કમળાગ્રસ્ત વ્યક્તિ જેમ દરેક પદાર્થ પીળો જ જુએ તેમ નિંદાખોર વ્યક્તિ દરેક વ્યક્તિમાં દોષો જ જુએ

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'નિંદા એક એવો વ્યવસાય છે કે જેમાં એક પૈસાનો ય નફો નહિ અને ઘડીની ફુરસદ નહિ. અરે ! નફો નહિ, એમાં હોય છે માત્ર ને માત્ર નુકસાન. જેમ કે જે વ્યક્તિ બીજાના દોષો જ જોયા કરતી હોય- દોષો જ ગાયા કરતી હોય એના માટે સમજદાર લોક નકારાત્મક અભિપ્રાય આપશે કે ' આની નજર જ કમળાગ્રસ્ત દર્દી જેવી છે. કમળાનો દર્દી જેમ દરેક વસ્તુને પીળી જ જુએ, એમ આને પણ દરેકમાં દોષો જ દેખાય છે.'
ધર્મરત્ન પ્રકરણ ગ્રન્થકાર ભગવંતે શુધ્ધ ધર્મપ્રાપ્તિ માટે જે એકવીશ ગુણો ભૂમિકારૂપે દર્શાવ્યા છે એમાં ચોથો ગુણ છે લોકપ્રિયતા. પહેલો પ્રશ્ન જ છે. પહેલો પ્રશ્ન જ અહીં એ થાય કે ધર્મારાધન વ્યક્તિગત બાબત છે. એને અને લોકપ્રિયતાગુણને શો સંબંધ ? ઉત્તર એ છે કે પ્રથમ દૃષ્ટિએ ભલે આ પ્રશ્ન તથ્યસભર લાગે. પરંતુ વાસ્તવિકતા એનાથી અલગ છે. ધર્મી વ્યક્તિ સંયમી હોય કે સંસારી : એનું જીવન અવશ્ય લોકસાપેક્ષ છે. એમની કેટલીય સાધના એવી છે કે જે લોક વચ્ચે રહીને થતી હોય છે, તો લોકની પ્રત્યક્ષ-પરોક્ષ સહાયથી થતી હોય છે. આ સ્થિતિમાં ધર્મી વ્યક્તિ લોકપ્રિય હોય તે ખૂબ જરૂરી છે. એમની લોકપ્રિયતા એમને તો ધર્મારાધનની અનુકૂલતા આપે. ઉપરાંત અનેક વ્યક્તિઓને ધર્માભિમુખ કરી શકે. માટે ધર્મારાધન અને લોકપ્રિયતા પરસ્પર સંબંધિત બાબત ગણાય.
લોકપ્રિયતા એટલે ? આજના ક્રિકેટર-ફિલ્મી સિતારા કે રાજકીય વ્યક્તિઓનાં જીવનમાં જોવા મળે છે એ નહિ. એ તો દૂધના ઉભરો જેવી હોય છે. એ ઉપર ઉઠી આવે ય જલ્દી અને બેસી જાય પણ જલ્દી. કારણકે એ લોકપ્રિયતા જોરદાર રમત-નખરાબાજી અને ઠાલાં વચનો જેવા ક્ષુલ્લક કારણો પર આધારિત છે. આની સામે સરખાવો ગાંધીજી જેવાની લોકપ્રિયતા. દાયકાઓ પર્યંત જ નહિ, બલ્કે મૃત્યુ સુધી અને મૃત્યુ પછી ય આજ સુધીના દીર્ઘકાલપર્યત એમની લોકપ્રિયતા અકબંધ રહી છે ! કારણ એ જ કે તે લોકપ્રિયતા ઉપરોક્ત જેવા ક્ષુલ્લક નિમિત્તે સર્જાઈ ન હતી. બલ્કે ગુણવત્તાના આધાર પર સર્જાઇ હતી. બસ, અહીં ગ્રન્થકાર પણ જે લોકપ્રિયતાની વાત કરે છે તે છિછરા કારણો પર આધારિત નહિ, પરંતુ ગુણવત્તા પર આધારિત છે. એ ગુણવત્તાના મુખ્ય સોપાનો છે :
૧) લોકબાધક નિંદ્ય પ્રવૃત્તિ ત્યાગ : કેટકેટલી ય પ્રવૃત્તિઓ એવી ગલત છે કે જેનાં આસેવનથી-આચરણથી વ્યક્તિને આ લોકમાં-વર્તમાન જન્મમાં અપયશ મળે, વર્તમાન જીવનમાં કુસંસ્કારો પાંગરે, વધુ પડતા પાપો બંધાય વગેરે નુકસાનો થાય. ગ્રન્થકારે ટાંકેલ પંચાશકશાસ્ત્રની ગાથાઓમાં આવી જે નિંદ્ય પ્રવૃત્તિઓ જણાવી છે તે પૈકી કેટલીક બાબતો આપણે અહીં નિહાળીએ.
પ્રથમ બાબત છે નિંદા. નિંદા એક એવો વ્યવસાય છે કે જેમાં એક પૈસાનો ય નફો નહિ અને ઘડીની ફુરસદ નહિ. અરે ! નફો નહિ, એમાં હોય છે માત્ર ને માત્ર નુકસાન. જેમ કે જે વ્યક્તિ બીજાના દોષો જ જોયા કરતી હોય- દોષો જ ગાયા કરતી હોય એના માટે સમજદાર લોક નકારાત્મક અભિપ્રાય આપશે કે ' આની નજર જ કમળાગ્રસ્ત દર્દી જેવી છે. કમળાનો દર્દી જેમ દરેક વસ્તુને પીળી જ જુએ, એમ આને પણ દરેકમાં દોષો જ દેખાય છે.'
મહત્ત્વની સચ્ચાઈ એક એ પણ છે કે જે વ્યક્તિ આવી દોષદૃષ્ટિસભર-નિંદાખોર બની ગઈ હોય એને સામી વ્યક્તિમાં સારપ ઘણી હોય તો ય ન દેખાય અને ગલત બાબતો થોડી હોય તો પણ ખૂબ દેખાય. યાદ રાખજો કે દરેક છદ્મસ્થ વ્યક્તિમાં સારી અને ગલત બાબતોનું, સદ્ગુણોનું અને દુર્ગુણોનું, મિશ્રણ હોય છે. ક્યાંક સારપ વધુ અને ગલત બાબતો ઓછી, તો ક્યાંક ગલત બાબતો વધુ અને સારપ ઓછી. આવી પરિસ્થિતિમાં ગુણદૃષ્ટિ ધરાવતી વ્યક્તિ સર્વત્ર ગુણો જ સારી બાબતો જ ગ્રહણ કરશે અને દોષદૃષ્ટિ ધરાવતી વ્યક્તિ સર્વત્ર દોષો જ નબળી બાબતોને જ ગ્રહણ કરશે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ પ્રેરણાસભર માર્મિક ઘટના :
સ્કૂલના શિક્ષક બાળકોમાં જ્ઞાનસિંચન કરે તેવા તો હતા જ. ઉપરાંત સંસ્કાર સિંચન કરે તેવા પણ હતા. એક વાર એમણે અભ્યાસક્રમ સિવાયનો વિષય છેડતા બાળકોને કહ્યું : 'જુઓ, મારા હાથમાં આ કાગળ છે એમાં તમને શું દેખાય છે ?'
વસ્તુત : કાગળ સાવ કોરો હતો. બાળકો મુંઝાયા કે આમાં કાંઈ લખ્યું જ નથી. તો દેખાય વળી શું ? એમણે કહ્યું : 'સર ! અમને આમાં કાંઈ દેખાતું નથી.'
બે ક્ષણ બાદ શિક્ષકે એ જ કાગળ પર એક નાનકડું કાળું ટપકું કરી બાળકોને એ કાગળ ફરી દર્શાવતા પૂછયું : 'આમાં તમને શું દેખાય છે ?'
'એક નાનકડું કાળું ટપકું : સહુ બાળકો એક સાથે બોલી ઊઠયા.
શિક્ષકે ઉદાસ ચહેરે કહ્યું : 'આશ્ચર્ય છે કે તમને પૂરા કાગળમાં ફેલાયેલી સફેદી ન દેખાઇ, પણ એના એક ભાગમાં રેહેલ સાવ નાનું કાળું ટપકું તરત દેખાયું. નજર બદલો અને નાનું કાળું ટપકું જોવાના બદલે કાગળ વિશાલ સફેદી જોતા શીખો.' બાળકો ખુશ થઈ ગયા આ નવીન દૃષ્ટિબિંદુ મળવાથી.
જેમ બાળકોની નજરમાં કાગળની સફેદીના બદલે કાળું ટપકું તરત સ્થાન પામી ગયું તેમ દોષદૃષ્ટિવાળી વ્યક્તિની નજરમાં સામી વ્યક્તિની વિશિષ્ટતા-ગુણવત્તાના બદલે નાનકડા દોષો તરત સ્થાન પામી જાય છે. અરે ! કરુણતા તો એ છે કે કેટલીકવાર એ નાનકડા દોષો વાસ્તવિકતાનું નહિ, કલ્પનાનું ફરજંદ હોય છે. નજર હોવી જોઈએ આપણી પેલા સંસ્કારી શિક્ષક જેવી કે જેની નજરમાં યથાર્થપણે જ કાગળની સફેદી વસતી હોય છે.
ગ્રન્થકાર આ નિર્દેશ કરવા માટે જ આ લોકબાધક નિંદ્ય પ્રવૃત્તિઓમાં પ્રથમ સ્થાન નિંદાને આપી એનો ત્યાગ કરવાનું જણાવે છે. પંચાશકગ્રન્થની ગાથાઓમાં નિંદા અંગે ત્રણ રજૂઆત ખાસ ધ્યાનાકર્ષક છે કે વિશેષપણે (અ) જેઓ ગુણસમૃદ્ધ છે તેવી વ્યક્તિઓની નિંદા ખાસ ન કરવી (બ) જેઓ સરલભાવે સૂક્ષ્મતાભરી સમજ વિના ધર્મારાધન કરે છે તેમની નિંદા-ઉપહાસ ન કરવો. કેમ કે એનાથી તેઓ ધર્મારાધન કરતા અટકી જશે. (ક) જેઓ પોતાની વિશિષ્ટતાઓથી લોકનજરમાં બહુમાનનીય બની ગયા છે તેવા મહાનુભાવોની નિંદા ન કરવી. ગ્રન્થકારની આ તમામ બાબતો લક્ષ્યમાં રાખી આપણે નિંદાથી વિરમવાનો અને ગુણવાન વ્યક્તિત્વોનાં ગુણગાન કરવાનો સંક્લ્પ કરીએ. એ માટે યાદ રાખીએ આ સદાબહાર વાક્ય કે : ' જે બુલબુલ હોય તેની પાસે જ ઉપવનનું સરનામું હોય, કાગડા પાસે તો માત્ર ઉકરડાનું જ સરનામું હોય.' જો આપણે કાગડા નથી બનવું તો નિંદાના ઉકરડાથી દૂર રહીએ.
આ લોકબાધક નિંદ્ય પ્રવૃત્તિઓમાં અન્ય એક બાબત રજૂ કરાઈ છે કુમિત્રનો સંગ. એનો ત્યાગ લોકપ્રિય બનવા ઇચ્છુક વ્યક્તિએ અવશ્ય કરવો જોઈએ. એક વાત ખબર છે ? કેરીના કરંડિયામાં દશ કેરી સારી હોય અને એક કેરી બગડેલ હોય તો દશ સારી કેરીને એક બગડેલ કેરી સાથે રાખી શકાય નહિ. જો ભૂલમાં ય એ બગડેલ કેરી સાથે રહી જાય તો તે દશ સારી કેરીને બગાડયા વિના રહે જ નહિ. ના, ત્યાં 'મોજોરીટી વીન્સ ગેમ' આ ઇંગ્લીશ ઉક્તિ લાગુ પડતી નથી. ત્યાં એ જ નિયમ લાગુ પડે કે એક ખરાબ દશ સારાને ખરાબ કરે. માટે કુમિત્રના સંગનો ત્યાગ કરવો જરૂરી છે. આ સંદર્ભમાં એક ઇંગ્લીશ કહેવત ટાંકવા જેવી છે કે ' એ મેન નોઝ બાય ધ કંપની હી કીપ્સ.' વ્યક્તિનું મિત્રવર્તુળ કેવું છે એના પરથી વ્યક્તિ કેવી છે એ પરખાઈ જાય.
યાદ રાખો કે સત્સંગ યા કુસંગ વ્યક્તિનાં જીવનને ઉન્નત યા અવનત બનાવવામાં બહુ જબરજસ્ત કારણ બની રહે છે. આની પ્રતીતિ કરવી હોય તો વાંચો આ ઘટના સંક્ષેપમાં :
નગરના રાજા એક વાર કાર્યવશ નગરના વિખ્યાત વિદ્વાનના ઘરે ગયા તો ત્યાં આંગણામાં રહેલ પોપટે સંસ્કૃત શ્લોકો દ્વારા રાજાનું સ્વાગત-અભિવાદન કર્યું. રાજા આશ્ચર્ય અને આનંદ અનુભવી રહ્યા. થોડા દિવસો બાદ રાજા જંગલપ્રવાસ દરમ્યાન એકલા અટવાઈ ગયા ત્યારે ત્યાં એમને વિચિત્ર અનુભવ થયો. પેલા પોપટ જેવો જ બિલકુલ સમાન આકાર ધરાવતો એક પોપટ રાજાને જોઈ અપશબ્દો-ગાળો બોલવા માંડયો અને ચિલ્લાયો : 'રાજા એકલો છે. એને પકડી લો-લૂંટી લો.' રાજા સાવધાની વર્તી તુર્ત ત્યાંથી પલાયન થઈ ગયા. મહામહેનતે નગરમાં પહોંચ્યા બાદ એક અવસરે એમણે મન્ત્રીને આ બન્ને પોપટના વિલક્ષણ અનુભવ કહ્યા. મંત્રી મરકતા મુખે બોલ્યા : 'રાજાજી ! એ બન્ને પોપટ સગા ભાઈ હતા. એક વિદ્વાનના સંગમાં રહ્યો, માટે સંસ્કૃત શ્લોકો-સભ્ય શબ્દો બોલ્યો. બીજો ચોર-લૂંટારાના સંગમાં રહ્યો માટે ગાળો-અસભ્ય શબ્દો બોલ્યો !'
આ લોકબાધક નિંદ્ય પ્રવૃત્તિઓમાં હજુ પણ ચાર-પાંચ વાતો ગ્રન્થકારે જણાવી છે. એને લક્ષ્યમાં રાખવાપૂર્વક કુસંગત્યાગ માટે યાદ રાખીએ આ મસ્ત પંક્તિઓ કે :
સંગત કરી સંતો તણી
જન શ્રેયના પંથે ચડે,
પાપી તણી સંગત થકી
જન પાપના પંથે પડે...









