Magazines

આદિ શંકરાચાર્યજીના દૈવી સામર્થ્ય રૂપ અદ્ભુત યોગ સિદ્ધિઓ

By GS TEAM
15 Apr 20263 mins read
આદિ શંકરાચાર્યજીના દૈવી સામર્થ્ય રૂપ અદ્ભુત યોગ સિદ્ધિઓ

- વિચાર-વીથિકા - દેવેશ મહેતા

સદાશિવ સમારંભાં

શંકરાચાર્ય મધ્યમાં ।

અસ્મદાચાર્ય પર્યન્તાં

વન્દે ગુરુ પરંપરામ્ ।।

શ્રુતિ સ્મૃતિ પુરાણાનામાલયં કરુણાલયમ્ ।

નમામિ ભગવત્પાદ

શંકર લોકશંકરમ્ ।।

ભગવાન શિવના અવતાર રૂપ આદિ શંકરાચાર્ય મહાન યોગી, તત્ત્વચિંતક અને ધર્મપ્રવર્તક હતા. વેદ-ઉપનિષદ-બ્રહ્મસૂત્રના મહાભાષ્કાર એવા આદિ શંકરાચાર્યજીએ કેવલાદ્વૈતનો સિદ્ધાંત આપી અદ્વૈત વેદાંતનો પુનરુદ્ધાર કર્યો હતો. શિવજી સ્વયં વૈશાખ સુદ પાંચમે આર્યામ્બા અને શિવગુરુ થકી 'શંકર' રૂપે પ્રાદુભૂર્ત થયા હતા. બાળશંકર બાળપણમાં જ તમામ વેદ-ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ન્યાય, મીમાંસા, સાંખ્ય, યોગ અને શાસ્ત્રોના પૂર્ણ જ્ઞાાતા થઈ ગયા હતા.

શંકરાચાર્ય બાળક હતો તે વખતની વાત છે. તેમની માતા આર્યામ્બા દરરોજ સવારે પૂર્ણા નદીમાં સ્નાન કરવા જતી હતી. માતા નદીમાં સ્નાન કરી એમના કુળ દેવતા ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં દર્શન કર્યા પછી ઘેર પાછી ફરતી. એક દિવસ એવું બન્યું કે તે આ રીતે ઘેર પાછી આવતી હતી ત્યારે થાકને કારણે મૂર્છિત થઈ ગઈ. આ સાંભળીને બાળક શંકર ત્યાં દોડી ગયા અને પોતાની માતાને ભાનમાં લાવી ઘેર લઈ આવ્યાં. માતાને દરરોજ દૂર આવેલી પૂર્ણા નદીમાં સ્નાન કરવા જવું ન પડે તે માટે 'દક્ષિણ ગંગા'એવી પૂર્ણા નદીને પ્રાર્થના કરી કે તે તેમના ઘર આગળથી જ પ્રવાહિત થાય. પછી તેમણે તેમના પગના નખથી એક રેખા ખેંચી. તે સાથે, તે વખતથી પૂર્ણા નદીનો પ્રવાહ બદલાઈ ગયો અને તેમણે પગથી રેખા ખેંચી હતી ત્યાં જ નદી વહેવા લાગી હતી.

પાંચ વર્ષે યત્રોપવીત સંસ્કાર આપ્યા બાદ બાળક શંકરને પાઠશાળામાં અભ્યાસ અર્થે મૂક્યા ત્યારે એમણે એક અદ્ભુત ચમત્કાર સર્જયો હતો ગુરુએ બટુઓને ભિક્ષા લેવા મોકલ્યા. બાળશંકરે એક વૃદ્ધાના ઘર પાસે આવીને ભિક્ષાની ટહેલ નાંખી. તેણે બાળ શંકરને કહ્યું- 'બેટા, મારી પાસે તને આપવા આંબળા સિવાય બીજું કંઈ નથી.' તેણે કહ્યું- મા, તમારી પાસે જે હોય તે આપો.' તે વૃદ્ધાએ બાળશંકરના ભિક્ષાપાત્રમાં આંબળા પધરાવ્યાં. બાળશંકરે ત્યાં જ બેસીને લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા કનકધારા સ્તોત્રની રચના કરી તેનું ગાન કર્યું. ભગવાન શંકરના અવતાર રૂપ બાળશંકરની સ્તુતિથી લક્ષ્મીજી પ્રસન્ન ન થાય એવું બને ખરું ? તેમણે બાળ શંકરની ઇચ્છા જાણી લઇને એ વૃદ્ધાના ઘર પર સોનાના આંબળાનો વરસાદ વરસાવ્યો. એ વૃદ્ધાનું દારિદ્રય સદા માટે દૂર થઈ ગયું.

માતા પાસેથી યુક્તિ પૂર્વક સંન્યાસ ગ્રહણ કરવાની આજ્ઞાા મેળવ્યા બાદ શંકર ગૃહત્યાગ કરી ઓંકારનાથ આવ્યા. ત્યાં યોગિરાજ ગોવિન્દપાદ પાસેથી ઉપદેશ અને સંન્યાસ ગ્રહણ કરી દીક્ષિત થઈ. 'શંકરાચાર્ય' નામ ગ્રહણ કર્યું. તેમની પાસેથી હઠયોગ, રાજયોગ, જ્ઞાાનયોગનું જ્ઞાાન ગ્રહણ કર્યું. આ દરમિયાન તમામ યોગસિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી લીધી. 

વર્ષાઋતુ ચાલતી હતી ત્યારે એકવાર ત્યાંની નદીઓમાં પૂર આવ્યું. ધીમે ધીમે નદીઓનું પાણી ગુફાના મુખ સુધી આવી પહોંચ્યું. આ જોઈ બીજા સંન્યાસીઓ ચિંતિત અને ભયભીત થઈ ગયા. શંકરાચાર્યે તેમને નિશ્ચિંત અને નિર્ભીક રહેવા જણાવ્યું. તે એક ખાલી કમંડળ લઈ આવ્યા અને તેને ગુફાના પ્રવેશ દ્વારા પાસે મૂકીને કહેવા લાગ્યા- 'હવે તમે ગુફામાં બેસીને તપશ્ચર્યા કરી શકો છો. નદીઓના પૂરનું પાણી ગુફામાં નહીં આવે. બધું જ આ કમંડળમાં સમાઈ જશે.' ખરેખર એવું જ થયું. બધાએ જોયું કે તમામ નદીઓના પૂરના ધસમસતા પાણી પેલા નાના સરખા કમંડળમાં સમાઈ જતા હતા ! એ પૂરના પાણીનું એક ટીપું પણ ગુફામાં આવતું નહોતું એ જોઈ બધા વિસ્મયમાં મૂકાઈ ગયા હતા. બાકી પૂર એટલું પ્રચંડ હતું કે તેના જળથી આખી ગુફા ભરાઇ ગઈ હોત ! શંકરાચાર્યજીની આ યોગ શક્તિ જોઈ તમામ સંન્યાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે ગુરુ ગોવિન્દપાદને આની વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું- 'શંકરાચાર્ય પૂર્ણ યોગી બની ગયા છે. હવે મારે એમને કંઈ શિખવવાનું બાકી નથી. શંકરાચાર્ય શંકર ભગવાનનો જ અવતાર છે. તેમનો જ એક અંશ છે.'