ભક્તો અને સંતોની જીવનગાથાનું અવગાહન કરાવતોસંત નાભાદાસ રચિત ગ્રંથ-ભક્તમાળ

- વિચાર-વીથિકા - દેવેશ મહેતા
'નાભાદાસ જગ વિદિત હૈ,
ભક્તને હિતકાર ।
ભક્તમાલ રસ બરસઈ,
હરિ ભક્તિ અપાર ।।
નાભાદાસ જગતમાં પ્રસિદ્ધ છે તે ભક્તોનું હિત કરનારા છે. એમની ભક્તમાળ ભક્તિ-રસની વર્ષા કરે છે.'
- પ્રિયાદાસ
નાભદાસ હરિભક્ત હૈ,
સાધુ હૃદય કે જ્ઞાાની ।
ભક્તમાલ રચિ દીન્હ્રિ,
કીન્હી ભક્તિ કહાની ।।
નાભાદાસ સાચા ભક્ત અને સંતોના હૃદયને સમજનારા હતા. તેમણે ભક્તમાળના માધ્યમથી ભક્તિની કથા પ્રસ્તુત કરી.
'ભક્તનકી મહિમા કહી, કીન્હોં જગ ઉજિયાર ।
નાભાદાસ સમ કૌન હૈ, ભક્તને કે વિચાર ।।
નાભાદાસે ભક્તોના મહિમાનું વર્ણન કરી જગતને પ્રકાશમય કરી દીધું. નાભાદાસ સમાન ભક્તોનો વિચાર કરનાર બીજું કોણ છે ?
ભક્તમાળના રચયિતા નાભાદાસ ભક્તિકાળના પ્રસિદ્ધ કવિ અને રામભક્ત સંત હતા, જેમણે અગ્રદાસના શિષ્યરૂપે વ્રજભાષામાં ૨૦૦ થી વધારે ભક્તોના જીવન વૃત્તાંત પર આ ભક્તમાળનું આલેખન કર્યું. એમનો જન્મ ૮ એપ્રિલ ૧૫૩૯ના રોજ દક્ષિણ ભારતના તેલંગાણાના ગોદાવરી તટ પર થયો હોવાનું મનાય છે જો કે આ અંગે ઘણા મત-મતાંતરો પ્રવર્તે છે. એમના જન્મ સમય અને જન્મ સ્થળ અંગે અનેક વિદ્વાનો અલગ માન્યતા ધરાવે છે.
એવી કિંવદંતી (દંતકથા) છે કે નાભાદાસ જન્મથી અંધ હતા અને બાલ્યાવસ્થામાં જ એમના પિતાનું મરણ થઈ ગયું હતું. તે સમયે દેશમાં દુષ્કાળની સ્થિતિ હતી એટલે એમની માતા એમનું પોષણ કરી શકી નહીં અને તેમને વનમાં છોડીને જતી રહી. અથવા એવું પણ મનાય છે કે એમના ભોજનનો પ્રબંધ કરવા જતાં ભૂખમરાથી તેનું રસ્તામાં જ મરણ થઈ ગયું. સંયોગવશાત્ મહાત્મા અગ્રદાસ અને કીલહદાસ તે વનમાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે તે બાળકને જોયું. તેને પાણી પીવડાવ્યું અને તેનો પરિચય પૂછયો. તેણે જવાબમાં કહ્યું- મારો પરિચય શું આપું ? હું પંચતત્ત્વથી બનેલા મારા શરીરનો પરિચય આપું કે નિર્ગુણ, નિરાકાર આત્માનો ? બન્ને મહાત્માઓ પાંચ વર્ષની વયના આ બાળકનો ઉત્તર સાંભળી વિસ્મિત થઈ ગયા. તેમણે તેનું નામ નારાયણદાસ રાખ્યું. એને જયપુર પાસે આવેલા ગલતામાં લઈ આવ્યા. અગ્રદાસજીએ એને દીક્ષા આપી. આ નારાયણદાસ જ આગળ જતાં નાભાદાસ તરીકે ઓળખાયા.
નાભાદાસનું જીવન ભજન, કીર્તન, ભક્તિ અને ગુરુ સેવામાં વ્યતીત થવા લાગ્યું. એકવાર એમના ગુરુ અગ્રદાસ માનસ પૂજામાં પ્રવૃત્ત હતા. એમણે મનની શક્તિથી જોયું તો એક શિષ્યનું માલથી લદાયેલું જહાજ હાલકડોલક થઈ રહ્યું છે. શિષ્યે ગુરુનું સ્મરણ કર્યું અને સહાય કરવા વિનંતી કરી. અગ્રદાસ એની વિહવળતાથી ક્ષુબ્ધ થઈ ગયા. નાભાદાસે અંત:કરણની દિવ્ય શક્તિથી આ જાણી લીધું. તેમણે વિચાર્યું- ગુરુની માનસપૂજામાં વિક્ષેપ ના પડે એટલે આ સહાય કરવાનું કામ પોતે જ કરી લેવું જોઈએ. તેમણે ભગવાન રામને પ્રાર્થના કરી કે પેલા વેપારીના જહાજને બચાવી લે. ભગવાને ભક્તની પ્રાર્થના સાંભળી લીધી. તે વેપારીના જહાજને ડૂબતુ બચાવી લીધું. નાભાદાસે દૂર દર્શનની દૈવી શક્તિથી કે જહાજ ડૂબવાથી બચી ગયું કે તોફાન શાંત થઈ ગયું છે. તેમણે ગુરુને સઘળી હકીકતથી વાકેફ કર્યા. માનસપૂજાથી નિવૃત્ત થયેલા ગુરુ અગ્રદાસ નાભાદાસ પર પ્રસન્ન થયા. તેમણે વિચાર્યું જે ભક્ત ભગવાનની કૃપા પ્રાપ્ત કરી એના બળથી એક વેપારીના સાગરમાં ડૂબતા જહાજને પણ બચાવવા સમર્થ બની શકે છે. તેમણે નાભાદાસને કહ્યું- ' તું ભક્તોના ચરિત્રનું વર્ણન કરી ભગવદ્ ભક્તિના મહિમાનો વિસ્તાર કર.'
નાભાદાસે ગુરુની આજ્ઞાા શિરોધાર્યા કરી 'ભક્તમાળ'ની રચના કરી. સાહિત્યકારોએ ભક્તમાળ ગ્રંથને 'ભક્તિનું કલ્પવૃક્ષ કહ્યો છે. આ ગ્રંથ ભક્ત સાહિત્યનો અદ્ભુત, અપૂર્વ અને અલૌકિક ઇતિહાસ છે. ભક્તો અને ભક્તકવિઓના જીવનચરિત્રને સુરક્ષિત રાખવામાં ભક્તમાળનું યોગદાન સર્વાધિક છે. નાભાદાસે ભક્તમાળ ઉપરાંત અષ્ટયામ અને રામભક્તિ સબંધી સ્ફુટ પદ નામના બીજા બે ગ્રંથોની પણ રચના કરી છે. ધર્મપરાયણ સમાજમાં ભક્તમાળ રામચરિતની જેમ લોકપ્રિય ગ્રંથ બની રહેલો છે. હિંદીમાં જીવન સાહિત્યનો આ પ્રથમ ગ્રંથ છે. ભક્તોના ચરિત્રામૃતનું નિરૂપણ કરતો આ ગ્રંથ ભક્તિરસની ભાગિરથી સમાન ગણાય છે









