Magazines

વૃત્રાસુરની અનન્ય વિષ્ણુ ભક્તિ .

By GS TEAM
10 Jun 20264 mins read
વૃત્રાસુરની અનન્ય વિષ્ણુ ભક્તિ                                .

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- ઇન્દ્ર વજ્રથી વૃત્રાસુરને મારે તે પહેલાં તેણે ભગવાન પાસે ધર્મ-અર્થ-કામ-મોક્ષ રૂપ ચાર પુરૂષાર્થ સિદ્ધ કરવા ચાર શ્લોકો ઉચ્ચાર્યા હતા જેને વૃત્રાસુર ચતુ:શ્લોકી કહેવાય છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંધમાં તેનું નિરૂપણ છે

એક વખત દેવોના રાજા ઇન્દ્રએ પોતાના ગુરૂ બૃહસ્પતિનું અપમાન કર્યું. તેના કારણે દેવોનું તેજ અને શક્તિ ઘટી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લઈને અસુરોએ દેવો પર આક્રમણ કર્યું. દેવોએ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને પોતાના પુરોહિત બનાવ્યા. પરંતુ વિશ્વરૂપ પોતાના માતૃપક્ષે અસુર કુળ સાથે જોડાયેલા હોવાથી યજ્ઞાના ભાગમાંથી અસુરોને પણ હિસ્સો આપતા હતા. આ જાણીને ઇન્દ્રે ગુસ્સે ભરાઈને વિશ્વરૂપનો વધ કર્યો. પુત્રના મૃત્યુથી દુ:ખી થયેલા ત્વષ્ટાએ એક વિશેષ યજ્ઞા કર્યો. 'ઇન્દ્રશત્રો વિવર્ધસ્વ માચિરં જહિ વિદ્ધિષમ્' હે ઇન્દ્રશત્રુ ! વૃદ્ધિ પામ અને જલદી શત્રુનો નાશ કર.' આ મંત્રથી દક્ષિણાગ્નિમાં હોમ કર્યો. આ હોમના પ્રભાવથી અગ્નિકુંડમાંથી વૃત્રાસુર ઉત્પન્ન થયો.

વૃત્રાસુર અત્યંત શક્તિશાળી હતો. તેણે દેવોને હરાવી દીધા. હારી ગયેલા દેવોએ ભગવાન વિષ્ણુનું શરણ લીધું. ભગવાન વિષ્ણુએ તેમને મહર્ષિ દધીચિ પાસે જવાનું કહ્યું. પછી તેમને સલાહ આપી - 'વિદ્યા, વ્રત અને તપના સારરૂપ તેમના શરીરની માગણી કરો. અશ્વિનીકુમાર પ્રત્યેના પ્રેમને લીધે તે તમને તેમના હાડકાં આપશે. વિશ્વકર્મા તેમાંથી વજ્ર આયુધ બનાવશે. હું મારા તેજથી તેને તેજસ્વી કરીશ. એનાથી તમે વૃત્રાસુરને હણી શકશો.'

જ્યારે દેવોએ દધીચિ મુનિ પાસે જઈ તેમના શરીરની યાચના કરી ત્યારે પ્રથમ તો મર્ત્ય માનવીને એનું શરીર કેટલું પ્રિય હોય છે તે જણાવતા કહ્યું - 'હે દેવો ! માણસોને શરીર છોડતી વખતે ચેતનાનો નાશ કરનાર મૃત્યુથી કેવું અસહ્ય દુ:ખ થાય છે, તે તમે દેવો હોવાથી જાણતા નથી. જીવવાની ઇચ્છાવાળા જીવોને પોતાનો દેહ એટલો સર્વથી પ્રિય હોય છે કે જો સ્વયં વિષ્ણુ પણ એની ભિક્ષા માગે તોય તે ન આપે.' પણ છેલ્લે તેમણે કહ્યું - એષ વ: પ્રિયમાત્માનં ત્યજન્તં સંત્યજામ્યહમ્ । એક દિવસ મને છોડી દેનાર પ્રિય પ્રાણને, એ તમને પ્રિય છે માટે ત્યાગ કરું છું. જે માણસ અનિશ્ચિત શરીરથી પ્રાણીમાત્ર ઉપરની દયાથી ધર્મ અને યશની ઇચ્છા ન કરે તે જડથી પણ શોક કરવા લાયક છે.

વૃત્રાસુર માત્ર એક અસુર નહોતો. તે પૂર્વજન્મમાં વિષ્ણુ ભગવાનનો મહાન ભક્ત ચિત્રકેતુ રાજા હતો. પાર્વતીના શાપને કારણે તેને અસુર યોનિ પ્રાપ્ત થઈ હતી. ઇન્દ્ર વજ્રથી વૃત્રાસુરને મારે તે પહેલાં તેણે ભગવાન પાસે ધર્મ-અર્થ-કામ-મોક્ષ રૂપ ચાર પુરૂષાર્થ સિદ્ધ કરવા ચાર શ્લોકો ઉચ્ચાર્યા હતા જેને વૃત્રાસુર ચતુ:શ્લોકી કહેવાય છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંધના અગિયારમા અધ્યાયના શ્લોક ૨૪ થી ૨૭ માં તેનું નિરૂપણ છે. 'અહં હરે તવ પાદૈકમૂલદાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય: મન: સ્મરેતાન્સુપતેગુણાંસ્તે ગૃણીત વાક કર્મ કરોતિ કાય: ।।

હે ભગવન્ ! હું ફરીવાર આપના ચરણારવિન્દના દાસોનો દાસ બનું. મારું મન આપનું જ સ્મરણ કરે. મારી વાણી આપના જ ગુણ ગાય. મારો દેહ આપનું સેવા કર્મ કરે.' ન નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠયં ન સાર્વભૌમં ન રસાધિપત્યમ્ । ન યોગસિદ્ધિરપુનર્ભવં વા સમંજસ ત્વા વિરહય્ય કાંક્ષે ।। આપને છોડીને મારે સ્વર્ગ, ઇન્દ્રપદ, બ્રહ્મપદ, પાતાળનું રાજ્ય, યોગસિદ્ધ અથવા મોક્ષ પણ જોઈતા નથી.'

'અજાતપક્ષા ઇવ માતરં ખગા: સ્તન્યં યથા વત્સરતા: ક્ષુધાર્તા: । પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વિષણ્ણા મનો।રવિન્દાક્ષ દિદ્રૃક્ષતે ત્વામ્ ।। જેમ પાંખ આવ્યા વગરનાં પક્ષીઓનાં બચ્ચાં તેમની માતાની, ભૂખ્યાં વાછરડાં તેમની માતાના આંચળ (ના દૂધ)ની, દુ:ખી બનેલી પ્રિયા પરદેશથી આવતા પ્રિયતમની રાહ જુએ તેમ હે કમલનયન ! મારું મન આપના દર્શન માટે તલસે છે.'

'મમોત્તમ શ્લોકજનેષુ સખ્યં સંસારચક્રે ભ્રમત: સ્વકર્મભિ: । ત્વન્માયયા।।ત્મા।।ત્મજદારગેહેષ્વાસસક્ત ચિત્તસ્ય ન નાથ ભૂયાત્ ।। હે નાથ ! મારા કરેલાં કર્મથી હું ભલે સંસારમાં ભટકું, પણ ત્યાં મને ભગવદીયોનો સંગ થાય અને આપની માયાથી આત્મા, પુત્ર, દેહ, સ્ત્રી વગેરેમાં આસક્તિ ન થાઓ.'

પછી ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ દરમિયાન જ્યારે ઇન્દ્ર થોડી ક્ષણો માટે નિરાશ થયા ત્યારે વૃત્રાસુરે જ તેમને યુદ્ધ ચાલુ રાખવા પ્રેરણા આપી અને કહ્યું કે જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. યોદ્ધાએ પોતાના કર્તવ્યથી પાછળ ન હટવું જોઈએ. અંતે, ઇન્દ્રે દધીચિ ઋષિના અસ્થિઓમાંથી બનાવાયેલા વજ્રથી વૃત્રાસુર પર પ્રહાર કરી તેનો વધ કર્યો, પણ તે મહાન વિષ્ણુ ભક્ત હોવાથી તેના મરણ બાદ તેના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં ભળી ગયું હતું.