Magazines

ભગવાન શ્રીકૃષ્ણે જેને પોતાના ઐશ્વર્ય અને ગુણો પ્રદાન કર્યા તે પવિત્ર પુરૂષોત્તમ માસ

By GS TEAM
13 May 20263 mins read
ભગવાન શ્રીકૃષ્ણે જેને પોતાના ઐશ્વર્ય અને ગુણો પ્રદાન કર્યા તે પવિત્ર પુરૂષોત્તમ માસ

- વિચાર-વીથિકા દેવેશ મહેતા

શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ

હે શ્રીકૃષ્ણ ! હે ગોવિંદ! હે હરિ! હે મુરારિ ! હે નાથ! 

હે નારારાયણ! હે વાસુદેવ ! તમને મારા વંદન છે. પુરુષોત્તમં દેવમદ્ધુતરૂપં, ભક્તપ્રિયં દુઃખ વિનાશહેતુમ્ ા દયાસિન્ધું વિશ્વપતિં મુકુન્દં, વન્દે સદા વિષ્ણુમનંતરૂપમ્ ાા અદ્ભુત સ્વરૂપ ધરાવતા પુરુષોત્તમ ભગવાનને વંદન કરું છું, જે ભક્તોને અતિ પ્રિય છે અને તેમના તમામ દુઃખોનો નાશ કરનારા છે. તે દયાના સાગર, સમગ્ર વિશ્વના સ્વામી અને મોક્ષ પ્રદાન કરનારા (મુકુંદ) છે. હું તે અનંત સ્વરૂપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુને સદા નમન કરું છું. નમામિ નિત્યં પુરુષોત્તમાખ્યં, લક્ષ્મીપતિં ભક્તજનૈક બન્ધુમ્ ા સંસાર સાગરાત્તારકં પ્રભું તં, નારાયણં વેદવિદાં વરિષ્ઠમ્ ાા હું નિત્ય એ પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર કરું છું જે લક્ષ્મીના પતિ, ભક્તોના એકમાત્ર સાચા બંધુ, સંસાર સાગરથી પાર ઉતારનાર અને વેદોને જાણનારામાં શ્રેષ્ઠ નારાયણ ભગવાન છે.

પીતામ્બરં પદ્યદલાયતાક્ષં, ગરુડારૂઢં કમનીયગાત્રમ્ ા

શંખં ચક્રં ગદાપદ્યધારિણં તં, વન્દેડચ્યુતં દેવવરં જનાર્દનમ્ ાા

હું ભગવાન વિષ્ણુને વંદન કરું છું જે પીતાંબર (પીળા વસ્ત્રો) ધારણ કરનારા છે, જેમના નેત્ર કમળની પાંખડી જેવા સુંદર અને વિશાળ છે જે ગરુડ ઉપર બિરાજમાન છે અને જેમનું દિવ્ય સ્વરૂપ અતિ મનોહર છે.

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ા

ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવા ાા

હે દેવોના દેવ ભગવાન વિષ્ણુ! તમે જ મારા માતા છો અને તમે જ મારા પિતા છો! તમે જ મારા સગા, મિત્ર અને સહાયક છો. તમે જ મારું જ્ઞાાન છો અને તમે જ મારી સંપત્તિ છો. હે પ્રભુ! તમે જ મારા માટે સર્વસ્વ છો. ઁ નમો ભગવતે વાસુદેવાય ાા હે ભગવાન શ્રીકૃષ્ણ ! હું તમને નમન કરું છું.         - પુરુષોત્તમ સ્તોત્રમ્

પુરાણ કથા અનુસાર જ્યારે અધિક માસની ઉત્પત્તિ થઈ ત્યારે તેનો કોઈ સ્વામી નહોતો અને તેમાં સૂર્ય સંક્રાંતિ ન હોવાથી તેનો મળમાસ કહીને તિરસ્કાર કરવામાં આવતો હતો. પોતાની ઉપેક્ષાથી તે અત્યંત દુઃખી થઈ ગયો હતો. તે દુઃખથી પીડિત થઈ ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ લોકમાં ગયો. ગુણાવતારી ભગવાન વિષ્ણુ તેને ગોલોક ધામમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પાસે લઈ ગયા અને તેમને કહ્યું - મારા શરણમાં આવેલા આ મળમાસ તરીકે ઓળખાતા બધાથી તિરસ્કૃત કરાતા અધિક માસનું દુઃખ તમે દૂર કરો. આ સાંભળી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - તમે જે જીવને સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે અને એમ જાણી તેને મારા જેવો જ સર્વોપરી કરીશ. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાાન અને વૈરાગ્ય એ છ ઐશ્વર્યો  અને ભક્તોને વરદાન આપવા જેવા જે ગુણોથી લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ થયો છું તે સર્વે ગુણો આજથી આ અધિક માસને અર્પણ કરું છું. તેમ જ લોકમાં તથા વેદમાં મારું 'પુરુષોત્તમ' એવું પ્રસિદ્ધ નામ છે તે પણ હું તેને પ્રદાન કરું છે. હવેથી તે 'પુરુષોત્તમ' માસ કહેવાશે એનો સ્વામી પણ હું જ થાઉં છું. મારી સમાનતા પામી આ મહિનો બીજા મહિનાઓનો અધિપતિ થશે. જગતમાં પૂજ્ય અને વંદનીય બનશે. આ માસ દરમિયાન મારી ભક્તિ કરનાર અને પૂજા-પાઠ, જપ-તપ, દાન-વ્રત કરનાર તમામ લોકોના દુઃખ, દારિદ્રયનો નાશ થશે. તેમને શીધ્ર મારી કૃપા પ્રાપ્ત થશે. આ માસ દરમિયાન કરેલા પુણ્ય કર્મથી તેમને ગોલોક ધામમાં ગતિ મળશે અને મારા સ્વરૂપાનંદની અનુભૂતિ થશે. શ્રી બૃહન્નારદીપ પુરાણના પુરુષોત્તમ માહાત્મ્યના છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં આ પ્રસંગનું વર્ણન કરાયેલું છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના 'પુરુષોત્તમ યોગ' નામના પંદરમાં અધ્યાયના અઢારમાં અને ઓગણીસમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'યસ્માત્ક્ષરમતીતોડહમક્ષરાઈપ ચોત્તમઃ ા અતોડસ્મિ લોકો વેદે ચ પ્રથિત ઃ પુરુષોત્તમઃ ાા હું ક્ષર અને અક્ષર બન્નેથી શ્રેષ્ઠ છું, તેથી હું જગતમાં અને વેદોમાં 'પુરુષોત્તમ' તરીકે પ્રસિધ્ધ છું. યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ્ ા સ સર્વવિદ્ધજતિ માં સર્વભાવેન ભારત ાા હે અર્જુન! જે મનુષ્ય મને આ રીતે મૂઢતારહિત બની પુરુષોત્તમ રૂપે જાણે છે તે બધું જાણનારો સર્વ ભાવથી મને ભજે છે.' છેલ્લા વીસમાં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે - 'હે પાપરહિત અર્જુન! આ રીતે મેં અત્યંત ગુપ્ત શાસ્ત્ર તને કહ્યું છે. આ જાણીને મનુષ્ય બુદ્ધિમાન અને કૃતાર્થ બની જાય છે.'