Magazines

મન આપણું સેવક છે, માલિક નહિ...

By GS TEAM
13 May 20263 mins read
મન આપણું સેવક છે, માલિક નહિ...

- પ્રેરણાની પરબ આચાર્ય - વિજય અક્ષયરત્નસૂરિ 

લિફટ !!! વિશેષતા એની એ છે કે પચાસ માળની ઇમારતના ટોપ ફલોર ઉપર પણ એ વ્યક્તિને પહોંચાડી શકે છે અને ઇમારતના બેઝમેન્ટમાં પણ એ લઈ જઈ શકે છે. વ્યક્તિ લિફ્ટનો જે રીતે ઉપયોગ કરે એ રીતે તેનું રિઝલ્ટ મળે છે. બસ, જેવી વિશેષતા લિફ્ટની છે. એવી જ વિશેષતા મનની પણ છે. મનનો જો સદુપયોગ થાય તો મન વ્યક્તિને સદ્ગતિમાં યાવત્ મોક્ષના સર્વશ્રેષ્ઠ સ્થાનમાં પણ પહોંચાડી શકે છે. અને જો મનનો દુરુપયોગ થાય તો એ વ્યક્તિને દુર્ગતિમાં યાવત્ નરકના કનિષ્ઠ સ્થાનમાં પણ લઈ જઈ શકે છે. એટલે જ આજથી શરૂ થતી લેખ શ્રેણીમાં આપણે ક્રમશ: મનની એકેક વિલક્ષણતા ઉપર વિચાર-વિર્મશ કરીશું :

૧) મન અપ્રમાણિક છે... મનની આ પ્રથમ વિલક્ષણતા છે. આ વિલક્ષણતાનાં કારણે બને છે એવું કે અશુભપ્રવૃત્તિઓનાં અવસરે મન ગલત કારણો શોધે છે અને અહિતની પ્રવૃત્તિઓમાં જીવને દોરવે છે. એથી ઊલટું, શુભ પ્રવૃત્તિઓના અવસરે મન ગલત બહાના શોધે છે અને શુભ પ્રવૃત્તિઓમાં આગળ વધતા જીવને અટકાવે છે. આ સંદર્ભમાં મને યાદ આવે છે ઇ.સ.૨૦૦૬ના વડોદરાના ચાતુર્માસની વાત : નિયમિત પ્રવચનશ્રવણ માટે આવનાર ત્યાંના એક ભાઈ રોજ અમારા ગુરુદેવ આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.પાસે વંદન માટે આવે. ચાતુર્માસના પ્રારંભથી રોજ તેઓ વંદન કરીને એક વાત અચૂક અમારા ગુરુદેવને કહે કે 'ગુરુદેવ ! આ વર્ષે ચાતુર્માસમાં એવી આરાધના કરવી છે કે જે મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કરી. ' ગુરુદેવે કહ્યું : ' તો તો નક્કી. આ ચોમાસામાં તમારો માસક્ષમણ (=ત્રીશ ઉપવાસ)નો વિચાર પાકો લાગે છે.' ભાઈ એ સ્મિત સાથે કહ્યું : 'સાહેબ ! મેં મારી જિંદગીમાં એક ઉપવાસ પણ ક્યારે ય નથી કર્યો. તેથી પર્યુષણમાં એક ઉપવાસ કરવાનો વિચાર છે.' ભાઈની બોલવાની સ્ટાઈલથી ત્રીશ ઉપવાસની કલ્પના થતી હતી અને વાત આવી એક ઉપવાસની. તેથી ગુરુદેવ આશ્ચર્યમાં પડયા. જેણે કાંઈ ન કર્યું હોય તેના માટે એક ઉપવાસ પણ મોટી વાત ગણાય એમ વિચારી તેમણે ભાઈને પ્રોત્સાહન આપ્યું. પણ વધુ આશ્ચર્ય ત્યારે સર્જાયું કે 'પર્યુષણમાં પ્રથમ દિવસે પ્રથમ પચ્ચક્ખાણ મારું જ ' એમ કહેનારા ભાઈ તે દિવસે નવકારશી કરીને ઉપાશ્રયે આવ્યા. ગુરુદેવે પૂછયું : ' કેમ આજે ઉપવાસ નથી ? તમારા તો ખૂબ ભાવ હતા ને ?' અને ભાઈએ જવાબ આપ્યો : 'સાહેબ ! શું કહું તમને ! ભાવ તો પાકા જ હતા. આજે સવારે વહેલો ઉઠીને પચ્ચક્ખાણ લેવા નીકળ્યો પણ ખરો. પરંતુ જેવો ઘર બહાર પગ મૂક્યોને ! ત્યાં જ છીંક આવી અને મેં વિચાર્યું કે જીવનમાં પ્રથમવાર ઉપવાસ કરવા નીકળ્યો ને આ છીંક આવી. તેથી ઉપવાસમાં ભલીવાર નહિ આવે. માટે નથી કરવો ઉપવાસ.' આ છે મનની અપ્રમાણિક વૃત્તિ. એ ડગલે ને પગલે આવા નગણ્ય બહાના ઉભા કરીને જીવને ધર્મથી દૂર રાખે છે. મનની આ અપ્રમાણિકતાથી બચવા બે ઉપાય કરીએ : (૧) મન:શક્તિને મજબૂર બનાવીએ મન દ્વારા થતી અહિતની વાત સાંભળીએ જ નહિ અને (૨) આત્મશક્તિને મજબૂત બનાવીએ- નક્કી કરેલા શુભ સંકલ્પો ધરાર અમલમાં મૂકીને જ રહીએ. આ માટે યાદ રાખીએ આ અંતિમ સંદેશ કે 'મન આપણું સેવક છે, માલિક નહિ...'