સંત પુન્તાનમ્ની ભક્તિથી પ્રસન્ન થયા ભગવાન શ્રીકૃષ્ણ

- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
* 'મત્રુ સર્વમ મરન્નુ મનસ્સિને,
મુત્તુકૃષ્ણનિલ ચેર્થુ વણંગુવાન
બીજું બધું ભૂલીને પોતાના મનને પૂરેપૂરું
બાળકૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દેવું
એ જ જીવનનું એકમાત્ર સત્ય અને લક્ષ્ય છે.'
* 'કંડુ કંડગિરિકકુ જનંગલે, કંડિલ્યૈન્નુ વહુત્તુવતુમ ભવાન...'
જે લોકોને આપણે આપણી આંખોની સામે જીવતા જોઈએ છીએ, હે પ્રભુ, તમે પળભરમાં તેમને તિરોહિત કરી દો છો. ઊભા રહેલા મનુષ્યને પળભરમાં પાલખીમાં સુવડાવી દો છો અને રાજાને રસ્તાનો ભિખારી બનાવી દો છો.'
* 'નારાયણ નામમ એન્નથુ નાવિલેપ્પોજહુમ ઇક્ક્કેનમ્
નારાયણનું નામ જીભ પર હંમેશા ધારણ કરી રાખવું જોઈએ.'
- સંત પુન્તાનમ્ (જ્ઞાનપ્પાના)
સંત પુન્તાનમ્ કેરળના એક મહાન સંત, કવિ અને ભગવાન કૃષ્ણ (ગુરૂવાયુરપ્પન)ના પરમ ભક્ત હતા. તે સંસ્કૃતને બદલે સામાન્ય બોલાચાલની, તળપદી મલયાલમ ભાષામાં એમની ભક્તિ રચનાઓ કરતા હતા. એમનું જીવન નિતાંત કૃષ્ણમય બની ગયું હતું. તેમનો જન્મ ૧૫૪૭માં કેરલના મલપ્પુરમ જિલ્લાના કીઝાત્તૂરમાં એક તંબૂદરી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ 'જ્ઞાનપ્પાના' છે જેનો અર્થ છે - 'દિવ્ય જ્ઞાનનું ગીત' એ સિવાય એમની બીજી મુખ્ય રચનાઓ કુમારહરણમ્ અને ભાષા કર્ણામૃત છે.
પુન્તાનમ્ ના લગ્ન પછી લાંબા સમય બાદ તેને એક પુત્ર જન્મ્યો. પણ અન્નપ્રાશન (બાળકને પ્રથમવાર અન્ન ખવડાવવાનો ઉત્સવ)ના દિવસે એક દુર્ઘટનામાં એમના બાળકનું મૃત્યુ થઈ ગયું. આ પ્રબળ, ઘેરા શોકમાંથી બહાર આવવા માટે તેમણે પોતાનું જીવન ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરી દીધું. તેમણે લખ્યું કે જ્યારે બાળકૃષ્ણ આપણા હૃદયમાં છે તો અન્ય પુત્રોની શી જરૂર છે ?
મેલપુત્તૂર નારાયણ ભટ્ટતિરી તે સમયના વિદ્વાન પંડિત હતા. જેમણે સંસ્કૃતમાં મહાન ગ્રંથ 'નારાયણીયમ્' ની રચના કરી હતી. તે એમની સંસ્કૃત ભાષાની વિદ્વતા પર ભારે ગર્વ કરતા હતા, જ્યારે પુન્તાનમ્ એક સીધાસાદા ભક્ત હતા જે સરળ, સૌને સમજાય એવી મલયાલમ ભાષામાં લખતા હતા.
એકવાર પુન્તાનમે મલયાલમમાં એક કાવ્ય લખ્યું અને ભટ્ટતિરી પાસે જઈ એમને એ રચનામાં કોઈ વ્યાકરણ દોષ હોય તો સુધારવા વિજ્ઞાપ્તિ કરી. ભટ્ટતિરીએ અહંકારને લીધે કહ્યું - મને મલયાલમ નથી આવડતી અને હું પ્રાકૃત (તળપદી ભાષા)ની કવિતાઓ વાંચતો નથી. આ સાંભળી પુન્તાનમ્ દુ:ખી અને વ્યથિત થઈગયા. તે રાત્રે ભગવાન ગુરૂવાયુરપ્પન ભટ્ટતિરીના સ્વપ્નમાં આવ્યા અને તેમને કહેવા લાગ્યા - મને ભટ્ટતિરીની વિભક્તિ (વ્યાકરણ/વિદ્વતા)થી વધારે પુન્તાનમ્ ની ભક્તિ પ્રિય છે.' ભટ્ટતિરીની પંડિતાઈનું અભિમાન દૂર થઈ ગયું. તે બીજે દિવસે સવારે દોડીને પુન્તાનમ્ પાસે ગયા અને તેમની ક્ષમા માંગી. પછી ખૂબ આદરપૂર્વક તેમની રચનાઓનું પઠન કર્યું.
વાલ્મીકિ નારાયણના યુદ્ધકાંડ (૧૮-૩૩)ના એક શ્લોકમાં ભગવાન શ્રીરામ કહે છે - સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે । અભયં સર્વભૂતેભ્યો દદામ્યેતદ્ વ્રતં મમ ।। એકવાર પણ મનુષ્ય 'હું તમારો છું' કહીને મારા શરણમાં આવે છે એને હું બધા પ્રાણીઓથી અભય (સુરક્ષા) પ્રદાન કરું છું. એવું મારું વ્રત છે.' શરણાગતનું રક્ષણ કરવાની ભગવાનની આ પ્રતિજ્ઞા પુન્તાનમ્ માટે પણ ચરિતાર્થ થઈ હતી. એકવાર તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ડાકુઓએ એમના પર હુમલો કર્યો. પુન્તાનમે ભગવાનનું સ્મરણ કર્યું અને સહાય કરવા આર્તનાદ કર્યો. ભગવાને તે સાંભળ્યો અને ગુરૂવાયુર મંદિરના મંત્રી (મંગલતુ કઈમલ)ના રૂપમાં સ્વયં ભગવાને આવીને એમનું રક્ષણ કર્યું. ભગવાનની પુન્તાનમ્ પર અપાર કૃપા હતી. અનેક પ્રસંગોએ ભગવાને પુન્તાનમ્ ની રક્ષા કરી તેમની ભક્તવત્સલતા દર્શાવી હતી.








