કન્ફ્યૂશિયસનું જીવનદર્શન : જ્ઞાન, સદ્ગુણ, સદાચાર અને માનવતાનો માર્ગ

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
* 'સાચું જ્ઞાન એ છે કે તમે એ જાણો કે તમે કશું જાણતા નથી. ખરું જ્ઞાન એ છે કે તમે કંઈ જાણતા નથી તે જાણવું.'
* 'પોતાની જાતને જાણવી સૌથી મોટું જ્ઞાન છે.'
* 'દરરોજ કંઈક નવું શીખો અને તમારા જ્ઞાનને બીજા સાથે વહેંચો.'
* 'જ્યાં પ્રેમ અને સન્માન છે ત્યાં સમાજમાં શાંતિ છે.'
* 'શિક્ષણ એ ધીરજ છે જે જીવનને સુંદર બનાવે છે.'
* 'બીજા માટે એ જ ઇચ્છો જે તમે તમારા માટે ઇચ્છો છો.'
* 'સારું નેતૃત્વ ઉદાહરણથી હોય છે, આદેશથી નહીં.'
* 'ભૂલ સ્વીકારવી અને તેને સુધારવી જ બુદ્ધિમતા છે.'
* 'દરેક વ્યક્તિમાં સારાપણું છુપાયેલું હોય છે, એને શોધો અને વધારો.'
* 'તમારો વ્યવહાર જ તમારી ઓળખ છે.'
- કન્ફ્યૂશિયસ
કન્ફ્યૂશિયસ (Confucious) પ્રાચીન ચીનના મહાન તત્વચિંતક, શિક્ષક અને રાજનૈતિક વિચારક હતા. તે લગભગ ૫૧ ઇ.સ. પૂર્વે જન્મ્યા હોવાનું મનાય છે. તેમનું મૂળ નામ કુંગ ફૂ-જી (Kong Fuzi) હતું. ચીનના પ્રસિદ્ધ ચાંગ રાજવંશમાં તેમનો જન્મ થયો હતો. માત્ર૩ વર્ષની ઉંમરે તેમના પિતાનું મરણ થઈ ગયું હતું એટલે એમને બાળપણમાં ઘણી તકલીફો ભોગવવી પડી હતી. એમ છતાં એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક વિદ્યાભ્યાસ કર્યો હતો. બાળપણથી તેમનો ઉમદા ગુણ હતો કે જે અધ્યયન કરતા તેને જીવનમાં પણ ઉતારતા. એટલે માત્ર ૧૪ વર્ષની ઉંમરે જ એમને જીવનની મહત્વપૂર્ણ બાબતોની સમજ અને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ હતી. ૧૭ વર્ષની ઉંમરે એમને એક સરકારી નોકરી મળી. પણ પાંચેક વર્ષ બાદ તે છોડીને ૨૨ વર્ષની ઉંમરે શિક્ષણકાર્ય કરવા લાગ્યા હતા.
પોતાના ઘરમાં જ એક વિદ્યાલય શરૂ કરીને તે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા લાગ્યા હતા. તે મૌખિક રૂપે વિદ્યાર્થીઓને ઇતિહાસ, નીતિશાસ્ત્ર, કાવ્ય અને સંગીતનું પ્રશિક્ષણ આપતા હતા. કન્ફ્યૂશિયસની પાઠશાળા માત્ર વિદ્યાભ્યાસ જ નહોતી કરાવતી, તે માનવતા અને નાગરિકતાનો પાઠ પણ ભણાવતી હતી. આ પાઠશાળામાં નિર્ધન તથા ધનવાન, ઉચ્ચ તથા નિમ્ન એમ દરેક પ્રકારના વિદ્યાર્થીઓ સાથે પૂર્ણ સમાનતાપૂર્વકનો વ્યવહાર કરવામાં આવતો હતો. વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ, પક્ષપાત કે વિષમતાઓના 'ક્રિયાત્મક ચરિત્ર નિર્માણ' માટે ખાસ પ્રયત્નો કરાતા હતા.
૫૩ વર્ષની ઉંમરે તે લૂ રાજ્યમાં એક શહેરના શાસનકર્તા અને પછી મંત્રીના પદ પર નિયુક્ત થયા હતા. મંત્રીના પદ પર હોવા છતાં તામણે દંડને બદલે મનુષ્યના ચરિત્રમાં સુધારણા લાવવા પર ભાર મૂક્યો. તેમણે તેમના શિષ્યોને સત્ય, પ્રેમ અને ન્યાયનો સંદેશ આપ્યો. તે સદાચાર પર વધારે ભાર મૂકતા હતા. તે લોકોને સદ્ગુણી, સદાચારી, વિનયી, પરોપકારી અને ચારિત્ર્યવાન બનવાની પ્રેરણા આપતા હતા. તે વડીલ-વૃદ્ધો અને પૂર્વજોનો આદર-સન્માન કરવાનું કહેતા હતા. તે કહેતા હતા - બીજાની સાથે તેવો વર્તાવ ન કરો જેવો તમે સ્વયં પોતાની સાથે ન કરાય એવું ઇચ્છતા હો.
કન્ફ્યૂશિયસ એક સુધારક હતા, ધર્મ પ્રચારક નહીં. તેમણે ઇશ્વર વિશે કોઈ ઉપદેશ આપ્યો નહોતો. તે માનતા હતા કે જે માનવીની સેવા ના કરી શકે તે દેવી-દેવતાઓની સેવા શું કરશે? કન્ફ્યૂશિયસ માનવતા (રેન), દયા અને કરુણાને સર્વાધિક પ્રાધાન્ય આપતા હતા. બીજા પ્રત્યે પ્રેમ પરિપૂર્ણ હોવું, એનું સન્માન કરવું અને સહાનુભૂતિ રાખવી એ સૌથી મોટો ગુણ છે. તેમણે શિષ્ટાચાર/મર્યાદા (લી)ને મહત્વ આપ્યું અને જણાવ્યુ ંકે સમાજમાં યોગ્ય વ્યવહાર રાખવો અને પરંપરાઓનું પાલન કરવું. એમના વિચારો અને દર્શનનું સંકલન એમના શિષ્યો દ્વારા ધ એનાલેક્ટસ (The Analects) નામના પુસ્તકમાં કરાયું છે. હાન રાજવંશ (Han Dynasty) દરમિયાન એમના દર્શનને ચીનનો આધિકારિક રાજધર્મ ઘોષિત કરાયો હતો. એમના દર્શનને કન્ફ્યૂશિયસવાદ (Confucianism) કહેવાય છે. જેણે ચીન અને પૂર્વી એશિયાની સંસ્કૃતિ અને સમાજ પર ઊંડી છાપ છોડી છે.









