાબમાં કહ્યું - 'હે પ્રભુ, હું વેદ-ઉપનિષદ તો બિલકુલ ભણ્યો નથી. મને એના વિશે સહેજ પણ જ્ઞાાન નથી. હું તો કેવળ તમારી પ્રેમ ભક્તિ કરી જાણું. મને તો મારી કાલીઘેલી ભાષામાં સ્તુતિ કરતાં આવડે.' ભગવાને તેમને કહ્યું - 'તમે કોઈ ચિંતા ના કરો. હું કહું છું તેમ કરો.' ભગવાનની આજ્ઞાા શિરોધાર્ય કરી વિષ્ણુચિત્ત વલ્લભદેવના દરબારમાં ગયા. ત્યાં પંડિતોની સભામાં તે પહોંચ્યા. તે વખતે ભગવાનની પ્રેરણાથી સરસ્વતી તેમની જીભ પર આવીને વસ્યા. વેદોની ઋચાઓ અસ્ખલિત રીતે તેમના મુખમાંથી પ્રગટ થવા લાગી. એટલું જ નહીં, વેદ ના ગહન રહસ્યોની સમજૂતી પણ તે આપવા લાગ્યા. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

રાજા વલ્લભદેવે 'પેરિયાળવાર (મહાન આળવાર) તરીતે તેમને વિભૂષિત કર્યા. તે વખતથી વિષ્ણુચિત્ત પ્રકાંડ પંડિત બની ગયા. વિષ્ણુચિત્ત અર્થાત્ પેરિયાળવારે તમિલમાં અનેક ભક્તિ રચનાઓ કરી જેમાં 'પેરિયાળવાર તિરુમોઝી' પ્રસિદ્ધ છે. આ રચનાઓ 'નાલાયિર દિવ્ય પ્રબન્ધનમ્' નો મહત્વપૂર્ણ ભાગ છે.

વિષ્ણુચિત્ત રોજ શ્રીવટપતિરાજ (વિષ્ણુ) માટે પુષ્પો ચૂંટી એમની માળા બનાવતા. એક દિવસ તે એમના પુષ્પોના બગીચામાં પુષ્પો, તુલસી વગેરે લેવા ગયા. ત્યાં તેમણે જોયું તુલસીની વચ્ચે એક દિવ્ય બાલિકા જ્યોતિપુંજ સાથે પડેલી છે. વિષ્ણુચિત્ત એના દૈવી તેજ પરથી સમજી ગયા કે આ કોઈ સમાન્ય બાલિકા નથી, ભગવાનની શક્તિ છે. તેમણે તેનું નામ રાખ્યું કોઈથી (તમિલ). એનું સંસ્કૃત રૂપ છે - ગોદઈ (ગોદા). તે પછી તે વિશ્વભરમાં 'આણ્ડાલ' નામથી પ્રસિદ્ધ થઈ. આણ્ડાલનો અર્થ થાય છે - ભગવાનને જીતનારી, ભગવાનને પ્રિય બનનારી. વિષ્ણુચિત્ત ભગવાન વિષ્ણુ માટે જે માળા બનાવતા એને આણ્ડાલ પોતે જ પહેલાં પહેરી લેતી. તે દર્પણ સામે જઈને ઊભી રહેતી અને તેમાં જોઈને બોલતી -

'શું હું ભગવાની પત્ની જેવી લાગું છું ?' પછી તે માળા ઉતારી દેતી. એક દિવસ પિતા વિષ્ણુચિત્તે આ જોઈ લીધું. તેને હવે પહેલાં એ પહેરી ના લેવા આદેશ કર્યો. પણ ભગવાન સૌને જણાવ્યું કે મને તે માળા જ ગમે છે જેને આણ્ડાલ પહેરીને પ્રેમથી પોતાને નીરખે છે. આણ્ડાલે ભગવાન શ્રી રંગનાથે જ પોતાના પતિ માન્યા અને ભગવાને જ આદેશ કરતાં તેના ભગવાન રંગનાથ સાથે લગ્ન કરી દીધા હતા. તે દુલ્હનની જેમ તૈયાર થઈ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી પછી ભગવાનના સ્વરૂપ ફરતે ઉત્પન્ન થયેલા દિવ્ય તેજમાં વિલીન થઈ ગઈ હતી. આમ વિષ્ણુચિત્તની પાલક દીકરી પણ એમના જેવી વિષ્ણુભક્ત હતી.